Close

આજે છ વર્ષની રિવ્યાની 4 વ્યક્તિઓમાં હયાત છે

કભી કભી | Comments Off on આજે છ વર્ષની રિવ્યાની 4 વ્યક્તિઓમાં હયાત છે

એનું નામ રિવ્યાની.

માત્ર છ જ વર્ષની ઉંમરે રિવ્યાની એવી અસાધારણ વ્યક્તિઓમાં સામેલ થઇ ગઇ જે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.

૨૦૧૭ના વર્ષની આ વાત છે. રિવ્યાનીની શાળામાં નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સ્પર્ધામાં નાનકડી રિવ્યાનીએ એક એવી ભૂમિકા અદા કરી કે જેને લોકો યાદ કરી ગયા. રિવ્યાનીએ એક પ્રજ્ઞાા ચક્ષુ વ્યક્તિનો રોલ અદા કર્યો જે છેવટે અંગદાન માટે પ્રેરણાદાયી શબ્દો ઉચ્ચારે છે. રિવ્યાનીને તેની આ શ્રેષ્ઠ ભૂમિકા માટે દર્શકોની પ્રશંસા અને પ્રથમ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. રિવ્યાનીએ એ નાટકમાં અંગદાન માટે જે કહ્યું હતું કે ગઇ તા. ૨૭મી એપ્રિલ ૨૦૧૮નો રોજ સત્ય સાબિત થઇ ગયું. એક માર્ગ અકસ્માતમાં ઘવાયેલી રિવ્યાનીને ડોક્ટરોએ બ્રેન ડેડ જાહેર કરી દીધી.

વાત એમ છે કે રિવ્યાનીના પિતા રાધેશ્યામ રહાંગડાલે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના દેઓરી ગામમાં પોલીસ વિભાગમાં એક સામાન્ય નોેકરી કરે છે. ૧૮મી એપ્રિલે દેઓરી ગામથી થોડેક દૂર રસ્તા પર રિવ્યાની પાણી પી રહી હતી. એ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક મોટરસાઇકલે સવારે તેને ટક્કર મારી દીધી. રિવ્યાની તેના કાકા-કાકી સાથે બીજા એક ગામ ગઇ હતી અને હવે તે તેમની સાથે પોતાના ગામ પાછી આવી રહી હતી. રસ્તામાં તરસ લાગતાં તે પાણી પીવા ઊતરી પણ મોટરસાઇકલ સવારની ટક્કરથી તેના કાકા-કાકી સહિત તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ નીચે પડી ગઇ. વૃદ્ધ કાકા, કાકી પણ પડી ગયાં.

એ સડક પરથી પસાર થતા લોકો ઊભા રહી તેના ફોટા પાડતા રહ્યા અને વીડિયો ઉતારતા રહ્યા પરંતુ કોઇ એને મદદ કરતું નહોતું. કેટલાકે તેને મદદ કરવાને બદલે લોહીના ખાબોચિયામાં તરફડતી રિવ્યાનીનો વીડિયો કિલિંપ્સને સોશિયલ મીડિયા પર મૂકવાનો અમાનવીય રોમાંચ માણ્યો.

ખેર !

છેવટે મોડે મોડે એક વ્યક્તિને દયા આવતાં તેણે રિવ્યાની સહિત તેનાં કાકા-કાકીને હોસ્પિટલે ખસેડયા. રિવ્યાની બેહોશ હતી, તેને તથા તેના કાકા-કાકીને ગોંદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે રિવ્યાનીને નાગપુરની મોટી હોસ્પિટલમાં રિફર કરી. તા. ૧૯ એપ્રિલની રાત્રે ૨-૩૦ વાગે રિવ્યાનીને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં રિવ્યાનીને જ્યાં જ્યાં વાગ્યું હતું તેની પર શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી. પરંતુ તેની નાડી ધીમી પડતી ગઇ. તે બ્રેનડેડ થઇ ગઇ. ડોક્ટરોએ તેને તપાસી પરંતુ તેને ફરીથી જીવિત કરવાનું અશક્ય હતું.

ડોક્ટરોએ રિવ્યાનીના પિતા રાધેશ્યામને કહ્યું, ‘રિવ્યાની હવે બ્રેનડેડ છે તે કોમામાં છે. રિવ્યાનીના જીવનને લાંબું ખેંચવાનો કોઇ અર્થ નથી. રિવ્યાની બેભાન હતી, પણ તેનું હૃદય ધબકતું હતું. તબીબોની દૃષ્ટિએ તેને વેન્ટીલેટર પર રાખી ‘જીવતી લાશ’ની જેમ લાંબો સમય ‘જીવિત’ રાખી શકાય પણ તે બ્રેનડેડ હોઇ તે ફરી કદી ભાનમાં આવશે નહીં.’

આ સ્થિતિમાં ઇશ્વરની પૂજા, અર્ચના, બાધાઓ, બાબાઓ અને દરગાહોની કૃપાઓ થાય તે તમામનો સહારો પણ લેવામાં આવ્યો. પરંતુ રિવ્યાની કોમામાંથી બહાર ના આવી. ડોક્ટરોએ કહ્યુંઃ ‘હવે કોઇ કાળે રિવ્યાની કોમામાંથી બહાર નહીં આવે?’

રિવ્યાનીના પિતાએ ડોક્ટરોની વાત શાંતિથી સાંભળી લીધા બાદ થોડીવાર વિચારીને કહ્યુંઃ ‘મારી દીકરી બ્રેનડેડ જ હોય તો હું તેનું અંગદાન કરવા માંગુ છું.’

સામાન્ય રીતે લોકો અંગદાન કરવા તૈયાર થતા હોતા નથી. પરંતુ મહારાષ્ટ્રના એક આદિવાસી વિસ્તારના ગામમાં રહેતા એક વ્યક્તિના દિલમાં પુત્રીના અંગદાનનો વિચાર પ્રગટયો. ડોક્ટરો પણ સ્તબ્ધ થઇ ગયા. આખરે એક નાનકડી દીકરીના શરીરના કેટલાંક અંગોનું દાન એક ગ્રામીણ પિતા કરવા તૈયાર હતા.

રિવ્યાની બ્રેનડેડ છે તે નક્કી થઇ જતાં તેના પિતાએ ડોક્ટરોને કહ્યુંઃ ‘મારી દીકરીના જે જે અંગ, અવયવો બીજા કોઇને કામ આવે એવા હોય તેવા અવયવો કાઢી તેમને જીવિત રાખો.’

એ વખતે રાધેશ્યામની પત્ની આરતી પણ ત્યાં જ ઊભી હતી. રાધેશ્યામની ઉંમર ૩૪ વર્ષની અને રિવ્યાનીની માતા આરતીની ઉંમર ૨૮ વર્ષની. રાધેશ્યામે આરતી સામે જોયું. આરતી આખરે તો રિવ્યાનીની માતા હતી. દીકરી પર માનો અધિકાર પહેલો હોય છે. આરતી પુત્રીના અંગદાન માટે તૈયાર થઇ ગઈ તે બોલી ઃ મેં કેટલાયે લોકોને બીમારીથી પીડાતા જોયાં છે. મારી દીકરીના અંગદાનથી તેઓે સાજા થઇ જતાં હોય તો તેની મને ખુશી હશે.’

ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ ફરી એક વાર બ્રેનડેડ રિવ્યાનીને હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવી. નિષ્ણાત ડોક્ટરોએ રિવ્યાનીના શરીરમાંથી બે કિડનીઓ, લીવર, હૃદય અને આંખો હાર્વેસ્ટ કરી લીધી (બહાર કાઢી લીધા). રિવ્યાનીના હૃદયને થાણાની ફોર્ટીસ હોસ્પિટલમાં મોકલી દેવાયું જ્યાં સાડા ત્રણ વર્ષની એક બાળકીના દેહમાં પ્રત્યારોપિત કરી દેવાયું. તેના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ન્યૂએરા હોસ્પિટલમાં ૪૦ વર્ષની એક વ્યક્તિના શરીરમાં કરવામાં આવ્યું. તેની કિડનીઓને નાગપુરની ઓરેંજ સિટી હોસ્પિટલમાં ૧૫ વર્ષના છોકરીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયાં. રિવ્યાનીની આંખો નાગપુરની મહાત્મા આઇ હોસ્પિટલની આઇ બેન્કમાં દાનમાં આપી દેવામાં આવી.

નાનકડા બાળકો દ્વારા અંગદાન જેટલું અસામાન્ય છે તેટલું જ અપ્રત્યાશીત છે કે નાનકડી બાળકીના ચાર અંગોને હાર્વેસ્ટ કરવામાં આવ્યા.

રિવ્યાની તો બ્રેનડેડ હતી. પરંતુ ખરા અભિનંદનના અધિકારી તો તેના માતા-પિતા છે. રિવ્યાનીના પિતાને અંગદાનની પ્રેરણા ક્યાંથી મળી ? હકીકતમાં તેઓ પહેલેથી જ નકામી પરંપરાઓને તોડવાનો અભિગમ ધરાવે છે. તેઓ જે સમુદાયમાંથી આવે છે જેમાં દુલ્હા- દુલ્હન પર અલગ અલગ સગાઇ કરવાની પરંપરા છે. રાધેશ્યામ તેને પૈસાની અને સમયની બરબાદી સમજે છે. તેથી તેમણે શાદી માટે એક જ સગાઇ પર ભાર મૂક્યો. એ પછી એમના સમુદાયના યુવકો પણ એક જ સગાઇની પરંપરાને અનુસર્યા. રાધેશ્યામ કહે છે ઃ ‘મારી દીકરીના અંગોનું દાન કરતી વખતે મારા મનમાં આ એક જ વિચાર હતો ?’

રાધેશ્યામ અને આરતી જેવા માતા-પિતા મળવાં મુશ્કેલ છે. ૩૩ વર્ષની વયના રાધેશ્યામની બસ એક જ ઇચ્છા છે કે જે નાનકડી બાળકીના શરીરમાં રિવ્યાનીનું હૃદય પ્રત્યારોપિત કર્યું છે તેના માતા-પિતા તેમની દીકરીના નિયમિત જન્મદિન ઉપરાંત તા.૫મી મેના રોજ રિવ્યાનીની યાદમાં તેમની દીકરીનો પણ જન્મદિવસ મનાવે. રિવ્યાનીનો જન્મ તા. ૫મી મેના રોજ થયો હતો.

આજે રિવ્યાની હયાત નથી પરંતુ અંગદાનના કારણે તે ચાર વ્યક્તિઓમાં જીવિત છે.

(સ્ત્રોત અને સૌજન્ય: અભયકુમાર ‘અભય’- પંજાબ કેસરી)

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!