Close

સેમસનની તાકાતનું રહસ્ય એક સ્ત્રીએ જાણી લીધું અને…

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on સેમસનની તાકાતનું રહસ્ય એક સ્ત્રીએ જાણી લીધું અને…
(ગતાંકથી ચાલુ)

એક દિવસ સેમસન ફિલીસ્તીઓના નગર ગાઝામાં ગયો. ગાઝામાં એક વેશ્યા રહેતી હતી. સેમસન વેશ્યાના ઘરે ગયો અને ત્યાં જ વાત ફેલાઈ ગઈ કે, સેમસન ગાઝામાં આવ્યો છે.

સેમસનના નામની જબરદસ્ત ધાક હતી. એની અસાધારણ શક્તિથી લોકો ડરતા હતા.

શહેરના ચોકિયાતોને સાબદા કરી દેવામાં આવ્યા. શહેરના લોકો નગરના દરવાજે જઈ સેમસન પકડાઈ જાય એની રાહ જોવા લાગ્યા. સવારે તે બધા સેમસનને મારી નાખવા માગતા હતા. તેઓ સંતાઈ રહ્યા.

મધરાત સુધી સેમસન સૂઈ રહ્યો, પણ પરોઢ પહેલાં જ મધ્ય રાત્રિએ તે ઊઠયો અને સીધો નગરના દરવાજે પહોંચ્યો. દરવાજા બંધ હતા, પરંતુ સેમસને પોતાની પ્રચંડ તાકાતથી નગરના દરવાજાનાં બંને કમાડ તેની બારસાખ સહિત ઉખાડી નાખ્યા. આખા દરવાજાને ખભે ઊંચકીને તે હેબ્રોનની સામેના એક પર્વત પર લઈ ગયો. લોકો આશ્ચર્ય પામી ગયા કે આ માણસમાં આટલી જબરદસ્ત તાકાત ક્યાંથી આવી છે?

ઇઝરાયેલમાં સોરેક નામની એક ખીણ છે. અહીં ડલાઇલાહ નામની એક યુવતી સાથે એનો ભેટો થયો. સેમસન ડલાઇલાહને જોતાં એના પ્રેમમાં પડી ગયો. ધીમે ધીમે લોકોને આ વાતની ખબર પડી ત્યારે પાંચ ફિલીસ્તી અધિકારીઓ ડલાઇલાહ પાસે પહોંચ્યા. એમણે ડલાઇલાહને કહ્યું, “તું સેમસન પાસેથી એ રહસ્ય જાણી લે કે તેની પ્રચંડ શક્તિ ક્યાં છુપાયેલી છે? અમારે એને પકડીને સાંકળોથી બાંધવો છે. આ કામના બદલામાં તને ચાંદીના ૧૧૦૦ સિક્કાઓ આપીશું.”

ડલાઇલાહ સંમત થઈ ગઈ.

એક દિવસ ડલાઇલાહે સેમસનને પૂછયું, “સેમસન! તું આટલો બધો બળવાન કેમ છે? મને નથી લાગતું કે તને કોઈ કેદ કરી શકે!”

સેમસને કહ્યું, “મને ધનુષ્યની ન સૂકવી હોય તેવા ચામડાની સાત પણછોથી બાંધવામાં આવે તો હું નિર્બળ બની જાઉં.”

એ રાત્રે સેમસન સૂઈ ગયો ત્યારે ફિલીસ્તીઓએ લાવી આપેલી લીલા ચામડાની સાત પણછોથી એની પ્રેયસી ડલાઇલાહે સેમસનને બાંધી દીધો. કેટલાક બીજા માણસો પહેલેથી જ બીજા ઓરડામાં સંતાઈ રહ્યા હતા.

ડલાઇલાહે હવે બૂમ મારી, “સેમસન ઊઠ! ફિલીસ્તીઓ આવી પહોંચ્યા છે.”

સેમસન ઊઠયો અને સૂતરનાં દોરડાં તોડી નાખતો હોય તેમ ચામડાની પણછો તોડી નાખી.

ફિલીસ્તીઓ ભાગી ગયા.

ડલાઇલાહે સેમસન સાથે રૂસણું લેતાં કહ્યું, “તેં મને જૂઠ્ઠું કહ્યું હતું, તેં મારી મશ્કરી કરી. સાચું કહે, તને કેવી રીતે બાંધી શકાય?”

સેમસને ખૂબ વિચારીને કહ્યું, “જો તું મારા માથાની સાત લટોને તાણા સાથે વણી લે અને ખીલા સાથે બાંધ તો હું નિર્બળ બની જાઉં.”

એ જ રાતે સેમસન સૂઈ ગયો અને ડલાઇલાહે સેમસનના માથાની સાત લટોને તાણામાં વણી ખીલા સાથે બાંધી દીધી. ત્યારબાદ ડલાઇલાહે જ બૂમ મારી, “સેમસન જાગ. ફિલીસ્તીઓ આવ્યા.”

સેમસન જાગી ગયો અને કપડાં વણવાની સાળને ખીલા સાથે જ ખેંચી કાઢી. ડલાઇલાહ હવે વધુ ખિજાઈ. એણે સેમસનને લડતાં કહ્યું, “મને લાગે છે કે તને મારામાં વિશ્વાસ નથી. તું મને પ્રેમ કરતો જ નથી. વારંવાર તું મારી મશ્કરી કરે છે. તું મને ચાહતો હોત તો તેં ક્યારનુંયે મને કહી દીધું હોત કે તું આટલો તાકાતવાન કેમ બન્યો?”

ડલાઇલાહ રોજ એકનો એક પ્રશ્ન પૂછયા કરતી હતી. એક દિવસ કંટાળીને એણે રહસ્ય ખોલી નાખ્યું. સેમસને કહ્યું, “જો ડલાઇલાહ, જન્મ પછી મારા વાળ કદી કાપવામાં આવ્યા નથી, કારણ કે જન્મ અગાઉ જ ઈશ્વરે મને નાઝીરા (સેવક) બનાવેલો છે. મારા માથા પર કોઈ અસ્ત્રો ફેરવી વાળ કાપી લે તો મારી તાકાત જતી રહે અને હું બીજા લોકોની જેમ નિર્બળ અને સામાન્ય બની જાઉં. મારી તાકાતનું આ જ રહસ્ય છે.”

ડલાઇલાહને લાગ્યું કે સેમસને હવે સાચી વાત કરી છે. એણે ફિલીસ્તી આગેવાનોને બોલાવ્યા અને કહ્યું, “હવે છેલ્લી વાર આવો. આ વખતે સેમસને એનું દિલ ખોલી નાખ્યું છે.”

ફિલીસ્તીઓ આ વખતે તો ડલાઇલાહને આપવા નાણાં લઈને જ આવ્યા.

એ રાત્રે ડલાઇલાહે સેમસનનું માથું પોતાના ખોળામાં જ રાખીને ઊંઘાડી દીધો. સેમસન થોડીક જ વારમાં ઊંઘી ગયો. અગાઉથી કરેલ વ્યવસ્થા મુજબ એક માણસને બોલાવી સેમસનના માથામાંથી વાળની સાત લટો કાપી લીધી. આટલું કર્યા બાદ ડલાઇલાહે હવે સેમસનને ઢંઢોળ્યો, એને છંછેડયો, પણ સેમસનની બધી તાકાત જ ચાલી ગઈ હતી.

ડલાઇલાહે હવે પૂરા વિશ્વાસથી બૂમ પાડી, “ઊઠ સેમસન! તને પકડવા ફિલીસ્તીઓ આવી પહોંચ્યા છે.”

સેમસન જાગ્યો પણ હવે તે શક્તિહીન બની ગયો હતો. એના માથાના વાળ કપાઈ જતાં એની તાકાત ચાલી ગઈ હતી. ફિલીસ્તીઓએ તેને પકડી બાંધી દીધો. એની આંખોમાં ધગધગતા સળિયા નાખી સેમસનની આંખો ફોડી નાખવામાં આવી. સેમસનને હવે ગાઝા લાવવામાં આવ્યો. પિત્તળની સાંકળોથી બાંધી જેલમાં જ અનાજ દળવાની તોતિંગ ઘંટી ફેરવવાનું કામ એને સોંપવામાં આવ્યું. કેટલાયે દિવસો સુધી બંદીખાનામાં તે દળતો જ રહ્યો. દિવસો વીતતાં એના માથાના વાળ ફરી વધવા લાગ્યા હતા.

ફિલીસ્તીઓ હવે નિર્ભય હતા. ખુશ હતા. તેઓ એક દિવસ કોઈ મોટો ઉત્સવ ઊજવવા તોતિંગ શિલાઓથી બનાવેલી વિશાળ ઇમારતના ચોકમાં એકત્ર થયા હતા. ફિલીસ્તીઓના દેવ દાગોન હતા. મહાયજ્ઞાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેવની ર્મૂિતને અર્પણો ચઢાવ્યાં. ફિલીસ્તીઓ ર્મૂિતપૂજામાં માનતા હતા. હજ્જારોની સંખ્યામાં ફિલીસ્તી સ્ત્રી-પુરુષો તેમના આ મહાઉત્સવને માણવા એકત્ર થયાં હતાં. સાંકળોથી બંધાયેલા આંધળા સેમસનને અહીં લાવવામાં આવ્યો હતો અને એ ભવ્ય ર્ધાિમક ઇમારતના હાથના પગ કરતાંયે જાડા અને પથ્થરોથી બનેલા થાંભલા સાથે સાંકળોથી બાંધી દેવામાં આવ્યો હતો. અંધ સેમસનને સાંકળોથી બંધાયેલો જોઈ લોકો તેની ક્રૂર હસીમજાક કરવા લાગ્યા હતા. મહોત્સવ ટાણે હજારો ફિલીસ્તીઓ મદ્યપાન પણ કરી રહ્યા હતા. પીધેલી હાલતમાં લોકોએ સેમસનની વધુ ઠેકડી ઉડાવી. બે થાંભલાની વચ્ચે એને બાંધનાર છોકરાને સેમસને જ કહ્યું હતું કે બે થાંભલા પર મારો એક-એક હાથ મૂક જેથી મને આરામ મળે.

આખું ગામ હવે ભવ્ય મંદિરમાં ઊમટયું હતું. લોકો સેમસનને જોવા પડાપડી કરતા હતા. ત્રણ હજારની માનવમેદનીથી ઇમારત ઊભરાઈ ગઈ હતી. લોકો ઝરૂખા પર પણ ચડી ગયા હતા. તમામ ફિલીસ્તી સેનાપતિઓ પણ અહીં ઉપસ્થિત હતા.

અંધ સેમસને હવે તેના પ્રભુ યહોવાહને યાદ કર્યા. “હે પ્રભુ! મને એક જ વાર શક્તિ આપ, જેથી મારી બંને આંખો ગુમાવ્યાનું વેર વાળી શકું.”

સેમસન એ ભવ્ય મંદિરના બે થાંભલાની વચ્ચે ઊભો હતો. એણે એક હાથ એક થાંભલાને અઢેલી રાખી બીજા તોતિંગ પથ્થરિયા સ્તંભ પર તાકાત અજમાવી. તેને થાંભલો ખસેડવાનો પ્રયાસ કરતો જોઈ લોકોએ સેમસનની વધુ મજાક કરી, કારણ કે ખડકોના પથ્થરોમાંથી બનાવેલા થાંભલા હાથીના પગ કરતાંયે વધુ જાડા ને મજબૂત હતા. લોકોને એ વાતની ખબર નહોતી કે સેમસનના માથાના કપાયેલા વાળ ફરી ઊગી ગયા અને તેને દૈવીબળ ફરી હાંસલ થઈ ચૂક્યું હતું.

પ્રથમ પ્રયાસે થાંભલો ન ખસ્યો.

સેમસને ફરી પ્રભુને પ્રાર્થના કરી. “ફિલીસ્તીઓની સાથે હું પણ ભલે મરી જાઉં.”

સેમસને ફરી બળ વાપર્યું.

તોતિંગ થાંભલો સહેજ ખસ્યો. ક્રૂર મજાક કરી રહેલા હજ્જારો લોકોના ચહેરા પર હાસ્ય થંભી ગયું. કુતૂહલથી તેઓ સેમસનને જોઈ રહ્યા. તેણે હાથના ટેકાથી થાંભલાને ખસેડવા વધુ બળ વાપર્યું. ભવ્ય મંદિરની મજબૂત છત આ બે થાંભલાઓની ઉપર જ હતી. સેમસનની તાકાતથી સેંકડો ટન વજનનો થાંભલો ખસતો જોઈ લોકો સ્તબ્ધ બની ગયા. હવે તો અવાજ પણ બંધ થઈ ગયો. માત્ર સખત વજનવાળા થાંભલાનો પથ્થર પરથી ખસવાનો અવાજ આવતો હતો. લોકો અવાક્ બની ગયા. તેઓ કંઈ વિચારે અને નાસી શકે એ પહેલાં ન માની શકાય તેવો પથ્થરનો સ્તંભ ખસી ગયો અને આખીયે ઇમારત કડડભૂસ કરતી પડવા લાગી. ઝરૂખા તૂટી પડયા. છત તૂટી ગઈ. દીવાલો તૂટી પડી. લોકોએ ભાગવા કોશિશ કરી, પરંતુ હજારો માણસો મહાકાય પથ્થરો નીચે દટાઈને મૃત્યુ પામ્યા. ફિલીસ્તીઓએ એમની આખી જિંદગી દરમિયાન જેટલા યહૂદીઓને માર્યા હતા તેના કરતાં વધુ ફિલીસ્તીઓ અહીં જ ઇમારત નીચે દટાઈને મરી ગયા. સેમસન પણ મૃત્યુ પામ્યો. પાછળથી સેમસનના મૃતદેહને તેનાં સગાં-સંબંધીઓ આવીને લઈ ગયા. ઇઝરાયેલમાં સોરા અને એશ્તાએલ વચ્ચે એના પિતાની કબરની બાજુમાં જ સેમસનના મૃતદેહને દફનાવવામાં આવ્યો.

યહૂદીઓ માને છે કે ૨૦ વર્ષ સુધી સેમસન ઇઝરાયેલીઓને ન્યાય અપાવતો રહ્યો. ઈસુના જન્મનાં ઘણાં વર્ષો પૂર્વેની આ કથા છે. ઇઝરાયેલીઓ માટે સેમસન એક દંતકથા જેવું અમર પાત્ર છે. સેમસનને પણ એક મસીહા ગણવામાં આવે છે.(ક્રમશઃ)

Be Sociable, Share!