Close

અંગ્રેજનું માથું ઉતારી લાવનારને રૂ.૧૦ હજારનું ઈનામ અપાશે

કભી કભી | Comments Off on અંગ્રેજનું માથું ઉતારી લાવનારને રૂ.૧૦ હજારનું ઈનામ અપાશે

સર એડવીન આર્નોલ્ડ.

તેઓ અંગ્રેજી ભાષાના કવિ અને પત્રકાર પણ હતા.

તેઓ એક અંગ્રેજ હોવા છતાં એશિયાની તમામ ભાષાઓ પ્રત્યે ગજબનાક પ્રેમ અને રુચિ ધરાવતા હતા. તેમનો જન્મ તા.૧૦ જૂન,૧૮૩૨ના રોજ ગ્રેવ સેન્ડ, કેન્ટ ખાતે થયો હતો. તેઓ સસેક્સ  ઇંગ્લેન્ડના મેજિસ્ટ્રેટ રોબર્ટ કોલ્સ આર્નોલ્ડના બીજા નંબરના પુત્ર હતા. રોચેસ્ટરની કિંગ્સ સ્કૂલ અને તે પછી કિંગ્સ કોલેજ, લંડનમાં ભણ્યા હતા. તે પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયા. ભણી લીધા બાદ ર્બિંમગહામની એક સ્કૂલમાં શિક્ષક બન્યા.

ઇ.સ. ૧૮૫૬ની સાલમાં તેઓ ભારતમાં પુનાની સરકારી સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ તરીકે નિમાયા. ભારતીયો માટે આશ્ચર્યની વાત એ હતી કે એક અંગ્રેજ સંસ્કૃત ભણાવવાનો હતો. એ સમય અંગ્રેજો સામેના  ૧૯૫૭ના બળવાનો પણ હતો.

એક અંગ્રેજ વ્યક્તિ સંસ્કૃત કોલેજના આચાર્ય તરીકે આવે તે સામે વિરોધ કરનારા ઘણા હતા. ૧૮૫૭ના બળવાના સમયે સર એડવીન સરકારી કોલેજ પર ગયા તો બહાર બોર્ડ પર  કોઇકે લખ્યું હતું : ‘સર એડવીનનું માથું ઉતારી લાવનારને રૂ. ૧૦,૦૦૦નું ઈનામ આપવામાં આવશે.’

સર એડવીન સ્વસ્થ રહ્યા. તેમણે એક મોટા હોલમાં બધા જ વિદ્યાર્થીઓને ભેગા કર્યા. તે પછી કોલેજની બહાર લગાવેલું નોટિસ બોર્ડ મંગાવી એક વિદ્યાર્થી પાસે તેની પર જે લખ્યું હતું તે મોટા અક્ષરે વંચાવ્યું. ત્યારબાદ સર એડવીન બોલ્યા : ‘જેણે પણ આ લખ્યું છે તેનો હું આભાર માનું છું. કારણે એણે મારા માથાની કિંમત રૂ. ૧૦,૦૦૦ આંકી છે. પણ હું તેમને જણાવું છું કે, આવું લખનાર  વ્યક્તિ જો મારું માથું મારા ધડ પર રહેવા દેશે તો આગળ જતાં એની કિંમત એથી યે વધુ ઊપજશે.’

તેઓ બસ આટલું જ બોલ્યા.

બધા વિદ્યાર્થીઓને કલાસમાં જવા કહ્યું.

સર એડવીનનું માથું ઉતારી લાવનારને રૂ. ૧૦ હજારનું ઈનામ મળશે એવું લખાણ લખાયું છે તેવા સમાચાર મળતાં અંગ્રેજ સરકારે આવું લખનારની શોધ માટે ડિટેક્ટિવ્સને કામે લગાડયા. પરંતુ સર એડવીને તેમને તેમ કરવા ના પાડી. તેમણે છૂપી પોલીસને કહ્યું : ‘હું અહીં શીખવવા આવ્યો છું નહીં કે શીખવા. મારા આચાર્યપદ હેઠળ કોઇ વિદ્યાર્થી બાળક બુદ્ધિના લીધે તોપના મોઢે મુકાય અને તેના ફુરચા ઊડી જાય તેવું હું કદી ઇચ્છતો નથી.’

સર એડવીન જાણતા હતા કે અંગ્રેજોના શાસનમાં અંગ્રેજ પ્રિન્સિપાલનું માથું કાપી લાવનારને ઇનામ મળશે એવું લખનાર વિદ્યાર્થી પકડાય તો અંગ્રેજો તેને તોપના નાળચે બાંધી ઉડાવી દે. તેમણે એમ ના થવા દીધું.

એ વખતે સર ફરગ્યુસનની સરકાર હતી. તેમની સાથે સર એડવીનને ખૂબ સારો સંબંધ હતો.

સર એડવીન સ્વયં સંસ્કૃત ભાષાના સારા જ્ઞાતા હતા. તેઓ પુનાની મુલા- મુથા નદીના સંગમ  પાસે આવેલા એક મંદિરમાં મંદિરના શાસ્ત્રી પાસે કથા અને ઉપનિષદ અંગે ચર્ચા કરતા. અહીં બેસીને ‘ઓમ’ શબ્દ પર તેમણે ચર્ચેલો સંવાદ પણ અતિ રસપ્રદ છે.

પુનાની આ સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ પદે પૂરા સાત વર્ષ રહ્યા બાદ ઇ.સ.૧૮૬૧માં ઇંગ્લેન્ડ પાછા ફર્યા. અહીં આવ્યા બાદ તેઓ ઇંગ્લેન્ડના જાણીતા અખબાર ‘ડેલી ટેલિગ્રાફ’માં પત્રકાર તરીકે જોડાયા. પાછળથી તેઓ એ જ અખબારના તંત્રી પણ બન્યા.

આ અરસામાં એટલે કે ઇ.સ. ૧૮૭૫ની સાલમાં તેમણે લખેલું મશહૂર પુસ્તક- ‘લાઇટ ઓફ એશિયા’ બહાર પડયું. ૧૮૯૮ સુધીમાં તેની ૧૮૦ આવૃત્તિઓ થઇ. આ પુસ્તક લખવા બદલ સિયામના રાજાએ સર એડવીનને ‘વ્હાઇટ એલિફન્ટ’નો ચંદ્રક આપી તેમને નાઇટહૂડ બક્ષ્યું. તેઓે ‘સર’ની ઉપાધીથી નવાજાયા. આ અતિ વિખ્યાત પુસ્તક વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થયું. બૌદ્ધ મઠોમાં પણ આ પુસ્તક ધર્મસમાન આદર  પામ્યું. ભગવાન બુદ્ધ અને તેમના દર્શનશાસ્ત્ર પર આવું પુસ્તક ભાગ્યે જ લખાયું છે.

નોંધપાત્ર વાત એ છે કે  સર એડવીને ‘લાઇટ ઓફ એશિયા’  પુસ્તક લંડન અને તેના પરાંઓ વચ્ચે દોડતી લોકલ ટ્રેનમાં  રોજેરોજની મુસાફરી દરમિયાન લખ્યું હતું. તે કાવ્ય શૈલીમાં હતું.

સર એડવીનની સ્મરણશક્તિ ગજબનાક હતી. એક વાર કોઇ પુસ્તક વાંચ્યું હોય તો વર્ષો પછી પણ કઇ લાઇન કયા પાના નંબર પર છે તે તેઓ કહી દેતા.

એકવાર તેઓ ટયૂનિઝ ગયા હતા. અહીં આગલા દિવસે જ ધરતીકંપ થયો હતો. અહીં ફરતાં ફરતાં તેઓ એક સ્કૂલ પાસે આવ્યા જ્યાં એક ફ્રેન્ચ શિક્ષક તૂટી-ભાંગી ગયેલા ઓરડાની વચ્ચે પણ થોડા વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવતો હતો. તેને જોઇ સર એડવીને તેના હાથમાં ગ્રીક પુસ્તક પોતાના હાથમાં લઇ ફટાફટ એ લીટીઓ શોધી કાઢી જેમાં લખ્યું હતું : ‘તે માણસની હિંમત વખાણવા લાયક છે જે ધરતીકંપ કે તોફાનની પણ  દરકાર કર્યા વિના પોતાનું કાર્ય રાબેતા મુજબ કરે છે.’

ધરતીકંપના બીજા જ દિવસે બાળકોને ભણાવતાં શિક્ષકને જોઇ આવી બહાદુરી માટે કયા પુસ્તકમાં કયાં લખ્યું છે તેનું પણ તેમને સ્મરણ હતું.

સર એડવીન યુરોપની ફ્રેન્ચ,  જર્મન, સ્પેનિશ, ગ્રીક, ટર્કી, લેટિન અને તે ઉપરાંત રશિયન ભાષા પણ જાણતા હતા. એશિયાની સંસ્કૃત, ફારસી, હિન્દી, ટર્કીશ,  ચાઇનીઝ, હવાઇ અને જાપાની ભાષા પણ જાણતા હતા.

એ પછી તેઓ આફ્રિકાના પ્રવાસે ગયા. આફ્રિકાના ના શાધાયેલા ભાગોની શોધખોળ માટે એ વખતના જાણીતા મુસાફર સર સ્ટેન્લીએ તેમને પોતાના ખર્ચે આફ્રિકા મોકલ્યા હતા. કદી ના ખૂંદાયેલા આફ્રિકાના દૂર દૂરના વિસ્તારો ખૂંદી વળ્યા. આફ્રિકાની એક નદીને ‘એડવીન આર્નોલ્ડ રીવર’ અને એક પર્વતને ‘એડવીન આર્નોલ્ડ’ એવા નામ પણ આપવામાં આવ્યાં છે.

તેઓ ફરી ભારત આવ્યા. ઇ.સ. ૧૮૮૬માં તેમણે આગ્રાના તાજમહાલની મુલાકાત લીધી. અલવરના મહારાજાએ તેમની લાઇબ્રેરીમાં એક અંગ્રેજને જોઇ સર એડવીન આર્નોલ્ડને ‘દ્વિજ સત્તમ્’ એટલે કે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ અથવા સંસ્કારોમાં શ્રેષ્ઠ કહી તેમને આવકાર આપ્યો. અહીં દ્વિજ શબ્દ ‘જ્ઞાન’ એમ અભિપ્રેત હતું.

આશ્ચર્યની વાત એ છે કે સર એડવીન આર્નોલ્ડને ‘ઇમાનના મોતી’ લખવા બદલ ટર્કીના  સુલતાન અબ્દુલ હમીદ ઓસમાનિયાહે  હીરાજડિત ચાંદ એનાયત કર્યો. એ જ રીતે એ વખતના ઇરાનના શાહ નસીરુદ્દીને ‘તાજમહેલના બાગમાં એક રાત ‘ નામની કૃતિ માટે શીરો ખુરશીદનો ચંદ્રક આપ્યો. જાપાનના રાજા મિકાડોએ સર એડવીનને જાપાનનું નાઇટહૂડ આપ્યું. આ એક પ્રકારની ‘સર’ની પદવી છે.

ઇંગ્લેન્ડના મહારાજાએ તેમને ‘સર’નો ઇલ્કાબ બક્ષી નાઇટહૂડ આપ્યું.

પાછલી વયમાં તેઓ બંને આંખે અંધ થઇ ગયા હતા. આ હાલતમાં પણ તેમણે ‘વોયેજ ઓફ ઇથાબેલ’ પુસ્તક લખ્યું જેમાં એ જમાનાની  કઠિન આફ્રિકાની યાત્રાનું વર્ણન કર્યું હતું. આફ્રિકાની પહેલીવહેલી શોધ કેવી રીતે થઇ તેનું વિસ્તૃત બયાન આ પુસ્તકમાં છે.

તા. ૨૪ માર્ચ, ૧૯૦૪ના રોજ તેમનું નિધન થયું.

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!