Close

પેલું છેલ્લું પાદડું ખરી પડશે, એટલે હું પણ મૃત્યુ પામીશ

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on પેલું છેલ્લું પાદડું ખરી પડશે, એટલે હું પણ મૃત્યુ પામીશ

ટૂંકી વાર્તાઓના લેખનમાં અમેરિકન લેખક ઓ. હેન્રીનું નામ આટલાં વર્ષો બાદ પણ આદરથી લેવાય છે. દરેક કથાના અંતે એક ચમત્કૃતિ લાવવા માટે જાણીતા ઓ. હેન્રીની ‘ધ લાસ્ટ લીફ’ વાર્તા સૌથી વધારે પોંખાયેલી કૃતિ છે. ‘ધ લાસ્ટ લીફ’ની કથા કંઈક આ પ્રમાણે છેઃ

એક જૂના ગ્રીનવીચ વિલેજની એક આગવી ઓળખ હતી. આ ગામમાં દેશ અને દુનિયામાંથી કલાકારો અને ચિત્રકારો આવતા હતા. અહીં લાલ ઈંટોથી બનેલા ત્રણ માળના જૂના મકાનમાં બે સખીઓ રહેતી હતી. એકનું નામ સુ અને બીજીનું નામ જોન્સી. બંને યુવાન હતી. બંને આર્ટીસ્ટ હતી. બંને આર્ટીસ્ટ હોઈ બંનેના રસ એકસમાન હતા. તેમણે ચિત્રો દોરવા માટે ઉપરના માળે એક સ્ટુડિયો પણ બનાવ્યો હતો.

૧૯મી સદીનાં વર્ષોની આ વાત છે. નવેમ્બર મહિનામાં કાતિલ ઠંડી પડી. એ વખતે ન્યુમોનિયા એક જીવલેણ રોગ ગણાતો. આખીયે કોલોનીના અનેક લોકો ન્યુમોનિયાના ભોગ બન્યા. સખત ઠંડીના કારણે વૃક્ષો પણ સુકાવાં લાગ્યાં. જોન્સીને પણ તાવ આવ્યો. તેને ન્યુમોનિયા થઈ ગયો. તે પથારીવશ થઈ ગઈ. દિવસે દિવસે તે વધુ ને વધુ નબળી થતી ગઈ. ડોક્ટરે નિદાન કર્યું. “તેને બચાવવામાં દસમાંથી એક જ ચાન્સ છે.”

સુ બોલી, “પણ હજુ તે એના જીવનનું એક સુંદર પેઇન્ટિંગ બનાવવા માગે છે.”

ડોક્ટરે બહુ આશાવાદ પ્રગટ ન કર્યો. ડોક્ટરના ગયા બાદ સુ એના સ્ટુડિયોમાં ગઈ અને રડવા લાગી. એ પાછી જોન્સીના રૂમમાં આવી. બીમાર જોન્સી રજાઈ ઓઢીને સૂતેલી હતી. જોન્સીની સામે જ એક ડ્રોઇંગ બોર્ડ મૂકી એક ચિત્ર દોરવા લાગી, પણ એને લાગ્યું કે બીમાર જોન્સી ધીમેથી કંઈક બોલી રહી છે. એણે જોયું તો પથારીમાં સૂતેલી જોન્સીની આંખો ખુલ્લી હતી. તેની નજર બારીની બહાર સ્થિર થયેલી હતી. તે કંઈક ગણી રહી હતી. જોન્સી બોલી. “બાર.”

અને થોડી વાર પછી બોલી. “અગિયાર, દસ, નવ, આઠ અને સાત.”

સુ વિચારમાં પડી ગઈ. જોન્સી બારીની બહાર જોતાં જોતાં કંઈક ગણી રહી હતી. બારીની બહાર લગભગ ચાલીસેક ફૂટ દૂર લાલ ઈંટોવાળું એક બીજું મકાન હતું. બારીની બહાર દેખાતા એ મકાનની લાલ ઈંટો પર એક વેલો હતો. નીચે મૂળમાંથી બહાર આવેલા વેલા પર થોડાંક જ પાંદડાં હતાં. કેટલાંક લીલાં અને કેટલાંક ઠંડીને કારણે પીળાં પડી ગયેલાં અને ખરવાની તૈયારીમાં હતાં,કારણ કે હવે પાનખરની તૈયારી હતી.

સુએ જોન્સીને પૂછયું. “ડિયર, તું શું ગણી રહી છે?”

જોન્સી બોલી. “છ.”

સુએ પૂછયું. “શું?”

જોન્સી પથારીમાં પડયાં પડયાં જ બહારની દીવાલના વેલાને જોતાં જોતાં બોલી. “એ પાંદડાં જલદી જલદી ખરી રહ્યાં છે. ત્રણ દિવસ પહેલાં એ વેલા પર સો જેટલાં પાંદડાં હતાં. હવે માત્ર પાંચ જ બચ્યાં છે.”

“પાંચ જ? પણ એનો મતલબ શું, ડિયર?”

જોન્સી બોલી. “જો, સુ! સામેના મકાનની દીવાલ પર નાનકડો વેલો છેને! તેની પર હવે પાંચ જ પાંદડાં બચ્યાં છે. મને લાગે છે કે એના ખરતાં પાંદડાંની જેમ મારું પણ જીવન ટૂંકાઈ રહ્યું છે. એનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે હંુ પણ આ જગતમાંથી વિદાય લઈશ. હું હવે લાંબું જીવવાની નથી એ વાત ત્રણ દિવસથી જાણું છું. તને ડોક્ટરે પણ આવી જ વાત કરી હતીને?”

સુ બોલી. “ડિયર, આવી અર્થહીન વાત ન કર. પાંદડાં ખરવાને અને તારી જીવનદોરી વચ્ચે કોઈ જ સંબંધ નથી. ડોક્ટરે તો એમ જ કહ્યું હતું કે, આવા કેસમાં બચવાનો ચાન્સ દસમાંથી એક છે અને તે એક તું કેમ ન હોઈ શકે?”

પણ જોન્સી તેની ધારણામાં અડગ રહી. બીજા દિવસે સવારે ઊઠી ત્યારે પણ તેની નજર બારીની બહાર સામેની દીવાલ પર ઊગેલા વેલા પર જ હતી. તે બોલી. “હવે ચાર જ પાંદડાં બચ્યાં છે, જો સુ!”

સુ બોલી. “મહેરબાની કરીને તું તારી આંખો બંધ રાખ અને બારીની બહાર જોવાનું બંધ કરી દે.”

પણ જોન્સી તો આખો દિવસ બારીની બહાર સામેની દીવાલ પરના વેલાને એકીટસે જોઈ જ રહેતી.

જોન્સીએ સુની વાત ન માની એટલે એણે એ જ મકાનના નીચેના ભાગમાં રહેતા બેરહમાન નામના એક વૃદ્ધ આર્ટીસ્ટની મદદ લેવાનું નક્કી કર્યું. વૃદ્ધ બેરહમાન પણ એક પેઇન્ટર હતો. તે માઇકલ એન્જેલો જેવી સફેદ લાંબી દાઢી ધરાવતો હતો. તે છેલ્લાં ચાલીસ વર્ષથી પેઇન્ટિંગ કરતો હતો, પરંતુ તે એક નિષ્ફળ આર્ટીસ્ટ હતો. તે તેના જીવનમાં જિંદગીનું એક શ્રેષ્ઠ ચિત્ર બનાવવા માંગતો હતો. તેનું આ સ્વપ્ન હજુ અધૂરું હતું. તે બિચારો આ કોલોનીમાં આવતા યુવાન ચિત્રકારો માટે મોડલ બનીને ગુજારો કરતો હતો. સુએ એ વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનને ઉપર બોલાવી જોન્સીને રાજી કરવા તેની સામે જ ડ્રોઇંગબોર્ડ મૂકી વૃદ્ધ બેરહમાનનો મોડલ તરીકે ઉપયોગ કરવા નક્કી કર્યું. એ જ્યારે પણ કોઈને મળતો ત્યારે કહેતો કે, “મારે એક સર્વશ્રેષ્ઠ માસ્ટરપીસ-ચિત્ર જગતને આપવાનું બાકી છે.”

વૃદ્ધ આર્ટીસ્ટને તે જ મકાનના ઉપરના માળે રહેતી બંને ચિત્રકાર યુવતીઓ માટે લાગણી હતી, પણ તે આખો દિવસ જીન પીધા કરતો. ખાંસતો રહેતો. સુએ વૃદ્ધ બેરહમાનને કહ્યું, “મારી સખી જોન્સી બીમાર છે. એનો જીવ બારીમાંથી દેખાતા વેલા પર ચોંટયો છે. તે કહે છે કે, એ વેલા પરનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે હું પણ મૃત્યુ પામીશ.”

તે બોલ્યો, “આવું વિચારવું તે મૂર્ખામી છે. કોઈ વ્યક્તિના જીવનને અને પાંદડાંને શું સંબંધ હોઈ શકે?”

સુ બોલી. “પણ જોન્સી હવે બહુ જ અશક્ત થઈ ગઈ છે. તે ઊભી પણ થઈ શકતી નથી. તે બહુ જ બીમાર છે. સખત તાવના કારણે તેના દિમાગ પર અસર થઈ ગઈ છે અને એ કારણે આવી વિચિત્ર વાતો કરે છે.”

સુ વૃદ્ધ આર્ટીસ્ટને લઈ ઉપર ગઈ. જોન્સી સૂતેલી હતી. તેની નજર બારીની બહારની દીવાલ પર હતી. સુએ બેરહમાનને બારીની બહાર સામેની દીવાલ પરનો વેલો દર્શાવ્યો. હવે માત્ર એક જ છેલ્લું પાંદડું બચ્યું હતું. બંને કંઈ પણ બોલ્યા વિના એકબીજાની સામે જોઈ રહ્યાં. હવે સાંજ પડવા આવી હતી. ઠંડી પણ વધી રહી હતી. બહાર સુસવાટાભર્યો પવન શરૂ થઈ ગયો. વાવાઝોડા સાથે વરસાદ આવે તેવી શક્યતા હતી. વૃદ્ધ બેરહમાને જોયું તો સુ ડરી ગઈ હતી. રાતના વાવાઝોડામાં સામેની દીવાલ પરનું પાંદડું ટકી રહે તેવી કોઈ શક્યતા નહોતી. વૃદ્ધ બેરહમાન તેને સાંત્વના આપી નીચે જતો રહ્યો. જોન્સી પણ હવે આંખો બંધ કરીને તંદ્રાવસ્થામાં ચાલી ગઈ હતી. સહેજ સળવળાટ થતાં જોન્સી બોલી. “હવે છેલ્લું પાંદડું બચ્યું છે. મને લાગે છે કે આજે રાત્રે જે એ ખરી પડશે અને રાત્રે જ હું મૃત્યુ પામીશ.”

સુ રડી પડી. તે બોલી, “ઓહ ડિયર, ડિયર તું ચિંતા ન કર. તું મારી તો ચિંતા ન કર. તું નહીં હોય તો હું શું કરીશ?”

જોન્સીએ કોઈ જ જવાબ આપ્યો નહીં. તે હવે એક લાંબી યાત્રા પર જવા તૈયાર હતી. તેના ચહેરા પરથી લાગતું હતું કે, તેનાં દિલોદિમાગ પર સવાર થયેલી કલ્પનામાંથી તે બહાર આવી શકે તેમ નહોતી.

વૃદ્ધ આર્ટીસ્ટ પણ નીચે ચાલ્યો ગયો. એ રાત્રે ભયંકર વાવાઝોડું ત્રાટક્યું. બહાર જોશભેર વરસાદ વરસવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. પવનના સુસવાટાથી બારીઓ પણ ધ્રૂજવા લાગી હતી. રાત ભયાનક તોફાન સાથે પસાર થઈ ગઈ. સવાર પડી. તોફાન શમી ગયું હતું. વરસાદ બંધ થઈ ગયો હતો. જોન્સીએ આંખો ખોલી હતી. તેની નજર હજુ બારીની બહાર જ હતી. બારીની પેલે પાર સામેની દીવાલ પરના વેલા પર એક પાંદડું હજુ યથાવત્ હતું. એણે સુને બોલાવી. સુ દોડીને જોન્સી પાસે ગઈ. જોન્સી બોલી. “જો સુ! પેલું પાંદડું હજુ ખર્યું નથી. હું બહુ જ ખરાબ યુવતી હોઈશ જેથી પાંદડું ખર્યું નથી. હું મૃત્યુ પામી નહીં,કારણ કે મારું કોઈ પાપ હશે.”

સુએ જોયું તો બારીની બહાર સામેની દીવાલ પર ચોંટેલા વેલા પર છેલ્લું પાંદડું હજુ યથાવત્ હતું. જોન્સી બોલી. “હવે મને ઓશિકું આપ, મારે બેઠા થવું છે. તું દૂધ ગરમ કર. મારે તને રસોઈ બનાવતી નિહાળવી છે.”

જોન્સી હવે બચી ગઈ હતી. તે બોલી. “હવે મને લાગે છે કે હવે હું બે ઓફ નેપલ્સનું પેઇન્ટિંગ બનાવી શકીશ.”

બપોરે ડોક્ટર આવ્યા. તેમણે જોન્સીને તપાસીને કહ્યું, “જોન્સી બચી ગઈ છે. તારી સારી સારવારને કારણે જ એ બચી છે, પણ હવે મારે તમારી નીચે રહેતા વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનને તપાસવા જવું છે. ગઈકાલે તેને સખત ન્યુમોનિયા હતો. મેં ગઈકાલે એને તપાસ્યો હતો. તે અત્યંત વૃદ્ધ અને અશક્ત હતો. તેને ન્યુમોનિયાનો ભારે મોટો હુમલો થયો હતો. તે બચી શકે તેમ નથી.”

બીજા દિવસે ડોક્ટરે આવીને જોન્સીને તપાસી જાહેર કર્યું કે, “જોન્સીને હવે કોઈ ભય નથી.”

પરંતુ બપોર બાદ સુ જોન્સી પાસે આવી અને ધીમેથી બોલી. “જોન્સી, મારે તને એક દુઃખદ સમાચાર આપવાના છે. વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનનું ન્યુમોનિયાને કારણે આજે હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. તે બે દિવસથી બીમાર હતો. પાડોશીઓએ કહ્યું કે, આજે સવારે એ લોકોએ બેરહમાનને ભીનાં થઈ ગયેલાં વસ્ત્રોમાં જોયો હતો.બહાર ભયંકર ઠંડી હતી ત્યારે તેે એક ફાનસ લઈને ગયો હતો. કોઈને ખબર નહોતી કે તે રાત્રે ફાનસ લઈને બહાર કેમ નીકળ્યો હતો. છેક સવારે જોયું તો એક નિસરણી લઈને સામેની દીવાલ પાસે ગયો હતો. દીવાલ પાસે પેઇન્ટનો ડબ્બો અને કેટલાંક બ્રશ પડયાં હતાં. ડબ્બામાંથી લીલો અને પીળો મિક્સ કરેલો રંગ હતો અને જોન્સી! તું સામેની દીવાલ પર જે પાંદડું જોઈ રહી છે તે પવન છતાં જરાયે હાલતું નથી.”

જોન્સીએ ફરી ધ્યાનપૂર્વક બારીની બહાર લાલ ઈંટોવાળી દીવાલ પર જોયું તો વેલા પર દેખાતું એક પાંદડું સ્થિર હતું. અલબત્ત,તે અદ્દલ પાંદડાં જેવું જ લાગતું હતું.

સુ બોલી. “જોન્સી ર્ડાિંલગ! વૃદ્ધ આર્ટીસ્ટ આખી જિંદગીમાં જે ન કરી શક્યો તે ગઈકાલે રાત્રે એણે કરી લીધું. બેરહમાને ગઈ આખી રાત ભયંકર તોફાનમાં બહાર રહીને ફાનસના અજવાળે તને બચાવવા છેલ્લું પાંદડું પેઇન્ટ કરી દીધું અને તેણે કાતિલ ઠંડીમાં અને ન્યુમોનિયાની હાલતમાં મૃત્યુ પામવાનું પસંદ કર્યું હતું.”

ઓ. હેન્રીની ચમત્કૃતિપૂર્ણ વાર્તા ‘ધ લાસ્ટ લીફ’ અહીં પૂરી થાય છે.

ઓ. હેન્રીનું અસલી નામ વિલિયમ સિડની પોર્ટર હતું. તેમનો જન્મ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨ના રોજ અમેરિકામાં નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરો ખાતે થયો હતો. ઓ. હેન્રી તેમનું પેન નેમ હતું. મધ્યમવર્ગમાં જન્મેલા ઓ. હેન્રીના પિતા ડોક્ટર અને માતા કોલેજમાં શિક્ષણ પામેલાં હતાં. માતાના મૃત્યુ પછી પિતા આલ્કોહોલિક બની ગયા હતા અને ઓ. હેન્રીના ઉછેરની જવાબદારી તેમનાં કાકીએ સંભાળી હતી. તેમનાં કાકી સ્કૂલટીચર હતાં. તેમણે બાળક ઓ. હેન્રીને ભણવાની, વાંચવાની અને સર્જનાત્મક શક્તિ ખીલવવાની ટેવ પાડી. તેઓ કોઈ ને કોઈ વાર્તા કહી બાળકને ભણાવતાં. નાનકડા પોર્ટર ઉર્ફે ઓ. હેન્રીએ બચપણમાં જ ‘એનેટોમી ઓફ મેલેન્કોલી’ અને ‘અરેબિયન નાઇટ્સ’ વાંચી હતી. ૨૦ વર્ષની ઉંમરે તેઓ મિત્રો સાથે ટેક્સાસ ગયા. અહીં તેમણે કાઉબોય, પોસ્ટમેન, કૂક, ડ્રાફ્ટસમેન અને કારકુન જેવી અનેક નોકરીઓ કરી. તેમણે ભિન્ન ભિન્ન સ્થળે રખડપટ્ટી કરવાનો શોખ વિકસાવ્યો.

એમાંથી ભવિષ્યમાં લખાનારી વાર્તાઓ માટેની સામગ્રી એકત્ર થતી રહી. જીવનમાં અનેક તકલીફો ભોગવ્યા બાદ તેઓ ન્યૂ યોર્ક આવ્યા. ૧૯૦૨થી ૧૯૦૭ દરમિયાન તેમણે સર્જનાત્મક કાર્ય શરૂ કર્યું. ‘ન્યૂ યોર્ક સન્ડે વર્લ્ડ’ માટે દર અઠવાડિયે એક વાર્તા લખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. એ વખતે એ અખબાર અમેરિકાનું મોટામાં મોટું અખબાર હતું. એ અખબાર માટે તેમણે બધી મળીને ૧૦૦ જેટલી વાર્તાઓ લખી જેમાં ‘ધ ર્ફિનશ્ડ રૂમ’, ‘ગિફ્ટ ફોર મેગી’ તથા ‘એન અનફિનિશ્ડ સ્ટોરી’ જેવી ક્લાસિક વાર્તાઓનો સમાવેશ થાય છે. તા. ૫ જૂન, ૧૯૨૦ના રોજ છ મહિનાની બીમારી બાદ મૃત્યુ પામ્યા. નોંધપાત્ર વાત એ છે કે, ઓ. હેન્રીના મૃત્યુનાં ૨૦ વર્ષ બાદ તે એટલી બધી લોકપ્રિય સાબિત થઈ કે ૧૯૨૦ પછી બીજા લેખકોની વાર્તાઓ માટે ઓ. હેન્રીની વાર્તાઓ એક ‘સ્ટાન્ડર્ડ’ ગણાવા લાગી.

ઓ. હેન્રીને જ્યારે તેમના લેખન વિશે પૂછવામાં આવતું ત્યારે તેઓ કહેતાં, ”ૈં ટ્વદ્બ ુિૈંૈહખ્ત ર્કિ સ્િ. ઈદૃીિઅર્હ્વઙ્ઘઅ અર્થાત્ હું બધાંના માટે લખું છું.” એમના આ કથનનો અર્થ એ હતો કે તેઓ ‘એવરીબડી’ વિશે જ લખે છે. એક વાર ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની સફળતાનું રહસ્ય ખોલતાં તેમણે કહ્યું હતું, “હું મારી ટૂંકી વાર્તાઓનું રહસ્ય તમને કહી દઉં. આ છે સિક્રેટ. નિયમ નંબર-૧ : તમે એ જ સ્ટોરી લખો જે તમને આનંદ આપતી હોય. નિયમ નંબર-૨ : જે સ્ટોરી તમને આનંદ આપી શકે તેમ ન હોય તે લોકોને પણ આનંદ નહીં આપે, પણ હા, તમે જ્યારે સ્ટોરી લખવા બેસો છો ત્યારે લોકોને ભૂલી જાવ.”

Be Sociable, Share!