એક જમાનાની અત્યંત રૂપાળી એવી અભિનેત્રી નલિની જયવંતનું થોડા દિવસો પૂર્વે ૮૩ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું.
નલિની જયવંત લાંબા સમયથી મુંબઈના ચેમ્બૂર વિસ્તારના એક નાનકડા બંગલામાં એકાકી જીવન ગાળતાં હતાં. પાછલાં કેટલાંયે વર્ષોથી લોકનજરમાંથી ઓઝલ થઈ ગયેલાં નલિનીની દરકાર ભાગ્યે જ કોઈ કરતું હતું. તેઓ બીમાર હતાં અને તેમની ગંભીર પરિસ્થિતિ જોઈ પડોશીઓએ મ્યુનિસિપલ એમ્બ્યુલન્સ બોલાવી તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યાં. જ્યાં તેમનું અવસાન થયું. તે પછી દૂરના એક સગાએ આવી તેમની અંતિમક્રિયા કરી. બૉલિવૂડની આ મોસ્ટ બ્યૂટીફૂલ એક્ટ્રેસને શ્રાદ્ધાંજલિ આપનાર બે વ્યક્તિ હતા ઃ દેવઆનંદ અને દિલીપકુમાર.
વિશાળ નયન, પૂરા કદના હોઠ અને સુંદર ચહેરો ધરાવતાં નલિની જયવંત અંદરથી ઉદાસ, દુઃખી અને એકાકી હતાં. નલિની જયવંતને તેમના પરિવારે પણ ત્યજી દીધાં હતાં, કારણ કે તેમણે ફિલ્મજગતમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. કાજોલની મમ્મી તનુજા અને માસી નૂતનનાં માતા શોભના સમર્થના કાકા દાદાસાહેબ જયવંતનાં તેઓ પુત્રી હતાં નલિની જયવંત ફિલ્મોમાં કામ કરવા માંગતાં હોઈ તેમના પિતાએ એક વાર તેમને માર માર્યો હતો. દાદાસાહેબ જયવંત મહારાષ્ટ્રના ઉચ્ચ વર્ગમાંથી આવતા હોઈ તેમની પુત્રી ફિલ્મમાં કામ કરે તેને તેઓ એક ખરાબ બાબત સમજતા હતા.
નલિની જયવંતનો જન્મ ૧૯૨૬માં મુંબઈ ખાતે થયો હતો. પરિવારની ઇચ્છા વિરુદ્ધ જઈ નલિની જયવંતે માત્ર ૧૩ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને ૧૯૪૧માં ‘રાધિકા’ નામની ફિલ્મમાં કામ કર્યું. તે પછી તેમણે ‘અનોખા પ્યાર’, ‘સમાધિ’, ‘સંગ્રામ’, ‘મિ. એક્સ’, ‘ખલીફા’, ‘મહેબૂબા’, ‘મુકદ્દર’ અને ‘મુનીમજી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૯૫૮માં બનેલી ફિલ્મ ‘કાલા પાની’માં તેમણે કરેલા રોલ બદલ શ્રોષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો.
નલિની જયવંત જેટલો સમય પણ ફિલ્મોમાં રહ્યાં એટલો સમય તેઓ બીજી અભિનેત્રીઓથી જુદાં પડી જતાં. ‘અનોખા પ્યાર’માં નરગિસ મુખ્ય ભૂમિકામાં હતાં અને નલિની જયવંત સહાયક અભિનેત્રી હતાં, પરંતુ નલિની જ પ્રેક્ષકોના દિલ જીતી ગયાં. એ એમનો એડલ્ટ રોલ હતો. એવી જ રીતે ૧૯૫૮માં બનેલી ફિલ્મ ‘કાલા પાની’માં પણ તેમનો રોલ મધુબાલાને ટપી ગયો. ૧૯૫૦માં ફિલ્મફેરે યોજેલા એક ઓપિનિયન પૉલમાં ભારતીય ચિત્રજગતની સૌથી વધુ સ્વરૂપવાન અભિનેત્રી તરીકેનું સન્માન તેમને પ્રાપ્ત થયું હતું.
બધી મળીને કુલ ૧૮ ફિલ્મોમાં તેમણે કામ કર્યું. તે પૈકી સાત ફિલ્મો અશોકકુમાર સાથે કરી. ૫૦ના દશકમાં તેમની આ તમામ ફિલ્મો બોક્સ ઑફિસ ૫૨ હિટ રહી. ત્રણ ફિલ્મમાં તેમની સાથે દેવ આનંદ અને બે ફિલ્મમાં તેમની સાથે દિલીપકુમાર હતા. ફિલ્મ ‘નાસ્તિક’માં તેઓ અમિતાભ બચ્ચનનાં અંધ માતા બન્યાં.
સેલિબ્રિટીઝફિલ્મ ‘સંગ્રામ’માં કામ કરતાં કરતાં એ જમાનાના મશહૂર કલાકાર અશોકકુમારના પ્રેમમાં પડી ગયાં. એ જમાનામાં એમ કહેવાતું હતું કે, અશોકકુમારે તેમની અગાસીમાં ટેલિસ્કોપ મુકાવ્યો હતો અને નલિની જયવંતે બાઈનોક્યૂલર વસાવ્યું હતું. તેની મદદથી બેઉ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતાં, પરંતુ ૧૯૫૦નો દાયકો પૂરો થાય તે પહેલાં જ તેમની પ્રણયવસંતનો અંત આવ્યો. માત્ર ૧૭ વર્ષની વયે તેઓ ફિલ્મ નિર્દેશક વીરેન્દ્ર દેસાઈ સાથે પરણ્યાં, પરંતુ તેઓ છેતરપિંડીનો ભોગ બન્યાં. તેમના પ્રથમ પતિ વીરેન્દ્રકુમાર પણ ફિલ્મ નિર્દેશક હતા અને બીજા પતિ પ્રભુ દયાલ પણ ફિલ્મ નિર્દેશક હતા. નલિની જયવંતે બે વાર લગ્ન કર્યું. બીજી વારનું લગ્ન તેમણે એ જમાનાના નિર્દેશક પ્રભુ દયાલ સાથે કર્યું અને તે પછી તેમને રોલ મળવાના બંધ થઈ ગયા. એ પ્રભુ દયાલ પણ દારૂ પીવાના રવાડે ચડી ગયા અને ખુદ નલિની પણ. અલબત્ત ૧૯૮૩માં તેમણે ફરી એક વાર ‘નાસ્તિક’ (રિમેઈક)માં કામ કર્યું. ૧૯૫૪માં બનેલી ફિલ્મ ‘નાસ્તિક’માં પણ તેમણે અભિનય કર્યો હતો.
ફિલ્મજગતમાં આવવા બદલ તેમને ઘણી ઊંચી કિંમત ચૂકવવી પડી હતી. તેમનું સૌંદર્ય અને નૈતિકતા એ બધું જ એમણે ખર્ચી નાંખવું પડયું હતું. તેમના જાજરમાન ભૂતકાળમાં પણ તેઓ ખુદ માફ ના કરી શકે તેવી ઘટનાઓ ઘટી હતી. કોઈ અંગત મિત્ર સાથે તેઓ એ બધા દુઃખપ્રસંગો વાગોળતાં હતાં. ૧૯૮૩ પછી તેઓ સાવ એકાંકી જીવન ગાળતાં હતાં. પાછલાં વર્ષોમાં નલિની જયવંતને કોઈ મળવા જતું નહોતું ત્યારે જ એક જ મુલાકાતી ક્યારેક તેમના ઘેર જોવા મળતા અને તે હતા પ્રણય ગુપ્તે. પ્રણય ગુપ્તેનાં મમ્મી નલિનીનાં કાકી થતાં હતાં.
પ્રણય સાથે વાતો કરતી વખતે તેઓ પોતાની જિંદગીનાં પાછલાં જર્જરિત થયેલાં પાનાં ખોલતાં. નલિની જયવંત એ જમાનાનાં અસાધારણ બ્યૂટી ધરાવતાં હોવા છતાં તેમને સાચો પ્રેમ કદીયે કોઈનાય તરફથી મળ્યો નહોતો. વળી બે વાર લગ્ન થવા છતાં તેમને કોઈ સંતાન થયું નહોતું તેનું પણ તેમને ભારે દુઃખ હતું. પરિવારે તો તેમને પહેલેથી જ ત્યજી દીધાં હતાં. પરિવાર સાથે રહેવાનું કેટલું બધું મહત્ત્વનું છે તે વાત તેઓ યુવાન પ્રણયને સમજાવતાં. પ્રણય ગુપ્તે જાણીતા પત્રકાર અને લેખક પણ છે. સગા ભાઈઓ પણ નલિની જયવંત સાથે બોલતા નહોતા. પિતા પણ નહીં. પ્રથમ પતિ વીરેન્દ્ર દેસાઈ સાથેનું લગ્નજીવન ઝાઝું ટક્યું નહીં અને બીજા પતિ પ્રભુ દયાલ સાથે પણ તેઓ સુખી નહોતાં. નલિની પ્રણય સાથેની વાતચીત દરમિયાન કહેતાં હતાં ઃ ‘મારા પિતા દાદાસાહેબ જયવંત અને મારાં કઝીન શોભના સમર્થ પણ ફિલ્મોમાં જાય તેના વિરોધી હતા. દાદાસાહેબ જયવંત કહેતા કે, ‘શોભના, તું ફિલ્મોમાં જઈશ તો કોઈ તારી સાથે લગ્ન નહીં કરે.’ છતાં શોભના સમર્થે અભિનય ક્ષેત્ર સ્વીકાર્યું. ફિલ્મ ડિવિઝન ઑફ ઇન્ડિયા સાથે સંકળાયેલા કુમાર સેન સમર્થ સાથે કામ કર્યું અને નૂતન તથા તનુજાનાં માતા બન્યાં. અલબત્ત, શોભના સમર્થના જીવનમાં પણ એ જમાનાના ચરિત્ર અભિનેતા મોતીલાલ આવ્યા. મોતીલાલ તેમના નહીં જાહેર કરાયેલા પતિ જેવા જ હતા, પણ જાહેરમાં શોભના સમર્થ એટલું જ કહેતાં ઃ ‘અમે સારાં મિત્રો જ છીએ.’
પરંતુ નલિનીના જીવનમાં મોતીલાલ જેવી કોઈ વ્યક્તિ ના આવી. હા, તેમણે કેટલાંક સુંદર કૂતરાં પાળ્યાં હતાં. તેમની પાસે પોમેરિયન્સ અને ટેરિયર્સ ડોગ્સ હતાં. આ નાનકડાં કૂતરાં એ જ તેમનો પરિવાર હતો. નલિની એ બધાંની એટલી બધી કાળજી લેતાં કે, પોતે જમે તે પહેલાં આ પેટ્સને ખવડાવતાં. તેઓ ઘરની બહાર પણ નીકળતાં નહીં. તેમને ડર હતો કે, તેઓ બહાર જશે તો કદાચ આ નાનકડા પેટ્સ ક્યાંક ખોવાઈ જશે.
નલિની જયવંત મહારાષ્ટ્રની એલાઈટ ઋ
જ્ઞાતિમાંથી આવતાં હતાં જેણે મરાઠી ભાષાના સુંદર લેખકો, નાટયલેખકો અને વિદ્વાનો આપ્યા હતા.
નલિની જયવંત જ્યારે ફિલ્મોમાં આવ્યાં ત્યારે નરગિસ, મધુબાલા, સુરૈયા, ગીતાબાલી અને મીનાકુમારીનો જમાનો હતો, પરંતુ એ બધાંની વચ્ચે પણ નલિનીએ પોતાનું સ્થાન બનાવી લીધું હતું. આ બધાંની વચ્ચે એક જ સામ્ય હતું અને તે એ કે એ બધી જ અભિનેત્રીઓ પ્રણયભગ્ન હતી. બધી જ અભિનેત્રીઓ ભીતરથી દુઃખી હતી. નલિની જયવંત સહિત આ બધી જ અભિનેત્રીઓ જે ફિલ્મોમાં કામ કરતી તે ફિલ્મોને અસાધારણ સફળતા અપાવતી, પરંતુ પોતાના જીવનનું સાચું સુખ શોધવામાં નિષ્ફળ રહી હતી. નરગિસે રાજ કપૂરથી દૂર જવું પડયું, સુરૈયાએ દેવ આનંદથી, મીનાકુમારીએ ધર્મેન્દ્રથી અને મધુબાલાએ દિલીપકુમારથી દૂર જવું પડયુંં તેમ અશોકકુમારે પણ નલિનીને પ્રેમ કર્યો, પણ કાયમ માટે અપનાવી ન શક્યા. આ બધી જ અભિનેત્રીઓએ જે કોઈને પ્રેમ કર્યો તેમને પામવામાં તે બધી જ નિષ્ફળ રહી. કદાચ પુરુષ કલાકારોએ જ તેમનું શોષણ કર્યું હતું.
અને એટલે જ નલિની જયવંત સહિતની આ તમામ સ્વરૂપવાન અભિનેત્રી કોઈ ને કોઈ વ્યથા તેમના હૃદયમાં સંઘરીને જ મૃત્યુપામી.
માત્ર સૌંદર્ય એ જ સુખ નથી.
દેવેન્દ્ર પટેલ