Close

પત્ની, પ્રેયસી અને કવિતા વચ્ચે હિજરાતો એક માનવી

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on પત્ની, પ્રેયસી અને કવિતા વચ્ચે હિજરાતો એક માનવી

બોરિસ પાસ્તરનાક રશિયન લેખક અને કવિ હતા. ૧૮૯૦માં રશિયામાં મોસ્કો ખાતે જન્મેલા આ મહાન લેખક આમ તો ‘સ્અ જીૈજંીિ- ઙ્મૈકી’ પુસ્તક માટે જાણીતા હતા, પરંતુ રશિયાની બહાર ‘ડોક્ટર ઝિવાગો’ નવલકથાથી મશહૂર બની ગયા. ‘ડોક્ટર ઝિવાગો’ની કથા ૧૯૦૫ના સમયની રશિયન ક્રાંતિ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળાની ઘટનાઓ પર આધારિત છે. એ વખતે રશિયાની પૃષ્ઠભૂમિ પર સમાજવાદની ક્રાંતિનો ચરુ ઊકળી રહ્યો હતો ત્યારે સ્વતંત્ર વિચારધારા ધરાવતા બોરિસ પાસ્તરનાકની નવલકથા પ્રગટ કરવા એક પણ રશિયન પ્રકાશન કંપની તૈયાર નહોતી. છેવટે ‘ડોક્ટર ઝિવાગો’ની હસ્તલિખિત પ્રત છુપાવીને ઇટાલી લઈ જવામાં આવી. આ નવલકથાની હસ્તપ્રત રશિયાથી ઇટાલી લઈ જનાર બોરિસ પાસ્તરનાકના મિત્રનું નામ ડી’ એન્જેલો હતું. ડી’એન્જેલોએ એ મેન્યુસ્ક્રીપ્ટ ઇટાલિયન પબ્લિશર ફેલ્ટ્રીનેલીને સુપરત કરી અને ઇટાલીમાં જ તે સૌપ્રથમ વાર ૧૯૫૭માં પ્રગટ થઈ. આ નવલકથા ઇટાલીમાંથી પ્રગટ થતાં સોવિયેત રશિયાએ નવલકથાના વિરોધમાં જબરદસ્ત ઝુંબેશ ચલાવી, પરંતુ બીજી બાજુ ‘ડોક્ટર ઝિવાગો’ નવલકથાએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો. થોડાક જ સમયમાં તેને ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ની બેસ્ટ સેલર્સની યાદીમાં સ્થાન મળ્યું. રશિયનો બૂમો પાડતા રહ્યા, પરંતુ આ નવલકથા માટે બોરિસ પાસ્તરનાકને નોબેલ પ્રાઇઝનો એવોર્ડ જાહેર થયો. આ ઘટનાથી રશિયાની કમ્યુનિસ્ટ પાર્ટી અને રશિયાની કમ્યુનિસ્ટ સરકાર ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયાં. એમાંથી પદાર્થપાઠ શીખવાના બદલે રશિયાની કમ્યુનિસ્ટ પાર્ટી,રશિયાની કમ્યુનિસ્ટ સરકાર અને સોવિયેત રશિયાના લેખકોના યુનિયને બોરિસ પાસ્તરનાક વિરુદ્ધ જબરદસ્ત ટીકાઓની ઝુંબેશ ચલાવી. પરિણામે અનિચ્છાએ નોબેલ પ્રાઇઝ સ્વીકારવા ઇન્કાર કર્યો. બોરિસ પાસ્તરનાક ૧૯૬૦માં ફેફસાંના કેન્સરથી મૃત્યુ પામ્યા ત્યાં સુધી રશિયન સરકારે તેમનો વિરોધ ચાલુ રાખ્યો, જેના કારણે સોવિયેત રશિયાની બહાર રશિયાની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું. આમ છતાં રશિયન સાહિત્યમાં બોરિસ પાસ્તરનાક આજ સુધી ટોચનું સ્થાન ધરાવતા રહ્યા છેઃ

‘ડોક્ટર ઝિવાગો’ની કથા કંઈક આ પ્રમાણે છેઃ

કથાની શરૂઆત ૧૯૦૩ના ઇમ્પિરિયલ રશિયાના કાળથી થાય છે. એ વખતે રશિયામાં ઝારનું શાસન હતું. મોસ્કોથી બહુ દૂરના એક ગામમાં નાનકડા બાળક યુરી ઝિવાગોની માતાનું મૃત્યુ થતાં નાનકડા બાળક યુરી ઝિવાગોને તેનાં કાકા અને કાકી મોસ્કો લઈ ગયાં.

મોસ્કોમાં યુરી ઝિવાગો એક તબીબી કોલેજમાં દાખલ થયો. તે તેનાં કાકા-કાકી અને પિતરાઈ બહેન તોન્યા સાથે મોસ્કોના જ એક ભવ્ય મકાનમાં રહી ભણતો હતો. તોન્યા ભણવા માટે પેરિસ ગઈ. યુરી ઝિવાગોના કાકાને મોસ્કોના ભદ્ર પરિવારો સાથે સુંદર સંબંધો હતા. તેમાં એક કોમારોવસ્કી પણ હતો. એક દિવસ યુરી ઝિવાગોને કહેવામાં આવ્યું કે, “તોન્યા પેરિસથી પાછી ફરી રહી છે.” યુરી ખુશ થઈ ગયો. યુરી ઝિવાગો અને તેનાં કાકા-કાકી તોન્યાને લેવા રેલવે સ્ટેશન ગયાં. યુરી ઝિવાગોએ વર્ષો બાદ પહેલી જ વાર યુવાન થઈ ગયેલી તોન્યાને જોઈ અને તોન્યાએ પણ યુવાન યુરી ઝિવાગોને જોયો. ઝિવાગોની કાકીએ કહ્યું, “આ બંનેની જોડી કેવી સરસ લાગે છે?” એ ૧૯૨૩ની સાલ હતી અને ઝિવાગોનું તબીબી શિક્ષણ હવે પૂરું થવામાં હતું.

તે વખતે મોસ્કોમાં એક ભ્રષ્ટ ધારાશાસ્ત્રી વિક્ટર કોમારોવસ્કી રહેતો હતો. એ વખતે રશિયામાં રશિયન ક્રાંતિ અને નાગરિક યુદ્ધ છેડાઈ ગયું હતું. એક બાજુ ઝાર અને બીજી બાજુ માર્ક્સવાદીઓ હતા. વિક્ટર બંને સાથે સંબંધો રાખતો હતો. વિક્ટર કોમારોવસ્કી એક બિઝનેસમેન પણ હતો. એક જમાનામાં તે અને યુરી ઝિવાગોના પિતા ધંધામાં ભાગીદાર હતા, પરંતુ યુરી ઝિવાગો પિતાના અચાનક અવસાન બાદ વિક્ટર કોમારોવસ્કીએ ઝિવાગો પરિવારની બધી જ સંપત્તિ હડપ કરી લીધી હતી. તેના રાજકીય સંબંધો સશક્ત હતા. એ સ્ત્રીઓનો પણ શોખીન હતો. સંબંધો વિકસાવવા અને મિત્રો બનાવવાનું કૌશલ્ય તે જાણતો હતો. વેપારધંધામાં ભ્રષ્ટાચારી વિક્ટર કોમારોવસ્કી ફ્રાન્સથી આવેલી અમાલિયા નામની વિધવા સાથે સંબંધ ધરાવતો હતો. અમાલિયાને સોળ વર્ષની એક સુંદર દીકરી હતી, તેનું નામ લારા. વિક્ટરે લારાને જોઈ તે દિવસથી જ તે તરુણી પર તેની કુદૃષ્ટિ હતી. વિક્ટર કોમારોવસ્કીએ લારાને મોસ્કોની ગર્લ્સ સ્કૂલમાં દાખલ કરાવી દીધી. ધીમે ધીમે લારાની યુવાની ખીલી ઊઠી.

સમય જતાં લારા પાશા નામના યુવાન ક્રાંતિકારીના પરિચયમાં આવી. પાશા આદર્શવાદી હતો અને ઝારની રાજાશાહી તથા મૂડીપતિઓનો વિરોધી હતો. તે માર્ક્સવાદ પ્રમાણે ચળવળ ચલાવતો હતો. લારા પાશાની મિત્ર હતી. પાશા લારા સાથે પરણવા માંગતો હતો. લારા પાશાની વાગ્દત્તા હતી. એ સમયગાળામાં રશિયાના ઇમ્પિરિયલ શાસક સામે કેટલાક લોકો શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા હતા. તેમાં પાશા મુખ્ય હતો. પાશા ખુદ લારા સાથે લગ્ન કરી લેવા માંગતો હતો. દેખાવો દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં તે ઘવાયો અને સીધો લારા પાસે પહોંચી ગયો. તેની પાસે છુપાવેલી એક રિવોલ્વર હતી. પાશાએ એ રિવોલ્વર છુપાવી દેવા માટે લારાને સુપરત કરી.

એક દિવસ વિક્ટર કોમારોવસ્કી લારાની માતાને એક સાંજની પાર્ટીમાં લઈ જવા માંગતો હતો. લારાની માતા અમાલિયાની તબિયત સારી ન હોવાથી એણે લારાને પાર્ટીમાં સાથે લઈ જવા કહ્યું. લારા પાર્ટીમાં ગઈ. મોસ્કોના શ્રીમંતોની વૈભવી પાર્ટી જોઈ લારા પાર્ટીથી અને વિક્ટર કોમારોવસ્કીથી ભારે પ્રભાવિત થઈ. વિક્ટર કોમારોવસ્કી લારાથી મોટી ઉંમરનો પ્રૌઢ હોવા છતાં લારાને પામવા માંગતો હતો. પાર્ટીમાંથી પાછા

આવતી વખતે મોસ્કોના રસ્તાઓ પર દોડતી ભવ્ય બગીમાં એણે પરાણે લારાને ચુંબન કર્યું. લારા હજુ નક્કી કરી શકતી નહોતી કે વિક્ટર કેવો માણસ છે. લારા તેની તરફ થોડી આકર્ષાઈ પણ ખરી, પણ તે હજુ તેના તાબે થઈ નહોતી.

એક દિવસ લારાની માતા અમાલિયાને ખબર પડી કે તેનો પ્રેમી વિક્ટર હવે પોતાની દીકરી લારા સાથે પણ સંબંધ ધરાવે છે. એણે ઝેર પી લીધું. એ વખતે વિક્ટરે એક ડોક્ટરને તાબડતોબ બોલાવ્યા. તે ફિઝિશિયનની સાથે તેના સહાયક તરીકે ડો. ઝિવાગોને પણ સાથે લેતા આવ્યા. બંનેએ મળીને લારાની માતાને બચાવી લીધી, પરંતુ ડોક્ટર ઝિવાગોએ વિક્ટર કોમારોવસ્કીની લારા પરની નજર ચૂપચાપ નિહાળી લીધી.

એક દિવસ વિક્ટર કોમારોવસ્કીએ લારાને મોસ્કોની એક ભવ્ય હોટલમાં રાતના સમયે ઉત્કૃષ્ટ ભોજન માટે નિમંત્રણ આપ્યું. કોમારોવસ્કીએ પહેલાંથી જ એક રૂમ બુક કરાવી રાખ્યો હતો. કોમારોવસ્કીએ વાઇનનો ઓર્ડર આપ્યો. બંને એકબીજાની સામે બેઠાં. કોમારોવસ્કીએ લારાને વાઇનનો ગ્લાસ આપ્યો. લારાએ વાઇન પીધો. વિક્ટર કોમારોવસ્કીએ લારાના ભીના હોઠ પર આંગળીઓ ફેરવી, પણ ગમે તે કારણસર તે હવે આગળ વધવા માંગતી નહોતી. એને ખબર હતી કે આ માણસને તેની મા સાથે પણ સંબંધ છે. તે ઊભી થઈ ગઈ અને હોટલના રૂમમાંથી બહાર નીકળવા બારણા પાસે ગઈ. વિક્ટર કોમારોવસ્કીએ તેને પકડી લીધી. લારાની ઇચ્છા વિરુદ્ધ તેણે જબરદસ્તી કરી અને લારા પર બળાત્કાર કર્યો અને લારાને ક્ષતવિક્ષત હાલતમાં છોડીને ચાલ્યો ગયો. લારાને આ ન ગમ્યું. તે અંદરથી અપમાનિત થઈ હતી. તે હવે વિક્ટર કોમારોવસ્કી સાથે બળાત્કારનો બદલો લેવા માંગતી હતી. લારા પાશા નામના ક્રાંતિકારી યુવાન સાથે લગ્ન કરવા માંગે છે, તે પણ કોમારોવસ્કીને ગમ્યું નહોતું.

એક દિવસ લારાએ તેના મિત્ર પાશાએ આપેલી રિવોલ્વર શોધી કાઢી. રાતનો સમય હતો. મોસ્કોમાં ભયંકર ઠંડી હતી. હળવી બરફવર્ષા થઈ રહી હતી. લારા રિવોલ્વર છુપાવીને કોમારોવસ્કીના ઘરે ગઈ. ખબર પડી કે કોમારોવસ્કી ક્રિસમસની પાર્ટીમાં ગયો છે. લારા પાર્ટીના સ્થળે જવા રવાના થઈ. બેન્ક્વેટ હોલની બહાર તેને તેનો મિત્ર પાશા મળ્યો, પણ લારા સંદિગ્ધ રીતે મૌન રહી અને પાર્ટીહોલમાં ગઈ. અંદર પાર્ટી ચાલતી હતી. પાશાએ આપેલી રિવોલ્વર છુપાવીને લારા એ પાર્ટીમાં પહોંચી ગઈ હતી અને અનેક લોકોની હાજરીમાં લારાએ વિક્ટર કોમારોવસ્કી પર ગોળી છોડી. વિક્ટર કોમારોવસ્કીનો હાથ ઘવાયો. એણે લારા સામે કોઈ પણ પગલું ન ભરવા હાજર સૌ કોઈને જણાવ્યું. એ વખતે ડો. ઝિવાગો અને તેની વાગ્દત્તા તોન્યા પણ પાર્ટીમાં હાજર હતાં. ડોક્ટર ઝિવાગોએ વિક્ટર કોમારોવસ્કીને સારવાર આપી અને પાટો બાંધી આપ્યો. એ જ રીતે લારા હવે સમજાઈ ગયું હતું કે વિક્ટર કોમારોવસ્કીએ જ તેની જિંદગી બરબાદ કરી નાખી છે, પરંતુ બીજી બાજુ વિક્ટરે તેની રાજકીય વગનો ઉપયોગ કરી લારા સામે કોઈ કાનૂની કાર્યવાહી થવા ન દીધી.

વિક્ટર કોમારોવસ્કીથી થાકી ગયેલી લારાએ હવે રશિયન ક્રાંતિકારી પાશા સાથે લગ્ન કરી લીધાં. તેનાથી તેને કાત્યા નામની એક દીકરી થઈ.

આ તરફ ડોક્ટર ઝિવાગોને ઉછેરનાર તેની પાલક માતાનું મૃત્યુ થયું. તે પછી ડોક્ટર યુરી ઝિવાગોએ તેની પાલક માતાની દીકરી તોન્યા સાથે લગ્ન કરી લીધું.

એ પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. રશિયન સામ્રાજ્યે જર્મની સાથે યુદ્ધ જાહેર કર્યું. લારા સાથે લગ્ન કરનાર પાશા આમ તો એક રેલવે કર્મચારી હતો અને બોલ્શેવિક સિમ્પેથાઇઝર હતો, પણ પાછળથી તે યુરલ્સની એક સ્કૂલમાં શિક્ષક બની ગયો. તે લારાને બહુ જ ચાહતો હતો, પણ તે લારાના પાશમાંથી છૂટવા પણ માંગતો હતો. લારાથી દૂર જવા માટે તે રશિયન ઇમ્પિરિયલ આર્મીમાં જોડાઈ ગયો. કેટલાક સમય બાદ લેફ. પાશા યુદ્ધ સમયગાળામાં ગુમ થઈ ગયેલો જાહેર કરાયો. હકીકતમાં તે ઓસ્ટો-હેંગેરિયન લશ્કર દ્વારા પકડાઈ ગયો હતો,પરંતુ એક દિવસ તે યુદ્ધના કેદીઓની જેલમાંથી છટકી ગયો અને રશિયાની નવી રેડ આર્મીમાં જોડાઈ ગયો. હવે તેણે પોતાનું નામ બદલી નાખ્યું. તે હવે જનરલ સ્ટ્રેલનિકોવ તરીકે જાણીતો બન્યો. એ પછી એણે પકડાયેલા અનેક સૈનિકો અને નાગરિકોની પણ હત્યા કરી દીધી.

પરંતુ લારા હજુ તેના પતિ પાશાને શોધી રહી હતી. તેને ખબર નહોતી કે તેનો પતિ હવે નામ બદલીને રશિયાની રેડ આર્મીમાં જનરલ બની ચૂક્યો છે. લારાએ પતિને શોધવા માટે જ યુદ્ધમાં ઘવાયેલા લોકો અને સૈનિકોની યુદ્ધછાવણીમાં નર્સ તરીકે કામ કરવા માંડયું. એ સમયગાળા દરમિયાન ડોક્ટર ઝિવાગો થકી તેની પત્ની તોન્યા પણ એક સંતાનની માતા બની ચૂકી હતી. તાજું જ બાળક જન્મ્યું હોવા છતાં ડોક્ટર ઝિવાગોને પણ યુદ્ધભૂમિની ફીલ્ડ હોસ્પિટલમાં ઘવાયેલાઓની સારવાર માટે મોકલી દેવામાં આવ્યો. સંજોગવશાત્ લારા પણ આ જ ફીલ્ડ હોસ્પિટલમાં નર્સ ઘવાયેલાઓની સારવાર કરતી હતી. બેઉ પોતપોતાનાં ઘર-પરિવારથી દૂર એક જુદા જ વાતાવરણમાં હતાં. બંને સાથે મળીને ઘવાયેલાઓની સારવાર કરવા લાગ્યાં. છ મહિના સુધી સાથે કામ કરતાં કરતાં ડોક્ટર ઝિવાગો અને લારા એકબીજાને ચાહવાં લાગ્યાં.

આ સમયગાળા દરમિયાન રશિયામાં ક્રાંતિકારી ફેરફારો થયા. વ્લાદિમીર લેનિન મોસ્કોમાં આવ્યા. આ તરફ યુદ્ધ શાંત થતાં લારા અને ડોક્ટર ઝિવાગોએ હવે પાછા ફરવાનું હતું. ડોક્ટર ઝિવાગો લારાને ચાહતો હોવા છતાં તે તેની પત્ની તોન્યાને પ્રેમ અને જવાબદારીની બાબતમાં કોઈ જ અન્યાય કરવા માંગતો નહોતો. લારા કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જઈ જીવન બસર કરવા માંગતી હતી. એ ચાલી ગઈ, પણ ડોક્ટર ઝિવાગો પ્રત્યેના એના પ્રેમને પોતાના હૃદયમાં સંઘરીને ચાલી ગઈ.

ડોક્ટર ઝિવાગો હવે મોસ્કો પાછો ફર્યો. મોસ્કોમાં બધું બદલાઈ ચૂક્યું હતું. ઝાર હવે જેલમાં હતો. લેનિનનું આગમન થઈ ચૂક્યું હતું. સામ્યવાદીઓએ ડોક્ટર ઝિવાગોના કાકાના વિશાળ નિવાસસ્થાનનો કબજો લઈ લીધો હતો. કમ્યુનિસ્ટોની બનેલી કમિટીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું, “જ્યાં તેર પરિવાર રહી શકે છે ત્યાં એક જ કેમ?” ઝિવાગો, તોન્યા, તેના નાનકડા પુત્ર અને તેના કાકાને ઉપરના માળે એક જ રૂમ ફાળવી આપ્યો. બાકીના ખંડનો સામ્યવાદીઓએ કબજો લીધો. (ક્રમશઃ)

Be Sociable, Share!