Close

Quo Vadis : નવા રોમના સર્જન માટે જૂના રોમને સળગાવી દો

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on Quo Vadis : નવા રોમના સર્જન માટે જૂના રોમને સળગાવી દો

‘Quo Vadis’ એ લેટિન ભાષાના શબ્દો છે. એનો અર્થ છે, “તમે ક્યાં જઈ રહ્યો છો?” મૂળ તો આ ‘બાઇબલ’માં ઉપયોગમાં લેવાયેલો શબ્દપ્રયોગ છે. ‘Quo Vadis’ નવલકથા પોલેન્ડના લેખક હેન્રિક સિએન્ટકિવિક્ઝે ઈ.સ. ૧૮૯૬માં લખી હતી. ૧૯મી સદીની આ સાહિત્યકૃતિ પણ એક મહાકાવ્ય જેવી જ છે. આજે પણ તે એક શ્રેષ્ઠ ક્લાસિક નવલકથા ગણાય છે.

‘Quo Vadis’ની કથાનો સમયગાળો ઈસુના મૃત્યુ પછીના ઈ.સ. ૫૪થી ૬૮મા વર્ષોની વચ્ચેનો છે. એ વખતે રોમમાં નીરો નામનો સમ્રાટ રાજ્ય કરતો હતો. નીરો ભ્રષ્ટાચારી, સનકી અને વિનાશાત્મક વૃત્તિ ધરાવતો શાસક હતો. એના જ સમયગાળાનાં કેટલાંક વર્ષો પૂર્વ જિસસ ક્રાઇસ્ટને જેરુસલેમમાં રોમન શાસકોએ જાહેરમાં શૂળીએ ચડાવી દીધા હતા. ઈસુના કેટલાક અનુયાયીઓ રોમન શાસકોના ડરથી ખાનગીમાં ઈસુના આદેશોનું પાલન કરતા હતા. તેઓ પોતાની જાતને ખ્રિસ્તી કહેવડાવતા હતા. એ વખતે ઈસુનો પરમ ભક્ત અને શિષ્ય પીટર પણ લોકો વચ્ચે ફરી ઈસુના ઉપદેશો લોકોને કહેતો હતો.

એ સમયગાળામાં રોમનો સમ્રાટ નીરો લોકો પર જુલ્મ ગુજારતો હતો. નીરોના શાસનકાળમાં માર્ક્સ વિનિસિયસ રોમના સૈન્યનો કમાન્ડર હતો. માર્ક્સ વિનિસિયસ એક યુદ્ધ જીતીને પાછો આવ્યો, પરંતુ સમ્રાટ નીરોની ધૂનના કારણે આખા સૈન્યને કારણ વગર એક સપ્તાહ રોમની બહાર રહેેવા નીરોએ હુકમ કર્યો. એ સમયગાળામાં નીરોનો એકમાત્ર વફાદાર પણ ડાહ્યો મિત્ર હતો પેટ્રોનિયસ. રોમન લશ્કરનો કમાન્ડર માર્ક્સ પેટ્રોલિયસનો ભત્રીજો થતો હતો.

કમાન્ડર માર્ક્સનો ભેટો એક દિવસ લિજિયા નામની યુવતી સાથે થયો. લિજિયા એક શાંત, શરમાળ પણ ઈસુની અનુયાયી હતી. લિજિયા રોમના એક નિવૃત્ત અને લશ્કરના કમાન્ડર ઓલસ પ્લેસિયસના ઘરમાં દત્તક પુત્રી તરીકે રહેતી હતી. માર્ક્સ લિજિયાની સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયો અને તે લિજિયાના પ્રેમમાં પડી ગયો. કમાન્ડર માર્ક્સ નીરો મારફતે લિજિયાને પત્ની બનાવવા માગતો હતો. એક દિવસે નીરોના સૈનિકો લિજિયાને સમ્રાટ નીરોના મહેલમાં લઈ આવ્યા. તેને કહેવામાં આવ્યું કે તે લિજિયન રાજાની પુત્રી હોઈ તેને રોમના સમ્રાટના નિરીક્ષણ હેઠળ જ હવે રાખવામાં આવશે. આ વાત સાંભળતાં જ લિજિયાના પ્રેમમાં પડી ગયેલો માર્ક્સ તેના કાકા પેટ્રોનિયસને મળવા ગયો.

આ તરફ નીરોના મહેલમાં લિજિયાને સાચવવાની બધી જ જવાબદારી નીરોની ભૂતપૂર્વ મિસ્ટ્રેસ આક્તેને સોંપવામાં આવી. થોડા દિવસ પછી સમ્રાટ નીરોએ તેના મહેલમાં ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું. એ રાત્રે લિજિયાએ સુંદર વસ્ત્રો પહેર્યાં હતાં. એ દરમિયાન એણે પાર્ટીમાં રોમન કમાન્ડર માર્ક્સને જોયો. એણે ખૂબ દારૂ પીધેલો હતો. એ લિજિયાની નજીક આવ્યો અને તેને સ્પર્શ કરવા પ્રયાસ કર્યો. દરમિયાન લિજિયાનો ઉરસસ નામનો અંગત પણ શક્તિશાળી રક્ષક દોડી આવ્યો અને તે લિજિયાને માર્ક્સની સતામણીથી દૂર લઈ ગયો. એ રક્ષક પણ લિજિયન જ હતો. કમાન્ડર માર્ક્સ લિજિયાને શોધવા તેની પાછળ પડયો, પરંતુ વફાદાર નોકર ઉરસસ લિજિયાને લઈ ક્યાંક અદૃશ્ય થઈ ગયો.

લિજિયાના પ્રેમમાં પડી ગયેલા રોમન કમાન્ડર માર્ક્સ વિનિસિયસે તેના કાકાની મદદથી લિજિયાની ખોજ આદરી. એક દિવસ તેને ખબર પડી કે લિજિયાએ એક ગુપ્ત ગુફામાં રહેતા કેટલાક ઈસુના અનુયાયીઓ સાથે આશ્રય લીધો છે. એ જ સમયગાળામાં સમ્રાટ નીરોની પુત્રી મૃત્યુ પામી. એ પુત્રીને લિજિયાએ મારી નાખી છે તેવો ખોટો આરોપ લિજિયા પર મૂકવામાં આવ્યો. નીરોના વફાદાર મિત્ર પેટ્રોનિયસે નીરોના ખૌફથી લિજિયાને બચાવવા કોશિશ કરી. નીરોનું ધ્યાન બીજે વાળવા પેટ્રોનિયસે નીરોને તેના પરિવાર સાથે રોમથી દૂર એન્સિયમ નામના સ્થળે ગ્રીષ્મ-મહેલમાં થોડા દિવસ રહેવા જવા સૂચવ્યું. નીરો સંમત થયો. નીરો તેના મહેલમાં ફિડલ વગાડતો તે દરબારીઓએ સાંભળવું પડતું અને તેની પ્રશંસા કરવી પડતી.

એક દિવસ માર્ક્સ વિનિસિયસ બે જાણીતા ગ્લેડિયેટર્સની મદદથી લિજિયા જે ગુપ્ત સ્થળે બીજા ખ્રિસ્તીઓ સાથે રહેતી હતી ત્યાં છૂપાવેશે પહોંચી ગયો. એ લોકો અહીં લિજિયા અને તેના રક્ષક ઉરસસને જોઈ ગયા. માર્ક્સે લિજિયાનો પીછો કરી લિજિયાનો કબજો લેવા પ્રયાસ કર્યો, પરંતુ ભાગતી વખતે સશક્ત ઉરસસના મુક્કાથી બેભાન થઈ ગયો. તે હવે એક ખ્રિસ્તીના ઘરમાં હતો. એણે લિજિયાને જોઈ. બેઉ વચ્ચે ખુલ્લા દિલે વાત થઈ. લિજિયા બોલી, “એવું નથી કે હું તમને ચાહતી નથી. હું પણ તમને ચાહું છું, પરંતુ મારી શ્રદ્ધા ઈસુ ખ્રિસ્તમાં છે.” કેટલાક સમય બાદ રોમન કમાન્ડરે પણ ઈસુ ખ્રિસ્તના ઉપદેશોમાં શ્રદ્ધા વ્યક્ત કરી. લિજિયા અને કમાન્ડર માર્ક્સે લગ્ન કરવાનું નક્કી કર્યું. ઈસુના પરમ અનુયાયી પીટરે તેમને આશીર્વાદ આપ્યા.

લગ્ન બાદ કમાન્ડર માર્ક્સ રોમથી દૂર ગ્રીષ્મ મહેલમાં સમય ગાળી રહેલા સમ્રાટ નીરોને મળવા ગયો જ્યારે લિજિયાને એણે રોમમાં જ રહેવા દીધી. નીરો આ ગ્રીષ્મ મહેલમાં હજુ કવિતાઓ રચતો હતો અને ગાતો હતો. એ પછી એણે તેના દરબારીઓને તથા તેના વફાદાર મિત્ર પેટ્રોનિયસને બોલાવી નવા રોમનું એક ભવ્ય મોડલ બતાવ્યું. વફાદાર પણ ડાહ્યા મિત્ર પેટ્રોનિયસે નીરોને ખુશ કરવા કહ્યું, “નવા રોમની ડિઝાઇન તો અત્યંત સુંદર છે, પરંતુ પુરાણા રોમની પણ એક મહત્તા છે.”

પાગલ નીરોએ કહ્યું, “જૂના રોમને મિટાવી દેવા આખા રોમને આગ લગાડી દો.”

થોડી જ વારમાં રોમન સૈનિકોએ નીરોના હુકમથી પુરાણા રોમના પ્રત્યેક ઘરને આગ લગાડી દીધી. આખું રોમ ભડભડ બળવા લાગ્યું. લોકોના ઘર સળગી રહ્યાં હતાં અને રોમનો પણ તેમાં બળી રહ્યા હતા ત્યારે નીરોએ એની પરવા કર્યા વિના રોમથી દૂર તેના ગ્રીષ્મ મહેલના ઝરૂખામાં બેસી ફિડલ વગાડવા માંડી. તેનો મિત્ર પેટ્રોનિયસ નીરોના આ ગાંડપણ અને ક્રૂરતાથી બહુ જ દુઃખી થઈ ગયો.

રોમ સળગી રહ્યું છે તે જાણ્યા બાદ રોમન કમાન્ડર માર્ક્સ રોમ તરફ દોડયો, કારણ કે તેની પત્ની લિજિયા હજુ રોમમાં જ હતી. આ તરફ નીરોએ એવી ખોટી જાહેરાત કરી કે, “રોમમાં છુપાયેલા ઈસુના અનુયાયીઓેએ જ રોમને આગ લગાડી દીધી છે, તેથી તેમને સજા કરવી પડશે.”

રોમન સૈનિકોએ કમાન્ડર માર્ક્સને જ રોમમાં પ્રવેશતાં રોકવા પ્રયાસ કર્યો, પરંતુ માર્ક્સ લિજિયા અને બીજા ખ્રિસ્તીઓ જ્યાં આશ્રય લઈ રહ્યા હતા ત્યાં પહોંચી ગયો. બરાબર એ જ વખતે ઈસુના અનુયાયી પીટરના હસ્તે કમાન્ડર માર્ક્સે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. આ ઘટનાના થોડા સમયમાં જ નીરોએ કમાન્ડર માર્ક્સ, લિજિયા, પીટર સહિત ઈસુના તમામ અનુયાયીઓને પકડી લીધા અને બધાંને જેલમાં પૂરી દીધાં. નીરોના વફાદાર સાથી અને સલાહકાર પેટ્રોનિયસે ઈસુના અનુયાયીઓને મારી તેમને શહીદ ન બનાવવા અને તેમની શહીદીથી રોમનોને ન ઉશ્કેરવા સલાહ આપી અને છેલ્લે પોતાના કાંડાની નસ કાપીને પેટ્રોનિયસે આપઘાત કરી લીધો. મૃત્યુસંદેશમાં એણે નીરોને કાગળમાં જણાવ્યું કે, “તમારી ધૂન અને પાગલપણાથી ત્રાસીને હું આત્મહત્યા કરી રહ્યો છું. તમારા ડરના કારણે હું તમને કોઈ જ સાચી વાત આજ સુધી કહી શક્યો નથી.”

આ તરફ નીરોએ ખ્રિસ્તીઓ પર રોમને સળગાવવાનો આરોપ મૂકી રોમનોની રમતગમતના ભવ્ય મેદાન – એરેનામાં જ રોમનોની હાજરીમાં એ બધા ખ્રિસ્તીઓને જાહેર અને ક્રૂર સજા કરવાનો નિર્ણય લીધો.

રોમના સમ્રાટ નીરોની ખૂબસૂરત પણ કામુક પત્ની ક્વીન પોપિયા રોમન કમાન્ડર માર્ક્સને પોતાના વશમાં કરી પોતાની વાસના સતોષવા માગતી હતી, પરંતુ માર્ક્સ લિજિયાને ચાહતો હોઈ તેણે ક્વીનની એ માગણી અગાઉ ફગાવી દીધી હતી. હવે માર્ક્સ કેદમાં હોઈ ક્વીન પોપિયા રોમન ગેમ્સના એરેનામાં તેની હત્યા થઈ જાય તેવી ગેમની ખોજમાં હતી.

લિજિયાને એ જ મેદાનમાં એક થાંભલા સાથે બાંધી દેવામાં આવી. એરેનાની ભીતરનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો. એક ખતરનાક વાઇલ્ડ બુલ તેમાંથી બહાર આવ્યો. તે હિંસક બુલ થાંભલા સાથે બાંધેલી લિજિયાના શરીરમાં તેના અણીદાર શિંગડાં ઘુસાડી દેવા દોડયો. લિજિયાના રક્ષક ઉરસસે બુલ સાથે લડાઈ કરીને લિજિયાને બચાવવાની હતી. હિંસક બુલ અને ઉરસસ વચ્ચે ભયંકર સંઘર્ષ થયો. ઉરસસે જંગલી બુલનાં શિંગડાં પકડી લીધાં અને બુલની ડોક મરડી નાખી. સમ્રાટ નીરો અને હજારો પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા. નીરો પોતાના બુલને મારી નાખનાર ઉરસસ અને લિજિયાને ખતમ કરી દેવા હુકમ કરવા ઊભો થયો, પરંતુ હજારો રોમનોએ ‘દયા… માફી’ની ચિચિયારીઓ કરી. નીરો લોકોનો મિજાજ પારખી ગયો. સમ્રાટ નીરોએ તેની આસપાસ નજર કરી. તેના વફાદાર દરબારીઓએ પણ અંગૂઠો ઊંચો કરી પ્રજાની માગણીને પોતાનું સમર્થન આપ્યું. લોકોની ઇચ્છાનો વિરોધ કરવામાં અશક્તિમાન બની ગયેલા નીરોએ તેની ઇચ્છા વિરુદ્ધ માર્ક્સની પત્ની લિજિયા અને તેના અંગરક્ષક ઉરસસને મુક્ત કર્યાં.

હજારો રોમનોની ચિચિયારીથી નીરો હવે ગભરાયો હતો. લોકોનો મિજાજ બદલાઈ ચૂક્યો હતો. લોકો હવે નીરોના જુલમી શાસનનો અંત ઇચ્છતા હતા. રોમન ગેમ્સના એરેનામાં લિજિયા અને તેના અંગરક્ષકને મારી નાખવાની નીરોની ચેષ્ટા લોકોેને પસંદ આવી નહોતી. વળી, આ હિંસક દૃશ્યો નિહાળવા ક્વીન પોપિયાએ કમાન્ડર માર્ક્સને પણ એક પીંજરામાં કેદ રાખ્યો હતો, જેથી પોતાની પત્નીનો અંત પોતાની આંખે જ નિહાળી શકે. આવા ક્રૂર શાસનનો લોકો અંત ઇચ્છતા હતા. હવે રોમન લશ્કરના બીજા કમાન્ડારોએ જ માર્ક્સને પણ મુક્ત કર્યો. તેને મુક્ત કરવામાં લિજિયન પ્રાંતના વફાદાર અધિકારીઓએ મહત્ત્વપૂર્ણ ફાળો ભજવ્યો.

કમાન્ડર માર્ક્સે મુક્ત થતાં જ એરેનામાં જઈ લોકોને કહ્યું, “રોમને આગ લગાડનાર ખ્રિસ્તીઓ નહીં, પરંતુ ખુદ સમ્રાટ નીરો હતો. તેના હુકમથી જ સૈનિકોએ રોમને આગ લગાડી દીધી હતી.

હવે નીરો સામે બળવો એ જ એક વિકલ્પ છે.”

હજારો રોમનોએ કમાન્ડર માર્ક્સની વાત સ્વીકારી. નીરો સામે એ જ ક્ષણે બળવો થયો. લોકો નીરોને મારવા દોડયા. હજારો રોમનોથી બચવા નીરો તેના મહેલમાં દોડયો. તેની પાછળ તેની પત્ની ક્વીન પોપિયા પણ ભાગી. મહેલમાં તેના ખંડના દરવાજા બંધ કરી દીધા. સૌથી પહેલાં તો નીરોએ તેની પત્ની પોપિયાનું ગળું દબાવ્યું. તેણે ખ્રિસ્તીઓ અંગે પોતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકી નીરોએ ક્વીન પોપિયાનું ગળું દબાવી હત્યા કરી નાખી. નીરોએ પોતાના પેટમાં ખંજર ભોંકી આત્મહત્યા કરી લેવા નિર્ણય કર્યો, પરંતુ તેનામાં એમ કરવાની પણ હિંમત નહોતી. એ વખતે તેની પૂર્વ મિસ્ટ્રસ તેની મદદે આવી અને તેણે નીરોને પોતાના પેટમાં ખંજર ઘુસાડવામાં મદદ કરી અને નીરો ત્યાં જ ઢળી પડયો.

કમાન્ડર માર્ક્સે જાહેરાત કરી, “જનરલ ગાલ્બા હવે રોમ તરફ આવી રહ્યા છે અને તેઓ હવે રોમના સમ્રાટ નીરોનું સ્થાન લેશે.”

‘Quo Vadis’ નવલકથાની કહાણી અહીં પૂરી થાય છે, પરંતુ આ નવલકથાનું નામ ‘Quo Vadis’ કેમ તે પણ જાણવા જેવું છે. આ કથામાં ઈસુના અનુયાયી પીટરનું નામ આવે છે, જે સમ્રાટ નીરોના શાસન દરમિયાન લોકોમાં ઈસુના ઉપદેશનો ફેલાવો કરતા હતા. રોમમાં ગુપ્ત જગાએ રહીને પણ ઈસુના અનુયાયીઓને ધર્મમય જીવન જીવવાનું તેઓ શીખવતા હતા. આ એ જ પીટર હતા જેઓ પાછળથી સેન્ટ પીટર તરીકે ઓળખાયા. તેઓ રોમમાં હતા ત્યારે નીરો તેમને પણ શૂળીએ ચડાવવા માગતો હતો. તેઓ એ શૂળીથી બચવા રોમ છોડી રહ્યા હતા ત્યારે રસ્તામાં પુનઃ પ્રગટ થયેલા જિસસ મળી ગયા. પીટરે જિસસને પૂછયું, ‘\Quo Vadis’ (એટલે કે, “ક્યાં જઈ રહ્યા છો?” એ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “હું ફરી રોમમાં શૂળીએ ચડવા હાજર રહ્યો છું.”

જિસસનો આ જવાબ સાંભળી પીટર સમજી ગયા કે મારે પણ જિસસની જેમ શૂળીએ ચડવાનંુ જ છે. આ દર્શન માત્ર તેમના શિષ્ય પીટરને જ થયું હતું. પીટર સમજી ગયા અને ડર્યા વિના રોમ પાછા ફર્યા. રોમમાં નીરોના સૈનિકોએ તેમની ધરપકડ કરી અને પીટરને રોમની વેટિકન ટેકરી પર નીરોએ શૂળીએ ચડાવી દીધા. આજે એ જ સ્થળે સેન્ટ પીટરનું ભવ્ય ચર્ચ રોમ-વેટિકન સિટીમાં બનેલું છે અને વિશ્વના કરોડો ખ્રિસ્તીઓનું યાત્રાસ્થળ છે. આ એ જ સેન્ટ પીટરનું ભવ્ય ચર્ચ છે જેના પ્રાંગણમાં નાતાલ વખતે આખા વિશ્વના હજારો ખ્રિસ્તીઓ એકત્ર થાય છે અને ચર્ચના ઝરૂખામાંથી નામદાર પોપ આશીર્વચનો ઉચ્ચારે છે, જેનું જીવંત પ્રસારણ આખા વિશ્વમાં થાય છે.

‘Quo Vadis’ના શીર્ષક હેઠળ પોલેન્ડના લેખક હેન્રિક સિએન્ટકિવિક્ઝ દ્વારા પોલિશ્ડ ભાષામાં લખાયેલી ક્લાસિક નવલકથાને આજે ૨૦૦થી વધુ વર્ષ થયાં છતાં ઈસુમાં શ્રદ્ધા ધરાવતા વિશ્વના કરોડો અનુયાયીઓની પ્રિય સાહિત્યકૃતિ છે. આ નવલકથાનું વિશ્વની ૪૮ જેટલી ભાષામાં ભાષાંતર થયેલું છે. એ પ્રગટ થઈ ત્યારે પહેલા જ વર્ષમાં આઠ લાખ નકલો એકમાત્ર ફ્રાન્સ અને બ્રિટનમાં જ વેચાઈ ગઈ હતી. આ નવલકથા લખવા બદલ પોલિશ્ડ લેખક હેન્રિક સિએન્ટકિવિક્ઝને ૧૯૦૫ની સાલમાં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ એનાયત થયું હતું.

Be Sociable, Share!