Close

ધી ટેન કમાન્ડમેન્ટ્સ જેના આધાર પર પિનલ કોડ બન્યો?

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on ધી ટેન કમાન્ડમેન્ટ્સ જેના આધાર પર પિનલ કોડ બન્યો?

(ગતાંકથી ચાલુ)

મોઝીઝમાં કુદરતી રીતે જ નેતૃત્વના ગુણો હતા અને તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હતો. ઇજિપ્તના ફેરોઝની ગુલામીમાંથી પોતાના દેશવાસીઓને મુક્ત કરાવવાનું એણે બીડું ઝડપેલું હતું. એ બધા મોઝીઝની આગેવાની હેઠળ ઇજિપ્તથી પોતાના વતન પેલેસ્ટાઇન (હાલનું ઇઝરાયેલ) જવા નીકળ્યા હતા. ૪૦ વર્ષ સુધી તેઓ વેરાન પ્રદેશોમાં ઘૂમતા રહ્યા હતા. યહૂદીઓમાં અંદરોઅંદર ઘણા મતભેદો હતા. મોઝીઝની પાછળ પાછળ ઇજિપ્ત છોડી રહેલાઓની સંખ્યા હજ્જારોમાં હતી.

આ લોકો ઇજિપ્તમાંથી છટકી ન જાય એટલા માટે તેમની પાછળ સશસ્ત્ર સૈનિકો આવી જ રહ્યા હતા.

હવે પેલેસ્ટાઇન પહોંચવામાં સામે રાતો સમુદ્ર આવીને ઊભો હતો. પાછળ સૈનિકો હતા. યહોવાહની આજ્ઞાા પ્રમાણે મોઝીઝે લાકડી ઊંચી કરી દરિયામાં પછાડી અને યહૂદીઓને પસાર થવા માટે દરિયાનાં પાણી બે બાજુ ખસી ગયાં. દરિયાની વચ્ચે એક રસ્તા જેટલો ભાગ ખુલ્લો થઈ ગયો અને મોઝીઝની આગેવાની હેઠળ યહૂદીઓ નીકળી ગયા. પાછળ સૈનિકો આવી રહ્યા હતા અને તેમણે પણ દરિયાને ખસી જઈને કરી આપેલા માર્ગમાંથી યહૂદીઓનો પીછો કરવા કોશિશ કરી, પરંતુ દરિયો તેમની ઉપર ફરી વળ્યો. સૈનિકો પાણીમાં ડૂબી ગયા અને યહૂદીઓ દરિયાની આરપાર સહીસલામત નીકળી ગયા.

આ એક ચમત્કાર હતો.

આ યાત્રામાં અનેક ચમત્કારો થયા. ભૂખ્યા અને તરસ્યા ઇઝરાયેલીઓને એવા જ ચમત્કારોથી ભગવાને ખોરાક અને પાણી પૂરાં પાડયાં.

મોઝીઝ એક અસાધારણ શક્તિશાળી આદમી હતા. હજુયે ઘણા લોકો ભાતભાતની ર્મૂિતઓની પૂજા અને અનેક દેવીદેવતાઓની સાધનામાં અટવાયેલા હતા ત્યારે મોઝીઝ સીનાઈ નામના એક પર્વત પર ગયા. ભયંકર તોફાની પવન ફૂંકાયા. વીજળીના કડાકા થયા, ત્યારે મોટી ગર્જના થઈ અને એક અતિ પ્રકાશપુંજ દ્વારા મોઝીઝને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. પ્રત્યેક ધડાકે પર્વતના એક પથ્થર પર માનવીએ કેવી રીતે વર્તવું અને શું કરવું તે માટે દસ આદેશો આપ્યા. જે ટેન કમાન્ડમેન્ટ્સ તરીકે ઓળખાયા. ઈશ્વરના આ દસ આદેશો યહૂદીઓ અને તેમના દેવ વચ્ચેનો કરાર છે. યહૂદીઓ તેને ઓલ્ડ ટેસ્ટામેન્ટ તરીકે ઓળખે છે. પથ્થર અને ઈશ્વરની આંગળીથી આપોઆપ કોતરાઈ ગયેલા આ ટેન કમાન્ડમેન્ટ્સવાળો શિલાલેખ લઈને મોઝીઝ કેટલાક સમય બાદ પર્વત પરથી નીચે ઊતર્યા ત્યારે ઈશ્વરના સાક્ષાત્કારને કારણે એમના ચહેરા ઉપર શ્રદ્ધા હતી. શ્રદ્ધાળુ લોકોએ એમના પર ભરોસો મૂક્યો અને જેઓ એમની પાછળ પાછળ ગયા તે તમામ બચી ગયા. વિરોધીઓ એ જ સ્થળે ભયાનક કુદરતી આતંકનો ભોગ બન્યા અને ત્યાં સોનાની ર્મૂિતઓ ફાટીને તૂટી જ્યાં દટાઈને મરી ગયા. મોઝીઝે ફરી એક જ ઈશ્વરની વાત દોહરાવી. ત્યાર પછી અબ્રાહમ ઇસાક અને જેકબની શ્રદ્ધાને યહૂદીઓમાં બળવત્તર બનાવી.

અનેક આફતો બાદ મોઝીઝ ઇઝરાયેલીઓને ઇજિપ્તની બહાર લઈ આવ્યા. મોઝીઝ હવે માતૃભૂમિ કેનાનને આંખોથી નિહાળવા તત્પર બન્યા હતા.

એક દિવસ ભગવાન યહોવાહે મોઝીઝને કહ્યું, “સામે જ નીબો નામનો પર્વત છે, ત્યાં તું ચઢ. સામે કેનાન નામનો પ્રદેશ હું ઇઝરાયેલપુત્રોનેે વતન તરીકે આપું છું અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિતૃઓ સાથે ભળી જા. ઇઝરાયેલપુત્રોએ અરણ્યમાં કેટલીક વાર મારો અપરાધ કરેલો છે. તે દેશ તું દૂરથી જોઈ શકીશ, પણ જે દેશ હું ઇઝરાયેલપુત્રોને આપું છું તેમાં તું જવા પામીશ નહીં.”

મોઝીઝ ઈશ્વરની આજ્ઞાા પ્રમાણે નીબો પર્વત પર ગયા અને ઉપર ચઢી યહોવાહના દાન પ્રમાણે ગિલીયાદ, નફતાલી, એફાઈમ, મનાશ્શા, જ્યુડીઆ, નેગેબ, સોઆર અર્થાત્ આખું ઇઝરાયેલ નજરોનજર નિહાળ્યંુ અને એ પર્વત પર જ પ્રાણ છોડયા. એ વખતે એમની ઉંમર ૧૨૦ વર્ષની હતી. મોઆબ દેશના નીચાણમાં બેથ-પેઓઠની સામે મોઝીઝને દાટવામાં આવ્યા. પણ આજ સુધી તેમની કબર વિશે કોઈ જ જાણતું નથી. ત્રણ દિવસ સુધી ઇઝરાયેલીઓએ મોઆબમાં શોક પાળ્યો હતો.

ઇઝરાયેલની ભૂમિ મોઝીઝે હવે તેમના જમણા હાથ ગણાતા જોશુઓને સોંપી હતી. ઇઝરાયેલીઓ કાદેશબાર્નીયા પહોંચ્યા ત્યારે પ્રશ્ન એ હતો કે કેનાનમાં કયા માર્ગે પ્રવેશવું? બે જૂથ પાડી દેવામાં આવ્યાં. બે રસ્તે પ્રવેશીને ‘ડેડ સી’ પાસે સૌએ ભેગાં થવું એમ નક્કી થયું. જોશુઓની યોજના પ્રમાણે યહૂદીઓ વર્ષો બાદ કેનાન ઉર્ફે પેલેસ્ટાઇનમાં પ્રવેશી શક્યા નહોતા, પરંતુ મૃત્યુ પહેલાં તેઓ પ્રોમિસ્ડ લેન્ડ-પેલેસ્ટાઇનને જોઈ શક્યા હતા એ જ એમનો મોટામાં મોટો સંતોષ હતો.

આ વખતે પોતાની માતૃભૂમિ પર રહેતી બીજી કેટલીય સ્થાનિક વસ્તી સાથે યહૂદીઓએ અનેક વાર યુદ્ધો ખેલવાં પડયાં હતાં. પેલેસ્ટાઇનમાં પ્રવેશ સરળ અને શાંત નહોતો. પેલેસ્ટાઇન તેમના માટે રેઢું પડયું નહોતું, કારણ કે અહીં એમના જ પૂર્વજોના કેટલાક શાસકો રાજ કરતા હતા. યુદ્ધ જાહેર કરીને જોશુઓએ પેલેસ્ટાઇનના ગેટ-વે તરીકે ઓળખાતું જેરીકો શહેર સર કરી લીધું. શેચમ શહેરને એણે પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું. અહીં રહી જોશુઓના સૈનિકોએ ધીમે ધીમે આખુંયે કેનાન જીતી લીધું.

આ આખીયે કથામાં બે નામો યહૂદીઓને હંમેશાં યાદ રહેશે. એક તો મોઝીઝ કે જેમણે યહૂદીઓને ઇજિપ્તની ગુલામીમાંથી બહાર કાઢયા અને જોશુઆ કે જેણે યહૂદીઓને હાલના ઇઝરાયેલમાં પ્રવેશ કરાવ્યો અને એ રીતે ૪૦૦ વર્ષની ગુલામીનો અંત આવ્યો.

યહૂદીઓ હવે સ્વતંત્ર બન્યા અને પોતાના દેશ ઇઝરાયેલમાં રહેવા લાગ્યા.

જોશુઆ પછી ઇઝરાયેલમાં ન્યાયર્મૂિતઓ રાજ કરતા રહ્યા. દાવો એવો હતો કે ભગવાન દ્વારા તેઓ સીધા જ સંદેશા મેળવતા હતા. જોશુઓનાં ૧૫૦ વર્ષ બાદ ઇઝરાયેલને હવે પોતાના રાષ્ટ્રના વ્યવસ્થિત સુકાની પસંદ કરવાની જરૂર ઊભી થતાં અને ઇઝરાયેલનાં ૧૨ રાજ્યોએ એ પુરાણી પદ્ધતિનો ત્યાગ કરીને રાજાશાહી પસંદ કરવા વિચાર્યું. અત્યાર સુધી સુકાન ચલાવતા ન્યાયર્મૂિતઓ મોટેભાગે ધર્મગુરુઓ જ હતા.

ઇઝરાયેલનો પ્રથમ રાજા કિંગ સોલ હતો. તે ઊંચો અને રૂપાળો હતો. શરૂઆતમાં એણે ભગવાન યહોવાહમાં લોકોને વધુ ને વધુ શ્રદ્ધા રાખતા કર્યા. પણ તેની પાછળની ઉંમરમાં તે ધૂની બની ગયો અને ગાંડા જેવું વર્તન કરવા લાગ્યો. એના શાસન દરમિયાન ફિલિસ્તિનીસ તરીકે ઓળખાતી સ્થાનિક જાતિના લોકોએ ઇઝરાયેલીઓને પરેશાન કરવા માંડયા. યુવાન ડેવિડ જે પાછળથી રાજા બન્યો તેણે રાક્ષસી ગોલાયથ નામના ફિલિસ્તિનીસને મારીને લોકોને છુટકારાનો દમ બક્ષ્યો.

ડેવિડ હવે રાજા બન્યો.

ડેવિડે એના જમાનામાં અણમોલ કાવ્યોની ભેટ આપી. ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં તેની પંક્તિઓ અમર છે.

ડેવિડના રાજા બન્યા બાદ જ ઇઝરાયેલના પાટનગર તરીકે જેરૂસલેમની પસંદગી થઈ. ઇસુના જન્મનાં ૧૦૦૦ વર્ષ પહેલાં આ નાનકડું નગર માત્ર ‘સલેમ’ તરીકે ઓળખાતું હતું તે હવે જેરૂસલેમ બન્યું.

બીજી મોટી આશ્ચર્યની વાત એ હતી કે ડેવિડે પોતાના પુત્ર સોલોમનને રાજગાદી સોંપી પોતે સત્તાનો ત્યાગ કર્યો. ઇઝરાયેલના ઇતિહાસમાં રાષ્ટ્રીય હીરો તરીકે પહેલાં મોઝીઝ, બીજા જોશુઆ અને ત્રીજા ડેવિડ ગણાયા. ડેવિડનો પુત્ર સોલોમન પણ એક ડાહ્યો રાજા ગણાયો. તેની પણ એક સ્વતંત્ર કહાણી છે. મોઝીઝને સીનાઈ પર્વત પર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો અને ઈશ્વરે જે દસ આદેશો, ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ’ આપ્યા તે આદેશો પર આધારિત જ બ્રિટિશ પિનલ કોડ બન્યો અને તેને આધારિત સ્વતંત્રતા બાદ ભારતમાં ઇન્ડિયન પિનલ કોડ બન્યો. ઈશ્વરના મોઝીઝ દ્વારા જગતને અપાયેલા આદેશો આ પ્રમાણે હતા, તું ચોરી કરીશ નહીં. તું વ્યભિચાર કરીશ નહીં. તું ખૂન કરીશ નહીં. તારા પાડોશીની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરીશ નહીં. તું તારા પાડોશીનાં ઘર, તેની પત્ની,તેનાં દાસ-દાસી કે પાડોશીનું જે કાંઈ હોય તેનો લોભ રાખીશ નહીં. તારાં માતા-પિતાનંુ સન્માન કર. તું જૂઠું બોલીશ નહીં.

ઈશ્વરે આપેલા આ આદેશો જ વિશ્વભરના સભ્ય દેશોમાં ફોજદારી ધારો બન્યા.

યહૂદીઓની માન્યતા અનુસાર સૃષ્ટિનું સર્જન કરતાં ઈશ્વરને છ દિવસ લાગ્યા હતા અને સાતમા દિવસે આરામ કર્યો હતો. યહૂદીઓની માન્યતા અનુસાર તે દિવસે શનિવાર હતો. આ માન્યતા મુજબ યહૂદીઓ શનિવારે રજા રાખી શ્રદ્ધાપૂર્વક ભગવાન યહોવાહે સૂચવેલા નીતિનિયમો મુજબ ર્ધાિમક પ્રવૃત્તિ કરે છે. યહૂદીઓની હિબ્રૂ ભાષામાં શનિવારે ‘જીછમ્છ્ઁ’ સાબાથ રહે છે. સાબાથની શરૂઆત શુક્રવારની સાંજથી જ થઈ જતી હોઈ વેપાર, ધંધો કે દુકાન બંધ કરી દઈ ઘરે જતા રહે છે. ઘરની બત્તીઓ ધીમી કરી નાખે છે. બારીબારણાં બંધ કરી દઈ ખૂબ જ ધીમેથી વાત કરે છે. ભોજન પણ ર્ધાિમક ગ્રંથોમાં અપાયેલી સૂચના મુજબ જ લે છે. આ કારણથી ઇઝરાયેલમાં શનિવાર એ રજાનો દિવસ છે. શનિવાર એ ર્ધાિમક વિધિનો દિવસ છે, આનંદપ્રમોદનો નથી, એમ ગણી ઇઝરાયેલમાં શનિવારે સિનેમા, થિયેટર્સ કે નાટયગૃહો પણ બંધ રહે છે. યહૂદીઓની જેમ ખ્રિસ્તીઓ પણ એ વાત સાથે સંમત છે કે સૃષ્ટિના સર્જનમાં ઈશ્વરને છ દિવસ લાગ્યા હતા અને સાતમા દિવસે આરામ કર્યો હતો. ફરક એટલો છે કે ખ્રિસ્તીઓ માને છે કે, ઈશ્વરે રવિવારે આરામ કર્યો હતો, તેથી ખ્રિસ્તીઓ રવિવારે રજા રાખે છે. આપણે પશ્ચિમના દેશોને અનુસરતા હોઈ રવિવારે રજા રાખીએ છીએ. એ જ રીતે મુસ્લિમો શુક્રવારે રજા રાખે છે અને શુક્રવારે મસ્જિદોમાં જઈ ખુદાની બંદગી કરે છે. અઠવાડિક રજા ક્યાંથી આવી તેનો આ ઇતિહાસ છે. ભારતમાં રવિવારની રજા અંગ્રેજ-ખ્રિસ્તીઓ લાવ્યા. બાઇબલ અને પવિત્ર કુઆર્ન અનુસાર રજાનો દિવસ અત્યંત પવિત્ર છે. સર્જનહાર ઈશ્વર કે અલ્લાહની પ્રાર્થના કરવાનો દિવસ છે. એ જ રીતે ભોજન લેતા પહેલાં ભોજન આપનાર ઈશ્વરની પ્રાર્થના કરી ઈશ્વરનો આભાર માનવો તે પણ બાઇબલની જ પ્રણાલિકા છે.

Be Sociable, Share!