Close

એક ઊર્મિશીલ- કવિનું તખલ્લુસ ‘સ્નેહરશ્મિ’ કેમ રાખવામાં આવ્યું

કભી કભી | Comments Off on એક ઊર્મિશીલ- કવિનું તખલ્લુસ ‘સ્નેહરશ્મિ’ કેમ રાખવામાં આવ્યું

ઝીણાભાઈ દેસાઈ  ‘સ્નેહરશ્મિ.’ એક ઊર્મિશીલ કવિ હતા. બોલવામાં મૃદુ હતા. તેઓ બાલ્યાવસ્થાથી માંડીને મૃત્યુ સુધી સદાયે હસમુખા હતા. તેમની દુનિયા જ સ્નેહની હતી. તેમની આત્મકથા સ્વયં તેમનું જીવન સૌંદર્ય છે. એમનું વ્યક્તિત્વ વાત્સલ્યસભર હતું. તેમના ધર્મપત્ની વિજ્યાબહેન દેસાઈ એક શ્રેષ્ઠ નારી અને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ હતા.

આવા કવિ ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ ‘સ્નેહરશ્મિ’ કેમ થયું તે અંગે તેઓ સ્વયં કહે છે :

વિદ્યાપીઠમાં દાખલ થયો તે પહેલાં કવિ તરીકે હું ઠીક ઠીક જાણીતો થયો હતો. ‘સમાલોચક’માં મારાં ઘણાં કાવ્યો એ પહેલાં આવી ગયાં હતા. ‘સાહિત્ય’ અને ‘વસંત’માં પણ કોઈક કોઈક કૃતિ છપાઈ હતી. એ બધી કવિતાઓ ‘સ્નેહરશ્મિ’ ઉપનામથી પ્રસિદ્ધ થતી. એ ઉપનામ કેવી રીતે સૂઝયું એ મને પૂરું યાદ નથી. ‘જય જય ગરવી ગુજરાત’ના ‘પ્રેમ-શૌર્ય’ શબ્દની કે ન્હાનાલાલના ‘પ્રેમ-ભક્તિ’ તખલ્લુસની અસર હેઠળ ‘સ્નેહ’ શબ્દ તરફ વળ્યો તે યાદ નથી, પરંતુ નાનપણથી જ મારી ઊર્મિઓમાં જો કોઈ મોખરાનું તત્ત્વ રહ્યું હોય તો તે ‘પ્રેમ’નું છે. સંભવ છે કે ‘રશ્મિ’ શબ્દ સૂર્યના કિરણોનું એમના પ્રભવસ્થાનથી કરોડો ને કરોડો જોજન જેટલું વિસ્તરણ થાય છે તેવું જ સ્નેહની બાબતમાં પણ બનવું જોઈએ. એવા કંઈક ભાવથી ‘સ્નેહરશ્મિ’ તખલ્લુસ યોજાયું હશે.

ચીખલીમાં બચપણની વાતોને વાગોળતા ઝીણાભાઈ દેસાઈ તેમની આત્મકથામાં સ્વયં કહે છે : ચોમાસા અંગેની મારી સ્મૃતિ અને સંવેદનાથી મારું મન સભર છે. જુદી જુદી ઋતુઓની વિશેષતા ને સુંદરતાની તુલના કરવાનું બહુ નાની ઉંમરથી હું શીખ્યો હતો, ને એ મને ઘણું ગમતું, પણ ચોમાસાનો વૈભવ, એનું સૌંદર્ય, એની ભવ્યતા, એનું રૌદ્ર રૂપ અને એની અદ્ભુત જીવસૃષ્ટિ ને પ્રકૃતિલીલા આગળ મને બીજી બધી ઋતુઓ ઘણી ઝાંખી જણાતી.

એક પછી એક આવતા અનેક ઉત્સવ- દિવાસો, ગોરવ, નાગપાંચમ, શીતળા સાતમ, ગોકળ આઠમ, બળેવ, નવરાત્રી, વગેરે દ્વારા માનવજીવન અને પ્રકૃતિ વચ્ચે સધાતી હૃદયંગમ આત્મીયતા, એની ઉજવણી તરીકે થતી ભોજનની વૈવિધ્યસભર આહ્લાદક વાનગીઓ અને એવું ઘણું બધું આજ પણ મનને કેવું હિલોળે ચડાવે છે ! એ વખતે જેના સાથમાં મારું બાલ્ય વીતેલું તે અમારી ગાય, ભેંસ, એમનાં વાછડાં અને બળદમાં જે થનગનાટ હું જોતો, સીમમાં જતાં ને ત્યાંથી ચરીને પાછા વળતાં તે જે કલ્લોલ કરતાં, જે ચેતન અને જે જોમ મને બહુ ઓછી મળી હતી, અને જે કંઈ એ નિમિત્તે અપાતું તે બોજારૂપ બનતું.

નદી કિનારે અમે ફરતાં ભૂશિર, અખાત, સંયોગીભૂમિ, વગેરેને પ્રત્યક્ષ કરવા અમે અખતરા કરતા. ડુંગર અમારા ગામથી ઘણા દૂર હતા. આમ છતાં અમારા ગામ નજીક આવેલી બામણવેલની ટેકરીઓ પર જઈ ત્યાંથી વાંસદા- ધરમપુરનાં જંગલોમાં આવેલી ડુંગરની હાર ને પારનેરાના ડુંગરને જોવામાં અમને ઘણી મઝા પડતી અને અમારી કલ્પનાને છૂટા દોર મળી જતો. અમારી કાવેરી નદીના મૂળ સુધી અમે એ કલ્પનાવિહારમાં પહોંચી જતા, અને જે જગ્યા પ્રત્યક્ષ રીતે જોઈ ન હતી તેને કલ્પના દ્વારા મૂર્ત સ્વરૂપ આપવાની રમત અમે ઉલ્લાસભેર રમતા.

તે વખતે જેને ગુજરાતી નિશાળ તરીકે લોકો ઓળખતા તે પ્રાથમિક શાળામાં મેં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. એ વખતના શાળા જીવનનાં સંસ્મરણો બહુ જ ઝાંખા છે. લખોટાની રમત જુગારની રીતે હું રમતો, ને એમાં લગભગ ચારસો પાંચસો જેટલા લખોટા હું જીતી લાવ્યો હતો, મારા એ ખજાના માટે હું ભારે ગર્વ લેતો.

એ પછીના મારા શાળા જીવન દરમિયાન મારી આજુબાજુના સમાજમાં જં કંઈ બનતું મને જોવા મળ્યું તેમાં કેટલાંક સ્મરણો મારી ચેતનામાં સારી રીતે અંકિત થયેલાં છે.

આવી એક સ્મૃતિ એક પૂજારણ બાઈ અંગેની છે. એનું નામ મને યાદ નથી. બધાં એને માતાજી કહેતાં એટલે એ જ નામે એને અમે ઓળખતા. નદી કિનારે એક ઊંચી ટેકરી પર આવેલા મંદિરની એ પૂજારણ હતી. સૌ સાથેનો એનો સૌજન્યભર્યો વ્યવહાર, એની વાણીમાંથી નીતરતી સંસ્કારિતા ને માધુર્ય, એના સ્વભાવનું માર્દવ એની ગૌર મુખકાંતિ ને એનું આભિજાત્ય એને માટે મારા મનમાં આદર સાથે એક પ્રકારની આત્મીયતાના ભાવને જગાડતાં રહેતાં. મારે માટે એને પક્ષપાત હશે એવું મને લાગતું ને એ મને ઘણું ગમતું. હું જાઉં ત્યારે મને જોતાંવેંત જ તેની આંખમાં આનંદની ચમક આવી જતી, વહાલથી મને તે પંપાળતી મારા ગાલ ખેંચતી, મારા અભ્યાસની વાત ને ઘરમાંના સૌ કોઈની ખબરઅંતર પૂછતી, કથા સંભળાવતી અને નાસ્તો લેખી શકાય એટલા પ્રમાણમાં પ્રસાદ આપતી. મારી સાથેની વાતચીતમાં કોઈનું કશું પણ ઘસાતું મેં એને મુખે સાંભળ્યું ન હતું.

આમ શાંત વહી જતાં એ બાઈના જીવનમાં એક અણધાર્યો ઝંઝાવાત આવી ગયો. એની વિગતો મને યાદ નથી. એક સાધુની જમાત અમારા ગામમાં આવી. તેમાં એક તેજસ્વી સાધુ હતો. એ બાઈએ એને જોયો, એની માનસિક સ્વસ્થતા જાણે કે જતી રહી. એની આંખ જાણે કંઈક શોધતી હોય એમ ચંચળતાથી ચોમેર ફરતી થઈ ગઈ. કોઈ ને કોઈ વિશે પેલા સાધુને પોતાની પાસે બોલાવી વહાલભરી રીતે ફળાહાર કે એવું કરાવવા તે મથતી, પણ એનો સ્વીકાર થતો નહીં, એક વાર પ્રસાદ મળી જાય એટલે બસ કે એવું કંઈ તે મીઠું હસીને કહેતો. આમ ઘરેલું વાનગી મીઠાશથી પાછી ઠેલતો. પૂજારણની નિરાશાનો પાર રહેતો નહીં. પછી ધીરે ધીરે વાત બહાર આવી કે પૂજારણનો વર્ષો પહેલાં ગુમ થઈ ગયેલો છોકરો એ સાધુ હોવાની એને ખાતરી થઈ ગઈ. એ સાધુના ગુરુને તેણે એ વાત કરી, બધી નિશાનીઓ આપી. ગુરુએ સહાનુભૂતિથી એ વાત સાંભળી, પણ પેલા જુવાન સાધુ પર એની કંઈ અસર ન થઈ. પૂજારણ પાસે થોડીક મિલકત પણ હતી, અને બીજી અનેક રીતે એ સાધુને લાભ થાય. એવા સંજોગો હોવા છતાં તે કહેતો કે તેમનો દીકરો તો ક્યાંક મોટો સાહેબ થયો હશે- આવો વેરાગી ન હોય. આ બનાવની અટપટી વિગતોમાંનું કશું મને યાદ નથી, પણ એની મારા પણ ઘણી ઊંડી અસર રહી છે. ભાગ્ય, અકસ્માત એ બધાં અંગે જ્યારે હું વિચાર કરતો થયો ત્યારે કરુણાભર્યું એ પૂજ્ય વદન, તેની વિષાદભરી દૃષ્ટિ હું યાદ કરું છું ને જેના તરફથી કદી ઉત્તર નથી મળતો તે અદૃશ્ય શક્તિને પૂછું છું કે એના કયા ગુનાની સજા પૂજારણને કરવામાં આવી હતી ? એ ઘટના પછી- એક દિવસ કશું પણ કહ્યા મૂક્યા વિના એ જુવાન સાધુ ત્યાંથી કાયમને માટે ચાલી ગયો ત્યાર પછી પૂજારણ લગભગ ભાંગી પડી. તેનો બધો ઉત્સાહ ઓસરી ગયો. પૂજા અર્ચનામાં પણ તેને જાણે કે નહીં જેવો રસ રહ્યો પણ મારા તરફ ને મારા જેવાં કિશોરકિશોરીઓ પરનો તેનો પ્રેમ અનેક ધારાઓથી વહેવા લાગ્યો. કાશીબા તરફથી, દેવકોરબા તરફથી મને જે વાત્સલ્યનો લ્હાવો મળ્યો હતો તેવો જ માતાજી પાસેથી પણ મળ્યો, પણ એનો મને મહિમા એથી હતો કે કાશીબા તો મારા સગા મા અને દેવકોરબા મારા પ્રિય મિત્રના મા અને તેથી મારાં પણ મા, પણ ‘માતાજી’ તો સૌનાં મા હતા, અને એ સૌમાં એમના વહાલસોયા દીકરાનું બહુમાન જાણે કે મને મળતું હોય એવું હું અનુભવતો. એનોે મને જે આનંદ હતો તે અવર્ણનીય છે, એ પછી જેમ હું મોટો થતો ગયો, ગુજરાતી શાળામાંથી અંગ્રેજીમાં ગયો ને અનેક નવા રસો જીવનમાં આવવા માંડયા તેમ તેમ મંદિરમાં જવાની પ્રવૃત્તિ મંદ થતી ગઈ અને ‘માતાજી’ સાથેનો સંપર્ક ઘટી ગયો. પરિણામે એમની વિશેષ સ્મૃતિ મારી પાસે રહેવા પામી નથી.

એ વખતની બીજી પણ એક બે સ્મૃતિ આ સાથે નોંધી લઉં. અમારા મહોલ્લામાં એક વૃદ્ધ સુરદાસ રહેતા. લાકડી લઈને અવારનવાર એ ફળિયામાં નીકળતા ત્યારે અમે એમને રસ્તો બતાવવામાં મદદ કરતા. તે વખતે એમના મુખમાંથી ઉપકારનાં જે વચનો નીકળતાં તેમાં વિવેક કરતાં સાચી લાગણીનો ઉમદા રણકો અમે સાંભળતા, અને સાંજે જ્યારે અમે કોઈ કોઈ વાર એમની પાસે જતા ત્યારે જે ભજન એમને મોંએ સાંભળવા મળતાં તેમાં એ ઉપકારનો અનેકગણો બદલો મળી ગયા જેવું અમને લાગતું. મને એક એવો ખ્યાલ બંધાઈ ગયો કે માણસ ઘરડો થાય ત્યારે આંખનું તેજ જતું રહે ને અંધાપો વેઠવાનો આવે. એ કલ્પના માત્રથી હું અકળાતો. મારી આ અકળામણ એક વાર સુરદાસ આગળ મેં ઠાલવી ત્યારે તે હસીને કહે :

‘ભાઈ, જરા તારી આંખ બંધ કરી દે તો!’ મેં આંખ મીંચી.

પછી તે કહે :’અંધારું દેખાય છે ને ?’

મેં હસીને હા પાડી. એટલે હસીને તે કહે : ‘કેમ અંધારું તો દેખાયું ને ? તું તો કહેતો હતો કે કંઈ નહીં દેખાય? ‘

હું હસી પડયો. પણ વાત એટલેથી અટકી નહીં. કહે : ‘હવે જો, જીજાનું મોં દેખાય છે?’

જીજા મારા પિતાજી, તરત જ એમનું મોં દેખાયું. ને એ પછી તો અનેક આકૃતિઓ એ બિડાયેલી આંખના પોપચાં હેઠળ રમતી થઈ ગઈ, ને સુરદાસે એક ભજન ગાયું. તેના શબ્દો મને યાદ નથી, અર્થ પણ પૂરો સમજાયો ન હતો, પણ આ કાયામાં બધું છે ને એમાં વાડીઓ છે, કોયલ બોલે છે. મોર ટહુકા કરે છે ને ચાંદા- સૂરજ ઊગે- આથમે છે- આવું કંઈક એણે મને સમજાવ્યું. બહુ અદ્ભુત હતો આ અનુભવ. મને ખ્યાલ નથી કે એ સુરદાસનું ભણતર કેટલું હતું, એ કેટલા જ્ઞાાની હતા. કશું જ યાદ નથી, પણ એ પ્રસંગ- એ પળ આનંદની ચરમસીમા પર્યંત લઈ જનારી જે વીરલ પળો આપણને સાંપડે છે તેમાંની એક હતી.

આવા હતા સ્નેહરશ્મિ.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!