Close

આજે તો રાતરાણી કરતાં તારી સુગંધ સારી આવે છે

કભી કભી | Comments Off on આજે તો રાતરાણી કરતાં તારી સુગંધ સારી આવે છે
ડુંગરપુર રાજસ્થાનનું એક રળિયામણું શહેર છે.
અહીં દૂર દૂરની ટેકરીઓ પર ગરીબ પ્રજા નાનકડાં ઘર બનાવીને રહે છે. એવી જ એક ટેકરી પર સીતા એની મા સાથે રહેતી હતી. ટેકરીની નીચે દોઢેક વીઘા જમીન અને કૂવો હતાં. સીતાને પિતા નહોતા. એની મા ખેતરમાં બાજરી વાવતી. કૂવાના કિનારે રાતરાણી પણ વાવી હતી. રાતના સમયે આખોયે વિસ્તાર રાતરાણીની મહેકથી મધમધી ઉઠતો. સીતા હજી કુંવારી હતી. એને પણ રાતરાણી બહુ જ ગમતી.
કોઈ એને કહેતું ઃ ‘સીતા, રાતરાણીની સુગંધ રાતના સમયે સાપને પણ ખેંચી લાવે છે એની તને ખબર છે?’
‘મને ખબર છે, પરંતુ સાપ પણ કોઈ દિવસ કામ લાગતો હોય છે.’ કહેતાં તે ખૂબ હસતી.
સીતા સહેજ શ્યામ પણ અત્યંત ઘાટીલી હતી. તેનાં નયન તીખાં અને શરીર સૌષ્ઠવ અત્યંત ચુસ્ત હતું. હજી તો તે માંડ અઢાર વર્ષની થવા આવી હતી. સહેલીઓ સાથે એને પૂનમના મેળામાં જવાનું ગમતું. ચકડોળમાં બેસતી. ગીતો ગાતી. બજારમાંથી લિપસ્ટિક પણ ખરીદતી. એ દિવસે એક પોલીસવાળાની એની પર નજર પડી. એણે પૂછયુંઃ
‘શું નામ?’
સીતાએ સામે પૂછયુંઃ ‘તમારે શું કામ છે?’
‘પેલો ટેકરી વાળો ભગત મરી ગયો તેની જ તું છોકરીને?’
‘હા.’
‘હાલ, હું એ તરફ્ જાઉં છું. ઉતારી દઈશ તારી ડુંગરી પાસે.’
‘મારે નથી આવવું.’
સીતાએ પોલીસ કોન્સ્ટેબલની મોટર સાઈકલ પર બેસવા ઈનકાર કરી દીધો. કોન્સ્ટેબલ સમશેરસિંહ મેળાના બંદોબસ્તમાં હતો. સીતા એની સહેલીઓ સાથે જ ગાતાં ગાતાં રસ્તે ચડી ગઈ.
સીતાનું ઘર એક છૂટીછવાઈ ડુંગરી પર હતું. નજીકથી હાઈવે પસાર થતો હતો. હાઈવેની બંને બાજુ જંગલખાતાંએ નિલગીરીના વૃક્ષો વાવ્યાં હતાં, ક્યાંક ક્યાંક આંબાના અને ક્યાંક ક્યાંક મહુડાના વૃક્ષો હતા. સાગના વૃક્ષો હવે સુકાઈ ગયાં હતાં.
એક દિવસ એક અંતરિયાળ ડુંગરીની તળેટીના નિર્જન જંગલમાં સીતા લાકડાં લેવા ગઈ હતી. તે લાકડાનો ભારો બાંધી રહી હતી ત્યાં જ પેલો પોલીસવાળો દેખાયો. તેની પાસે બંદૂક પણ હતી. સીતાએ જોયું તો કોન્સ્ટેબલ સમશેરસિંહ ક્યારનોય તેને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં વાસનાની ભૂખ હતી. તેનો ઈરાદો સારો નહોતો. સીતાએ નજર હટાવી લીધી અને લાકડાંનો ભારો ઊંચકવા કોશિશ કરીઃ
કોન્સ્ટેબલ સમશેરસિંહ બોલ્યોઃ’હું ભારો ચડાવી દઉં, મારી રાતરાણી.’
‘કેમ રાતરાણી?’
‘તેં કૂવા પર રાતરાણી રોપી છે ને… તને ખબર છે ને કે રાતરાણીની સુગંધથી સાપ દોડી આવે છે?’
સીતાને ખ્યાલ આવી ગયો કે કોન્સ્ટેબલ સમશેરસિંહ હવે સાપ બનીને હુમલો કરવાનો ખરાબ ઈરાદો ધરાવે છે. એણે લાકડાંનો ભારો ત્યાંજ પડયો રહેવા દઈ દોટ મૂકી. પરંતુ કોન્સ્ટેબલ સમશેરસિંહ પણ સશક્ત અને યુવાન હતો. એણે થોડી જ વારમાં સીતાને પકડી પાડી. ડુંગરીના જંગલમાં કોઈ નહોતું. સીતાએ કોન્સ્ટેબલ સમશેરસિંહની ચુંગાલમાંથી છૂટવા બહુ જ કોશિશ કરી પરંતુ તે છૂટી શકી નહીં. સમશેરસિંહની પકડ વધુ મજબૂત હતી. સીતાએ એની પક્કડમાંથી મુક્ત થવા સમશેરસિંહ સાથે ઝપાઝપી કરી. એના હાથને બચકું પણ ભર્યું પરંતુ સમશેરસિંહ મજબૂત કાઠાનો હતો. એણે કબૂતરની જેમ ફ્ફ્ડતી એક ગરીબ કન્યાને પીંખી નાખી. એક ગજબનું તોફન આવીને શમી ગયું. ડુંગરીના સુક્કાભઠ્ઠ વૃક્ષો પણ એ દૃશ્ય જોઈ શરમાઈ ગયા. વાતાવરણમાં એક સન્નાટો હતો.
 કોન્સ્ટેબલ સમશેરસિંહ કહ્યુંઃ ‘છોડી, ઘર પાસે રાતરાણી કદી વાવવી નહીં. મારા જેવા સાપને ખેંચી લાવશે.’
 સીતા ઊભી થઈ.
એણે કપડાં સરખાં કર્યાં. મોઢા પરથી પસીનો લૂછયો. પીંખાઈ ગયેલા વાળ પણ સરખાં કરી લીધાં. એણે આંખમાંથી આંસુ લાવવાના બદલે માત્ર એટલું જ કહ્યુંઃ ‘બસ…..ને?’
‘હા… પણ તારી માને વાત કરીશ નહીં. તારે પૈસા જોઈતા હોય તો બોલ.’
સીતાએ એને જવાબમાં માત્ર સ્મિત જ આપ્યું. અને જાણે કે કાંઈ જ બન્યું નથી એ રીતે ચાલવા લાગી. એમાં એની ખુમારી હતી કે બેપરવા એ સમશેરસિંહ પણ ના સમજી શક્યો. એક કુંવારી છોકરીએ જબરદસ્ત સામનો કર્યો હતો પરંતુ તે રડી નહોતી, ચીસો પણ પાડી નહોતી. સમશેરસિંહ વિચારમાં પડી ગયો કે ‘શું આ એને ગમ્યું તો નહીં હોય ને?’
વાત વીતી ગઈ.
ઘેર આવેલી સીતા ચુપચાપ ખાઈને સુઈ ગઈ. એણે એની માને કોઈ જ વાત ના કરી. આખી રાત એ કાંઈક વિચારતી રહી. નીચેના કૂવાવાળા ખેતરની પાળે આવેલી રાતરાણી રાત્રે ખીલી ઊઠી હતી. બહાર પરસાળમાં સૂતા સૂતા એની મહેંક માણી રહેલી સીતા મનમાં કાંઈક વિચારતી હતી.
બીજા દિવસે સવારે એણે જોયું તો એના ઘરની બહાર ખાટલામાં કોન્સ્ટેબલ સમશેરસિંહ બેઠેલો હતો અને તેની મા સાથે વાતો કરતો હતો. સીતા વિચારમાં પડી ગઈ કે જે માણસે ગઈ કાલે તેની પર બળજબરી કરી હતી તે આજે સવારે મારી જ મા સાથે શું વાતો કરતો હશે?
કોન્સ્ટેબલ સમશેરસિંહ માટે ચા બનાવવાનું એની મા એ કહ્યું. સીતા ચા બનાવી લાવી. એની માએ કહ્યું ઃ’બેટા! સમશેરસિંહ તારી સાથે લગન કરવા માંગે છે.’
સીતાએ કોન્સ્ટેબલ સમશેરસિંહ સામે જોયું. સમશેરસિંહ એકીટસે જોઈ રહ્યો હતો. સીતાની માને ખુશી એ વાતની હતી કે, એક કોન્સ્ટેબલ તેની ગરીબ છોકરીને પરણવા તૈયાર થયો છે તેથી દીકરી પણ સુખી થશે અને પોતે પણ. સીતાએ એની માની આંખો વાંચી લીધી. સીતાએ ગઈ કાલની ઘટના મનમાં જ દફ્નાવી દીધી. એણે બધું જ ખુલી જઈ ચહેરા પર સ્મિત આપ્યું. સીતાએ આડક્તરી રીતે સમશેરસિંહ સાથે લગ્ન કરવા સંમતિ આપી દીધી.
એ પછી તો સમશેરસિંહ અવારનવાર સીતાની ડુંગરી પર આવતો. જતાં આવતા ચા પીતો જતો.
એ જ્યારે જ્યારે આવે ત્યારે ચા-ખાંડ, અનાજ વગેરે કોઈ ને કોઈ સામાન લેતો આવતો. એનો આગ્રહ પણ રહેતો કે સીતા એની મોટર સાઈકલની પાછળ બેસે. ડુંગરપુર સુધી ફ્રવા આવે.
સીતા પણ તૈયાર થઈ જતી. સમશેરસિંહ સીતાને કોઈ ને કોઈ નવી ચીજ ખરીદી આપતો. કદીક તે ડુંગરીના જંગલમાં મોટરસાઈકલ થોભાવતો. સીતાને ગાઢ જંગલના નિર્જન વિસ્તારમાં લઈ જતો. સીતા કહેતીઃ ‘આ બધું હવે લગ્ન કર્યા પછી.’
‘મારી રાતરાણી, મને તો રોજ તારી હારે મહાલવું ગમે…’
એક દિવસ સીતાએ પ્રેમથી કહ્યું ઃ ‘આના કરતાં તો તમે સાંજે અમારા ડુંગરીના કુવાવાળા ખેતરે જ આવી જતા હોય તો? ‘
‘લે, એ તો બહુ જ સારું.’ કોન્સ્ટેબલ સમશેરસિંહે કહ્યુંઃ ‘આવતા રવિવારે હું તારા ખેતરમાં જ આવીશ. પણ દારૂ મંગાવી રાખજે… લે આ પૈસા.’
કહેતાં સમશેરસિંહે રૂપિયા પચાસની નોટ સીતાના હાથમાં પકડાવી દીધી. અને સીતાને એની ડુંગરી પાસે ઉતારી સમશેરસિંહ રવાના થઈ ગયો.
એ દિવસે સીતાએ એની માને પૂછી જ નાંખ્યુંઃ ‘મા, આ સમશેરસિંહ મારી સાથે લગ્ન કરશે ખરો?’
‘હા, બેટા. બે દિવસ પહેલાં જ તારા માટે ચાંદીના કડાં આપી ગયો છે જોવા છે? ‘
‘હા… મા. બતાવ જો.’
 એની માએ ઓરડીની અંદર એક પેટીમાં મૂકી રાખેલા ચાંદીનાં કડાં બતાવ્યાં. સીતાએ જોયું તો નવાં નક્કોર ચમકતા કડાં હતા. એણે સ્મિત સાથે પાછા આપી દીધાં.
આજે રાતે તો સમેશરસિંહ એને મળવા આવવાનો હતો. સીતા કાંઈ છુપાવવા માગતી નહોતી. એણે એની માને કહ્યુંઃ ‘મા, આજે મને મળવા આવવાના છે. મેં નીચે આપણા ખેતરમાં જ બોલાવ્યા છે. ‘
કોઈ વાંધો નહીં, બેટા. હવે આવતા મહિને તો તારે એની હારે પરણવાનું જ છે ને!’
સીતા સાંજ પડતાં જ સરસ રીતે નાહી ધોઈને નીચે ગઈ. એની માને ખબર હતી કે સમશેરસિંહને દારૂ પીવાની ટેવ છે. એણે સીતાને એક વાસણમાં રોટલો ને ડુંગળી પણ આપ્યા.
થોડીવારમાં મોટરસાઈકલનો અવાજ સંભળાયો. એ કોન્સ્ટેબલ સમશેરસિંહ જ હતો. એણે ભગતના કૂવા પાસે મોટર સાઈકલ મૂકી દીધી. સીતા તો ત્યાં બેઠેલી જ હતી. આજે પણ રાતરાણી ખીલી ઊઠી હતી. આખોયે વિસ્તાર મધમથી રહ્યો હતો.
કોન્સ્ટેબલ બોલ્યોઃ ‘વાહ મારી રાતરાણી. રાતરાણીની જેમ તું પણ રાતે ખીલી જ ઊઠે છે. મારો દારૂ લાવી કે નહીં?!
સીતાએ પ્રેમથી ખાટલા નીચેથી દારૂનો બાટલો આપ્યો. ગ્લાસમાં કાઢી આપ્યો. નજીકની ડુંગરી પર જ મહુડાના દેશી દારૂનો અડ્ડો હતો. કોન્સ્ટેબલ સમશેરસિંહે ધીમે ધીમે ગટગટાવ્યો. સીતા હજી નીચે જ બેઠેલી હતી. સમશેરસિંહે પૂછયુંઃ’ચાંદીના કડાં ગમ્યાં?’
‘સરસ છે’
 તું ચિંતા ના કર. લગ્ન પછી બીજા લઈ આપીશ.’ સમશેરસિંહ દારૂ ગટગટાવી રહ્યો. થોડીવાર પછી એણે સીતાને બાવડેથી ઊંચકીને ખાટલા પર બેસાડી, સમશેર એને પાશમાં લેતાં બોલ્યોઃ ‘વાહ છોડી, આજે તો રાતરાણી કરતાં તારામાંથી સુગંધ સારી આવે છે.’
‘એમ?’
‘હા… પણ દારૂ તો ખલાસ થઈ ગયો.’
‘મને મળીને નશો નથી ચડતો?’
‘અરે તારી તો વાત થાય તેવી જ નથી. મેં અમથી તને નથી પકડી.’
‘બીજો પીવો હોય તો છે, લાવું?’
‘હા….’
અને સીતા કૂવાના ખૂણે ઢાંકી રાખેલી માટલી લઈ આવી. એ બોલીઃ ‘મને ખબર જ હતી કે તમને ખૂટશે, લ્યો, આ માટલીમાં ત્રણ-ચાર ગ્લાસ જેટલો છે. કાઢીને જેટલો પીવો હોય તેટલો પીઓ, લ્યો,આ ગિલાસ.’
કહેતાં સીતાએ દારૂ ભરેલી માટલી કોન્સ્ટેબલ સમશેરસિંહને આપી. એક ગ્લાસ પણ આપ્યો. સમશેરસિંહ ખુશ થઈ ગયો. એણે માટલીની ઉપર ઢાંકેલું માટીનું ઢાંકણ હટાવી ખાલી ગ્લાસ અંદર નાંખ્યો. અને એક ઝાટકો લાગ્યો. વીજળીનો કરંટ લાગ્યો હોય એમ એણે હાથ બહાર કાઢી નાંખ્યો. કોન્સ્ટેબલ સમશેરસિંહને ખ્યાલ આવી ગયો કે અંદર દારૂ નહીં પરંતુ સાપ છે. માટલીમાં રાખેલા સાપે એના હાથે દંશ દઈ દીધો હતો. એના આંગળા પરથી લોહી નીકળતું હતું.
કોન્સ્ટેબલ સમશેરસિંહ ગભરાઈ ગયો. એણે માટલી ઊંધી કરી નાખી. એક કાળો સાપ બહાર નીકળી આવ્યો. સમશેરસિંહે માટલી ફેંકી દીધી. એ ચીસો પાડવા લાગ્યો. એણે કહ્યુંઃ ‘સાલી છોકરી! તે આ શું કર્યું?’
‘કેમ ભૂલી ગયો? જંગલમાં તેં મારી સાથે શું કર્યું હતું? તું કહેતો હતો ને કે હું સાપ છું. સાપ પાળતાં તો મને પણ આવડે છે. અમથી રાતરાણી નથી વાવી?ઃ સીતા આંખોના પ્રતિશોધની ઠંડી આગ સાથે બોલી રહી.
– અને થોડીક જ મિનિટોમાં કોન્સ્ટેબલ સમશેરસિંહ તરફડીને મૃત્યુ પામ્યો. એના મૃત્યુ માટે જંગલની સ્વમાની  કન્યા સીતાને કોઈ જ પસ્તાવો નહોતો.
  – દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!