Close

સેમસન ઇશ્વરે બક્ષેલી અસાધારણ તાકાતવાળો ઉદ્ધારક હતો

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on સેમસન ઇશ્વરે બક્ષેલી અસાધારણ તાકાતવાળો ઉદ્ધારક હતો

‘સેમસન એન્ડ ડલાઇલાહ’ એ પણ બાઇબલની જ એક કથા છે. સેમસન યહૂદી હતો. યહૂદીઓએ જ્યારે જ્યારે ભૂલો કરી ત્યારે ત્યારે ઈશ્વરે તેમને સજા કરેલી છે અને તેમના ઉદ્ધાર માટે ઈશ્વરે કોઈ ને કોઈ ઉદ્ધારક મોકલ્યો છે તેવી કથાઓ બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં મોજૂદ છે. સેમસન પણ ઈશ્વરે બક્ષેલી અસાધારણ તાકાતવાળો ઉદ્ધારક જ હતો, પરંતુ ડલાઇલાહ નામની એક સ્વરૂપવાન યુવતીના હાથે છેતરાયો હતો. મૂળ કથા આ પ્રમાણે છેઃ

લગભગ ત્રણેક હજાર વર્ષ પૂર્વે યહૂદીઓને સતાવનાર એક પ્રજાનું નામ છેઃ ફિલીસ્તાનીઓ. તેઓ ફિલીસ્તી અથવા પલીસ્તી તરીકે પણ ઓળખાય છે. આ ફિલીસ્તી દરિયાપારથી આવ્યા હતા અને ઊંચા તથા કદાવર હતા. ર્મૂિતપૂજામાં માનતા હતા અને સુન્નતના વિરોધી હતા. ઇઝરાયેલીઓ જ્યારે જ્યારે ખોટું કામ કરતા ગયા ત્યારે ત્યારે ઈશ્વરની અવકૃપા તેમને મળતી ગઈ. યહોવાહની નારાજગીને કારણે ૪૦ વર્ષ સુધી યહૂદીઓ ફિલીસ્તાનીઓના શાસન હેઠળ આવી ગયા હતા.

એ કાળમાં સોરાહમાં માનોઆહ નામે એક યહૂદી રહેતો હતો. એક સ્ત્રીને બાળક થતાં નહોતાં. એને દેવદૂતે દર્શન આપીને કહ્યું કે, “તને હવે ગર્ભ રહેશે, પરંતુ તારે હવે દ્રાક્ષાસવ કે મદ્યપાન લેવાં નહીં. તારા ઉદરમાં આકાર લેનારું બાળક ઈશ્વર માટે ‘નાઝીરી’અર્થાત્ સેવક હશે. એના માથે કદી અસ્ત્રો ફેરવવો નહીં. તે ઇઝરાયેલીઓને ફિલીસ્તીઓના ત્રાસમાંથી મુક્ત કરાવશે.” સમયાંતરે તે સ્ત્રીને ગર્ભ રહ્યો. દીકરો અવતર્યો, જેનું નામ સેમસન પાડવામાં આવ્યું. સેમસન જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ તેનામાં અસાધારણ બાહુબળ અને શક્તિ વિકસવા લાગ્યાં. એક દિવસ પુખ્ત થયેલા સેમસનને એક યુવતી ગમી ગઈ, પરંતુ એ સ્ત્રી યહૂદીઓના કટ્ટર દુશ્મન એવા ફિલીસ્તીઓની હતી, જ્યારે સેમસન યહૂદી હતો. યહૂદીઓ સુન્નતમાં માનતા હતા જ્યારે ફિલીસ્તાનીઓ સુન્નતના વિરોધી હતા.

સેમસને એના પિતાને કહ્યું, “મને એ યુવતી સાથે પરણાવો.”

એના પિતા કહે, “તારે પરણવું જ હોય તો આપણા લોકોમાં ઘણી યુવતીઓ છે. બેસુન્નત ફિલીસ્તાનીઓમાં જવાની શું જરૂર છે?”

એ વખતે ફિલીસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા અને સેમસનનાં મા-બાપને ખબર નહોતી કે સેમસન અને ફિલીસ્તીઓ વચ્ચે સંઘર્ષ થાય તેવા નિમિત્તની વ્યવસ્થા કોઈ ગૂઢ શક્તિ જ ગોઠવી રહી હતી.

સેમસનને જે યુવતી ગમી હતી તે તિમ્નાહ નામના વિસ્તારમાં રહેતી હતી. સેમસન અને તેનાં માતા-પિતા તિમ્નાહ જવા નીકળ્યાં. રસ્તામાં દ્રાક્ષની વાડીઓ આવી. તેઓ ક્યાંક બેઠાં હતાં ને સેમસન સહેજ આગળ વધ્યો. એટલામાં એક મહાભયંકર ગર્જના સંભળાઈ. એમણે જોયું તો સામે જ વિકરાળ સિંહ ઊભો હતો. સેમસન તેનાથી જરાયે ગભરાયો નહીં. સિંહે સેમસન પર હુમલો કર્યો,પરંતુ ઈશ્વરદત્ત તાકાત ધરાવતા સેમસને સિંહ સાથે તુમુલ યુદ્ધ કર્યું. ભયાનક ત્રાડોથી આખુંયે અરણ્ય ગાજી ઊઠયું. સિંહે સેમસનને અનેક ભાગ પર ઘાયલ કરવા કોશિશ કરી, પરંતુ સેમસને કોઈ બકરીના બચ્ચાની જેમ સિંહને જડબામાંથી જ ચીરી નાખ્યો.

સેમસનનાં માતા-પિતાને તો હજી આ વાતની ખબર જ નહોતી, કારણ કે એ વખતે તેઓ અન્યત્ર હતાં. સેમસન અને તેનાં માતા-પિતા પેલી ફિલીસ્તી સ્ત્રીના ઘરે ગયાં અને એક ભવ્ય મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું. સેમસને હવે તેને ગમતી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં હતાં. અલબત્ત, લગ્નની ઉજવણી દરમિયાન સેમસને એક ઉખાણું પૂછયું: મિજબાનીમાં ૩૦ ફિલીસ્તીઓ પણ હાજર હતા. ત્યારબાદ તે આ શેલોન નગરમાં ગયો અને ૩૦ માણસોને મારી નાખ્યા અને સેમસન પોતાના ઘરે ચાલ્યો ગયો. એની પત્નીને એના પિતાએ લગ્ન સમયે અણવર તરીકે આવેલા નિકટના મિત્રને આપી દીધી.

સેમસન હવે પોતાનાં માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો.

કેટલાક સમય બાદ ઘઉંની કાપણી વખતે સેમસન પેલી ફિલીસ્તી પત્નીને મળવા નીકળ્યો. તે ફિલીસ્તી સ્ત્રીને ભેટ આપવા એણે બકરીનું એક બચ્ચું પણ સાથે લઈ લીધું. એ જેવો ફિલીસ્તી સ્ત્રીના ઘરે પહોંચ્યો એટલે એ સ્ત્રીના પિતાએ સેમસનને રોક્યો. સ્ત્રીના પિતાએ સેમસનને કહ્યું, “મને લાગે છે કે, તું મારી દીકરીને ધિક્કારે છે, તેથી જ મેં મારી પુત્રી કે જેને તારી સાથે પરણાવી હોવા છતાં તારા મિત્રને સોંપી દીધી છે. તેમ છતાં તારી ઇચ્છા હોય તો બોલ, એની બહેન તેના કરતાં વધુ સુંદર છે, એની સાથે લગ્ન કરી લે.” આ સાંભળી સેમસન છંછેડાયો.

ક્રોધિત સેમસન બહાર નીકળી ગયો. એણે જંગલમાંથી ૩૦૦ શિયાળ પકડી લીધાં. બબ્બે શિયાળ ભેગાં બાંધી તેમાં મશાલ મૂકી અને મશાલો સળગાવી તમામ શિયાળોને ફિલીસ્તીઓનાં ખેતરોમાં છોડી મૂક્યાં. સળગતી પૂંછડીવાળાં શિયાળોએ ખેતરોમાં નાસભાગ કરી મૂકી અને ફિલીસ્તીઓનો ઊભો પાક ને પૂળા સળગી ગયા. જૈત વૃક્ષો પણ ભસ્મ થઈ ગયાં.

આ ઘટનાથી ફિલીસ્તીઓ ક્રોધે ભરાયા. આ બધાનું નિમિત્ત સેમસનની પત્ની અને તેનો પિતા છે એમ સમજીને ફિલીસ્તીઓએ એ સ્ત્રી અને તેના પિતાને પકડીને જીવતાં સળગાવી મૂક્યાં. સેમસનને વધુ ક્રોધિત કરવા માટે આટલી બીના પૂરતી હતી. એણે કહ્યું, “હવે આનું વેર લીધા વિના હું રહીશ નહીં.”

ગુસ્સે ભરાયેલા સેમસને ઘણા ફિલીસ્તીઓને મારી નાખ્યા અને ત્યારબાદ તે ઇઝરાયેલમાં એટામની ગુફાઓ તરીકે ઓળખાતી ગુફાઓમાં રહેવા ચાલ્યો ગયો. સેમસનના હુમલાના વિરોધમાં ફિલીસ્તીઓએ જ્યુડિયા પર સૈન્ય મોકલ્યું અને લેહી પર છાપો માર્યો. સેમસન તો અહીં હતો નહીં. જ્યુડિયાના લોકો વિચારમાં પડી ગયા કે, “કોઈ પણ જાતના કારણ વગર ફિલીસ્તી સૈન્યે અહીં આક્રમણ કેમ કર્યું?” ફિલીસ્તીઓએ જવાબ આપ્યો કે, “તમારા સેમસને અમારા માણસોને મારી નાખ્યા છે. તેનો બદલો લેવા અમે અહીં આવ્યા છીએ.”

હજુ જ્યુડિયાએ ૩૦૦૦ માણસોને એટામની ખડકની ગુફાઓમાં મોકલ્યા, જેથી તેઓ સેમસનને પકડી લાવે અને ફિલીસ્તીઓને હવાલે કરે.

સેમસન તો મળ્યો પણ એણે પૂછયું, “તમે અહીં કેમ આવ્યા છો?”

જ્યુડિયાના માણસોએ કહ્યું, “તને ખબર નથી કે, ફિલીસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો પછી તેં આમ કેમ કર્યું?”

“મેં તો વેર લેવા માટે જ આમ કર્યું છે.” સેમસને જવાબ આપ્યો.

“પણ અમે તને પકડીને ફિલીસ્તીઓ પાસે લઈ જવા માટે આવ્યા છીએ.”

સેમસને કહ્યું કે, “સારું, મને વચન આપો કે તમે પોતે મને મારી નહીં નાખો.”

જ્યુડિયાના માણસોએ વચન આપ્યું, “ઠીક છે, અમે તને મારી નહીં નાખીએ. ખાલી તને બાંધીશું અને ફિલીસ્તીઓને હવાલે સોંપી દઈશું.”

– ત્યારબાદ સેમસનને નવા જ દોરડાથી બાંધી દેવામાં આવ્યો અને બધા લેહી પહોંચ્યા.

સેમસનને મજબૂત દોરડાંઓથી બંધાયેલો જોતાં જ ફિલીસ્તીઓએ હર્ષના પોકારો કર્યા. વિજયનો ટંકાર કર્યો. ચારેકોર બુમરાણ મચી ગઈ. અનેક ફિલીસ્તીઓને મારી નાખનાર સેમસન હવે બંધાયેલો હતો. આ વિજયોન્માદમાં એ વાતનો ખ્યાલ ન રહ્યો કે સેમસનના શરીર પર બંધાયેલાં મજબૂત દોરડાં સેમસને પોતાની વિરાટ તાકાતથી તોડી નાખ્યાં હતાં અને તે હવે મુક્ત થઈ ગયો હતો. હર્ષના પોકારો કરી રહેલા ફિલીસ્તીઓ કંઈ વિચારે એ પહેલાં જમીન પર પડેલું ગધેડાનું એક જડબું એણે લીધું અને એ જડબાને હાથમાં પકડી સેમસન ફિલીસ્તીઓ પર તૂટી પડયો. ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ. બધાએ સેમસનને પકડવા કોશિશ કરી, પરંતુ અસાધારણ તાકાત ધરાવતા સેમસને આ ઘમસાણમાં એક હજાર ફિલીસ્તીઓને મારી નાખ્યા. ચારે બાજુ હવે મડદાં જ મડદાં પડયાં હતાં. ત્યારબાદ સેમસને ગધેડાનું જડબું ફેંકી દીધું અને એ સ્થળ આજે પણ ‘રામાથલેહી’ અર્થાત્ જડબાના ડુંગર તરીકે ઓળખાય છે. ભયાનક યુદ્ધને કારણે એકલે હાથે લડનાર સેમસન પણ અર્ધ બેભાન બની ગયો હતો. એને તરસ લાગી હતી. સેમસને ઈશ્વરને યાદ કર્યા. “હે પ્રભુ! આજે મારા દ્વારા તમે જ ઇઝરાયેલનો બચાવ કર્યો છે. શું મારે હવે મરી જવાનું?” અને થોડીક જ ક્ષણોમાં જમીનમાં એક તિરાડ પડી. એના પોલાણમાંથી ભારે વેગથી પાણી ધસી આવ્યું. પાણીના એ નવા ફુવારામાંથી સેમસને જળ પીધું. તે હવે સ્વસ્થ થયો. શુદ્ધિમાં આવ્યો. એ સ્થળનું નામ એણે ‘એન હોક્કારે’ પાડયું. ‘એન હોક્કારે’નો અર્થ થાય છે હાક મારવાનું ઝરણું. આ ઝરણું આજે પણ ઇઝરાયેલમાં ત્યાં જ છે. મુલાકાતીઓ આ ઝરણાને જુએ ત્યારે હજારો વર્ષ પૂર્વેની બાઇબલની એ ઘટનાને યાદ કરે છે. આ ઘટના પછી વીસ વર્ષ સુધી સેમસન ઇઝરાયેલીઓને ન્યાય અપાવતો રહ્યો, પરંતુ હજી રાજ તો ફિલીસ્તીઓનું જ હતું.(ક્રમશઃ)

Be Sociable, Share!