તેઓ એક ઠોઠ નિશાળીમાંથી તેઓ ગણિતના શ્રોષ્ઠ શિક્ષક બન્યા તે પછી ઝેકોસ્લોવેક્યિા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. દરમિયાન પ્રયોગશાળામાં વ્યસ્ત રહેતા આલ્બર્ટ આઇન્સ્ટાઇનને સાપેક્ષતાવાદ અર્થાત્ થિયરી ઑફ રિસેટિવિટીનો સિદ્ધાંત શોધી કાઢયો. તેમણે શોધી કાઢયું કે યુરેનિયમના એક અણુનું વિભાજન કરવામાં આવે તો તેમાંથી પ્રચંડ ઊર્જા પેદા થાય છે. તેમણે શોધેલા આ સિદ્ધાંતના આધારે અમેરિકાના વિજ્ઞાની ઓપન હાયમરે અણુબોમ્બ બનાવ્યો.
યાદ રહે કે આઇન્સ્ટાઇનના આ સંશોધનનો હેતુ અણુબોમ્બ બનાવવાનો નહોતો. તેઓ યુદ્ધ વિરોધી હતા. પરંતુ તેમના આ સંશોધને આલ્બર્ટ આઇન્સ્ટાઇનને આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ કરી દીધા.
દરમિયાન તેમના પિતાનું અવસાન થયું. પિતા ગુમાવ્યાનું દર્દ દૂર થતું નહોતું ત્યાં જ તેમની પત્ની મિલેવાથી છૂટાછેડા થયા. હવે આલ્બર્ટે સંશોધનને જ પોતાનું જીવનસાથી બનાવી દીધું.
જર્મન સમ્રાટ કૈઝરને તેમના માટે આદરભાવ જાગ્યો. તેમને અન્ય દેશમાંથી પાછા બોલાવી જર્મનીમાં વસાવ્યા. સૂર્યગ્રહણનો અભ્યાસ કરવા તેઓ રશિયા ગયા પરંતુ રશિયન સરકારની જોહુકમીથી તેઓ બહુ પરેશાન થયા. રશિયન સરકારે તેમની ધરપકડ કરી. એ વખતે વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. યુદ્ધ પૂરું થયું ત્યારે જ આઇન્સ્ટાઇન અને તેમના સાથીઓને રશિયન સરકારે મુક્ત કર્યા. તેઓ ફરી જર્મની પાછા આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે તેમની પિતરાઇ બહેન એલ્સાના પતિનું અવસાન થતા એલ્સા હવે યુવાન વયે જ વિધવા બની ગઈ ગઈ હતી.
એલ્સાને આશ્વાસન આપવા ગયેલા આલ્બર્ટે આઇન્સ્ટાઇને એલ્સાના ચહેરા પર દુઃખ અને ગમગીની જોયાં. સમય જતાં તેમણે એલ્સાનું દુઃખ દૂર કરવા એલ્સાને જીવનસંગિની બનાવી દીધી. બંને લગ્નગ્રંથિથી જોડાયા. આઇન્સ્ટાઇનને આગલી પત્ની મિલેવાથી અલગ થયાનું દુઃખ હજુ યથાવત્ હતું.
આઇન્સ્ટાઇન પોતાની પ્રયોગશાળામાં ફરી વ્યસ્ત થઈ ગયા. એક દિવસ એક વૈજ્ઞાનિક તેમને મળવા આવ્યો. તેણે આઇન્સ્ટાઇનને કહ્યું કે, ‘તમે તમારી અણુશક્તિની શોધ અમને આપી દો. અમે આપને મોં માગી રકમ આપવા તૈયાર છીએ’
આઇન્સ્ટાઇને પૂછયું ઃ ‘તમે મારી અણુશક્તિની શોધનો ઉપયોગ માનવજાતના કલ્યાણ માટે કરવા માગો છો?’
વૈજ્ઞાનિકે કહ્યું ઃ ‘ના. તમે સારી રીતે જાણો જ છો કે વિશ્વના દેશો શસ્ત્ર-સરંજામની સ્પર્ધામાં પડયા છે. જે રાષ્ટ્ર પાસે પ્રબળ શસ્ત્રો હશે તે જ વિજેતા બનશે. અમે તપાસ સંશોધનનો ઉપયોગ મહાવિનાશક બોમ્બ બનાવવા માટે કરવા માગીએ છીએ.’
ગુસ્સે થઈ જતાં આઇન્સ્ટાઇન બરાડી ઊઠયા ઃ ‘ઘાતકી ! અત્યાચારી ! તું ઊભો થઈ જા. ભાગ અહીંથી. હં ક્રૂર કત્લેઆમનો હાથો બનવા માગતો નથી. મારા નિવાસમાં માનવતાના ગીતો જ ગુંજે છે.’
ક્રોધથી લાલચોળ આઇન્સ્ટાઇનનો ચહેરો નિહાળી ભોંઠો પડેલો વૈજ્ઞાનિક રવાના થઈ ગયો.
સમય વીતતો ગયો.
આઇન્સ્ટાઇનના થિયરી ઑફ રિલેટિવિટીના સિદ્ધાંતની શોધ બદલ ઇ.સ. ૧૯૨૧માં તેમને નોબલ પ્રાઇઝ એનાયત થયું. સાથે મોટી રકમ પણ આપવામાં આવી.
આટલી મોટી રકમ ઉપહાર તરીકે આવતા આઇન્સ્ટાઇનને પોતાની જૂની પત્ની મિલેવા યાદ આવી ગઈ. તેનાથી જ થયેલાં પોાના બે સંતાનો પૂર્વ પત્ની મિલેવાની જ વત્સલ છાયામાં ઉછરી રહ્યા હતા. આઇન્સ્ટાઇનને સંવેદના પ્રગટ થઈ.
પોતાની હાલની પત્ની એલ્સાને બોલાવીને આઇન્સ્ટાઇને પૂછયું ઃ ‘ડિયર એલ્સા, મારે એક વાતમાં તારી સંમતિ જોઈએ છે.’
એલ્સા બોલી ઊઠીઃ ‘પ્રિય આલ્બર્ટ તમારી ખુશીમાં જ મારી ખુશી છે. મેં તો મારું અસ્તિત્વ તમારામાં જ ઓગળી નાખ્યું છે. તમારે મારી સંમતિ લેવાની હોય જ નહીં. શું વાત છે કહો. તમારી મનમાં જે વાત હોય તેનો તાત્કાલિક અમલ કરો.’
ચહેરા પર મધુર સ્મિત આણતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન બોલ્યાઃ ‘જો એલ્સા નોબેલ પ્રાઇઝની જે માતબર રકમ આપણને મળી છે તેમાંથી અડધો ભાગ મિલેવાને આપીએ તો કેમ? એ બિચારી રાજી થશે. એને થશે કે આપણને તેની તથા બન્ને બાળકોની કેટલી બધી ચિંતા છે ! મને પણ મારા મનમાં જે રંજ છે કે મેં અજાણતા તેને કોઈ અન્યાય તો નથી કર્યોને ! એ રંજ પણ મારા મનમાંથી દૂર થઈ જશે.’
એલ્સાને પતિ આલ્બર્ટ આઇન્સ્ટાઇનની વાત સ્પર્શી ગઈ.
તે ખૂબ પ્રસન્નતાથી બોલીઃ ‘ઘણી ખુશીથી તમને નોબેલ પ્રાઇઝ સાથે મળેલી મોટી રકમમાંથી અડધી રકમ મિલેવાને મોકલી આપો. આપણી પર ભગવાનના ખૂબ આશીર્વાદ વરસી રહેશે.’
આલ્બર્ટ આઇન્સ્ટાઇન ખુશ થઈ ગયા અને નોબેલ પ્રાઇઝમાં તેમને મળેલી માતબર રકમમાંથી અડધી રકમ પૂર્વ પત્ની મિલેવાને મોકલી આપી.
(માહિતી સૌજન્યઃ સંત ‘પુનિત’.
પુસ્તકઃ મહામાનવોનો મેળો)
(ક્રમશઃ)
– દેવેન્દ્ર પટેલ