Close

બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ

‘બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ’ લ્યૂ વોલેસ દ્વારા લખાયેલી એક ક્લાસિક નોવેલ છે. આ નવલકથા ૧૨ નવેમ્બર, ૧૮૮૦ના રોજ અમેરિકામાં પ્રગટ થઈ હતી. ૧૯મી સદીની જિસસ ક્રાઇસ્ટના પ્રભાવ હેઠળ લખાયેલી આ કથા વર્ષો સુધી એક શ્રેષ્ઠ સાહિત્યકૃતિ ગણાઈ.’બેનહર’ એ હિબ્રૂ શબ્દ છે અને તેનો અર્થ છે : ‘Son of white linen.’

કથાની શરૂઆત કંઈક આ પ્રમાણે છે. રોમન સામ્રાજ્યના તાબા હેઠળના જુડિયા પ્રાંતના વગડામાં કેટલાક ભરવાડો એક રાત્રે આકાશમાં સરકી રહેલા તેજસ્વી તારાને નિહાળે છે. એ દિવસે મેરી અને જોસેફ રાજ્યના આદેશ પ્રમાણે કર ભરવા માટે કરવામાં આવેલી ગણતરીના ભાગરૂપે જુડિયા તરફ આવ્યાં હોય છે. તેઓ નાઝારેથથી આવ્યાં હતાં. તેઓ બેથલેહામ જવા માંગતાં હતાં, પરંતુ મેરી સગર્ભા હતી. શહેરમાં જગા ન હોઈ તેઓ બેથલેહામ નજીકની એક ગુફામાં આશ્રય લે છે અને તેને એક બાળક જન્મ્યું, જેનું નામ જિસસ. સાત જેટલા ભરવાડોએ આકાશમાં ઊતરતા પ્રકાશપુંજને નિહાળ્યો. દેવદૂતોએ જિસસ ક્રાઇસ્ટના જન્મની જાહેરાત કરી. એક બીજો રાજા જન્મી ચૂક્યો છે તે વાત જાણી રોમન સમ્રાટ હેરોડ ધી ગ્રેટ ક્રોધે ભરાયો અને તે બાળકને શોધી કાઢવા તેણે આદેશ આપ્યો.

બરાબર એ જ સમયે જુડિયા પ્રાંતમાં એક રાજકુમાર ઉછરી રહ્યો હતો, જેનું નામ બેનહર. મેસ્સાલા તેનો બચપણનો મિત્ર હતો અને તે રોમન ટેક્સ ક્લેક્ટરનો પુત્ર હતો. તે પાંચ વર્ષ સુધી રોમમાં ભણી જુડિયા પાછો આવ્યો. બેનહર યહૂદી હતો જ્યારે મેસ્સાલા રોમન હતો. રોમથી પાછા આવ્યા બાદ તે બદલાઈ ગયો હતો. તેણે યુદ્ધની તાલીમ લીધી હતી અને જબરદસ્ત ગણતરીબાજ હતો. તે મહત્ત્વાકાંક્ષી પણ હતો. જુડિયા પાછા આવ્યા બાદ તેણે બેનહર પર દબાણ કરી બધા જ બળવાખોર યહૂદીઓને પોતાને શરણે લાવવા મદદ માંગી, પરંતુ બેનહરે પોતાની કોમના માણસોને દગો કરવા ઇન્કાર કરી દીધો. આ ઇનકાર સાંભળ્યા બાદ મેસ્સાલાએ જુડાહ બેનહરને આખરીનામું આપતાં કહી દીધું. “તમે લોકો નક્કી કરી નાખો કે તમે મારા મિત્રો રહેવા માંગો છો કે દુશ્મન?”

એ ઘટનાના થોડા દિવસ બાદ શહેરમાંથી રોમન સૈનિકોની પરેડ પસાર થઈ રહી હતી અને એ પરેડને જોવા જુડાહ બેનહરની બહેન એના ઘરની ઊંચી બાલ્કનીમાંથી એ જોવા લાગી. એ વખતે ભૂલથી એનો હાથ એક જૂની થઈ ગયેલી ટાઇલ્સને અડી ગયો અને એ ટાઇલ્સ રોમન પરેડની આગેવાની લઈ રહેલા રોમથી આવેલા નવા ગવર્નરના ઘોડા પર પડી. જુડાહ બેનહરના દુશ્મન થઈ ચૂકેલા મેસ્સાલાએ આ તક ઝડપી લીધી અને રોમન ગવર્નરને ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવાના ખોટા આરોપસર જુડાહ બેનહર, તેની બહેન અને તેની માતાને જેલમાં પૂરી દીધાં. જુડાહ બેનહરને ખ્યાલ આવી ગયો કે મેસ્સાલા કોઈ પણ કાર્યવાહી કર્યા વગર જ તેને કોઈ સજા કરવા માગે છે એટલે તે જેલમાંથી છટકી સીધો મેસ્સાલાના ખંડમાં પહોંચી ગયો. એણે મેસ્સાલાને પડકારતાં પૂછયું. “તેં મારી અને મારા પરિવાર સામે ખોટો આરોપ કેમ મૂક્યો?”

મેસ્સાલાએ શાંતિથી જવાબ આપ્યો. “તેં મને મદદ કરવા ના પાડી એ કારણે હું તને પદાર્થપાઠ ભણાવીશ.”

એ પછી મેસ્સાલાએ જુડાહ બેનહરને એક ગુલામ બનાવી દઈ ગુલામ તરીકે જ મૃત્યુ મળે તેવી સજા ફરમાવી. જુડાહ બેનહરના હાથમાં સાંકળો બાંધી દેવાઈ અને બીજા ગુનેગારોની સાથે બેનહરને પણ ભયાનક રણમાં ધકેલી દેવાયો. માંડમાંડ ચાલી શકતા,ભૂખ્યા અને તરસ્યા આ લોકો નાઝારેથ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શાંત જણાતા માણસે દિવસોથી તરસ્યા બેનહરને પાણી પીવડાવ્યું. જુડાહ બેનહરે પાણી પીવડાવનાર એ માણસની આંખોમાં જોયું. એ આંખોમાં ન સમજી શકાય તેવા પ્રેમનો પ્રકાશ હતો. એ વખતે એક રોમન સૈનિકે બેનહરને પાણી પીવડાવતા માણસને ધક્કો મારી હટી જવા હુકમ કર્યો, પરંતુ એ રોમન સૈનિક પણ પાણી પીવડાવનાર એ માણસનો શાંત અને નિર્મળ ચહેરો જોઈ સ્વયં પાછો હટી ગયો.

એ પછી ગુલામ બનાવી દેવાયેલા લોકોને આગળ વધવા સૂચના આપવામાં આવી, પરંતુ જતાં જતાં બેનહર તેને પાણી પીવડાવનાર કોઈ અજનબી વ્યક્તિને જોતો રહ્યો.

જુડાહ બેનહરને હવે એક રોમન યુદ્ધ જહાજમાં ગુલામ તરીકે ધકેલી દેવાયો. બીજા સેંકડો નાવિકોની સાથે જુડાહ બેનહરે પણ એ તોતિંગ યુદ્ધ જહાજનાં હલેસાં મારવાની કામગીરીમાં જોડાવું પડયું. એ જહાજનો કપ્તાન રોમન સેનાપતિ એરિયસ હતો. જહાજ મધદરિયે હતું ત્યારે ચાંચિયાઓ એ રોમન જહાજ પર ત્રાટક્યા. એરિયસે જુડાહ બેનહરની શારીરિક તાકાત અગાઉથી માપી લીધી હતી. સંઘર્ષ વખતે બેનહરના પગે બાંધેલી સાંકળો ખોલી નાખવામાં આવી. પૂરાં ત્રણ વર્ષથી તેઓ જહાજમાં ગુલામ તરીકે કામ કરતા હતા, પરંતુ મેસ્સાલા સાથે બદલો લેવાની આગને કારણે તે જીવિત રહેવા માગતો હતો. દરિયાઈ ચાંચિયાઓ સામે જુડાહ બેનહરે યુદ્ધ લડી રોમન જહાજના વડા એરિયસની જિંદગી બચાવી લીધી. જુડાહ બેનહરના આ ઉપકારનો બદલો વાળવા રોમન એરિયસે જુડાહ બેનહરને પોતાના દત્તક પુત્ર તરીકેનો દરજ્જો આપ્યો.

આ અગાઉ જુડાહ બેનહરને ગુલામ તરીકે એરેનામાં લડાઈની પાંચ વર્ષની સખત તાલીમ આપવામાં આવી હતી. બેનહર હવે ફરી એક વાર ધનવાન અને રોમન મોભાદાર વ્યક્તિ બની ગયો. હજુ તે મેસ્સાલા સાથે બદલો લેવાની લાગણીમાંથી બહાર આવ્યો નહોતો. તે હવે મેસ્સાલાને મળવા રોમથી જુડિયા જવા નીકળ્યો. રસ્તામાં એક આરબ શેખ સાથે તેની મુલાકાત થઈ. આરબ શેખ ઘોડાઓનો શોખીન હતો. તેની પાસે વિશ્વના શ્રેષ્ઠ ઘોડા હતા, પરંતુ પ્રતિવર્ષ રોમમાં યોજાતી ચેરિયટ રેસમાં તેના ઘોડા જીતતા નહોતા. આરબ શેખના ઘોડા જોઈ બેનહરે કહ્યું, “તમારી પાસે શ્રેષ્ઠ ઘોડા છે, પરંતુ ચેરિયટ-રથ દોડાવવા માટે કુશળ રથસવાર નથી.”

આરબ શેખે તેના રથ દોડાવવા ઓફર કરી, પરંતુ બેનહરે ઇનકાર કરી દીધો. આરબ શેખે કહ્યું, “રોમમાં રોમન મેસ્સાલા ચેરિયટને હરાવે તેવો સારથિ મારી પાસે નથી.”

મેસ્સાલાનું નામ સાંભળતાં જ બેનહરની આંખોમાં ચમક આવી ગઈ. તે મેસ્સાલા સાથે બદલો લેવા માગતો હતો. એણે તરત જ આરબ શેખ તરફથી રોમમાં યોજાનારી ચેરિયટ રેસમાં ભાગ લેવા હા પાડી અને તૈયારીઓ કરવા લાગ્યો. બીજી તરફ બેનહર તેની માતા અને બહેનને પણ શોધવા માગતો હતો. મેસ્સાલાને આ વાતની ખબર પડતાં તે આશ્ચર્યમાં પડી ગયો અને બેનહરને ચેરિયટ રેસમાં જ ખતમ કરી દેવા કારસો રચ્યો. રોમના ભવ્ય એરેનામાં હજારો લોકો અત્યંત રોમાંચસભર ચેરિયટ રેસ જોવા એકત્ર થઈ ગયા. મેસ્સાલાએ તેના રથના ચક્રની એક્સલ પર ધારદાર ખંજર રાખી દીધાં હતાં જેથી એ ખંજરથી બેનહરના રથનાં ચક્રોને વીંધી નાખી શકાય. રોમનો ગવર્નર તેના પરિવાર અને સેનેટરો સાથે આ ભવ્ય રેસ જોવા આવ્યો હતો. લોકોને મંત્રમુગ્ધ કરી દે તેવી પણ ખતરનાક ચેરિયટ રેસ શરૂ થઈ. લોકોનાં રૃંવાડાં ઊભાં થઈ જાય તેવી જીવલેણ રેસમાં મેસ્સાલાએ બેનહરને હંફાવવા ખૂબ મહેનત કરી, પરંતુ મેસ્સાલાની તમામ તરકીબો નિષ્ફળ ગઈ. પવનવેગે દોડતા ઘોડાઓ જોઈ લોકો દંગ રહી ગયા. બેનહરને દગાથી હંફાવવા જતાં મેસ્સાલાનો રથ જ પલટી ખાઈ ગયો. તેની ઉપર થઈ અનેક રથ પસાર થઈ ગયા. મેસ્સાલા ઘવાયો અને બેનહર જીતી ગયો.

સખત રીતે ઘાયલ થયેલા મેસ્સાલાને મળવા ગયેલા બેનહરે તેની માતા અને બહેનનો પત્તો માગ્યો. મેસ્સાલાએ કહ્યું, “તું જિંદગીભર તારી માતા અને બહેનને શોધી નહીં શકે. તેઓ હજુ જીવે છે અને રક્તપિત્તના દરદી તરીકે યાતના ભોગવે છે. જા, તારી જાતે જ એમને શોધી કાઢ. રેસ હજુ પૂરી થઈ નથી.”

એટલું બોલી મેસ્સાલા મૃત્યુ પામ્યો.

બેનહર ફરી તેની માતા અને બહેનને શોધવા જેરૂસલેમ ગયો. બેનહર જ્યારે જુડિયામાં રહેતો હતો ત્યારે તેના ઘરની નોકરાણી તરીકે કામ કરતી અમ્રાહ નામની યુવતી તેને ચાહતી હતી. બેનહર તેના જૂના ઘરે આવ્યો. છેવટે તેણે પર્વતની એક ખીણમાં લોકોની વસ્તીથી દૂર અલાયદું જીવન જીવતાં અને રક્તપિત્તિયાઓથી ભરેલી ગુફામાં નર્કાગાર જેવું જીવન જીવતાં તેની માતા અને બહેનને બેનહરે શોધી કાઢયાં. એની માતાએ બેનહરને પોતાના શરીરને ન સ્પર્શવા કહ્યું, પરંતુ બેનહર તેમને ભેટયો. બેનહર તેમને અસ્પૃશ્ય ગણાતી રક્તપિત્તિયાઓની છાવણીમાંથી બહાર લઈ આવ્યો. એ વખતે જેરૂસલેમની ટેકરીઓ પર શ્વેત લિબાસમાં એક પ્રભાવશાળી વ્યક્તિ ર્ધાિમક પ્રવચનો આપતો હતો. કેટલાક માણસો તેની આસપાસ વીંટળાયેલા હતા. તે બધાંને ર્ધાિમક દીક્ષા આપતો હતો. બેનહરને યાદ આવી ગયું કે મને જ્યારે ગુલામ બનાવી દેવાયો ત્યારે રણમાં પાણી પીવડાવનાર વ્યક્તિ પણ આ જ તેજસ્વી પુરુષ હતો. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ જિસસ ક્રાઇસ્ટ હતા. ક્રમશઃ બેનહર પણ જિસસ ક્રાઇસ્ટમાં શ્રદ્ધા ધરાવતો થઈ ગયો. બેનહર આ તેજસ્વી વ્યક્તિના આશીર્વાદથી રક્તપિત્તના રોગી બનેલાં તેની માતા અને બહેનને સાજા કરાવવા માગતો હતો.

એ સમયે જ કેટલાક ધર્મચુસ્તોએ જિસસ ક્રાઇસ્ટને રોમન ગવર્નર મારફતે શૂળીએ લટકાવવાની સજા કરાવડાવી. જિસસ ક્રાઇસ્ટના માથા પર કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો. લાકડાની શૂળી પણ જિસસ ક્રાઇસ્ટની પાસે જ ઊંચકાવી. હજારો રોમનો આ ક્રૂર સજાનો આનંદ ઉઠાવી રહ્યા હતા ત્યારે બેનહર પણ તેની માતા અને બહેનને લઈ જેરૂસલેમ પહોંચ્યો. રક્તપિત્તિયાઓને જોઈ લોકોએ દોડધામ મચાવી દીધી. બરાબર એ જ વખતે બેનહરે જોયું તો જે વ્યક્તિએ રણમાં પાણી પીવડાવ્યું હતું તે જ વ્યક્તિને એટલે કે જિસસ ક્રાઇસ્ટને જેરૂસલેમના માર્ગ પરથી શૂળીએ ચડાવવા લઈ જવાતા હતા. જિસસ યાતના ભોગવતા હતા ત્યારે લોકો ખુશ થઈ જિસસની મજાક ઉડાવતા હતા. એક તબક્કે શૂળીના ભારથી જિસસ પડી ગયા એટલે તરસ્યા થયેલા જિસસને પાણી પીવડાવવા બેનહર રોમન સૈનિકોની પરવા કર્યા વિના જિસસ પાસે પહોંચી ગયા અને થોડુંક પાણી પીવડાવ્યું, પણ એ દરમિયાન જ રોમન સૈનિકોએ ચાબુક મારી બધાંને હટાવી લીધા. અલબત્ત, જિસસે એક અમીભરી દૃષ્ટિ બેનહર પર નાખી. જુડાહ બેનહરને ફરી એક વાર જિસસ ક્રાઇસ્ટની દયાભરી દૃષ્ટિનો સંસ્પર્શ થયો.

એ પછી રોમન સૈનિકોએ જિસસને શૂળીએ ચડાવી દીધા. એમના હાથ અને પગમાં ખીલા ઠોકી દીધા. એ વખતે જિસસ એટલું જ બોલ્યા. “હે પ્રભુ! એમને માફ કરી દેજો, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.”

એ રાત્રે આકાશમાં ભયંકર વાદળો ચડી આવ્યાં. મેઘગર્જના અને વીજળીના ચમકારા થયા. વરસાદ વરસવા લાગ્યો. એ વખતે નજીકની જ ગુફામાં બેનહર, તેની માતા, બહેન અને અમ્રાહ આશ્રય લઈ એ દુઃખદ ઘટના નિહાળી રહ્યાં હતાં. તેઓ રડી રહ્યાં હતાં. જિસસનાં અંગોમાંથી નીકળતું લોહી હવે ભૂમિ પર વહેવા લાગ્યું. એક જબરદસ્ત વીજળી થઈ. વીજળીનો એક ચમકારો બેનહરની માતા અને બહેનને સ્પર્શ્યો અને ક્ષણભરમાં તેમના શરીર પરથી રક્તપિત્ત જતો રહ્યો. ચહેરા પરની વિકૃતિઓ જતી રહી અને પહેલાં જેવાં હતાં તેવાં જ બની ગયાં. આ ચમત્કાર કેમ થયો તે રહસ્ય તેઓ સમજી શક્યાં નહીં પણ તેમણે ઈશ્વરનો આભાર માન્યો.

જુડાહ બેનહરને હવે ખ્યાલ આવી ગયો કે, પૃથ્વી પરના રાજાઓ કરતાં જિસસ ક્રાઇસ્ટ વધુ મોટા ‘હેવન્લી કિંગ’ હતા. ઈશ્વરના એ જ સહુથી શ્રેષ્ઠ રાજા છે એ જ્ઞાાનની પ્રાપ્તિ બાદ બેનહરના દિલમાં જે કોઈ નફરત હતી તે પણ અદૃશ્ય થઈ ગઈ.

એ ઘટના પછી બેનહરે તેને સાથ આપનાર યુવતી સાથે લગ્ન કરી લીધાં. બાળકો પણ થયાં, પરંતુ એ વખતે રોમમાં હવે સમ્રાટ નીરોનું શાસન હતું. સમ્રાટ નીરો ક્રૂર અને પાગલ શાસક હતો. તે જિસસ ક્રાઇસ્ટના અનુયાયીઓનો વિરોધી હતો. આ વાતની ખબર પડતાં બેનહર તેના પરિવારને લઈને રોમ ગયો અને રોમમાં એક સ્થળે ગુફાની અંદર એક ચર્ચ બનાવડાવ્યું જે કેટલાક સમય બાદ ‘ઝ્રટ્વંટ્વર્ષ્ઠદ્બહ્વ ર્ક જીટ્વહ ઝ્રટ્વઙ્મૈટંર્’ તરીકે જાણીતું બન્યું.

‘બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ’ નામની આ નવલકથા લખનાર લ્યૂ વોલેસ વર્ષો સુધી અંગ્રેજી ભાષાના બેસ્ટ સેલર લેખક રહ્યા. ૧૯૩૬માં માર્ગારેટ મિશેલની ‘ગોન વિથ વિંડ’ નવલકથા આવી ત્યાં સુધી બેનહરની નવલકથા પ્રથમ નંબરે રહી. ૧૯૫૯માં લ્યૂ વોલેસની ‘બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ’ નવલકથા પરથી ભવ્ય ફિલ્મ બની. આ ફિલ્મ વિશ્વના ૧૦ મિલિયન લોકોએ નિહાળી અને ૧૧ જેટલા એકેડેમી એવોર્ડ્સ મળ્યા. વેટિકન સિટીના પોપ લિયો ૧૩માએ જો કોઈ એક જ નવલકથાને બ્લેસિંગ્સ આપ્યા હોય તો તે એકમાત્ર આ જ નવલકથા છે.

Be Sociable, Share!