Close

આ બધાં જ નાનાં ભૂલકાંઓ ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં છે

કભી કભી | Comments Off on આ બધાં જ નાનાં ભૂલકાંઓ ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં છે

ઇન્સ્યૂલિનની શોધને આજે ૯૯ વર્ષ પૂરાં થાય છે.

તા. ૧૧મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ડાયાબિટીસ નિયંત્રણ માટે વપરાતા ઇન્સ્યુલિનની શોધના ૧૦૦ વર્ષ પૂરાં થશે પરંતુ આખા વિશ્વમાં આજે ૭૪ મિલિયન લોકોમાંથી ૫૭.૮ ટકા લોકોએ વાતથી અજાણ છે કે તેમને  ડાયાબિટીસ છે અને એવા અજાણ લોકોમાં ડાયાબિટીસ એક ‘સાઇલન્ટ કિલર’ તરીકે વર્તી રહ્યો છે.

ડાયાબિટીસનો ઇતિહાસ કાંઈક આવો છે, ૧૧ જાન્યુઆરી ૧૯૨૨ના રોજ ટોરોન્ટો જનરલ હોસ્પિટલ ખાતે લિઓનાર્દો થોમ્પસન નામનો ૧૪ વર્ષનો બાળક ડાયાબિટીસને કારણે મરણ પથારીએ હતો તેને ઇન્સ્યુલિન ઇન્જેક્શન પ્રથમવાર આપવામાં આવે છે. બેન્ટિંગ અને બેસ્ટ અને તેઓની ટીમ દ્વારા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ દુનિયામાં ઇન્સ્યુલિન ઇન્જેક્શનની આશીર્વાદાત્મક રૂપ શોધને ૧૦૦ વર્ષ પૂરાં થવા જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન જેના ૧૭૦ દેશો સભ્યો છે. તેમની એટલાસના મંતવ્ય પ્રમાણે. દુનિયામાં દર ૬ સેકન્ડે ડાયાબિટીસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. અમેરિકામાં દર ૬ મિનિટે અને પશ્ચિમ યુરોપમાં દર ૨-૩ મિનિટે ડાયાબિટીસના કારણે  એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. જ્યારે ભારતમાં દર સેકન્ડે એકથી વધારે વ્યક્તિઓનાં ડાયાબિટીસના કારણે મૃત્યુ થાય છે. ભારતમાં આશરે ૭૪ મિલિયન (૭ કરોડ ૪૦ લાખ) લોકો ડાયાબિટીસથી પીડાય છે. જો પગલાં નહીં ભરવામાં આવે તો ૨૦૩૫ સુધીમાં ભારત દેશ ચીનને ઓવરટેક કરી લેશે અને ‘દુનિયાનું ડાયાબિટીસ કેપિટલ’ બની જશે. અને જે લોકોને ખબર છે કે તેઓને ડાયાબિટીસ છે તેઓની પણ પૂરતા પ્રમાણમાં જનજાગ્રતિના અભાવે પરિસ્થિતિ સારી નથી એટલે કે ડાયાબિટીસ કંટ્રોલમાં નથી. આ સંદર્ભમાં દેશમાં ડાયાબિટીસ અંગે જનજાગ્રતિ માટે હજારો કિલોમીટર સેલ્ફ ડ્રાઇવિંગ દ્વારા અભિયાન ચલાવાતી બે બહેનોની વાત કરવી છે, જેમનું નામ ડો. સ્મિતાબહેન જોશી અને ડો.શુકલાબહેન રાવલ. વીસનગરના ડો. સ્મિતાબહેન જોશી અને ઊંઝાના ડો. શુકલાબહેન રાવલે તબીબી વ્યવસાયને   પૈસા કમાવાનો વ્યવસાય બનાવવાના બદલે બ્રેસ્ટ કેન્સરથી માંડીને ડાયાબિટીસથી પીડાતા નાનાં બાળકોને સ્વસ્થ અને સાજા કરવા-રાખવાનું  એક માનવતાભર્યું મંગલ અભિયાન ઉપાડયું છે. આ બન્ને  બીમારીઓ અંગે જનજાગ્રતિ લાવવા માટે તેમણે ડો. વાસુદેવભાઈ રાવલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ એક સંકલ્પ સિદ્ધિયાત્રાનો  આરંભ કર્યો છે.

કાશ્મીરથી કન્યાકુમારી પ્રોજેક્ટ એવું નામ આપવામાં આવ્યું.  આ કામ પાર પાડવા આ બંને બહેનોએ તેમના મૂળ વતન વડનગરથી મોટરમાર્ગે યાત્રા શરૂ કરી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ૩,૫૦૦ કિલોમીટરની યાત્રા જાતે કાર ચલાવીને પૂરી કરી. સાથે તેમના માતા ભારતીબહેન રાવલ અને પુત્રો પણ જોડાયા. જમ્મુથી માંડીને કન્યાકુમારી સુધી ઠેર ઠેર અનેક તબીબી સભાઓને સંબોધીને ડાયાબિટીસ અંગે જનજાગ્રતિ લાવવાનું કામ કર્યું.  ગુજરાતની કોઈ બહેનોએ આવું કામ આજ સુધી કર્યું નથી.

ડો. સ્મિતાબહેન જોશી કહે છે : ‘અમે આ કઠિન કાર્ય પાર પાડવા માટે ખૂબ મનોમંથન પછી અમે બંને બહેનોએ અમારા ડ્રાઇવિંગના સાહસિક સ્વભાવનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. ડો. શુકલાબહેન રાવલ  દ્વારા દરરોજ સરેરાશ ૫૦૦ કિ.મી.નું ડ્રાઇવિંગ કરવામાં આવતું અને મારા  દ્વારા ચાલુ ગાડીએ ડિજિટલ મીડિયા થકી બધા જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પ્રમુખ, મેમ્બરો, એન.જી.ઓ., પોલીસ મેકર્સ સાથે કનેક્ટ થઈને મેથરિંગ ફાઇનલ કરવાનું કામ રહેતું. આ પ્રોજેક્ટ અમે બંને બહેનો માટે કઠિન હતો. પંદર દિવસ સુધી રોજ બ્રેકફાસ્ટ ઉપર આખો દિવસ જતો. રોજનું  ૫૦૦ કિ.મી.નું સરેરાશ ડ્રાઇવિંગ, રોજ બધાં જ મોટા ગેધરિંગને સંબોધવા, લંચ-ડિનરનો મેળ પડતો નહીં. રાત્રે નિર્ધારિત સ્થળે પહોંચવામાં મોડું થતું.

ડો. સ્મિતા જોશી કહે છે : ‘નોન સ્ટોપ સેલ્ફ ડ્રાઇવિંગ ગુજરાતથી દિલ્હી સુધી ડાયાબિટીસ માટે પ્રોજેક્ટ કર્યા પછી દિલમાં એક વિચાર ઉદ્ભવતો હતો કે ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવતા જે બાળકો આપણા વિસ્તારના હોય તેવા બાળકોને કંઈક મદદ કરવી. અમે બંને બહેનોએ મહેસાણા જિલ્લામાં ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવતાં બાળકોનું સર્ચ મિશન શરૂ કર્યું  તો અમારી અપેક્ષા ૨ કે ૪ બાળકોની હતી પણ અમારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. આવા બાળકોની સંખ્યા અમારી નજર સમક્ષ હતી ૧૨૫ બાળકો, બની શકે કે વાસ્તવમાં આ સંખ્યા વધારે હોઈ શકે. અત્યારે આ બધા બાળકોની ઉંમર છે આશરે ૨થી ૧૦ વર્ષની વચ્ચે. નેશનલ ડાયાબિયેલોજિસ્ટનાં  મંતવ્ય પ્રમાણે ટાઇપ-૧  ડાયાબિટીસ ધરાવતાં બાળકોનું સરેરાશ આયુષ્ય ભારતમાં ખૂબ જ ઓછું છે, કારણ કે ડાયાબિટીસના કારણે તેઓને આંધળાપણું (બ્લાઇડનેસ) આવી જાય છે તેઓની કિડની, હૃદય બધાં જ અંગો પર ખરાબ અસરો થતી જોવા મળે છે. એમ જોઈએ તો આ નિર્દોષ બાળકોનો કોઈ વાંક નથી એમના શરીરમાં કોઈ કારણસર ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનું ઉત્પાદન થતું નથી. જો બહારથી  સમયસર ઇન્જેક્શન દ્વારા આ બાળકોને ઇન્સ્યુલિન આપવામાં આવે તો આ બાળકો બીજા બાળકો જેવી જ નોર્મલ જિંદગી જીવી શકે છે. નેશનલ ડાયાલિટોલોજિસ્ટનાં મંતવ્ય પ્રમાણે ભારતમાં ૭૪ મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. તેમાંના ૫%-૬% એટલે કે આશરે ૩૫ લાખ બાળકો ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત છે. જેઓનું સરેરાશ આયુષ્ય ભારત દેશમાં ૨૫ વર્ષથી વધારે નથી.

ભારતમાં આજે પણ ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવતાં બાળકો જ્યારે સાદા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન માટે પણ સ્ટ્રગલ કરી રહ્યા છે ત્યારે ઇન્સ્યુલિન પંપ જેવી લેટેસ્ટ ટેક્નોલોજીતો તેઓ માટે દિવાસ્વપ્ન બરાબર છે. આ પરિસ્થિતિ ખરેખર દુઃખદાયક છે, જ્યારે વર્લ્ડ ઇન્સ્યુલિનની શોધનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.

તેઓ કહે છે કે, અમારા મહેસાણા જિલ્લામાં બાળકોનો પ્રથમ પ્રોબ્લેમ એ હતો કે બધાં અંતરિયાળ વિસ્તારમાં વસતા હતા. તેમના  માતા-પિતા માટે દિવસમાં ત્રણથી  ચાર વખત હોસ્પિટલનો સંપર્ક કરવો. બાળકના બ્લડસુગરનું પ્રમાણ જાણવા માટે તે શક્ય ન હતું તો એના વગર બાળકને ઇન્સ્યુલિન ઇન્જેકશન પણ યોગ્ય પૂરતા પ્રમાણમાં આપી ન શકાય. એ પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા માટે અમે ૧૨૫ બાળકોને ફ્રી ઓફ કોસ્ટ ગ્લુકોમીટર વિથ સ્ટ્રીપનું સ્પીકર રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા ધારાસભ્ય ઋષિકેશભાઈની હાજરીમાં વિતરણ કર્યું.  ગ્લુકોમીટર એવું સાધન છે કે જેની મદદથી ડાયાબિટીસ ધરાવતાં બાળકોનું બ્લડ ગ્લુકોઝનું લેવલ ઘેર બેઠા માપી  શકાય છે. સાચુ કહું એ પ્રોગ્રામની રાત્રે અમને બંને બહેનોને ઊંઘ આવી નથી આવા કારણે નાનાં નાનાં ભૂલકાઓના ચહેરા નિર્દોષ ભાવો સાથેના ચહેરાં નજર સમક્ષ આવતા હતા. અને જાણે કે અમને કહેતા હતા અમને ડાયાબિટીસ છે. અમારો કોઈ  વાંક ગુનો નથી છતાં રોજની પાંચથી છ સોયો શરીરે ભોંકવામાં આવે છે અમને પીડા થાય છે એમનું દર્દ એમની આંખોમાંથી બહાર ડોકાઈ અમારા હૃદયને વીંધતું રહ્યું. ત્યારે અમારા દિલોદિમાગમાં એક વાત અંકિત થઈ ગઈ કે આ બાળકો પણ અમેરિકા તેમજ યુરોપના બાળકોની માફક પીડારહિત લેટેસ્ટ ટેક્નોલોજી ઇન ડાયાબિટીસના ઉપયોગ માટે હકદાર છે! એ દિવસ પણ આવશે !

જેમ કે ‘બેટી બચાવો’ અભિયાન આપણે જાણીએ છીએ પરંતુ  જો બેટીને ડાયાબિટીસ હોય તો અત્યંત ખેદ સાથે વર્ણવવું પડે છે કે માતાપિતા આ વાત સ્વીકારવા તૈયાર નથી. દીકરીને ટ્રીટમેન્ટ  અપાવવા  તૈયાર નથી કારણ કે સમાજને જાણ થઈ જવાની બીક લાગે છે. કારણ એમને બીક છે  એમની દીકરી સાથે કોઈ લગ્ન નહીં કરે એમને સમજાવવા મુશ્કેલ બને છે કે બેટી લગ્ન થવાની ઉંમર સુધી જીવશે પણ નહીં ટ્રીટમેન્ટ વગર ડો. સ્મિતાબહેન જોશી કહે છે કે, મહેસાણા જિલ્લાના ૧૨૫ બાળકો ડાયાબિટીસ ધરાવતા હતા તેઓને ફ્રી ગ્લુકોમીટ સાધનનું વિતરણ કર્યાના પ્રોગ્રામ પછી અમે એક માયૂસી ફીલ કરતા હતા કારણ તમામ બાળકોના ચહેરા ભૂલવા માટે એક અસમર્થતા હતી. એક પ્રશ્ન ઉદ્ભવતો હતો કે ગુજરાત જેવા સુખી, સમૃદ્ધ રાજ્યમાં જનજાગ્રતિના અભાવે આ બાળકોની આ દશા છે તો ભારતમાં બીજા  રાજ્યમાં કેવા હાલ હશે? આ પ્રશ્નના ફળ સ્વરૂપે આકાર પામ્યો અવેરનેસ ઓન વ્હીલ્સ ‘કાશ્મીર કે કન્યાકુમારી’ પ્રોજેક્ટ અંતર્ગત ડાયાબિટીસ જનજાગ્રતિ માટે ભારતને માપ્યું. લાચાર અને નિઃસહાય દર્દીઓની માનવતાના ધોરણે સારવાર કરવાનો વારસો તેમને તેમના દાદા ડો. વાસુદેવભાઈ જે. રાવલ તરફથી મળ્યો છે. અને તેમના નામના જ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓ આ સમાજસેવા કરે છે.

ગુજરાતની બે દીકરીઓ- બે બહેનો- બે તબીબો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને દેશમાં ડાયાબિટીસ અંગે જનજાગ્રતિ લાવવાનું કામ કરે તે એક સુખદ આશ્ચર્ય છે.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!