Close

અશ્વેત હતી, સુપર મોડલ બની પણ ભેદભાવનું દર્દ ભૂલી નથી

કભી કભી | Comments Off on અશ્વેત હતી, સુપર મોડલ બની પણ ભેદભાવનું દર્દ ભૂલી નથી

નાઓમી કૈંપબેલ.

તેે એક સુપર મોડલ છે.નાઓમી જ્યારે તેની માતાના પેટમાં હતી ત્યારે તેના પિતાએ તેને છોડી દીધી હતી. એના જન્મના સર્ટિફિકેટમાં પિતાનું નામ ખાલી રાખવામાં આવ્યું હતું. માતાએ જ તેને ઉછેરી. તે નહોતી ઇચ્છતી કે પુત્રી કદીયે તેના જૈવિક પિતાને મળે. પુત્રીએ પણ માની ઇચ્છાનું સન્માન કર્યું. કૈંપબેલ અટક તેને તેના ઓરમાન પિતા તરફથી મળી.

મા વ્યાવસાયિક નર્તકી હતી. શો માટે અવારનવાર બહાર જવું પડતું હતું. તે જ્યારે પણ બહાર જાય ત્યારે પુત્રીને સગાં-સંબંધીઓના ઘેર મૂકીને જતી. મા બહાર જાય ત્યારે નાઓમી ખાનગીમાં ખૂબ રડી લેતી. મા શો કરીને પાછી આવે ત્યારે તે ખૂબ રાજી થઇ જતી.

પાંચ વર્ષની વયથી નાઓમી લંડનની બારબરા સ્પીક સ્ટેજ સ્કૂલમાં ભણવા લાગી. તેનું ઘર દક્ષિણ લંડનમાં સ્ટોકવેલમાં હતું જ્યારે સ્કૂલ પિૃમમાં. સ્કૂલ પહોંચવા માટે પહેલાં બસ અને તે પછી બે ટ્રેનો બદલવી પડતી. મા નૃત્યાંગના હોઇ પુત્રીને પણ મનોરંજનના જગત સાથે જોડાવાનો લહાવો જલદીથી મળી ગયો છે.

સ્કૂલમાં ભણતાં ભણતાં તે મ્યુઝિક વીડિયો માટે પણ કામ કરવા લાગી. મશહૂર રોક સ્ટાર બોબ મારલેની સાથે તેનો ‘ઇઝ ધીસ લવ’ વીડિયો ખૂબ લોકપ્રિય થયો.

એ વખતે નાઓમી માત્ર સાત જ વર્ષની હતી અને તેને ખબર જ નહોતી કે બોબ મારલે કેટલા મોટા ગજાના કલાકાર છે.

૧૩ વર્ષની વયે તેણે પહેલો ફેશન શો નિહાળ્યો. તેની માતા આ શોમાં એક કલાકાર હતી. માને સ્ટેજ પર કૈટવોક કરતી જોઇ નાઓમી રોમાંચિત થઇ ગઇ. એ વખતે તેણે વિચાર્યું પણ નહોતું કે તે એક દિવસ સુપર મોડેલ બની જશે. મા ઇચ્છતી હતી કે પુત્રી ખૂબ ભણે અને કોઇ નવી જ કારકિર્દી પસંદ કરે.

એક દિવસની વાત છે. એપ્રિલ મહિનો હતો. સ્કૂલમાંથી છૂટયા બાદ મિત્રો સાથે મસ્તી કરતાં કરતાં તે ઘેર પાછી આવી રહી હતી. એ વખતે તે સ્કૂલના યુનિફોર્મમાં હતી. અચાનક એક મહિલા તેની પાસે આવી અને પૂછવા લાગી : ‘તું મોડલિંગ કરવા તૈયાર છે ?’

નાઓમી વિચારમાં પડી ગઇ. તેને સમજ જ ના પડી કે શું જવાબ આપવો? ઘેર આવીને તેણે માને વાત કરી. માએ પુત્રીને દિલ દઇને ખૂબ ભણવાની સલાહ આપી : ‘બેટા, મન લગાવીને ભણ. મોડલિંગ કરવાની તારી આ ઉંમર નથી.’

એ વખતે નાઓમીએ માની વાત માની લીધી. પરંતુ બીજા દિવસે તે સ્કૂલમાં ગઇ ત્યારે તેનું મન બદલાઇ ગયું. તે આખો દિવસ મોડલિંગની બાબતમાં વિચારતી રહી. એક દિવસ તો એ માને કહ્યા વગર જ એક ફેશન કંપનીની ઓફિસે પહોંચી ગઇ. ફેશન કંપનીના સંચાલકોને નાઓમીમાં રસ પડયો, ફોટા શૂટ થયું. નાઓમીને મોડલ તરીકે પસંદ કરી લેવામાં આવી.

માને આ વાતની ખબર પડી તો તે ખુશ ના થઇ. તેમ છતાં દીકરીને આ દિશામાં આગળ વધતી રોકવાનું યોગ્ય ના લાગ્યું. મા બોલીઃ ‘બેટા, તને જે યોગ્ય લાગે તે કર. મોડલિંગ કર પરંતુ ધ્યાન લઇને ભણ.’

પુત્રીએ વિશ્વાસ આપ્યો કે, તે ભણવામાં ખૂબ જ ધ્યાન આપશે.

ત્રણ મહિના પછી એક મોટી કંપનીએ નાઓમીને તેમની પ્રોડક્ટનું મોડલિંગ કરવા કરારબદ્ધ કરી લીધી. આ કરારની વાત મીડિયામાં પણ ચમકી. ૧૬ વર્ષની વયે નાઓમીને ફ્રાન્સના એક ફેશન શોમાં ભાગ લેવાની તક મળી. થોડા જ વખતમાં ફેશનની દુનિયામાં શ્યામ રંગની નાઓમી એક ખૂબસૂરત મોડલ તરીકે છવાઇ ગઇ. કેટલીયે મોટી અને જાણીતી બ્રાન્ડ માટે કામ કરવાની તેને તક મળી.

પરંતુ આ એ સમય પણ હતો, જ્યારે અશ્વેત હોવાથી તેને અનેક અપમાનો અને ઉપેક્ષાઓ પણ સહન કરવી પડતી હતી. મેકઅપ રૂમમાં જાતિવાદી વ્યંગ તેને સહન કરવા પડતા હતા. કેટલાક લોકો તેની સામે જ તેની ટીકા કરતા હતા તો કેટલાક પાછળ.

એક વાર તો એક મેકઅપ આર્ટિસ્ટે નાઓમીને મેકઅપ કરવાનો ઇન્કાર કરતાં કહ્યું કે, ‘મને એ સમજ પડતી નથી કે તારી ત્વચા પર હું કયા પ્રકારના ફાઉન્ડેશનનો ઉપયોગ કરું ?’

નાઓમીના વાળ અંગે પણ કેટલાંકે પ્રશ્નો ઊભા કર્યા. નાઓમી કહે છે : ‘હું મારો મેકઅપનો સામાન જાતે જ લઇને જતી હતી કારણ કે કેટલાક મેકઅપ આર્ટિસ્ટ મારો મેકઅપ કરતાં કતરાતા હતા. તેઓ એવું બહાનું કાઢતા હતા કે તેમની પાસે અશ્વેત મોડલને સજાવવાનો અનુભવ નથી. જ્યારે ગોરી મોડલ્સ પ્રત્યે તેમને અભિગમ કંઇ અલગ જ રહેતો.’

આ બધાં જ અપમાનો, આ બધી જ ઉપેક્ષાઓ, આ બધી જ ટીકાઓ છતાં એક દિવસ નાઓમીએ એ વાત સાબિત કરી દીધી કે સ્ટાઇલની બાબતમાં તે ગોરી છોકરીઓથી કમ નથી. ૧૮ વર્ષની ઉંમરે ‘વોગ’ મેગેઝિનના કવર પેજ પર ચમકવાવાળી તે પહેલી અશ્વેત મહિલા બની. તે પછી તેની તસવીર ‘ટાઇમ’ મેેગેઝિનના કવરપેજ પર છપાઇ.

અને તે સુપર મોડલ બની ગઇ.

નાઓમીએ હવે મ્યુઝિક વીડિયો અને અભિનયમાં પણ પદાર્પણ કર્યું. તેમાં પણ તે સફળ રહી. તેનો ‘લવ એન્ડ ટિયર્સ’ વીડિયો ખૂબ મશહૂર બન્યો. ‘ ૨૦૧૩માં તેણે પોતાનો રિયાલિટી શો ‘ધી ફેસ’ શરૂ કર્યો. ૨૦૧૫માં હીટ અમેરિકન ડ્રામા ‘એમ્પાયર’ માં તે દેખાઇ. હવે તેની પાસે પૈસો અને પ્રતિષ્ઠા-બેઉ હતા. છતાં ગરીબી અને અશ્વેત હોવાની વેઠવી પડતી તકલીફોને તે કદી ના ભૂલી. એ દર્દ તેને હંમેશાં યાદ રહ્યું.

નાઓમીએ આફ્રિકન બાળકો અને બ્રાઝિલની ગરીબ મહિલાઓના વિકાસ માટે કામ શરૂ કર્યું. ૨૦૦૭ અને ૨૦૧૦માં સામાજિક કાર્યો અને સમાજ સેવા માટે નાઓમીને સન્માનિત કરવામાં આવી.

સૌથી વધુ નોંધપાત્ર વાત એ બની કે ૨૦૧૩માં નાઓમીએ હાઇ પ્રોફાઇલ ફેશન ડિઝાઇનરો કે જેઓ અશ્વેત મોડલ્સને પોતાના શોમાં લેવા ઇન્કાર કરતા હતા તેમની સામે અવાજ ઉઠાવ્યો. નાઓમી કહે છેઃ ‘ભલે હું સુપરમોડલ રહી પરંતુ શ્વેત મોડલ્સની સરખામણીમાં મને ઓછા પૈસા મળતા હતા. સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીઓ શ્વેત અને અશ્વેત મોડલ્સની વચ્ચે ભેદભાવ રાખે છે.’ હું અશ્વેત હતી પણ સુપર મોેડલ બની પરંતુ કામમાં બીજા સાથે દર્દ પણ મળ્યું. મેકઅપ રૂમમાં મારી સાથે થયેલો ભેદભાવપૂર્ણ વ્યવહાર હું ભૂલી નથી.

ભારત જેવા દેશમાં શ્વેત-અશ્વેતના ભેદભાવ નથી પરંતુ જાતિગત ભેદભાવોના અનિષ્ઠમાંથી દેશ હજુ બહાર આવ્યો નથી એ ભારતની કમનસીબી છે.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!