સમ…સમ… વહી જતી રાત્રિ લગભગ અડધી મંજિલ વટાવી ચૂકી હતી. તારલિયાઓનો દરબાર ભરાયો હતો અને તેઓ ઝબકારા મારતાં સાંકેતિક વાતો કરી રહ્યા હતા. સિંહાસને બિરાજેલા પેલા ચંદ્રમા પરથી વાદળી
ઝડપભેર પસાર થઈ રહી હતી. તમરાં સંગીત વહાવી જાણે સૌને રીઝવી રહ્યાં હતાં.
રાત્રિના અંધકારમાં ઓગળી ગયેલું રામપુર ગામ પણ સ્તબ્ધ થઈ આ અલૌકિક મહેફિલમાં એકાકાર થઈ ગયું હતું.
‘ખટ…ખટ…’
ગામના છેવાડે આવેલા માટીના એક ઓરડાના જર્જરિત બારણાંની સાંકળ ખખડી. ફરીથી ખટ…ખટ… અવાજ આવ્યો અને ચ્યું…ઉં..ઉં… અવાજ સાથે હળવેથી બારણું ખૂલ્યું. અંધકારમાંથી આવેલું કોઈક વધુ ગાઢ અંધકારવાળા ઓરડામાં દાખલ થયું અને હળવેથી બારણું બંધ થયું.
‘આજે કાંઈ વે’લા આવ્યા !’ રૂપાએ ધીમેથી પૂછયું
‘હું…અ…’
માત્ર ટૂંકો ઉત્તર વાળી એણે રૂપાને પોતાની તરફ ખેંચી.
‘પરણ્યાને પાંચ વરસ થયાં તોય તમે એવા જ રહ્યા.’
રૂપાએ છણકો કર્યો. તે વધુ ખીજવવા દૂર ઊભી રહી અને બોલી ઃ’મૂઈ, આ આદમીની જાત ! ભરેલું ખેતર એમનું એમ પડયું છે ને અડધી રાતે અહીં શું દાટયું’તું તે ઘેર દોડયા ?’
થોડીક વાર શાંતિ પ્રસરી રહી. ખૂણામાં ઊભેલી રૂપાએ ફરીથી હસતાં હસતાં કહ્યું ઃ ‘સારું… તો દીવો નથી સળગાવતી, ખેતરમાં રાતવાસો મૂકીને ઘે૨ કેમ આવ્યા એમ પૂછયું એટલામાં તો ખોટું લાગ્યું? હવે જલદી પાછા ખેતરમાં જવું છે કે નહીં? મકઈ રેઢી પડી છે !’
રૂપાએ મનામણાં કરતાં કરતાં જવાબદારીનું પણ ભાન કરાવ્યું.
અંધારા ઓરડામાં ફરી નીરવ શાંતિ પ્રસરી. થોડીક વાર માટે બંગડીઓ ખનકી રહી અને એ મધુર અવાજ ઓરડાની બહાર સૂતેલા પેલા ડાઘિયા કૂતરાએ કદાચ સાંભળ્યો કે કેમ તે તો તે જ જાણે.
હા, થોડીક વારે ફરીથી એ બારણું ખૂલ્યું ત્યારે ડાઘિયાએ ફરીથી આંખ ખોલી.
‘આજે લાકડી લીધા વગર આવ્યો છે? ભલી તારી એ ટેવ આજે ભૂલી ગયો ? લે આ સોટું હાથમાં રાખ. રાતનો સમય છે અને સવારે ઝટ આવજે.’ઃ એટલું બોલી રૂપાએ વહાલથી વિદાય આપી અને ડાઘિયો ભસવા માંડયો.
‘મૂઆ, આ તારા ધણીને નથી ઓળખતો તે અડધી રાતેય ભસ્યા કરે છે ! ચૂપ મર.’
રૂપાએ ડાઘિયાને ધમકાવી નાખ્યો ને તે ચૂપ થઈ ગયો. બારણું ફરીથી ભિડાઈ ગયું.
* * *
પૂનમ રૂપાને પાંચ વર્ષ પહેલાં પરણી લાવ્યો ત્યારે આખાયે ગામમાં પૂનમની વાહવાહ થઈ ગયેલી. રૂપાનું નામ સાર્થક કરવામાં બ્રહ્માએ પણ પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હશે. જ્યારે તે નવી નવી પરણીને આવી અને પહેલવહેલું માથે બેડું લઈ પાણી ભરવા ગયેલી ત્યારે લાજ કાઢી આખુંયે મોઢું ઢાંકેલું હોવા છતાં વસ્ત્રોમાં લપેટાયેલી એની દેહલતાની સુકુમારતા ગામમાં ઘણાંને માટે ઈર્ષાનું સ્થાન થઈ બેઠી. તેથી જ તે દિવસથી પૂનમના દોસ્ત પણ વધી પડયા. કોઈ ને કોઈ હિસાબે તેઓ પૂનમના ઘેર જવા પ્રયત્ન કરતા. તેઓને ખબર હોય કે પૂનમ ઘે૨ નથી તોય કોઈ તો ઘેર જઈ પૂછતા ઃ ‘ભાભી, પૂનમભાઈ છે કે ખેતરમાં કાઢી મેલ્યા છે?’
રૂપા પણ હસીને ટૂંકો ઉત્ત૨ વાળતી ઃ ‘મારા કરતાં તમને વધારે ખબર.’ પણ રૂપા આવા લોકોની નફ્ફટાઈને બરાબર ઓળખતી તેથી જ તે એમને ‘આવો…’ કે ‘બેસો…’ એમ કહેવાનો વિવેક પણ ન કરતી અને પૂનમને એવા ભાઈબંધોની થતી ઉપેક્ષા સામે કશો વાંધો પણ નહોતો.
ગામમાં પૂનમની ગણતરી પણ એક સજ્જન ખેડૂત તરીકે થતી. મૃદુભાષી તેની જીભે સૌ કોઈના દિલ જીતી લીધાં હતાં. ગામમાં પૂનમ નીકળે એટલે જે કોઈ નાનું કે મોટું સામે મળે તેની સાથે તે પ્રેમથી બોલતો જાય ને હસતો જાય અને તેથી સ્તો જ્યારે પૂનમના વિવાહ થયા ત્યારે આખાયે ગામને પોતીકો આનંદ થયો હતો. તેના ઘેર તે દિવસે ગોળ ખાવા આવવામાંથી કોઈ બાકી ન હતું.
પૂનમને નાનો મૂકીને બાપ મરી ગયેલા, પણ તેની મા ભારે કઠણ કાળજાની. તેણે આ હૈયાના હીરનું જતન કરવાની એકમાત્ર લાલસાને આધારે બાકીનું જીવન ગુજાર્યું હતું અને પૂનમને પરણાવવાના દિવસ સુધી જીવી શકી હતી.
જે દિવસે પૂનમનો વિવાહ આવ્યો તે દિવસે પૂનમની મા સીધી જ ગામના શેઠના ઘે૨ દોડી ગયેલી અને કરગરીને પણ થોડાક જ રૂપિયાનો અને ઉનાળે લગ્ન વખતે વધુ રકમનો બંદોબસ્ત કરીને જ ઘેર પાછી ફરી હતી. અલબત્ત, પૂનમના બાપે સંઘરેલી દસેક વીઘા જમીન ગીરે લખાવી લેવાનું શેઠ ચૂક્યા નહોતા. પણ દીકરાના લગ્નના ઉમળકા આગળ એ જમીનના ટુકડાની શી કિંમત !
વિવાહના ચાર જ મહિના બાદ લગ્ન લેવાયાં. તે ઘડીએ પણ પૂનમની માએ આખેય ગામને નોતર્યું અને ભભકદાર ફુલેકું કાઢયું. હોંશે હોંશે પૂનમને રૂપા સાથે પરણાવી દીધો અને બીજા દહાડે તો એ નાનકડા ઘરમાં રૂમઝૂમ કરતાં વહુનાં ઝાંઝરથી માટીની દીવાલોમાં પણ પ્રાણ આવી ગયા.
રૂપા પણ એક સામાન્ય ઘરની દીકરી હતી. બાના ઘે૨ પણ અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠી ઘડાઈને આવી હતી. મહેનત, મજૂરી અને કરકસરની ત્રેવડ એણે સંપાદન કરી હતી એથી પૂનમના ઘર માટે એને કોઈ તકલીફ નહોતી. જોેકે એમનાં લગ્નના એકાદ વર્ષ બાદ રૂપાની સાસુ પણ ગુજરી જતાં એ નાનકડા પરિવારની જવાબદારી રૂપાએ ઉપાડી લીધી. પૂનમનો જીવ પણ ભારે કાઠો. રાત-દિવસ મહેનત ફૂટતો. એકાદ-બે જણની જમીન પણ ભાગે વાવવા રાખતો, તો કોઈકવાર ગામમાંથી કોઈનો માલ-સામાન સ્ટેશન સુધી લાવવો, લઈ જવો હોય તોય એના બે નાના નાના બળદ ગાડે જોેડી તૈયાર થઈ જતો. ખેતરમાં પોતાના કામ માટે તેઓ કદી દાડિયા રાખતાં નહીં અને રૂપા પણ કાછોટો મારી પૂનમને મદદ કરી લેતી.
લગ્ન બાદ એક જ વરસમાં તો પૂનમ શેઠના કરજમાંથી છૂટી ગયો. કૂવાવાળું ખેતર પણ તેણે ગીરોમાંથી છોડાવી લીધું હતું.
અને એમ પૂનમ અને રૂપાના નાનકડા સંસા૨૨થનાં ચક્રો આગળ ધપી રહ્યાં હતાં. હા, તેઓને એક ખોટ હતી. માત્ર સંતાનની. પણ રૂપાને આત્મશ્રાદ્ધા હતી કે તેનો ખોળ હંમેશાં માટે કદી ખાલી નહીં રહે.
* * *
તે રાત્રે રૂપાને ઊંઘ ના આવી. તરેહતરેહના વિચારોથી તેનું મન ઘેરાવા માંડયું…! પૂનમ કેવો ગાંડો છે…!! આજે વળી અડધી રાતે એને શું સૂઝયું હશે તે તૈયા૨ પડેલા પાકવાળું ખેતર રેઢું મૂકીને મારી પાસે આવ્યો ? કદાચ… ના… ના… એમ તો કદી મારી પર શંકા લાવે એવો નથી. તો શું મારું પેટ હજુ ખાલી છે તે… એનો કોઈ ગુસ્સો…! ના, ના… એ એવો છે જ નહીં.’
આમ ને આમ ચગડોળે ચડેલું રૂપાનું મન ભાતભાતની શંકા-કુશંકાઓ વચ્ચે ઘેરાયું અને તેની આંખ ફરીથી ન જ મીંચાઈ. છેક પરોઢિયે કૂકડો બોલ્યો ત્યાં સુધી તે ખાટલામાં પાસાં બદલતી રહી.
* * *
થોડોક ઉજાસ થતાં જ ફરીથી બારણું ખખડયું. રૂપાએ સ્વસ્થ થઈ બારણું ખોલ્યું અને તેના પતિ પૂનમ સામું જોેઈ થોડુંક હસી લજ્જાથી મોં નીચે કરી દીધું. દાતણ કરી પૂનમ ચા પીવા ખાટલે બેઠો અને એકાએક ચમક્યો. તેણે બૂમ મારી ઃ ‘અરે ! ક્યાં ગઈ ?’
રૂપા દોડતી, હાથમાં ડોલ હતી, તેમ ને તેમ જ અંદર આવી અને બોલી ઃ ‘અત્યારના પહોરમાં આ ઘાંટા શાના પાડવા માંડયા છે?’
પૂનમની નજર ખાટલાના એક ખૂણે સ્થિર હતી, તે બોલ્યો ઃ ‘આ મારો રૂમાલ અહીં ક્યાંથી આવ્યો ?’
રૂપા ફરીથી શરમાઈ ગઈ અને બોલી ઃ ‘હવે બહુ ગાંડા થયા વગર રહો. રાતે અચાનક તમે ઘેર આવ્યા અને તમે જ પરસેવો લૂછીને ઈ મેલ્યો હતો…! જતી વેળા કદાચ ભૂલી ગયા હશો, એમાં આ બૂમાબૂમ શેની છે ?’
પૂનમ બોલી ઊઠયો, આ રૂમાલ તો બે દિવસથી મારો ભાઈબંધ કાનો મારી પાસેથી પડાવી ગ્યો’તો, કાલે મેં માગ્યો તોય એણે ના આલ્યો…! મારો બેટો ઘેર આવીને તને ક્યારે આપી ગયો ?’
આ વાત સાંભળી રૂપા થીજી ગઈ. પગ નીચેથી જાણે કે ધરતી ખસી રહી હતી. આંખે અંધારાં આવવા માંડયાં.
હૃદયને કાબૂમાં રાખી તેણે ફોડ પાડતાં પૂછયું, ‘તમે… તમે… સાચું કહો, આ રૂમાલ તમે જ ગઈ કાલે રાતે ભૂલીને નથી ગયા? અડધી રાતે તો તમે…! રાતવાસો ગયેલા પાછા નો’તા આવ્યા ? તો પછી એ કાનો હતો…?’ એટલું બોલતાં જ રૂપા ફસડાઈ પડી.
અને બીજા જ દિવસે અજાણતા થયેલી ભુલને પોતાનું પાપ સમજી પતિવ્રતા રૂપાએ ગામના કૂવામાં ભૂસકો મારી આત્મહત્યા કરી લીધી.
– દેવેન્દ્ર પટેલ