Close

આઝાદીનો અમૃત મહોત્સવ ૭૫ વર્ષનાં લેખાંજોખાં

કભી કભી | Comments Off on આઝાદીનો અમૃત મહોત્સવ ૭૫ વર્ષનાં લેખાંજોખાં
દેશને આઝાદ થયે ૭૫ વર્ષ પૂરાં થઈ ગયાં. આજે ભારત આઝાદીનો અમૃતકાળ ઊજવી રહ્યો છે. ભારત આઝાદ થયું તે પછી આજે વિશ્વનો એક શક્તિશાળી દેશ બન્યો છે. દુનિયાના દરેક દેશે કોઈ પણ બાબતમાં ભારત શું વિચારે છે અને ભારત શું કહે છે તે પર ધ્યાન આપવું પડે છે.  ભારત હવે વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ટૂંક સમયમાં આ બાબતે તે ત્રીજા નંબરે આવી જશે. આઝાદીના ૭૫ વર્ષ દરમિયાન શું થયું તેના લેખા-જોખા જોઈએ
નેહરુ-
દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. નહેરુ એક આદર્શવાદી નેતા અને પંચશીલના સિદ્ધાંતોને માનતા હતા. નહેરુના સમયમાં જાહેરક્ષેત્રનાં મોટાં કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં. ભાખરા નાંગલ જેવા વિશાળ બંધ પણ નિર્માણ પામ્યા. સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ પણ તેમના જ હસ્તે થયો. ભારતના ભાગલા પડતાં કરાંચી બંદર પાકિસ્તાનમાં ગયું તેથી કંડલા બંદરને વિકસાવવાની દૂરંદેશી  દેશના તે વખતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર સાહેબની હતી. કંડલા આજે ધમધમતું બંદર છે.
અલબત્ત, નહેરુના શાસન દરમિયાન જે બે મોટી ભૂલો થઈ તેમાંની એક હતી કાશ્મીરનો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવાયો  અને નહેરુએ ચીનને મિત્ર માની લેવાની ભૂલ કરી. ચીનના વડા ભારત આવ્યા ત્યારે દેશમાં `હિન્દી ચીની ભાઈભાઈ’ના નારા પોકારવામાં આવ્યા પરંતુ ચીને ભારત સાથે દગો કરીને ભારત પર આક્રમણ કરી લાખો ચોરસ માઈલની ભારતની ભૂમિ પર કબજો જમાવી દીધો. ૧૯૬૨થી ચીન ભારતની આ ભૂમિ પચાવીને બેઠું છે જે આજ સુધી તે જમીન ભારતને સોંપતું નથી. હા, નહેરુએ રશિયાને મિત્ર બનાવ્યું તે તેમનું શ્રેષ્ઠ પગલું હતું. રશિયા આજે પણ ભારતનું વફાદાર મિત્ર છે.
શાસ્ત્રીજી
ભારતને જે શ્રેષ્ઠ વડાપ્રધાનો સાંપડ્યા તેમાં લાલ બહાદુર શાસ્ત્રી એક હતા. વડાપ્રધાન બનતા પહેલાં તેઓ રેલવે મંત્રી હતા અને એક ટ્રેનને અકસ્માત નડતાં તેમણે રેલવે મંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. શાસ્ત્રીજી સાદગીનો પર્યાય હતા. તેમના સમયગાળા દરમિયાન પાકિસ્તાને ભારત પર આક્રમણ કરી દીધું ત્યારે શાસ્ત્રીજી બોલ્યા હતા: `ઈંટ કા જવાબ પથ્થરો સે દેંગે.’  શાસ્ત્રીજીએ એ યુદ્ધમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. તે  પછી રશિયાની મધ્યસ્થીના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે સમાધાન માટે તેઓ તાશ્કંદ ગયા જ્યાં એક હોટલમાં જ તેમનું રહસ્યમય રીતે અવસાન થયું. તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું નહોતું.
નરસિંહરાવ
દેશમાં આર્થિક ઉદારીકરણ લાવવાનું કામ પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવે કર્યું. એમના શાસનની પૂર્વે દેશમાં ફિયાટ અને એમ્બેસેડર એમ બે જ મોટરકારોની કંપનીઓને ઈજારો હતો. નરસિંહરાવે એ ઈજારો ખતમ કરી નાંખ્યો અને વિશ્વની બીજી કંપનીઓ પણ ભારત આવી જેમણે દેશને અદ્યતન મોટરકારો ઉપલબ્ધ કરાવી આપી.
ઈદિંરા ગાંધી
દેશનાં પૂર્વ વડાંપ્રધાન ઈંદિરા ગાંધીના સમયગાળા દરમિયાન દેશની બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું જેનાથી બેકોંનાં દ્વાર ટેક્સી અને રિક્ષાચાલકો માટે પણ ખૂલી ગયાં. ઈદિંરાજીએ ચૂંટણી દરમિયાન ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું. પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ઈંદિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા અને પૂર્વ પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરી બાંગ્લાદેશનો ઉદભવ કરવામાં મદદ કરી. દેશમાં પહેલો અણુયુદ્ધ પ્રયોગ પણ ઈંદિરા ગાંધીના સમયમાં થયો પરંતુ દેશમાં કટોકટી અને પ્રેસ પર સેન્સરશિપ પણ ઈંદિરા ગાંધીએ જ લાદી, જે દેશના લોકતંત્ર પર એક પ્રકારનો કુઠારાઘાત જ હતો. હજારો લોકો અને નેતાઓને `મીસા’ હેઠળ જેલમાં પૂરવામાં આવ્યા. ઈમરજન્સી પછી ઇંદિરા ગાંધી ચૂંટણી હારી પણ ગયાં.
મોરારજી દેસાઈ
દેશને જે શ્રેષ્ઠ વડાપ્રધાન મળ્યા છે તેમાં ગુજરાતના મોરારજી દેસાઈનું નામ ગૌરવપૂર્ણ રીતે લઈ શકાય. તેમણે ફુગાવો કાબૂમાં લીધો અને અર્થતંત્રમાં તેઓ `શિસ્ત’ લાવ્યા. મોરારજીભાઈ પણ સાદગીના શ્રેષ્ઠ પ્રતીક હતા. કમનસીબે કેટલાક રાજકારણીઓએ તેમના ટૂંકા સ્વાર્થના કારણે તેમની ટર્મ પૂરી થવા ન દીધી.
રાજીવ ગાંધી
ઇંદિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી પણ દેશના વડાપ્રધાન બન્યા. તેઓ એક સૌમ્ય પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિ હતા. દેશમાં રંગીન ટેલિવિઝન અને ટેલિકોમ્યુનિકેશનમાં નવી ટેક્નોલોજી લાવવાનું કામ કર્યું. ઇંદિરા ગાંધીએ જે રીતે કટ્ટર ખાલિસ્તાનીઓ સામે કડક પગલાં લેવાનું કામ કર્યું અને તેમની હત્યા થઈ ગઈ તે રીતે રાજીવ ગાંધીએ શ્રીલંકામાં તમિલ ટાઈગરોને કાબૂમાં લેવા ભારતીય લશ્કર મોકલ્યું અને શ્રી પેરામ્બુદુરમાં તમિલ ઉગ્રવાદીઓએ તેમની પણ હત્યા કરી નાંખી.તેમના સમયમાં બોફોર્સ પ્રકરણ વિવાદમાં આવ્યું.
અટલજી
દેશ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના યુગને હંમેશાં યાદ કરશે. અટલજી રાજકારણી નહીં પણ `સ્ટેટસમેન’ અર્થાત રાષ્ટ્રપુરુષ હતા. અટલજી રાજનીતિમાં હોવા છતાં એક સંવેદનશીલ વ્યક્તિ હતા. તેઓ કવિ પણ હતા. અટલજીએ કારગિલમાં ઘૂસેલા પાકિસ્તાનના લશ્કરને હાંકી કાઢ્યું હતું. પોખરણમાં કરેલો અણુધડાકો તેમની એક સિદ્ધિ હતી. પોખરણના અણુધડાકાથી દુનિયા આખી સ્તબ્ધ થઈ ગઈ હતી. પોખરણના અણુધડાકાથી નારાજ થઈ ગયેલા અમેરિકાએ ભારત પર આર્થિક નિયંત્રણો લાદ્યાં હતાં પરંતુ અટલજીએ તેની પરવા કરી નહોતી. એથી ઉલટું તેમની બેક ચેનલ ડિપ્લોમસીના કારણે એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ ક્લિન્ટનને ભારતના મહેમાન બનાવવામાં તેઓ સફળ નીવડ્યા હતા. પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા તેમણે દેશમાં રાજમાર્ગોની નીંવ બીછાવી દીધી. ૧૪ વર્ષનાં બાળકોને મફત શિક્ષણ આપવાની શરૂઆત પણ તેમના જ સમયગાળામાં થઈ. ભારતના `ચંદ્રયાન’ની યોજનાની જાહેરાત પણ તેમણે જ દિલ્હીના લાલ કિલ્લા પરથી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હિન્દીમાં પ્રવચન આપનાર તેઓ દેશના પહેલા વડાપ્રધાન હતા.
ડૉ.મનમોહનસિંહ
દેશને જે સૌમ્ય વડાપ્રધાનો મળ્યા તેમાં ડૉ.મનમોહનસિંહનો પણ સમાવેશ કરી શકાય. ડૉ.મનમોહનસિંહ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. તેમના સમયમાં પેટ્રોલ, ડિઝલના ભાવો અંકુશમાં રહ્યા.
નરેન્દ્રમોદી
આઝાદી બાદ દેશને જે શ્રેષ્ઠ વડાપ્રધાનો મળ્યા તેમાં સૌથી ઊંચું અને ટોચનું સ્થાન તો આજના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ ધરાવે છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળનાં નવ વર્ષ પૂરાં કર્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે યશસ્વી કામગીરી બજાવી તેની ઝલક કાંઈક આવી છે.
પીએમ.મોદીના વડાપ્રધાન તરીકે નવ વર્ષના કાર્યકાળનાં લેખાજોખાં જોઈએ તો અહીં એ નોંધવું પડે કે પીએમ.મોદીના કાર્યકાળ દરમિયાન દેશમાં કોઈ જ કોમી રમખાણો થયાં નથી. ૩૭૦મી કલમ
જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી દઈને પી.એમ.મોદીએ  જમ્મુ અને કાશ્મીરને બીજાં રાજ્યોની બરાબર કરી દીધું છે. આ કલમ દૂર થઈ તે પહેલાં જમ્મુ અને કાશ્મીરનો નાગરિક દિલ્હી કે મુંબઈમાં કરોડનો બંગલો ખરીદી કરવાનો અધિકાર ધરાવતો હતો પણ દિલ્હી કે મુંબઈનો નાગરિક કાશ્મીરમાં રૂ.પાંચ હજારનું ઝૂંપડું પણ ખરીદી શકતો નહોતો. આ વિસંગતતા હવે દૂર થઈ છે. ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમાંથી લાખો હિંદુઓ, જૈનો, શીખો, ખ્રિસ્તીઓ શરણાર્થી બનીને ભારત આવ્યા હતા. તેઓ શરણાર્થી શિબિરોમાં રહેતા હતા. તેમને ભારતનું નાગરિકત્વ અપાયું ન હોઈ તેઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં દાખલ કરાવી શકતા નહોતા. તેમનાં સંતાનોને સરકારી નોકરી મળતી નહોતી. ૭૫ વર્ષથી યાતના ભોગવતા આ શરણાર્થીઓને વડાપ્રધાન મોદીએ નાગરિકતા બક્ષી શરણાર્થીઓની દર્દભરી યાતનાઓ દૂર કરી.
રામમંદિર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન જ થયેલા અથાગ પ્રયાસોને કારણે અયોધ્યાને હવે ભવ્ય રામમંદિર જોવા મળશે. તેમના સમયગાળા દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે બનારસ ખાતે ભવ્ય કાશીવિશ્વનાથ પરિસર પ્રાપ્ત થયું. એમના સમયગાળા દરમિયાન જ ઉજ્જૈન ખાતે મહાકાલના શિવાલય પરિસરને મોટું ભવ્ય અને આકર્ષક બનાવવામાં આવ્યું. નોંધપાત્ર વાત એ છે કે નવી દિલ્હી ખાતે આવેલું હાલનું સંસદભવન હવે જૂનું થયું હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતાના કારણે જ નવી દિલ્હીમાં હવે લોકસભા અને રાજ્યસભાના એક હજાર કરતાં વધુ સાંસદો બેસી શકે તેવું ભવ્ય-નવું સંસદભવન અસ્તિત્વમાં આવ્યું છે. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય અને વિરાટ પ્રતિમા સ્થાપિત કરી સરદાર સાહેબને સન્માન બક્ષ્યું. એ જ રીતે પીએમ. મોદીના કારણે જ દેશને હવે બુલેટ ટ્રેન સાંપડશે.
પાછલાં વર્ષો દરમિયાન કોરોનાની મહામારીએ વિશ્વના અનેક દેશોમાં લાખો લોકોનાં મોત નીપજ્યાં ત્યારે પીએમ.મોદીએ સમયસર લૉકડાઉન જાહેર કરીનેે અને તે પછી દેશના કરોડો લોકોને મફતમાં વેક્સિન આપીને દેશની જનતાને મોટી ખુવારીમાંથી બચાવી લીધી.
ઉજ્જવલા યોજના
આ સમયગાળા દરમિયાન જ ઉજ્જવલા યોજના દ્વારા ચૂલા પર રાંધતી દેશની ગરીબ મહિલાઓને ગેસ સિલિન્ડર આપી ચૂલાના ધુમાડાથી રાહત બક્ષી. ખેડૂતો માટે કિસાન સહાય યોજના દ્વારા ખેડૂતોને આપઘાત કરતાં અટકાવી દીધા. વડાપ્રધાનપદનો કાર્યભાર સંભાળતાની સાથે જ પીએમ. મોદીએ જનધન યોજના દ્વારા દેશના કરોડથી વધુ ગરીબ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડી તેમને અનેક યોજનાઓનો લાભ અપાવ્યો.
સર્જીકલ સ્ટ્રાઈક
કેટલાંક વર્ષો પહેલાં પાકિસ્તાને ભારતમાં છમકલું કરવા પ્રયાસ કર્યો ત્યારે પીએમ.મોદીએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને સખત મેસેજ આપ્યો.
ગરીબી-બેરોજગારી
દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે અહીં એક વાત નોંધવી જોઈએ કે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી છે પણ દેશના કરોડો લોકોને હજુ ગરીબી અને ભૂખમરાથી આઝાદી અપાવવાનું કામ બાકી છે. દેશના કરોડો યુવાનોને બેરોજગારીમાંથી આઝાદી અપાવવાની બાકી છે. દેશના નાગરિકોને હજુ ભ્રષ્ટાચારમાંથી આઝાદી અપાવવાની બાકી છે. ગાંધીજીએ કહ્યું હતું કે સાચું હિંદુસ્તાન ૭ લાખ ગામડાંઓમાં વસે છે. આજે ગામડાં ખાલી થઈ રહ્યાં છે. શહેરો માનવવસતીથી ઉભરાઈ રહ્યાં છે.  દેશનું બુદ્ધિધન વિદેશ જઈ રહ્યું છે. દેશના કેટલાયે સુપર રિચ દેશ છોડીને બહાર જઈ રહ્યા છે. દેશના ખેડૂતો માટે ખેતી હવે ખોટનો ધંધો બની રહ્યો છે. કરોડો ગરીબો આજે પણ ઝૂંપડપટ્ટીમાં જીવન બસર કરી રહ્યા છે. આવનારા સમયમાં આ સમસ્યાઓનો પણ અંત આવશે અને એક દિવસ દેશમાં વસતી તમામ પ્રજા સુખશાંતિથી રહેતી હશે એવી આશા રાખીએ.

Be Sociable, Share!