Close

ઇટાલીની ‘સૌંદર્ય સામ્રાજ્ઞી’ સોફિયા આજે પણ સ્વસ્થ છે

કભી કભી | Comments Off on ઇટાલીની ‘સૌંદર્ય સામ્રાજ્ઞી’ સોફિયા આજે પણ સ્વસ્થ છે

ચીનથી પ્રસરેલા કોરોના વાઇરસે સૌથી પહેલું આક્રમણ ઇટાલી પર કર્યું. ઇટલી માત્ર ખૂબસૂરત દેશ જ નથી, પરંતુ અનુપમ સૌંદર્ય ધરાવતી અભિનેત્રીઓનો દેશ પણ છે. આજે ઇટલી કબ્રસ્તાનોનું સ્થળ બની ગયું છે. ત્યારે એ જ ઇટાલીની એક સૌંદર્ય સામ્રાજ્ઞી-અભિનેત્રી સોફિયા લોરેનની કથા અહીં પ્રસ્તુત છે જે ૮૫ વર્ષની વયે પણ હયાત અને સ્વસ્થ છે.

ઈ.સ. ૧૯૩૪ની સાલ.

એ સમયે ઇટાલીમાં રૂઢિચુસ્ત સમાજ હતો.

દરિયાકિનારે રહેતા એક કસ્બામાં રહેતી છોકરી રોમિલ્દા હજી કુંવારી હતી અને એક દિવસ એની માને ખબર પડી કે રોમિલ્દા ગર્ભવતી છે. લોકોમાં ભારે ચર્ચા અને બદનામી છતાં મા-બાપે દીકરીને ઘરની બહાર મૂકી નહીં. રોમિલ્દા રિકાર્ડો નામના એક ઇટાલિયન એન્જિનિયરના પ્રેમમાં હતી. આવારા રિકાર્ડો રોમ્દિાને સગર્ભા હાલતમાં છોડીને જતો રહ્યો.

રોમિલ્દાને એની માએ રોમની એક હોસ્પિટલમાં દાખલ કરી દીધી. અહીં એણે એક પુત્રીને જન્મ આપ્યો. એવામાં ક્યાંકથી રિકાર્ડો આવી પહોંચ્યો અને એણે તાજી જન્મેલી પુત્રીના પિતા હોવાની વાતનો સ્વીકાર કર્યો.

પુત્રીને નામ આપવામાં આવ્યું : ‘સોફિયા.’

કેટલાક સમય રિકાર્ડો અને રોમિલ્દા સાથે રહ્યાં અને એક દિવસ ફરી રિકાર્ડો ભાગી ગયો.

રોમિલ્દા ફરી દીકરીને લઈ પોતાના ગામ પિતા પાસે પાછી ફરી.

સોફિયા હવે અહીં ગામમાં જ મોટી થવા લાગી. રોમિલ્દા સ્થાનિક રેસ્ટોરન્ટમાં પિયાનો વગાડીને જે કમાતી તે નાણાંથી સોફિયાને ઉછેરતી. વચ્ચે વચ્ચે તે પોતાના પ્રેમી રિકાર્ડોને મળતી રહેતી. એ દરમિયાન રોમિલ્દાએ બીજી એક પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ મારિયા રાખવામાં આવ્યું, પરંતુ રિકાર્ડોએ તેની પાછળ પોતાનું નામ આપવા અસ્વીકાર કરી દીધો.

આ વાતને એક વર્ષ વીતી ગયું.

સોફિયા હવે પાંચ વર્ષની થઈ હતી. એક વાર ફરી રિકાર્ડો ઘર આવી પહોંચ્યો. નાનકડી સોફિયાએ પહેલી જ વાર પિતાને જોયા. રિકાર્ડો પુત્રી માટે નાનકડી સાઇકલ લાવ્યા હતા, પરંતુ માનુની સોફિયાએ રિકાર્ડોને પિતા તરીકે સ્વીકારવાની ના પાડી દીધી.

૧૯૩૯ની સાલ.

યુરોપ આખું વિશ્વયુદ્ધની આગમાં લપેટાઈ ગયું હતું. ઇટાલીમાં મુસોલિનીનું અને જર્મનીમાં હિટલરનું શાસન હતું. બીજા પાંચ વર્ષ સુધી નાનકડી સોફિયા યુદ્ધ અને બોમ્બવર્ષા વચ્ચે તેના નાનકડા ગામના સિનેમાઘરમાં પ્રર્દિશત થતી હોલિવૂડની ફિલ્મો જોતી રહી. આ ફિલ્મો જોતાં જોતાં એને મનમાં થઈ આવ્યું કે, ”મારે પણ અભિનય કરવો છે.”

એ દિવસોમાં ઇટાલીના નેપલ્સના ગ્રામ્ય વિસ્તારમાં એક સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોમિલ્દાએ ૧૪ વર્ષની પણ સુંદર લાગતી સોફિયાને સૌંદર્ય પ્રતિયોગિતામાં  ભાગ લેવા તૈયાર કરી. માએ પરદા ફાડીને પુત્રી માટે પોશાક તૈયાર કર્યો, સ્પર્ધા થઈ. સોફિયા ‘બ્યૂટી ક્વીન’ તરીકે પ્રથમ તો ના આવી, પરંતુ ૧૨ જેટલી સુંદરીઓ પૈકી એકનું ઈનામ જીતી લાવી. ઇનામમાં મળી રોમ જવાની ટ્રેનની ટિકિટ, ૧૨ નેપ્કિન, ૨૩ હજાર લીરા (ઇટાલીનું નાણું). આ રકમ એ વખતે ૩૫ હજાર ડોલર જેટલી હતી જે એના માટે બહુ મોટી રકમ હતી.

સોફિયાની માનો ચહેરો ગ્રેટા ગાર્બોને મળતો આવતો હતો. માએ પુત્રીને અભિનેત્રી બનાવવા માટે એક એક્ટિંગ સ્કૂલમાં દાખલ કરાવી દીધી. એવામાં એક્ટિંગ સ્કૂલના ટીચરે સમાચાર આપ્યા કે, ”અમેરિકાથી એક ફિલ્મ કંપની શૂટિંગ માટે રોમ આવવાની છે. તેને કેટલાક સ્થાનિક કલાકારોની જરૂર છે.”

– આ સમાચાર સાંભળતા જ સોફિયાએ રોમની વાટ પકડી.

સોફિયા પાસે પૈસા નહોતા. તેણે પિતા રિકાર્ડોનો સંપર્ક સાધ્યો પણ એણે કહ્યું કે, ”તારામાં રૂપ છે ક્યાં? શાની અભિનેત્રી બનવા નીકળી છે?” અને પિતાએ ઘરના દરવાજા બંધ કરી દીધા.

સોફિયા એની પિતરાઈ બહેનના ઘરે પહોંચી. કેટલીયે ખુશામત બાદ એણે પોતાના સોફા પર નિઃશુલ્ક સૂવાની પરવાનગી આપી.

બીજા દિવસે એની મા પણ આવી ગઈ. મા-દીકરી સાથે જ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. ત્યાં લોકેશન્સ પર પહોંચી ગયાં. ફિલ્મના ડાયરેક્ટર ર્માિવન લેરીને મળ્યાં. મા અને દીકરી બંનેને એક્સ્ટ્રા કલાકાર તરીકે કામ મળી ગયું. અહીં સોફિયાનું નામ સોફિયા સિકોલોન હતું. ડાયરેક્ટરને એ અટપટું લાગતાં એણે સિકોલોનની જગાએ સોફિયા લાજારો એવું કરી દીધું.

કેટલાક દિવસો પછી રોમમાં ફરી એક બ્યૂટી સ્પર્ધા યોજાવાની હતી. સોફિયા એની સહેલીઓ સાથે એક રેસ્ટોરન્ટમાં બેઠી બેઠી કોફી પી રહી હતી ત્યાં જ એક પુરુષે આવી તેને કહ્યું : ”તમે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેશો ?”

થોડી આનાકાની સાથે સોફિયાએ હા પાડી. આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન અભિનેત્રીઓની પસંદગીના હેતુથી કરવામાં આવ્યું હતું.

સૌંદર્ય સ્પર્ધામાં સોફિયા બીજા નંબરે આવી.

ફરી એને આ સ્પર્ધામાં આમંત્રિત કરનાર પુરુષ તેની પાસે આવ્યા અને કહ્યું : ”સોફિયા ! ચાલ બગીચામાં થોડી વાત કરી લઈએ.”

એ પુરુષ બીજા કોઈ નહીં, પરંતુ ઇટાલીના સુપ્રસિદ્ધ નિર્માતા કાર્લો પોન્ટી હતા. બગીચામાં ટહેલતાં ટહેલતાં તેમણે કહ્યું : ”મને ભરોસો છે કે મારી આંખ પ્રતિભાની ખોજ કરવા માટે સમર્થ છે. તારો ચહેરો દિલચશ્પ છે. કાલે તું મારી ઓફિસમાં આવ. તારો સ્ક્રીન ટેસ્ટ લઈએ.”

બીજા દિવસે સોફિયા કાર્લોના દફતરે પહોંચી. કેમેરામેને તેનો સ્ક્રીન ટેસ્ટ લીધો અને તેને નાપાસ કરવામાં આવી.

એની નિષ્ફળતા પછી પણ કાર્લો સોફિયાના સંપર્કમાં રહ્યા. એ દરમિયાન બીજા પાંચ જેટલા સ્ક્રીન ટેસ્ટ કરવામાં આવ્યા, સોફિયા નાપાસ થતી રહી. અલબત્ત, એ મંતવ્ય કેમેરામેનનું હતું.

કાર્લો પણ મૂંઝાયા.

મા-દીકરી હવે કામની શોધમાં હતાં. સોફિયા હવે ૧૮ વર્ષની થઈ ગઈ હતી. એ દરમિયાન એણે બીજા એક નિર્માતાની ફિલ્મમાં કામ કર્યું. નિર્દેશકને લાગ્યું કે સોફિયા લાજારો એ બેઢંગું નામ છે. એમણે મામો તોરાન નામની એક સ્વિસ અભિનેત્રીના સૂચવ્યા પ્રમાણે એનું નામ સોફિયા લોરેન કરી દીધું. ‘છૈંડ્ઢછ’ નામની ફિલ્મમાં કામ કરવા બદલ એને સારા પૈસા મળ્યા. સોફિયાએ સૌ પ્રથમ કામ એની બહેન મારિયાને ભણાવવા પૈસા આપ્યા. રિકાર્ડો હજી મારિયાને પોતાનું નામ પિતા તરીકે આપતો નહોતો. સોફિયાએ એની મા દ્વારા એના પિતાને પૂછાવ્યું કે, ”મારિયાની પાછળ પિતા તરીકે નામ લખાવવા બોલો, કેટલા પૈસા લેશો ?”

(સોફિયા લોરેનના જીવનની કેટલીક અંતર્ગત વાતો આવતા સોમવારે)

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!