Close

આજે મારી મા નથી, પરંતુ તેના આદર્શ મારી સાથે છે

કભી કભી | Comments Off on આજે મારી મા નથી, પરંતુ તેના આદર્શ મારી સાથે છે

હલીમા યાકૂબ.

તેઓ સિંગાપુરના પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં છે.

 સિંગાપુર ભારતીયોનું પ્રિય સહેલગાહ સ્થળ છે. સિંગાપુર એક શહેર છે અને રાષ્ટ્ર પણ. લોકો શિસ્તબદ્ધ છે. ટ્રાફિક પણ શિસ્તબદ્ધ છે.

હલીમાના પિતા સરકારી કચેરીમાં ચોકીદાર હતા. પગાર ઓછો હતો. પાંચ ભાઈ-બહેનો હોઈ ઘર ચલાવવામાં અનેક મુશ્કેલીઓ હતી. એવામાં હલીમાના પિતાની તબિયત અચાનક બગડી અને તેઓ ગુજરી ગયા. એ વખતે હલીમા માત્ર આઠ વર્ષની હતી.

પરિવાર પર દુઃખના પહાડ તૂટી પડયા. મા કદી ઘરની બહાર ગઈ નહોતી. ઘરમાં અનાજ, કરિયાણું નહોતું. ભૂખમરા જેવી પરિસ્થિતિ પેદા થઈ. સરકારમાંથી કોઈ મદદ આવી નહીં. ઘર કેવી રીતે ચલાવવું તે એક પ્રશ્ન હતો. એવામાં સરકારી કવાર્ટર ખાલી કરવાની નોટિસ મળી. મુદત ના મળી. નજીકના સગાઓએ મદદ કરવા ઈન્કાર કરી દીધો. છેવટે ઘર ખાલી કરવું પડયું.

પરંતુ એક દૂરના સગાને દયા આવતાં તેેણે આશ્રય આપ્યો. થોડા દિવસો વીત્યા. મા રોજી-રોટી માટે ભટકવા લાગી પરંતુ કોઈ કામ ના મળ્યું. એ વખતે હલીમા ખૂબ નાની હતી પરંતુ માની તકલીફ સમજતી હતી. તે માને મદદ કરવા માગતી હતી પરંતુ કેવી રીતે ? કોઈ રસ્તો મળતો નહોતો. એક દિવસ કોઈએ તેની માતાને સડક પર દુકાન ખોલવાની સલાહ આપી. મા ફૂટપાથ પર જ ચાવલ અને મીટનો નાસ્તો વેચવા લાગી. શરૂઆતમાં તેની પાસે સડક પર દુકાન ચલાવવાનું લાઇસન્સ નહોતું. દરેક વખતે પોલીસનો ડર રહેતો. મા સવારે વહેલી ઊઠતી. બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલતી અને સડક પર એક થેલો લઈ ચાવલ-મીટ વેચવા નીકળી જતી. હલીમા કહે છે : ‘મારી મા મજબૂત ઇરાદાવાળી સ્ત્રી હતી. તેના માટે પ્રામાણિકતા એ પ્રથમ અગ્રતા હતી. અમે ગરીબ હોવા છતાં અમને પ્રામાણિકતાની જ રાહ પર ચાલતાં એણે શીખવ્યું હતું.’

ધીમે ધીમે જિંદગીની ગાડી પાટે આવવા લાગી. હવે હલીમા પણ માને ઘરકામમાં મદદ કરવા લાગી. તે પછી મા એક રેંકડી લઈ બજારમાં સડક પર માલ વેચવા જતી રહેતી. હલીમા સ્કૂલમાં જતી. પરંતુ રજાના દિવસે તે સીધી મા પાસે દુકાન પર જતી રહેતી. તે ગ્રાહકોને પ્લેટમાં મીટ અને રાઈસ પીરસતી. ગ્રાહકોને પાણી આપતી, એંઠા વાસણો ધોઈ નાંખતી. મા તેને આરામ કરવાનું કહેતા હલીમા ઈન્કાર કરી દેતી. મા રાત્રે થાકીને ઘેર આવતી અને થાકના કારણે કેટલીક વાર તો ખાધાપીધા વિના જ સૂઈ જતી.

હલીમાને ઘણીવાર હોમવર્ક કરવા માટે સમય જ મળતો નહીં. કેટલીક વાર તેને કલાસમાં જ ઊંઘ આવતી. હોમવર્ક કર્યું ના હોઈ ટીચર તેને લડતા. અલબત્ત તે વખતે તે ઘણી નાની હતી. ભણવાનું અને કામ કરવાનું એક સાથે હોવા છતાં તેણે ભણવાનું છોડયું નહીં. પરિણામ એ આવ્યું કે પરિસ્થિતિએ સમયની પહેલાં જ હલીમાને પુખ્ત અને સમજદાર બનાવી દીધી. સ્કૂલમાં પણ હવે એક ગંભીર છોકરી તરીકે તેની છાપ ઊભી થઈ. તે બહુ જ ઓછું હસતી અને ચૂપચાપ ભણતી રહેતી. એની વયની છોકરીઓ સાથે તે બહુ રમતી નહીં.

કેટલાક દિવસો બાદ પરિસ્થિતિ સુધરી. માને રસ્તા પર લારીમાં દુકાન ચલાવવાનું લાઇસન્સ મળી ગયું. દુકાન પણ હવે સારી ચાલવા લાગી. ગ્રાહકોની સંખ્યા વધી. માએ દુકાન માટે નોકર પણ રાખી લીધો. અને પુત્રીને ભણવા પર ધ્યાન આપવા કહ્યું.

હલીમાએ સિંગાપુરની ચાઈનીઝ ગર્લ્સ સ્કૂલ દ્વારા હાયર સેકંડરી પાસ કરી લીધું. તે પછી તે વધુ અભ્યાસ માટે સિંગાપુર યુનિવર્સિટીમાં દાખલ થઈ. ૧૯૭૮માં તેણે કાયદાશાસ્ત્રમાં ડિગ્રી હાંસલ કરી. ૨૦૦૧માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. તે પછી હલીમાને નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસમાં કામ કરવાની તક મળી. તે યુનિયનની લીગલ ઓફિસર બની. લીગલ ઓફિસર હોવાના નાતે હલીમાએ કર્મચારીઓના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રીત કર્યું. અને કર્મચારીઓના પ્રશ્ને અવાજ ઉઠાવવાના કારણે હલીમા આખા સિંગાપુરમાં જાણીતી બની ગઈ. લોકો તેને એક નીડર અને ઇમાનદાર વકિલ તરીકે જોવા લાગ્યા. હલીમા કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના કર્મચારીઓના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરતી. પરિણામ સ્વરૂપે ૧૯૯૯માં તે યુનિયનના લીગલ વિભાગમાં ડાયરેક્ટર બની ગઈ.

આ દરમિયાન હલીમા અનેક રાજકીય નેતાઓના સંપર્કમાં આવી. એ વખતે તેને લાગ્યું કે દેશમાં પરિવર્તન લાવવા માટે રાજનીતિમાં આવવું જરૂરી છે. આ ઇરાદાથી હલીમાએ ૨૦૦૧માં રાજનીતિમાં પદાર્પણ શરૂ કર્યું. એણે ચૂંટણીમાં ઝંપલાવ્યું અને હલીમા એ જ વર્ષે સાંસદ તરીકે ચૂંટાઈ આવી. નવી સરકારમાં હલીમાને સામુદાયિક વિકાસ યુવા તથા ખેલ મંત્રાલય સોંપવામાં આવ્યું. આ જવાબદારી હલીમાએ સરસ રીતે નિભાવી.

એક વર્ષ બાદ હલીમાને સમાજ તથા પરિવાર વિકાસનું મંત્રાલય સોંપવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન હલીમાએ મહિલાઓને તબીબી સુવિધાઓ અપાવવા માટે લાંબો સંઘર્ષ કર્યો. ગરીબ બાળકોને ભણાવવા માટે ઠેર ઠેર ટયૂશન સેન્ટર ખોલાવરાવ્યા. આ કારણથી હલીમાની લોકપ્રિયતા વધતી ગઈ.

જાન્યુઆરી ૨૦૧૩માં હલીમા યાકૂબને દેશના પ્રથમ મહિલા સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સ્પીકર તરીકે તેમણે દરેક સાંસદને પોતાની વાત કહેવાની પૂરી તક મળે તેનો ખ્યાલ રાખ્યો. સાંસદો જે મુદ્દા ઉઠાવે તેના સંતોષકારક જવાબ પણ મળે તે વાતનો પણ તેમણે ખ્યાલ રાખ્યો.

અને હલીમા યાકૂબની રાજનૈતિક સફર રંગ લાવી.

સપ્ટેમ્બર, ૨૦૧૭માં હલીમા યાકૂબને સિંગાપુરના પહેલાં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા.

હલીમા યાકૂબ કહે છે : ‘મારી સફળતાથી મારી મા ખૂબ ખુશ હતી. ૨૦૧૫માં જ મારી માતાનું અવસાન થઈ ગયું. આજે તે હયાત હોત તો મને આ મુકામ પર જોઈ તે બહુ જ ખુશ થાત. મારી મા આજે નથી પરંતુ તેણે મને શીખવેલા પ્રામાણિકતાના આદર્શ હંમેશાં મારી સાથે રહેશે.’.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!