Close

એક કાળી ઘનઘોર રાત્રે જ્યારે વડાપ્રધાનનું વિમાન તૂટી પડયું

કભી કભી | Comments Off on એક કાળી ઘનઘોર રાત્રે જ્યારે વડાપ્રધાનનું વિમાન તૂટી પડયું
દેશના ત્રણ જેટલા વડાપ્રધાનો સાથે એક ઉચ્ચ અધિકારી તરીકે કામ કરતા- ગુજરાતના બાહોશ અધિકારી હસમુખ શાહ હવે રહ્યા નથી. તાજેતરમાં જ વડોદરા ખાતે તેમનું અવસાન થયું. પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ સાથેની ખતરનાક ઘટનાના તેઓ સાક્ષી હતા. એક થ્રીલર જેવી એ યાદગાર ઘટના કાંઈક આવી હતી ઃ
તા.૨૯ ફ્ેબ્રુઆરીએ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો જન્મ દિવસ છે. આ તારીખ ચાર વર્ષે એક જ વાર આવે છે. એક ગુજરાતી અને અનેક લાક્ષણિકતાઓ ધરાવતા પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈના જીવનનો આ પ્રસંગ છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પહેલાં કોઈ ગુજરાતીને દેશના વડા પ્રધાન બનવાનું માન પ્રાપ્ત થયું હોય તો તે મોરારજીભાઈ દેસાઈ હતા. એ વખતે તેમના અંગત સચિવ તરીકે ગુજરાતના બાહોશ અધિકારી હસમુખ શાહ હતા. ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા તરીકે જ્હોન લોબો હતા. વડા પ્રધાન બન્યા પછી અરુણાચલ, મણિપુર અને સિક્કિમના પ્રવાસનો કાર્યક્રમ ગોઠવાયો હતો.
તા. ચોથી નવેમ્બર, ૧૯૭૭ના રોજ નવી દિલ્હીથી એરફેર્સના વિમાનમાં વડા પ્રધાનનો કાફ્લો ઊપડયો. ઉત્તર-પૂર્વનાં રાજ્યો તરફ્ જતાં પહેલાં હવામાનની બરાબર ખાતરી કરી લેવી પડતી. વડા પ્રધાન વિમાને જોરહાટ એરપોર્ટ પર ઊતરવાનું હતું. હવામાન બગડે તો વિમાનને કોલકાતા કે તેજપુર વાળવા નક્કી થયું હતું. વિમાનમાં વડા પ્રધાન મોરારજી દેસાઈ ઉપરાંત નારાયણભાઈ દેસાઈ, અંગત સચિવ હસમુખ શાહ અને અરુણાચલના મુખ્યમંત્રી ઉપરાંત બીજા બે-ત્રણ જણ હતા. વિમાન ઊપડયા પછીની ઘટનાનું વર્ણન વડા પ્રધાનના એ વખતના સેક્રેટરી હસમુખ શાહના શબ્દોમાં જ વાંચો ઃ
ચોથી તારીખે સાંજે અરુણાચલપ્રદેશ, મણિપુર અને સિક્કિમના પાંચ દિવસના પ્રવાસે જવા અમે નીકળ્યા, સાંજે પાંચ વાગે પાલમથી ઊપડયા. હવાઈદળના રશિયન ટીયુ-૫૪ વિમાનમાં અમારો ૧૧ જણાનો કાફલો ઊપડયો. દસ વિમાનચાલકોનો કાફ્લો હતો. વિમાન આકાશમાં ચડે તે પહેલાં જ કેટલીક ફઈલો અને કાગળો મેં મોરારજીભાઈને જોવા માટે આપ્યા. હું પાછળની કેબિનમાં જઈને કામ કરતો રહ્યો. આ વિમાનમાં ત્રણ કેબિનો હતી. કોકપીટ પછીની પહેલી વડા પ્રધાનની, બીજી આઠ જણ માટે, છેલ્લી બાકીના સૌ માટે. ૭ ક્યારે વાગ્યા તેની ખબર ન પડી. ૭ વાગે હું મોરારજીભાઈ પાસે જઈને કાગળો લઈ આવ્યો અને બધાં કાગળો મારી બાજુની સીટ પર મૂકીને થોડી વાર આંખ બંધ કરીને ઝોકું ખાઈ લીધું, કારણ કે જોરહાટ પહોંચવાને હજી પોણા કલાકની વાર હતી.
પહોંચવાની દસેક મિનિટ અગાઉ આંખ ખૂલી અને વિમાન ઊતરવાની રાહ જોતો હતો. પોણા આઠે વિમાને જોરહાટ અરોડ્રોમ પર ચક્કર લગાવીને નીચે ઊતરવા પ્રયાસ કર્યો, પરંતુ પાઇલટને બરાબર ઉતરાણ થશે કે નહીં તેની ખાતરી ન થઈ તેથી એણે વિમાનને પાછું વાળ્યું અને બીજું ચક્કર મારીને પાછો આવું છું એમ કંટ્રોલ ટાવરને જણાવ્યું. ત્યાર પછી એક મિનિટની અંદર જ વિમાનને પાછું વાળતાં એણે કાબૂ ગુમાવ્યો અને વિમાનનું ઉતરાણ નિયંત્રણ બહાર ગયું. ત્યાર પછી પાયલોટે બધો પ્રયત્ન કરીને વિમાનને સીધું રાખ્યું અને ડાંગરના ખેતરમાં એ ઊતરે એવા પ્રયત્નો કર્યા. વિમાન ખેતરમાં પટકાયું. ખેતરમાં સોપારીના ઝાડ થોડે થોડે અંતરે હતાં. વિમાન જમીનને અડકે ત્યાં સુધીમાં ૧૩૦ સોપારીના ઝાડને કાપતું કાપતું ઊતર્યું. વિમાન ઊતરતાં જ પહેલો આંચકો પાઇલોટની કેબિનને વાગ્યો અને સાથે સાથે અમને પણ હચમચાવી મૂક્યા. ત્યાર પછીની બે પાંચ સેકંડોમાં વિમાન લગભગ દોઢસો મીટર ઘસડાયું અને એ દરમિયાન અમે હાલકડોલક થઈ ગયા. કેટલીક વસ્તુઓ અમારા ઉપર પડી, ત્રણ જણાનાં હાડકાં ભાંગ્યાં, કોઈને મૂઢ માર વાગ્યો, કોઈને મામૂલી ઇજા થઈ. ઇજા ન પામનાર બે કે ત્રણ જણામાંનો એક હું હતો. વિમાન પહેલું જમીનને અડયું તે જ ઘડીએ વીજળી જતી રહી અને ઘોર અંધકાર વ્યાપી રહ્યો. ત્યાર પછી એકબીજાના નામ બોલીને કોણ ક્યાં છે તેનો અંદાજ મેળવ્યો. કોઈએ કહ્યું ગભરાશો નહીં, કોઈએ કહ્યું દિવાસળી ન સળગાવશો, કોઈએ કહ્યું વડા પ્રધાન ક્યાં છે ? આ બધું બે-ચાર સેકંડોમાં બન્યું. વિમાન જ્યારે જમીન સાથે પહેલી વખત અથડાયું ત્યારે તેની ડાબી પાંખ તૂટીને પાછળ પડી ગઈ. જેને કારણે વિમાન એક બાજુ નમીને ઊભું રહ્યું. તેથી બીજી પાંખ અને તે સાથેની પેટ્રોલની ટાંકી ઊંચી થઈ ગઈ જેથી આગની સંભાવના ઓછી થઈ ગઈ. વિમાન એક બાજુ ઢળ્યું એટલે પાછળનો દરવાજો લગભગ જમીનની લગોલગ આવી ગયો. એ ઘોર અંધકારમાં મેં પહેલો પગ બહાર મૂક્યો તો નીચે પાણીવાળી પોચી જમીન અને ઘાસ જણાયાં. આગિયા ઊડતાં જોયા, ક્યાં હતા તેની કશી જાણ ન હતી, પરંતુ અમારા બધામાંથી કોઈ પણ નર્વસ ન થયું. ગભરામણ ન થઈ અને ઝડપથી સૌ બધાને બહાર લાવવાના કામમાં લાગી ગયા. મોરારજીભાઈ તેમની સીટનો પટ્ટો ખોલી ઊભા થયા હતા. તેમની નસકોરી ફ્ૂટી હતી, ચોક્ઠું તૂટી ગયું હતું અને ચશ્માં ફ્ેંકાઈ ગયા હતા. એમને થોડી મદદ આપીને નીચે લાવ્યા. આટલી વારમાં હું લગભગ ૧૦૦ વાર જેટલું નાકની લીટીએ સીધું દોડીને પ્રમાણમાં કોરી જગ્યા શોધી આવેલો. પછી જેમને ટેકાની જરૂર હતી તેમને ટેકો આપીને ત્યાં લઈ ગયા.
અંધારું ઘોર હતું. મેઘલી રાત હતી અને આગિયા ઊડતાં હતાં. દસેક મિનિટમાં આજુબાજુના કોઈ ગામનો માણસ ટોર્ચ લઈને આવ્યો. એની મદદથી બધાની ઇજાઓ જોઈ. બને એટલી પ્રાથમિક સારવાર આપી. થોડી વારમાં બીજો માણસ આવ્યો. એણે કહ્યું કે, કોઈ માણસ દૂર પડેલો છે. પછી બીજા માણસો પણ ટોર્ચ લઈને આવતા ગયા. ટોર્ચની મદદથી અમે જોયું તો પાઇલટ અને એના સાથીદારો રસ્તામાં ફ્ેંકાયેલા પડયા હતા. બેમાં થોડોક પ્રાણ હતો. એમને ગરમી આપવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફ્ળ. એ સૌને ઉપાડીને બધાને પાસે લાવ્યા. અમને ત્રણ જણ (એમ. એસ. કંપાણી, જ્હોન લોબો અને હું) ને જ ઇજા થઈ ન હતી. એટલે આ બધું કામ એ કાદવની વચ્ચે અમે કરતાં રહ્યા. એટલી બધી શક્તિ, સૂઝ અને ગતિ એ બધું કઈ રીતે આવ્યું એની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ આ રીતે બધાને ગોઠવ્યા. કંઈક વ્યવસ્થિત થયા ત્યાં ગામડાંના થોડા વધારે લોકો આવ્યા. એમની પાસે ખાટલા મગાવ્યા. દરમિયાનમાં હું ને જ્હોન લોબો વિમાનની ફ્રતે ફ્રી વળ્યા અને બીજું કોઈ રહી ગયું હોય તો તેની શોધ કરતા રહ્યા. કોઈ પેટ્રોમેક્સ લઈને આવ્યું. ગામ કેટલું દૂર છે, નજીકનું મકાન ક્યાં છે તેની તપાસ કરી બે જણને સાઇકલ પર જોરહાટ જવા માટે સૂચના આપી. આમ બધું સ્વસ્થતાથી અને ઝડપથી ચાલતું રહ્યું. ખાટલા તો નહીં, પણ બાંકડા આવ્યા. એની પર ઇજા પામેલાઓને સૂવાડીને લઈ ગયા. ત્યાર પછી વડાપ્રધાન મોરારજીભાઈને નજીકના ઝૂંપડામાં અર્ધો કિલોમીટરે પાણીવાળી પોચી જમીનમાં ખૂંચતા ખૂંચતા ચાલીને લઈ ગયા.
મેં કહ્યું કે, મૃતદેહોની પાસે ખેતરમાં હું રહીશ, કારણ કે અમારા એક સાથી કંપાણી આસામી ભાષા જાણતા હોવાથી એ ગામમાં ઉપયોગી થઈ શકે. લોબો સંદેશો પહોંચાડવામાં ઉપયોગી થાય, પરંતુ પછી કંપાણી મૃતદેહો સાથે ખેતરમાં રહે, મારે વડા પ્રધાન અને ઘવાયેલાઓની સારવારમાં રહેવું અને લોબો કોઈ પણ નજીકના સ્થળેથી જોરહાટ સાથે સંપર્ક સાધે એમ નક્કી થયું. ત્યાર પછી હું ઝૂંપડામાં ગયો. મોરારજીભાઈના મોં પર  લોહી વહેતું હતું. એમને એક પાંસળીમાં તિરાડ પડેલી એ કારણે છાતીમાં દુઃખતું પણ હતું. કાંતિભાઈ એક બાંકડા પર કણસતા હતા. અરુણાચલના મુખ્યપ્રધાન એક બીજા બાંકડા પર મન મક્કમ કરીને વેદના સહન કરતા હતા. નારાયણભાઈની પાટાપિંડી કરી. ઝૂંપડું નાનું, માણસો અનેક. સૌની આંખોમાં ચિંતા અને આતુરતા અને મદદરૂપ થવાની વૃત્તિ. એમની પાસે જે કંઈ હતું તે અમારી સમક્ષ ધરી દેવામાં જરા પણ ખચકાટ નહીં. ચારે બાજુ માનવતા પાંગરી ઊઠેલી. પણ વાતો તો અકસ્માતની જ ચાલે. સૌથી વધુ ઇજા થયેલી નારાયણ દેસાઈને. એમની વેદનાનો પાર નહીં, પણ હસતું મોઢું અને કોઈને પણ બોજારૂપ થવાની ઇચ્છા નહીં. એ કહે, આ ગામડાંના લોકોને આપણે કહીએ કે, એમનું આસામી ભાષામાં ભજન સંભળાવે. પણ બધાની સારવારનું કંઈ ને કંઈ કામ ચાલતું રહ્યું.
લગભગ દસ વાગે શોધખોળ કરતી પહેલી ટુકડી અમારા ઝૂંપડે પહોંચી. એ પહેલાં અમારી સાથે આવેલા રેડિયો અને સરકારી સમાચાર માધ્યમના પ્રતિનિધિને પગપાળા દોડાવ્યા અને શું સંદેશો આપવો તે લખી આપ્યું. એમની રીતે તેથી મેં સંદેશો લખી આપ્યો જે સદ્ભાગ્યે રાતના અગિયાર વાગ્યાના સમાચારમાં વંચાયો અને દેશમાં સૌને રાહતની લાગણી થઈ. અમને ઝૂંપડેથી જોરહાટ હોસ્પિટલમાં પહોંચતાં લગભગ દોઢ કલાક થયો અને બાર વાગતાંની દસ મિનિટ પહેલાં ત્યાં પહોંચ્યા. હું નારાયણભાઈ અને કાંતિભાઈની સાથે એમ્બ્યુલન્સમાં હતો. જોેરહાટમાં એરફેર્સની મોટી હોસ્પિટલ છે જ્યાં એમણે ખૂબ પ્રેમ અને આદરથી સૌની સુશ્રાુતા કરી. હું લગભગ આખી રાત બધાની દેખભાળ લેતો રહ્યો, કારણ કે લોબોને થોડું વાગેલું અને કંપાણી પણ થાકી ગયા હતા. દવાખાનાનાં કપડાં પહેરીને અમે રાત વિતાવી. સવારના એ લોકોએ કાળજીપૂર્વક અમારે માટે બજારમાંથી ટુવાલ, સાબુ, દાંતિયો, કફ્ની-લેંઘા મગાવી રાખેલું. એટલે સવારે સાત વાગે નાહીને તૈયાર થયા. સાડા સાતે જોેરહાટની નિશાળનાં બસો છોકરાંઓ હાથમાં ફ્ૂલોના ગુચ્છા લઈને આવી પહોંચ્યા. એમાં જે ભાવના અને પ્રેમ હતાં તે ભાગ્યે જ ક્યાંય મળે.
આ આખીયે દિલધડક ઘટનાનું વિસ્તૃત વર્ણન હસમુખ શાહે’દીઠું મેં…’ પુસ્તકમાં કર્યું છે.
આસમનાં ખેતરોમાં કાળી ઘનઘોર રાત્રે વિમાન તૂટી પડયુંં હોવા છતાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈની સ્વસ્થતા ગજબની હતી. માનવીની હિંમતની કસોટી આપત્તિમાં જ થતી હોય છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!