Close

આપણા દેશનું નામ ‘ભારત’કેમ પડયું ? રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાની પુત્રી શકુન્તલાના પુત્ર હત

કભી કભી | Comments Off on આપણા દેશનું નામ ‘ભારત’કેમ પડયું ? રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાની પુત્રી શકુન્તલાના પુત્ર હત
આપણા દેશનું નામ ભારત કેમ પડયું  તેની દિવ્ય અને પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે.
મહાકવિ કાલિદાસ ‘વસંત’ને ‘ઋતુરાજ વસંત’ કહ્યો છે. ઋતુઓની રાણી વર્ષા છે તો ઋતુઓનો રાજા વસંત છે. વસંત સ્વર્ગના દેવ કામદેવનો સખા છે  મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’માં અને ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’માં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ની કથા કાંઈક આવી છે.
મહર્ષિ વિશ્વામિત્ર એકવાર તપ કરવા બેઠા. સ્વર્ગના દેવોના દેવ ઈંદ્ર રાજા ગભરાયા. વિશ્વામિત્રના તપનો ભંગ કરાવવા ઈંદ્રરાજાએ સ્વર્ગની અત્યંત સ્વરૂપવાન અપ્સરા મેનકાને મોકલી. ઈંદ્રને ડર હતો કે મહર્ષિ  વિશ્વામિત્ર કદાચ તેનું ઈંદ્રાસન  છીનવી લેશે. મેનકાએ પૃથ્વી પર આવી મહર્ષિ વિશ્વામિત્રનો તપોભંગ કરાવ્યો. વિશ્વામિત્ર મેનકા તરફ્ આકર્ષાયા. વિશ્વામિત્રથી મેનકાએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો. જેનું નામ ‘શકુંતલા’. પુત્રીને  જન્મ આપી  તેને વનમાં જ મૂકી મેનકા સ્વર્ગમાં પાછી જતી રહી જ્યારે વિશ્વામિત્ર પણ તપ કરવા અન્યત્ર ચાલ્યા ગયા.
એ દરમિયાન નજીકમાં જ એક આશ્રામ ધરાવતા કણ્વ ઋષિએ નાનકડી બાળકીને જોેઈ તેઓ એ બાળકીને પોતાના આશ્રામમાં લઈ ગયા.
શકુંતલા હવે કણ્વ ઋષિના આશ્રામમાં જ રહી મોટી થવા લાગી. શકુંતલા એક મહાન ઋષિ અને અપ્સરાની પુત્રી હોવાથી અનુપમ સૌંદર્ય ધરાવતી હતી. તે હવે યુવાન બની ચૂકી હતી. એક દિવસ હસ્તિનાપુરના રાજા દુષ્યંત મૃગયા કરવા નીકળ્યા હતા અને વનમાં તેમણે શકુંતલાને જોેઈ. તેમને શકુંતલા પ્રત્યે આકર્ષણ થયું. બંને વચ્ચે પ્રણયના અંકુરો ફ્ૂટયા. શકુંતલાએ પ્રણયનો એકરાર કર્યો. એ વખતે મહર્ષિ કણ્વ  સોમતીર્થ ગયેલા હતા. રાજા દુષ્યંત આશ્રામવાસીઓેની સંમતિથી આશ્રામમાં જ રોકાઈ ગયા. શકુંતલાએ કમળપત્ર પર રાજા દુષ્યંતને પ્રેમપત્ર લખ્યો ઃ રાજાએ ગાંધર્વ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. સખીઓએ અનુમોદન આપ્યું. અંતઃપુરમાં રાજા દુષ્યંત અને શકુંતલાનું મિલન  થયું. થોડા દિવસ બાદ રાજા દુષ્યંત શકુંતલાને એક વીંટી આપતાં કહ્યું કે, ‘આ વીંટી પહેરીને આવજે એટલે હું તને ઓળખી જઈશ.’ એમ કહી તેઓ જતાં રહ્યા.
એક દિવસ દુર્વાસા ઋષિ કણ્વ ઋષિના આશ્રામમાં આવી પહોંચ્યા. એ વખતે શકુંતલા ઉપવનમાં પુષ્પો વીણતી હતી. વળી  તે રાજા દુષ્યંતની યાદમાં ખોવાયેલી હતી. તે દુર્વાસા ઋષિનો સત્કાર  કરવાનું ભૂલી ગઈ. દુર્વાસા ઋષિએ તેને શાપ આપ્યો ઃ ‘તું જેની યાદમાં મગ્ન છે તે જ તને ભૂલી જશે.’
ક્રોધે ભરાયેલા દુર્વાસા ઋષિ ચાલ્યા ગયા. શકુંતલાની સખીઓએ દુર્વાસા ઋષિને રોકતાં શાપ પાછો ખેંચી લેવા વિનવણી કરી.  દુર્વાસા ઋષિએ કહ્યું ઃ’શાપ પાછો ખેંચવો મુશ્કેલ છે પરંતુ રાજા દુષ્યંતે આપેલી કોઈ ચીજ કે અલંકાર તે દુષ્યંતને બતાવશે તો રાજા દુષ્યંત તેને ઓળખી જશે.’
શકુંતલા હવે સગર્ભા બની. સોમતીર્થ ગયેલા કણ્વ ઋષિ પાછા આવી ગયા હતા. તેઓ વીતેલી તમામ ઘટના જાણી ચૂક્યા હતા.  તેમણે સગર્ભા બનેલી શકુંતલાને પતિગૃહે મોકલવા તૈયારીઓ કરી. એ શિષ્યો સાથે શકુંતલાને હસ્તિનાપુર મોકલવામાં આવી પરંતુ દુર્વાસા ઋષિના શાપના કારણે રાજા દુષ્યંત શકુંતલાને ઓળખી શક્યા નહીં. શકુંતલાને રાજા દુષ્યંતે ભેટ આપેલી વીંટી યાદ આવી ગઈ. એણે જોેયું તો વીંટી ગુમ હતી. શક્રઘાટ પર શમતીર્થના જળને વંદન કરતાં રાજા દુષ્યંતે આપેલી વીંટી સરકીને જળમાં પડી ગઈ હતી. રાજા દુષ્યંતે સગર્ભા શકુંતલાને સ્વીકારવાની ના પાડી. શિષ્યો પણ શકુંતલાને રાજાના દરબારમાં  જ મૂકીને જતા રહ્યા. રાજાના પુરોહિતોએ રાજા દુષ્યંતને સલાહ આપી ઃ ‘વનકન્યા શકુંતલા સગર્ભા છે તેથી તેને સંતાન જન્મે ત્યાં સુધી અન્ય મહેલમાં રાખવી! રાજા દુષ્યંતને વરદાન હતું કે તેની પત્નીને ચક્રવર્તી લક્ષણોવાળો પુત્ર જન્મશે.’
રાજા દુષ્યંતે રાજપુરોહિતની વાત માન્ય રાખી. સગર્ભા શકુંતલાને એક અન્ય  મહેલમાં મોકલી દેવાઈ.  પરંતુ  રાજપુરોહિત શકુંતલાને એના માટે ફળવાયેલા અલગ મહેલમાં લઈ જતો હતો ત્યારે જ એક દિવ્ય જ્યોતિ શકુંતલાને ઉપાડી લઈ ગઈ.
એ પછી બન્યું એવું કે હસ્તિનાપુરમાં એક ચોર પકડાયો. હકીકતમાં તે એક માછીમાર હતો. વાત એમ હતી કે તે માછીમાર રાજધાનીના ઝવેરીબજારમાં  રાજાની મુદ્રાવાળી વીંટી  વેચવા આવ્યો હતો. રાજાના રક્ષકોએ તે  વીંટી પર રાજાની મુદ્રા જોેઈ તેને પકડી લીધો. માછીમારે સ્પષ્ટતા કરી કે,  ‘હું ચોર નથી પરંતુ માછીમાર છું. રામતીર્થના જળમાં મેં એક માછલી પકડી હતી. તેને ચીરતાં તેના પેટમાંથી આ વીંટી મળી હતી.’
રાજ રક્ષકો માછીમારને રાજ મુદ્રાવાળી વીંટી સાથે રાજા દુષ્યંતના દરબારમાં લઈ  આવ્યા. વીંટી જોેતાં જ રાજા દુષ્યંતને યાદ આવી ગયું કે કણ્વ ઋષિના આશ્રામમાં ગાંધર્વ વિવાહ બાદ આ વીંટી મેં જ શકુંતલાને આપી હતી.  રાજા દુષ્યંતની આંખોમાં જળ ઊભરાયું. માછીમારને ઈનામ આપી મુક્ત કરાયો. શકુંતલા સમતીર્થના જળને વંદન કરતી હતી તે વખતે જ તેની આંગળી પરની વીંટી જળમાં સરકી પડી હતી.  જેને એક માછલી ગળી ગઈ હતી. અને એ જ વીંટી આજે રાજા દુષ્યંત સમક્ષ હતી પરંતુ શકુંતલાને તો કોઈ દિવ્ય જ્યોતિ ઉપાડી ગઈ હતી. રાજા દુષ્યંત દુઃખી થઈ ગયા.
કેટલાક સમય બાદ રાજા દુષ્યંતને મારિચ ઋષિના આશ્રામ તરફ્ જવાનું થયું ઃ  રસ્તામાં રાજા દુષ્યંતે એક નાનકડા બાળકને બાળસિંહ સાથે રમતો જોેયો. રાજા વિસ્મય પામ્યા. એમણે જોેયું તો નાનકડો બાળક સિંહના બચ્ચાની પીઠ  થાબડી કહી રહ્યો હતો ઃ ‘સિંહ, ઉઘાડ તારું મોં, મારે તારા દાંત ગણવા છે.’
બાળકની હિંમત જોેઈ રાજા દુષ્યંત સ્તબ્ધ થઈ ગયા. એમણે અન્ય આશ્રામવાસીઓને પૂછયું ઃ ‘આ બાળક કોણ છે?’
આશ્રામવાસીઓએ કહ્યું ઃ ‘તેનું નામ સર્વદમન છે.’
રાજાએ પૂછયું ઃ ‘આ બાળકના પિતા કોણ છે?’
આશ્રામવાસીઓએ કહ્યું ઃ ‘પત્નીનો ત્યાગ કરનારનું નામ કોણ લે?’
રાજા દુષ્યંતને ખ્યાલ આવી ગયો કે આશ્રામવાસી  પત્ની શકુંતલાનો ત્યાગ કરનાર મારી જ વાત કરે છે. એ પછી રાજાએ અંદરથી આનંદ અનુભવ્યો. આશ્રામવાસીઓ સમક્ષ શકુંતલા તેમની જ પત્ની હોવાનો એકરાર કર્યો. શકુંતલાને બોલાવામાં આવી. રાજા દુષ્યંત અને શકુંતલાએ એકબીજાને જોેયાં. એ વખતે નાનકડા બાળક સર્વદમને માતા શકુંતલાને પૂછયું ઃ ‘મા, આ કોણ છે?’
ત્યારે શકુંતલાએ ‘એ તારા પિતા છે’- એવું કહેવાના બદલે એટલું  જ કહ્યું ઃ ‘તારા ભાગ્યને પૂછ, બેટા’ એટલું  બોલતાં શકુંતલા રડી પડી.
શકુંતલાની આ વેદના રાજા દુષ્યંતના હૃદયને સ્પર્શી ગઈ. છેવટે રાજા દુષ્યંત શકુંતલા અને પુત્રને લઈ ઋષિ મારિચ પાસે ગયા. ઋષિએ અદિતીને રાજા દુષ્યંતની ઓળખ કરાવી. ઋષિ મારિચ અને અદિતિએ રાજાને આશીર્વાદ આપ્યા. રાજા દુષ્યંતે ઋષિને પૂછયું ઃ ‘હું શકુંતલાને કેમ ભૂલી ગયો?’
ઋષિ મારિચે કહ્યું ઃ ‘એ દુર્વાસા ઋષિનો શાપ હતો. દુર્વાસા  કણ્વ ઋષિના આશ્રામમાં પ્રવેશ્યા ત્યારે શકુંતલા તમારી યાદમાં  મગ્ન હતી એ કારણે દુર્વાસા ઋષિએ શાપ આપ્યો હતો.’
શકુન્તલા હજુ દુઃખી હતી. તેનું મન હજુ ઉદ્વિગ્ન હતું. ઋષિ મારિચે શકુંતલાને રાજા દુષ્યંત પ્રત્યે રોષ ના રાખવા સમજાવી. શકુન્તલાએ ઋષિ મારિચની વાત અને શાપના સત્યને સ્વીકાર્યું. પરંતુ હવે બધું બરાબર હતું. શકુંતલાના પાલક પિતા  ઋષિ કર્દપને પણ રાજા દુષ્યંત અને શકુંતલાના પુનઃમિલનના સમાચાર આપવામાં આવ્યા. ઈંદ્રના રથમાં બેસીને રાજા દુષ્યંત, શકુંતલા અને પુત્ર સર્વદમન તેમના રાજ્ય તરફ્ જવા રવાના થયા.
અને રાજકુમાર સર્વદમન હવે મોટો થયો. રાજા દુષ્યંતને વરદાન હતું કે તેમનો પ્રથમ પુત્ર  ચક્રવર્તી લક્ષણોવાળો હશે. એ વરદાન પણ સાચું પડયું. રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર સર્વદમન રાજગાદી પર બેઠો તે ‘રાજા ભરત’ તરીકે ઓળખાયા. તેઓ મહાન ચક્રવર્તી રાજા બન્યા અને એમના નામ પરથી જ આદેશનું નામ ‘ભારત’ પડયું.
દેવેન્દ્રપટેલ

Be Sociable, Share!