Close

આજે દીપાવલી- લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે જ સ્વીકારો

કભી કભી | Comments Off on આજે દીપાવલી- લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે જ સ્વીકારો
આજે દીપાવલી છે
દીપાવલી હિન્દુઓનો મોટામાં મોટો તહેવાર છે.
દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે. સમુદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો બહાર નીકળ્યાં, તેમાં સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી,તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપૂંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય કરી દીધું હતું. આ કાળી રાત્રીએ જ આપણે પ્રતિવર્ષ સમગ્ર વાતાવરણને દીપમાળાઓથી પ્રજ્વલિત કરીને મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ. લક્ષ્મીપૂજનના આ પર્વમાં લોકો મહાલક્ષ્મીનું તો પૂજન કરે છે, પરંતુ ઘણીવાર અતિધન પ્રાપ્ત કરવાની લાલસામાં લોકો લક્ષ્મીજીના પતિ નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. આ સંદર્ભમાં વામન અવતારમાં આવતી એક સુંદર પૌરાણિક કથા પ્રસ્તુત છે.
બલિરાજા દાનેશ્વરી હતો, પરંતુ તે બાબતનું પણ સૂક્ષ્મ અભિમાન હતું.
નર્મદાનો કિનારો છે. સુંદર યજ્ઞમંડપ બાંધ્યો છે. યજ્ઞ બલિરાજા કરાવી રહ્યા છે. ભગવાન ખુદ ત્યાં વામનજીના રૂપમાં પ્રવેશ્યા. વામનજી મહારાજ સાત જ વર્ષના છે. વામનજીને સુંદર આસન આપવામાં આવ્યું છે. બલિરાજાએ તેમનું સ્વાગત કર્યું. બલિરાજાનાં પત્નીનું નામ વિંધ્યાવલી રાણી છે. રાણીએ અને બલિરાજાએ બ્રહ્મચારી વામનજીની પૂજા કરી બલિરાજા બોલ્યા ઃ ‘આપના દર્શન કરીને મને બહુ આનંદ થયો. મને થાય છે કે, હું બધું જ રાજ તમને અર્પણ કરું. તમારે જે જોેઈએ તે માગો. ગાયો જોેઈએ તો ગાયો આપું. લક્ષ્મી જોેઈએ તો લક્ષ્મી આપું, ભૂમિ જોેઈએ તો ભૂમિ આપું, કન્યા જોેઈએ તો કન્યાદાન કરું. તમે જે માગશો તે આપીશ.’
બલિરાજા ભક્ત પહ્લાદના પૌત્ર હતા.
વામનજીએ કહ્યું ઃ ‘રાજા, હું સંતોષી છું. બ્રાહ્મણ છું. હું વધારે કાંઈ લેવા આવ્યો નથી. મારા પગથી માપીને ત્રણ ડગલાં પૃથ્વીનું દાન લેવા આવ્યો છું. એટલું આપ તો તારું કલ્યાણ થશે.’
બલિરાજાને લાગ્યું કે, આ વામનજી હજી તેમની ઉંમર પ્રમાણે બાળક બુદ્ધિના છે. એમને માગતા જ નથી આવડતું. બલિરાજાએ કહ્યું ઃ ‘મહારાજ, હજી તમે નાના છો. મોટા થશો એટલે લગ્ન થશે. બાળકો થશે. કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરશો.’
વામનજીએ કહ્યું ઃ ‘રાજા ! તમે તો મને બધું આપવા તૈયાર છો, પરંતુ માગતા મારે વિચાર કરવો પડે. અતિસંગ્રહ કરવું તે પાપ છે. હું સંતોષી બ્રાહ્મણ છું. મારે તો સંધ્યા-પૂજા કરવા ત્રણ પગલાં જેટલી જ બેસવા જેટલી જ જગા જોેઈએ છે.’
બલિરાજાએ કહ્યું ઃ ‘ઠીક છે, આજે તો હું તમને ઇચ્છાનુસાર ત્રણ ડગલાં પૃથ્વીનું દાન આપું છું, પરંતુ ફ્રીથી કોઈ ચીજની જરૂર પડે તો મને કહેજોે.’
સભામાં બેઠેલા શુક્રાચાર્ય ભગવાનને ઓળખી ગયા હતા. તેમણે બલિરાજાને કહ્યું ઃ ‘રાજન ! દાન આપતાં વિચાર કરજોે. આ બ્રહ્મચારીનાં પગલાં કેવાં છે તે તમે જાણતા નથી. એ સાક્ષાત્ પરમાત્મા જ છે. તેમનાં બે પગલાંમાં આખી પૃથ્વી સમાઈ જશે. ત્રીજું પગલું મૂકવાની જગા જ નહીં રહે.’
બલિરાજા માન્યા નહીં. તેમણે દાન આપવાની તૈયારી કરી.
– અને વામનજીએ તરત જ હજાર હાથવાળું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. તેઓ તો સાક્ષાત્ ભગવાન વિષ્ણુ હતા. તેઓએ એક ડગલું ભર્યું તેમાં આખી પૃથ્વી આવી ગઈ. બીજોે પગ બ્રહ્મલોકમાં લઈ ગયા. બે પગલાંમાં બલિરાજાનું બધું રાજ આવી ગયું. ત્રીજું પગલું મૂકવાની જગા રહી નથી એટલે વામનજીએ બલિરાજાને કહ્યું ઃ ‘રાજન, તમે ત્રણ પગલાંનું પૃથ્વીનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે સંકલ્પનું પાલન કરતો નથી તેની દુર્ગતિ થાય છે. મારું એક પગલું હજુ બાકી છે.’
બલિરાજા ગભરાયા. વામનજીએ દાન માગ્યું ત્યારે સાત વર્ષના નાના બાળક હતા. હવે દાન સ્વીકારતી વખતે તેમણે વિરાટ સ્વરૂપ પ્રગટ કરી દીધું. બલિને સૂક્ષ્મ અભિમાન હતું કે, મારા જેવો કોઈ દાનેશ્વરી જ નથી. તેમણે પરમાત્માને મન આપ્યું. ધન આપ્યું,પણ અભિમાન આપ્યું નહોતું. વામનજી ભગવાને હુકમ કર્યો ઃ ‘બલિને બાંધો.’
બલિરાજાનાં પત્ની વિંધ્યાવલી રાણી ભક્તિભાવવાળાં અને ડાહ્યાં પણ હતાં. તેઓ ભગવાનના પગે પડયાં, કરગર્યાં. પતિના બોલવા વિશે તેમણે માફ્ી માગી ઃ હે ભગવાન, મારા પતિએ તમારું જ તમને અર્પણ કર્યું છે. તેમની ભૂલ થઈ છે. તેમને બાંધશો નહીં. બલિરાજા ગભરાયેલા હતા.
વિંધ્યાવલી રાણીએ પતિને કહ્યું ઃ ‘ભગવાનના જમણા ચરણમાં તમે વંદન કરો. ડાબા ચરણમાં હું વંદન કરું છું. તે પછી ભગવાનને કહો કે તમારો એક પગ બાકી છે તે મારા માથા પર મૂકો. આટલું જ હવે મારી પાસે છે, તેમ કહો.’
રાણી વિંધ્યાવલીના સત્સંગમાં બલિરાજાનું અભિમાન ઊતરી ગયું. બલિરાજાએ કહ્યું, ‘પ્રભુ હું કેવળ વંદન કરું છે. આપ જગતમાં જે કાંઈ છે તેના માલિક આપ છો. આપને કોણ દાન આપી શકે ? મારી ભૂલ થઈ. હવે એક પગલું બાકી છે તે મારા માથા પર પધરાવો.’
ભગવાન વામનજીએ બલિરાજાના મસ્તક પર પગલું મૂક્યું. ભગવાન રાજી થયા. રાજા હવે દીન-ગરીબ થઈ ગયો હતો. ભગવાને કહ્યું, ‘હે રાજન, સ્વર્ગનું રાજ મેં દેવોને આપ્યું છે. પાતાળનું રાજ હું તમને આપું છું. તમે પાતાળમાં રાજ કરો. તમે મને તમારું સર્વસ્વ આપ્યું છે. બીજું શું જોેઈએ છે ?’
બલિરાજાએ કહ્યું, ‘પ્રભુ, આપે મારે ઘરે દ્વારપાળ બનવું પડશે.’
ભગવાને હસીને હા પાડી.
બલિરાજા પાતાળમાં ગયા. ભગવાને તેમના દ્વાર પર સૈનિક બની પહેરો ભરવા માંડયો. બલિરાજા હવે પ્રત્યેક દ્વારમાં ભગવાન ચતુર્ભુજનાં દર્શન કરવા લાગ્યા. વૈકુંઠમાં લક્ષ્મીજી હવે એકલા પડયાં. ઘણાં દિવસથી નારાયણને તેમણે જોેયા નહીં એટલે નારદજીને પૂછયું ત્યારે ખબર પડી કે ભગવાન તો બલિરાજાને ત્યાં દાન લેવા ગયા હતા અને ખુદ બંધનમાં આવી જઈ બલિરાજાના દ્વારે પહેરો ભરે છે. બલિરાજા તેમને રજા આપે તો જ તેઓ ઘરે પાછા પધારશે.’
માતા મહાલક્ષ્મીએ લીલા કરી. તેમને ભગવાન વગર જરાયે ગમતું નહોતું. તેમણે બ્રાહ્મણની પત્નીનો વેશ ધારણ કર્યો. બહુ સાદો શૃંગાર કર્યો. લક્ષ્મીજી બલિના દરબારમાં આવ્યાં. બલિરાજા લક્ષ્મીજીને ઓળખી શક્યા નહીં. તેમણે વિનયથી પૂછયું, ‘તમે કોણ છો? કેમ આવ્યાં છો ?’
લક્ષ્મીજીએ બ્રાહ્મણ મહિલાના સ્વાંગમાં કહ્યું, ‘હે રાજન ! હું બ્રાહ્મણની પત્ની છું. મારે માતા-પિતા નથી, ભાઈ નથી. પિયરમાં જવાની ઇચ્છા થાય છે, પણ ક્યાં જાઉં ? મેં સાંભળ્યું છે કે, બલિરાજાને કોઈ બહેન નથી. હું તમારી ધર્મની બહેન થવા આવી છું. તમે મારા ધર્મના ભાઈ થાવ.’
બલિરાજાએ તરત જ વંદન કરીને કહ્યું, ‘આજથી તમે મારાં મોટાં બહેન અને હું તમારો નાનો ભાઈ. બસ, મારા ઘરને તમે પિયર સમજોે. તમે ઇચ્છા થાય ત્યાં સુધી અહીં રહેજોે.’
લક્ષ્મીજી બલિરાજાના રાજમાં રહેવા આવ્યાં. આખું ગામ સુખી થઈ ગયું. કોઈ ગરીબ રહ્યું જ નહીં. કોઈ રોગી પણ ના રહ્યું. ઝઘડા પણ ખતમ. બલિરાજાને થયું કે આ મોટીબહેન આવ્યાં ત્યારથી હું સુખી થયો. મારા ગામમાં બધા જ લોકો સુખી થઈ ગયા. બધાના ચહેરા પર આનંદ છે, પરંતુ આ બહેનના ચહેરા પર આનંદ નથી. શ્રાાવણની ર્પૂણિમા હતી. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું, ‘ભાઈ, આજે રક્ષાબંધન છે. હું તમને રાખડી બાંધીશ.’
બલિરાજાએ ખુશ થઈ રાખડી બંધાવી. બલિરાજાએ કહ્યું, ‘બહેન ! તમે અહીં આવ્યાં તે પછી મારું આખું ગામ સુખી થયું છે. બધાના ચહેરા પર આનંદ છે. તમારા ઘરમાં જે કાંઈ ખૂટતું હોય તે માગો.’
લક્ષ્મીજીએ કહ્યું, ‘મારા ઘરમાં બધું છે પણ એક નથી.’
‘શું?’
‘ભાઈ, તમારા દ્વાર પર જે પહેરો ભરે છે તેમને કાયમી રજા આપો.’
બલિરાજાએ પૂછયું, ‘બહેન, મારા દ્વારે પહેરો ભરે છે તે તમારા કોઈ સગાં થાય છે ? ચાલો ઠીક ! મેં વચન આપ્યું છે માટે હું મુક્ત તો કરી જ દઈશ.’
અને તરત જ સાક્ષાત્ ચતુર્ભુજ દેવ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બલિરાજાને પણ આનંદ થયો અને લક્ષ્મીજીએ પોતાનું અસલી રૂપ પ્રગટ કરી ભગવાનની પૂજા કરી. તે પછી ભગવાને બલિરાજાના બંધનમાંથી મુક્ત કરાવી વૈકુંઠધામમાં લઈ ગયા.
ભગવાનના વામન અવતારની અનેક કથાઓ પૈકીની આ કથા હૃદયંગમ છે. ભગવાનને લક્ષ્મીજી વગર ચાલતું હતું, પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નહોતું. દીપોત્સવીના આ દિવસે લક્ષ્મીપૂજનના પણ દિવસો છે ત્યારે એક વાત યાદ રાખજોે કે જે લોકો ધનવાન છે અને મનમાં ‘હું બહુ મોટો છું તેવું અભિમાન કરે છે તેને ભગવાન માફ્ કરતા નથી.લક્ષ્મી મારી નથી, પરંતુ તે લક્ષ્મીનારાયણની છે.’ તેવો ભાવ રાખનારને લક્ષ્મીજી કોઈ દિવસ નારાયણની ગોદમાં પણ બેસાડે છે. લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે સ્વીકારો અને સૂક્ષ્મ અભિમાનનો ત્યાગ કરો. એ વાત સાચી છે કે, દુનિયાનું દરેક સુખ લક્ષ્મીની સાથે જ જોેડાયેલું છે, પરંતુ લક્ષ્મીનાં અનેક સ્વરૂપ છે. લક્ષ્મી ધનધાન્યની દેવી, સંસારની પાલનહારી સદૈવ ભગવાન વિષ્ણુની નિકટ નિવાસ કરનાર નારાયણનાં અર્ધાંગિની પણ છે. લક્ષ્મીનું બીજું નામ સ્ત્રી પણ છે. લક્ષ્મીનો સહજ અર્થ છે સુલક્ષણવાળી. દીપાવલીના દિવસોમાં મહાલક્ષ્મીના પૂજનની સાથે સાથે તમારા ઘરમાં જે સાક્ષાત્ ગૃહલક્ષ્મી છે તેનું  પણ સન્માન કરો. કજિયાવાળા ઘરમાં દેવી મહાલક્ષ્મી ટકતાં નથી.
સૌને દીપાવલીની શુભકામના.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!