Close

આઇન્સ્ટાઇને તેમના સ્વાગત વખતે કહ્યું આજે આપણું સરઘસ નહીં પણ સરકસ નીકળું હોય એવું લાગે છે

કભી કભી | Comments Off on આઇન્સ્ટાઇને તેમના સ્વાગત વખતે કહ્યું આજે આપણું સરઘસ નહીં પણ સરકસ નીકળું હોય એવું લાગે છે
જર્મનીમાંથી વિલિયમ કૈઝરનો સિતારો આથમી ગયો. સરમુખત્યાર એડોલ્ફ હિટલર સત્તા પર આવ્યો. તે  યહૂદીઓનું નિકંદન કાઢી નાખવા તત્પર બન્યો. એની યાદીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું નામ  પણ હતું. આઇન્સ્ટાઇનને પણ ખ્યાલ આવી ગયો કે હિટલર તેની હત્યા કરી નાખવા માગે છે.
આઇન્સ્ટાઇન ચુપકીદીથી જર્મનીને અલવિદા કરી દીધું. એણે ટપાલથી જ પોતાનું રાજીનામું મોકલી દીધું. લોકોને ખબર પડી ત્યારે  આઇન્સ્ટાઇન હવે બેલ્જિયમમાં હતા. પોતાના દેશમાં તેડાવવા માટે ઠેર ઠેરથી આમંત્રણો આવવા લાગ્યાં. તેમની ખ્યાતિ હવે સમગ્ર યુરોપમાં ફેલાઈ ગઈ હતી. નોબેલ પ્રાઇઝે તેમને વિશ્વવિખ્યાત  બનાવી દીધા હતા. આઇન્સ્ટાઇને અમેરિકાના આગ્રહપૂર્વકના નિમંત્રણનો સ્વીકાર કર્યો અને  અમેરિકામાં જ સ્થાયી થવા નિર્ણય કર્યો.
આઇન્સ્ટાઇનના આ નિર્ણયની જાણ થતાં અમેરિકાની પ્રજા ખુશ થઈ ગઈ.  આઇન્સ્ટાઇન અમેરિકાના નગરમાં પ્રવેશ કરે ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ આરંભી દીધી. ગલીઓમાં ઠેર ઠેર ધ્વજ પતાકાના તોરણો બાંધવામાં આવ્યા.’માનવતાના પૂજારીનું અમે સ્વાગત કરીએ છીએ-‘ તેવા સૂત્રોના પરદા ઠેર ઠેર લગાવવામાં આવ્યા.
અમેરિકા પહોેંચતા જ  જે નગરમાં તેમને પહોંચવાનું હતું તે નગરમાં લઈ જવા માટે ભવ્ય મોટરકારના બંદોબસ્ત કરવામાં આવ્યો. આઇન્સ્ટાઇન અને તેમનાં પત્ની એલ્સા એ મોટરકારમાં બેસીને નગરમાં પ્રવેશ્યા. અમેરિકનોએ તેમની પર પુષ્પવર્ષા કરી. ઊંચી ઇમારતોની બાલ્કનીઓમાંથી લોકો હર્ષનાદ કરી તેમનું ભાવભીનું  અભિવાદન કરી રહ્યા. બિચારી એલ્સાએ આવું હૃદયંગમ દૃશ્ય અગાઉ કદી નિહાળ્યું નહોતું. પોતાના પતિનું આટલું બધું માન-સન્માન છે તે જોઈને એલ્સા ભાવવિભોર બની ગઈ. આવું ભવ્ય દૃશ્ય  એણે કદી નિહાળ્યું નહોતું.
પરંતુ બીજી બાજુ આટલા ભવ્ય સ્વાગત છતાં  આઇન્સ્ટાઇન સાવ સ્થિતપ્રજ્ઞ અને મૌન હતા જાણે કે આ બધા ભવ્ય સ્વાગતથી તેઓ અલિપ્ત હતા.
એલ્સાએ પૂછયું ઃ ‘ડિયર આલ્બર્ટ, કેટલા બધા માણસો આજે તમને જોવા માટે ઉત્સાહિત છે ! શું તમને આ વાતનોે કોઈ જ આનંદ નથી?’
આઇન્સ્ટાઇન બોલ્યા ઃ ‘એલ્સા, મને તો આ બધું તમાશા જેવું જ લાગે છે, જાણે કે આપણું સરઘસ નીકળ્યું ના હોય ! લોકો ભલે મને જોવા  માટે આવ્યા છે પણ મારામાં જોવા જેવું શું છે એ જ મને સમજાતું નથી. મને લાગે છે કે આજે આપણું સરઘસ નહીં પણ સરકસ નીકળ્યું છે. મને લાગે છે કે મારા કરતાં આ લોકોને કોઈ ઝિરાફ કે હાથીને જોવામાં આ લોકોને વધુ મજા પડે.’
પતિનો પ્રતિભાવ સાંભળી બિચારી એલ્સા મૌન થઈ ગઈ.
કેટલાક સમય બાદ યુનાઇટેડ સ્ટેટ્સની વિજ્ઞાનશાખામાં આઇન્સ્ટાઇનને પ્રાધ્યાપક તરીકે  નિમણૂક આપવામાં આવી. પરંતુ એ જ અરસામાં અમેરિકાના જ પ્રિન્સ્ટન ખાતે  આવેલી એક વિજ્ઞાન સંસ્થામાં એક જગા ખાલી પડતાં આઇન્સ્ટાઇન તેમાં જોડાયા.અમેરિકાની એ સંસ્થાના સંચાલકોએ આવા વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકોને ક્યારેક નોકરીમાં રાખ્યા નહોતા.  એટલે આટલી મોટી હસ્તીને કેટલો પગાર આપવો તેની મૂંઝવણ હતી.
સંસ્થાના એક સંચાલકે હિંમત કરીને તેમને પૂછયું ઃ ‘સર, આપ કેટલા વેતનની અપેક્ષા રાખો છો?’
આઇન્સ્ટાઇને પોતાના વેતન વિશે ક્યારેય વિચાર્યું નહોતું. તેઓ મૂંઝાયા. મૂંઝવણભર્યા સ્વરે તેમણે પૂછયું ઃ ‘ભાઈ, અમેરિકાના જીવનધોરણની મને ખબર નથી. અમે તો માત્ર બે જ જણ છીએ. હું અને મારી પત્ની એલ્સા. અમારે બે જણને સાદાઈથી રહેવા માટે વરસેદહાડે કેટલું ઘરખર્ચ આવે તેનો અંદાજ મને કહેશો, પ્લીઝ?’
સંસ્થાના સંચાલક પણ વિચારમાં પડી ગયા. એમની મૂંઝવણ જોઈને આઇન્સ્ટાઇન બોલ્યા ઃ ‘તમે પણ મારી જેમ જ મૂંઝવણમાં હોય એમ લાગે છે. કદાચ એલ્સાને ખબર હશે કે અમેરિકામાં બે જણ માટે કેટલું ઘરખર્ચ આવે. ચાલો એમ કરોને કે તમે અમને વરસેદહાડે કુલ  ત્રણ હજાર ડૉલર આપશો તો પણ અમે ગાડું ગબડાવી દઈશું… અને જુઓ, વરસના ત્રણ હજાર ડૉલર વધારે લાગતા હોય તો અઢી હજાર ડૉલર આપશો તો પણ ચાલશે.’
પ્રિન્સ્ટનની  વૈજ્ઞાનિક સંસ્થાના સંચાલકને લાગ્યું કે, ‘આ ભૂમિ પર ફરિશ્તો જ ભૂલ્યો પડયો છે.’
મૂંઝવણ વધતાં સંસ્થાના સંચાલકે સંચાલકોની ખાસ મિટિંગ બોલાવી મિટિંગમાં ચર્ચા દરમિયાન એક સંચાલક બોલ્યા ઃ ‘આવડા મોટા વૈજ્ઞાનિકને વર્ષે ત્રણ હજાર ડૉલર જેટલું ઓછું વેતન આપીએ તો આપણે તેમની અને વિજ્ઞાનની  હાંસી જ ઉડાવી છે તેમ લાગે. એક કામ કરો આપણને આઇન્સ્ટાઇન સરને વર્ષે ૧૬ હજાર ડૉલરનું વેતન આપીએ.’
એ સંચાલકની વાત  બીજા બધાંએ  સ્વીકારી લીધી.
પોતાને એ સંસ્થા વર્ષે દહાડે ૧૬ હજાર ડૉલરનું વેતન આપવા માગે છે એ વાતની ખબર પડતાં આઇન્સ્ટાઇન વિચારમાં પડી ગયા. તેઓ બોલ્યાઃ ‘અરે ! મારે આટલા બધા  વેતનની  કયાં જરૂર છે? મારો અને એલ્સાનું ઘરખર્ચ આટલું બધું ના હોય. આવડી મોટી રકમનું અમે શું કરીશું?
છતાં સંચાલકોના દૃઢ આગ્રહથી આઇન્સ્ટાઇને એ વેતન સ્વીકાર્યું પણ  ઘરખર્ચ જેટલી જ રકમ પોતાની પાસે રાખી મદદ માગનારાઓને છૂટા હાથે મદદ કરવા લાગ્યા. કેટલીક વખત તો આઇન્સ્ટાઇન ચાલીને ક્યાંક જતા હોય ત્યારે પણ  મદદ માંગનાર દીનઃદુખિયા લોકો તેમના દર્દની  દાસ્તાન રજૂ કરતા. આઇન્સ્ટાઇન  ઉદાર સ્વભાવના હતા. તેઓ નોકરી તો કરવા લાગ્યા પણ વધારાના નાણાંથી જરૂરિયાતવાળાઓને મદદ કરવા લાગ્યા. તેમના ઉદાર સ્વભાવની ખબર  પડતાં તેમના ઘેર મદદ માગનારાની લાઈનો લાગવા માંડી. આઇન્સ્ટાઇન પણ  ખિસ્સામાં જે કાંઈ રકમ બચી હોય તે મદદ માગનારને આપી દેતા. પરિણામ એ આવ્યું કે ઘણીવાર આઇન્સ્ટાઇન પાસે બસ ભાડાના  કે ટ્રેનની ટિકિટના પૈસા પણ ખિસ્સામાં રહેતા નહીં.
(ક્રમશ) ઃ

Be Sociable, Share!