
આખું નામ છેઃ ઇઝાબેલ મેબારક રિપોલ શકીરા, પણ આખી દુનિયા તેને માત્ર શકીરાના નામે જ ઓળખે છે. તે ગાયક છે, ડાન્સર છે અને કોરિયોગ્રાફર પણ છે. ‘હિપ્સ ડોન્ટ લાઈ’ શીર્ષકવાળા મ્યુઝિક આલબમથી તે આખા વિશ્વમાં જાણીતી છે. કોલંબિયામાં જન્મેલી શકીરા ‘વ્હેન એવર વ્હેર એવર’ તથા ‘વાકા વાકા’ ગીતોથી પણ જાણીતી છે. શકીરા અત્યાર સુધીમાં બે ગ્રેમી ઍવૉર્ડ્સ, સાત લૅટિન ગ્રેેમી ઍવૉર્ડ્સ અને ૧૨ બિલબોર્ડ લૅટિન મ્યુઝિક ઍવૉર્ડ્સ જીતી ચૂકી છે. લોકો તેને બેલી ડાન્સર તરીકે વધુ ઓળખે છે. પરંતુ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, લેબેનિઝ પિતા અને કોલંબિયન માતાની પુત્રી શકીરાએ માત્ર ૮ વર્ષની વયે તેનું પહેલું ગીત લખ્યું હતું અને ૧૩ વર્ષની વયે પહેલું ગીત રેકોર્ડ કરાવ્યું હતું.
આખી દુનિયા જેના ગીત અને ડાન્સ પર પાગલ છે એવી શકીરા માત્ર પોપગાયક કે ડાન્સર જ નથી. આજે આ કક્ષામાં એને સ્થાન એટલા માટે મળ્યું છે કે, શકીરા ગાયક અને ડાન્સર હોવા ઉપરાંત સમાજસેવિકા પણ છે. શકીરાએ તેના વતન કોલંબિયામાં રહેતાં ગરીબ બાળકોને મદદ કરવા એક ફઉન્ડેશન પણ ઊભું કર્યું છે. એમાં ગરીબ બાળકોને તે શિક્ષણ આપવાનું કામ મોટા પાયે કરી રહી છે. તે ‘યુનિસેફ’ની ગુડવીલ એમ્બેસેડર પણ છે. ૨૦૧૦માં યુનાઇટેડ નેશન્સ લેબર ઓર્ગેનિઝેશન દ્વારા તે સન્માનિત પણ છે. આવી શકીરાને તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે પ્રવચન આપવા ખાસ આમંત્રિત કરવામાં આવી હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધન કરતાં શકીરાએ કહ્યું ઃ’આ ઓક્સફર્ડ યુનિયનને દુનિયાના મહાન લોકોએ સંબોધિત કર્યું છે, પણ હું તો કોલંબિયાની એક સામાન્ય છોકરી છું. આ મંચ પરથી સંબોધવા મને તક મળી, તે મારા માટે ગર્વની વાત છે. એ જોઈને મને આનંદ થાય છે કે, અહીં આટલાં બધાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ હાજર છે, પરંતુ આજે અહીં કોઈ મનોરંજન થવાનું નથી. ના તો હું તમને કોઈ ગીત સંભળાવીશ કે ના તો કોઈ ડાન્સ કરીશ. આજે કેટલાક સામાજિક વિષયો પર વાત કરીશ. અમારા જેવા કલાકારો બહુ કલ્પનાશીલ હોય છે. જ્યારે હું અહીં આવી રહી હતી ત્યારે હું વિચારી રહી હતી કે, પહેલાં આ દુનિયા કેવી હતી અને આવનારાં ૫૦ વર્ષો બાદ કેવી હશે ? હું માનું છું કે યુવાનોના વિચાર અને તેમના ઇરાદા જ આ દુનિયાને બદલી શકશે.’
‘હું એવું નથી માનતી કે, પહેલાંના પુરાણા દિવસો જ સારા હતા. હું માનું છું કે, આવતીકાલ આજ કરતાં વધુ બહેતર હશે. ૫૦ વર્ષ પછી જે પડકારો આવવાના છે તેને પહોંચી વળવા આજથી જ તૈયારીઓ કરવી પડશે. આવતીકાલને સુંદર બનાવવા આજથી જ વિચાર કરવો પડશે. ભવિષ્યની બાબતમાં મારું એક સ્વપ્ન છે. સમાજની હાલત સુધારવા જે કાંઈ કરવું જરૂરી છે તેની શરૂઆત આજથી જ કરવી જોઈએ.’
શકીરા બોલી હતી ઃ ‘આપણે વિશ્વભરમાં શિક્ષણનો પ્રસાર કરવા માગીએ છીએ. હું સ્પષ્ટપણે માનું છું કે, સમાજની હાલત સુધારવા માટે સૌથી શ્રોષ્ઠ ઉપાય છે શિક્ષણ. શિક્ષણ દ્વારા જ દુનિયાની સૂરત બદલી શકાશે. આ મહાન કાર્યમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આપના જેવા યુવાનો માટે આ કામ આસાન છે. આપણે બધાએ ભેગાં થઈ એક થીંક ટેન્ક બનાવવી પડશે. આપણે એવા લોકોને સાથે લાવીએ કે જેઓ એકબીજાને પ્રેરિત કરે. આવા જ નેટવર્ક દ્વારા દુનિયાની તમામ સમસ્યાઓ હલ કરી શકાશે. ટેક્નોલોજીએ આપણા જીવનને બદલી નાખ્યું છે. આ ટેક્નોલોજીની મદદથી જ દુનિયાની પરેશાનીઓ દૂર કરવાની છે.’
શકીરા કહે છે ઃ ‘હું માનું છું કે, શિક્ષણ ઉમ્મીદોની ટિકિટ છે. શિક્ષણ જ સ્વપ્નો પૂરાં કરવાનો માર્ગ છે. મારો જન્મ કોલંબિયામાં થયેલો મેં પોતે સામુદાયિક સંઘર્ષ અને હિંસાના દર્દને અનુભવ્યું છે. મેં લોકોને ગરીબી અને અસમાનતાના ડંખને સહન કરતાં જોેયા છે. વિકાસશીલ દેશો માટે શિક્ષણ વિલાસિતા અર્થાત્ લક્ઝરી છે, અધિકાર નથી. આવા દેશોમાં દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થવાનું નસીબમાં હોતું નથી. માત્ર ધનવાન અને સંપન્ન લોકો જ પોતાનાં બાળકોને ભણવાની સુવિધા આપી શકે. મે એવા ગરીબ પરિવારોની તડપન પણ જોઈ છે કે, જેઓ તમામ અભાવોની વચ્ચે પણ પોતાનાં સંતાનોને સ્કૂલમાં મોકલવા મથામણ કરે છે. મેં એવો સમાજ જોયો છે જેમાં ગરીબીમાં જન્મ લેવો તેનો મતલબ છે- ગરીબીમાં જ મૃત્યુ પામવું.
‘હું નથી માનતી કે દુનિયાના દરેક બાળકને શિક્ષણ આપવું અસંભવ છે. સરકાર અગર નિર્ણય કરી લે તો દરેક બાળકને શિક્ષણ આપવું શક્ય છે. વિશ્વના તમામ ગરીબ બાળકોને શિક્ષણ મફ્ત હોવું જોઈએ. આ માટે સ્કૂલની ફ્ી માફ્ કરવી પડશે. શ્રોષ્ઠ શિક્ષકોની ભરતી કરવી પડશે અને ગરીબ બાળકોને મફત પુસ્તકો આપવાં પડશે. દરેક બાળકને સ્કૂલમાં જ વિનામૂલ્યે ભોજન આપવું પડશે. કોઈપણ બાળક ભૂખ્યા પેટે ભણી શકે નહીં. હું એક વાત અહીં સ્પષ્ટ કરી દેવા માગું છું કે, શિક્ષણ પર ખર્ચ કરવાનો મતલબ એ નથી કે તમે કોઈ દાન કરી રહ્યા છો, કોઈ ૫૨ અહેસાન કરી રહ્યા છો. બાળકોને શ્રોષ્ઠ શિક્ષણ આપીને જ આપ આપના દેશને જ શ્રોષ્ઠ બનાવી શકશો.’
શકીરા કહે છે ઃ ‘શિક્ષણ દ્વારા જ દુનિયામાં શાંતિ અને સ્થિરતા લાવી શકાશે. આર્થિક તંગી અને બેહાલ પરિસ્થિતિમાં જીવતાં બાળકો ખોટા માર્ગે જવાની શક્યતા છે. આતંકી સંગઠન તેમને લાલચ આપીને બહેકાવી શકે છે. તેઓ ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં જઈ શકે છે. બાળકોને સ્કૂલે મોકલીને આપણે તેમને એ રસ્તે જતાં રોકી શકીશું. હું ઈચ્છું છું કે, શિક્ષણ જ વિશ્વશાંતિનો એક હિસ્સો બને. આપણે અફઘાનિસ્તાનમાં શાંતિ મિશન માટે ૩૦ હજાર સૈનિકોના બદલે ૩૦ હજાર શિક્ષકોને મોકલીએ, અને તે ત્યાંનાં બાળકોને ભણાવે. શિક્ષણ જ દુનિયામાં ક્રાંતિ લાવી શકશે. શાંતિ મિશનનો મતલબ એ નથી કે, દુનિયાભરના દેશો પર દાદાગીરી કરવી, બલકે તેનો મતલબ છે દુનિયાને શિક્ષિત કરવી. હું આવા સુંદર ભવિષ્યનું સ્વપ્ન નિહાળી રહી છું. ‘
– અને શકીરાનું પ્રવચન અહીં પૂરું થાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીનો આખોય હૉલ તાળીઓથી ગૂંજી ઊઠે છે. ભાગ્યે જ કોઈ નેતાએ આવું પ્રવચન કર્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલીબાનોની સરકાર આવ્યા બાદ તાલીબાની શાસકોએ છોકરીઓને સ્કૂલ કે કૉલેજમાં ભણવા જવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે પોપસિંગર, નતર્કી શકીરાની આ વાતો કેટલી બધી પ્રસ્તુત છે તે તેમને કોણ સમજાવે?
– દેવેન્દ્ર પટેલ