Close

આ પત્ર તારી માને આપજે પણ તારે વાંચવાનો નથી

કભી કભી | Comments Off on આ પત્ર તારી માને આપજે પણ તારે વાંચવાનો નથી

થોમસ એડિસનના બચપણની આ વાત છે.

એ વખતે થોમસ એડિસન ગામડાની નાની સ્કૂલના વિદ્યાર્થી હતા. એક દિવસ તેઓ હાથમાં એક બંધ કવર સાથે સ્કૂલમાંથી ઘેર આવ્યા.  ઘેર જઈને માતાને કહ્યું : ‘મોમ’ મારા શિક્ષકે મને એક બંધ કવર આપ્યું છે અને કહ્યું છે કે, તારે અંદરનો પત્ર વાંચવાનો નથી. તારી મમ્મીને આ કવર આપજે !

થોમસ એડિસનની  માતાએ કવર ખોલ્યું. પત્ર વાંચી લીધો. નાનકડા થોમસે પૂછયું : ‘મોમ ! મારા ટિચરે અંદર શું લખ્યું છે?’

થોમસની માતા બોલ્યા : ‘બેટા, તારા ટિચરે લખ્યું છે કે, તમારો પુત્ર ખૂબ જ હોશિયાર છે. તેના માટે આ સ્કૂલ ઘણી નાની છે અને તમારા બુદ્ધિમાન દીકરાને ભણાવી શકે તેવા ઉત્કૃષ્ઠ શિક્ષકો અમારી પાસે નથી તેથી તમે એને ઘેર જ ભણાવો.’

આ વાતને વર્ષો વીતી ગયા. થોમસ એડિસન ઘરમાં અને બીજી અનેક રીતે ભણતા રહ્યાં. તેઓ સદીના મહાન વૈજ્ઞાનિક બની ગયા. તેમણે વીજળીના દીવાથી માંડીને ફોનોગ્રામ અને ટેલિગ્રાફની પણ શોધ કરી.

ઉંમર થતાં તેમના માતા ગુજરી ગયા. એક દિવસ થોમસ એડિસને કુતૂહલતાથી માની જૂની યાદો તાજી કરવા માનું જૂનું કબાટ ખોલ્યું. તેમાં વર્ષો પહેલાં તેમના ટિચરે લખેલો પત્ર પણ હતો. થોમસ એડિસને એ પત્ર ખોલીને વાંચવા માંડયો. તેમાં તેના ટિચરે તેમની માતાને સંબોધીને લખ્યું હતું: ‘તમારો પુત્ર થોમસ મંદબુદ્ધિનો છે. તેને હવે અમે સ્કૂલમાં રાખવા માગતા નથી. તમારા પુત્રને અમે સ્કૂલમાંથી કાઢી મૂકીએ છીએ.’

આ પત્ર વાંચી થોમસ એેડિસન લાગણીશીલ થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. માતાએ પત્રમાં લખેલી અસલી વાત છુપાવીને  પુત્રને હતાશામાંથી બચાવી લીધો હતો.

આ ઘટના બાદ થોમસ એડિસને તેમની ડાયરીમાં લખ્યું હતું : ‘થોમસ આલ્વા એડિસન મંદબુદ્ધિનું બાળક હતો પરંતુ તેની માતાએ તેને સદીના મહાન બુદ્ધિશાળી- જિનિયસ તરીકે પરિર્વિતત કર્યો.’

આવી છે એક માના ધૈર્યની તાકાત.

થોમસ આલ્વા એડિસનનો જન્મ તા.૧૧ ફેબ્રુઆરી, ૧૮૪૭ના રોજ અમેરિકાના ઓહાયા પ્રાંતના પિલાન ખાતે થયો હતો. સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવતા માતો તેમને ઘરમાં જ ભણાવ્યા. પબ્લિક સ્કૂલમાં તો તેઓ માત્ર ત્રણ માસ જ ભણ્યા. આમ છતાં આ જિનિયસ બાળકે હ્યૂમ, સીઅર, બર્ટન તથા ગિબનના મહાન ગ્રંથો અને ડિક્શનેરી ઓફ સાયન્સિઝનું અદ્યયન ૧૦ વર્ષની ઉંમર પહેલાં જ પૂરું કરી દીધું.

થોમસન એડિશનને નાની વયથી જ કાને સાંભળવાની સમસ્યા હતી. બચપણમાં તેમને ખૂબ તાવ આવ્યો હતો ત્યારથી તેમને કાને સાંભળવાની સમસ્યા શરૂ થઈ હતી. તેમનો  એક કાન નબળો હતો પરંતુ બીજો કાને બરાબર સાંભળી શકતો હતો.

એડિસને ૧૨ વર્ષની ઉંમરે  ફળ અને સમાચારપત્રો વેચવાની કામગીરી શરૂ કરી હતી. તેમાંથી તેઓ રોજ એક ડોલર કમાતા હતા અને એ રીતે તેઓ તેમના પરિવારને મદદરૂપ થતા હતા. તેમના પિતા એક રેફ્યૂજી હતા. ૧૩  વર્ષની ઉંમર સુધીમાં તેઓ અઠવાડિયે ૫૦ ડોલર કમાતા  થઈ ગયા હતા. એ રકમમાંથી હવે તેઓ બજારમાંથી ઇલેક્ટ્રિકલ્સના પ્રયોગો માટે સાધનો લાવવા માંડયા. પાછળથી તેઓ તાર પ્રેષક  એટલે કે ટેલિગ્રાફ ઓપરેટર બન્યા. આ નોકરી તેમને ગ્રાન્ડ ટ્રંકરેલવેના ઓન્ટારિયો ખાતે આવેલા સ્ટ્રેટફોર્ડ જંકશન ખાતે તેમની ટેલિગ્રાફ ઓપરેટર તરીકેની પહેલી જોબ હતી. એ વખતે નજીકમાં એક રેલવે અકસ્માત થતાં તેમને જવાબદાર ઠેરવાયા અને તેમણે નોકરી છોડી દીધી. આ દરમિયાન તેઓ કેટલાક રાસાયણિક પ્રયોગો કરતા રહ્યા. એ પછી તેઓ બિઝનેસમેન બન્યા. તેમના બુદ્ધિ કૌશલ્યની સેવાઓ હવે ૧૪ જેટલી કંપનીઓને આપી. જેમાં જનરલ ઈલેક્ટ્રિક કંપની પણ હતી.

૧૮૬૬માં ૧૯ વર્ષની વયે લૂઈસવેલી કેન્ટકી ગયા. અહીં તેમણે એસોસીએટેડ  પ્રેસ બ્યૂરોમાં કામ શરૂ કર્યું. અહીં તેઓ રાતપાળીમાં કામ કરતા તેથી દિવસે તેઓ વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકે. ૧૮૬૭માં આવો જ એક પ્રયોગ કરતી વખતે સીડ એસિડ બેટરીમાંથી સલ્ફ્યૂરિક એસિડ ફ્લોર પર ઢોળાતા તે તેમના બોસના  ટેબલ સુધી પહોંચી ગયા અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા.

આમ છતાં તેમણે વૈજ્ઞાનિક પરીક્ષણોમાં  રસ જાળવી રાખ્યો. તા. ૧ જૂન ૧૮૬૯ના રોજ તેમણે ઈલેક્ટ્રિક વોટ કંડકટર એટલે કે ‘વિદ્યુત મતદાનગણક’ નામના ઉપકરણની પેટન્ટ કરાવી જે તેમની પહેલી શોધ હતી. આ યંત્રની બહુ માગ ના આવતા તેઓ ન્યૂયોર્ક સ્થળાંતર કરી ગયા. અહીં ફ્રેન્કલીન લિઓનાર્ડ નામના એક સદગૃહસ્થે તેમના ન્યૂજર્સી ખાતેના ઘરના ભોંયરામાં તેમના રહેવાનો અને એમાં જ  કામ કરવાનો બંદોબસ્ત કરી આપ્યો. આગળ જતાં એડિસને મલ્ટિપ્લેક્સ ટેલિગ્રાફિક સિસ્ટમ પર કામ શરૂ કર્યું જે એક સાથે બે સંદેશા મોકલી શકે.

૧૮૭૬માં તેમણે ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટી ખાતે એક દ્યોગિક સંશોધન પ્રયોગશાળા સ્થાપી. તે પછી તેઓ અનેક સંશોધનો કરતા ગયા. એક જ તાર પર ચાર છ જેટલા સંદેશા મોકલવાની સિસ્ટમનો તેમણે આવિષ્કાર કર્યો. સ્ટોક એક્સ્ચેન્જ માટે તાર પ્રિન્ટ કરવાના સ્વયં સંચાલિત સુધારા કર્યા. બેલ ટેલિફોન યંત્રનો વિકાસ કર્યો. આ બધા પ્રયોગો તેમણે ન્યૂજર્સીના ‘મેન્સો પાર્ક’ ખાતે કર્યો. લોકો તેમને ‘મેન્સો પાર્કના જાદુગર’ તરીકે ઓળખવા લાગ્યા. તેમણે જે મહત્ત્વપૂર્ણ ખોજ કરી તેમાં (૧) ફોનોગ્રાફ  અને (૨) વીજળીના બલ્બનો સમાવેશ થાય છે. થોમસ એડિસન ઓલ્વાએ ૧૦૯૩ જેટલી પેટન્ટ કરાવી. ૧૮૭૮માં તેમણે ફોનોગ્રાફ મશીનની પેટન કરાવી.

તા.૨૧ ઓક્ટોબર, ૧૮૭૯ના રોજ તેમણે ૪૦થી વધુ કલાક સળગે તેઓ વીજળીનો બલ્બ બનાવ્યો. વીજળીના બલ્બ તે તેમની વિશ્વને મોટામાં મોટી ભેટ હતી. એવી જ રીતે ફોનોગ્રાફ પણ તેમની મોટી શોધ હતી.

તેઓ મેરી સ્ટીલવેલ નામના મહિલા સાથે પરણ્યા હતા. તેમના પ્રથમ પત્નીના મૃત્યુ પછી મીના મિલર સાથે પરણ્યા હતા. તેઓ  છ સંતાનોના પિતા હતા.

તેમના મહત્ત્વપૂર્ણ સંશોધનોમાં એક એવું સંશોધન પણ હતું જેના આધારે ભવિષ્યમાં તે રેડિયો વાલ્વનું જન્મદાતા બન્યું. વીજળી વહેતા તારને રબરમાં લપેટવાની  પદ્ધતિ પણ તેમણે શોધી જેથી વીજપ્રવાહ ધરાવતા તારથી કોઈને કરંટ લાગે નહીં. ડાયનેમો અને મોટરમાં પણ સુધારો કર્યો. એડિસને વીજળી સંઘરી શકાય તેવી બેટરી પણ વિકસાવી. ૧૮૯૧માં ફિલ્મ કેમેરાની ખોજની પેટન્ટ કરાવી.  પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન થોમસ એડિસનને નૌકાદળના સલાહકાર બોર્ડના અધ્યક્ષ પણ બનાવાયા. અહીં પણ તેમણે ૪૦ જેટલા યુદ્ધમાં કામ લાગે તેવા સંશોધનો કર્યા.

પેસિફિક પ્રદર્શનીએ તા. ૨૧ ઓક્ટોબર, ૧૯૧૫ને ‘એડિસન દિન’ જાહેર કરી વિશ્વકલ્યાણ માટે સૌથી વધુ શોધો કરનાર વ્યક્તિ તરીકે થોમસ એડિશનનું સન્માન કર્યું.

ન્યૂજર્સીના મેન્લોપાર્ક અને વેસ્ટ ઓરેન્જની ફેકટરીઓમાં ૫૦ વર્ષથી વધુ અથાગ પરિશ્રમ દ્વારા ૧,૦૯૩ જેટલી પેટન્ટોનો આવિષ્કાર કરનાર થોમસ એડિસન સખત મહેનતું વ્યક્તિ હતા.  તેમની પાસે અસીમ ધૈર્ય અને આૃર્યજનક યાદશક્તિ હતી. તેમની પાસે ગજબની કલ્પનાશક્તિ પણ હતી. આ બધું જ તેઓ સ્કૂલમાં કે કોલેજમાં ગયા વગર જ સેલ્ફ એજ્યુકેશન દ્વારા કર્યું. મૃત્યુને પણ તેમણે બીજા મોટા પ્રયોગો માટેની બીજા પ્રયોગશાળા તરીકે જ લેખી. ‘મેં મારું જીવન કાર્ય પૂરું કર્યું અને હવે બીજા પ્રયોગો માટે તૈયાર છું- એવી ભાવના સાથે થોમસ એડિસને તા. ૧૮ ઓક્ટોબર, ૧૯૩૧ના રોજ આ જગતમાંથી અંતિમ વિદાય લીધી.

સમગ્ર વિશ્વ થોમસ એડિસનનું ઋણી રહેશે. ……..DEVENDRA PATEL

Be Sociable, Share!