Close

એક ગુજરાતી મુંબઇ યુનિ.ના વાઇસ ચાન્સેલર નિમાયા હતા

કભી કભી | Comments Off on એક ગુજરાતી મુંબઇ યુનિ.ના વાઇસ ચાન્સેલર નિમાયા હતા

સર ચીમનલાલ હરિલાલ સેતલવાડ.

આજથી ૧૦૦ વર્ષ પહેલાં ગુજરાત ગૌરવ લઇ શકે તેવા એક સેલિબ્રિટી હતા. અંગ્રેજોના સમયમાં બોમ્બે હાઇકોર્ટના તેઓે વિદ્વાન ધારાશાસ્ત્રી હતા. ‘સર’એ અંગ્રેજોએ આપેલો ઇલકાબ હતો.

તેમનો જન્મ ઇ.સ. ૧૮૬૫માં ભરૂચ ખાતે એક બ્રહ્મક્ષત્રિય પરિવારમાં થયો હતો. અંગ્રેજોના જમાનામાં રૂ. એક લાખની લાંચ લેવાનો ઇન્કાર કરનાર અંબાશંકર બ્રિજરાય તે ચીમનલાલ સેતલવાડના પિતામહ થાય.

અંબાશંકર બ્રિજરાય અમદાવાદમાં અમીનના હોદ્દા પર હતા. હોદ્દા પરથી નિવૃત્ત થયા બાદ તેમણે લીમડી સંસ્થાનનું દીવાનપદ સંભાળ્યું હતું. સર ચીમનલાલ સેતલવાડ હરિલાલ સેતલવાડના બીજા નંબરના પુત્ર હતા.

સર ચીમનલાલ સેતલવાડે શરૂઆતની કેળવણી અમદાવાદમાં લીધી. ઇ.સ. ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઇ ગયા. મુંબઇની એલ્ફિન્સ્ટન કોલેજમાં તેઓ દાખલ થયા. એ વખતે કોલેજના પ્રિન્સિપાલ તરીકે ડો. વર્ડઝવર્થ હતા. ચીમનલાલ ડો. વર્ડઝવર્થના પ્રીતિપાત્ર વિદ્યાર્થી હતા. કોલેજ છોડયા પછી પણ તેઓ એકબીજાના સંપર્કમાં રહ્યા. એ સમયે મણિભાઇ નભુભાઇ દ્વિવેદી, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, નરસિંહરાવ ભોળાનાથ જેવા પ્રસિદ્ધ ગુજરાતીઓ પણ એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણતા હતા. ઇ.સ. ૧૮૮૪માં ચીમનલાલ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા.

ચીમનલાલ સેતલવાડ એક પ્રતિષ્ઠિત- એરિસ્ટોક્રેટિક પરિવારમાંથી આવતા હતા. તેમના પ્રિન્સિપાલ ડો. વર્ડઝવર્થે સરકારી સનદી નોકરી માટે ગવર્નર પર એક ભલામણ પત્ર લખી આપ્યો પરંતુ તેમણે સરકારી નોકરી સ્વીકારી નહીં. એથી ઊલટું તેમણે એક ખાનગી ઓફિસમાં માસિક રૂ. ૧૦૦ના પગારથી અનુવાદકની નોકરી સ્વીકારી. સાથે સાથે કાયદાશાસ્ત્રનો પણ અભ્યાસ કરતા ગયા. ઇ.સ. ૧૮૮૭માં એલએલ.બી.ની ડિગ્રી હાંસલ કરી. તેમણે બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. થોડાંક જ સમયમાં એક અત્યંત બાહોશ વકીલ તરીકે તેઓ જાણીતા થયા.

તેમણે માતૃભાષા ગુજરાતી માટે અત્યંત માન હતું. ‘બ્રિટિશ હિંદુસ્તાન’ નામના અંગ્રેજી પુસ્તકનું તેમણે ભાષાંતર કર્યું. તેમણે ફોસટના મૂળ અંગ્રેજી પુસ્તકના આધારે ‘અર્થશાસ્ત્રના મૂળતત્ત્વો’ નામનું ગુજરાતી પાઠયપુસ્તક લખ્યું. તેમણે કાયદાશાસ્ત્રનો પણ બે પુસ્તકો લખ્યાં.

હવે તેમણે જાહેર જીવનમાં પણ રસ લેવા માંડયો. ઇ.સ. ૧૮૯૨માં મુંબઇના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા. ૨૭ વર્ષની વયે તેઓ મુંબઇ રાજ્યની ધારાસભામાં ચૂંટાયા. ૧૮૯૩થી ૧૮૯૬ સુધી તેમણે ધારાસભ્ય તરીકે સેવાઓ આપી. એ જમાનામાં તેમણે પ્રાથમિક શિક્ષકોના પગાર વધારાવ્યા. એટલું જ નહીં પરંતુ ૧૮૯૪માં પ્રાથમિક શિક્ષણ મફત આપવું જોઇએ તેવી અંગ્રેજ સરકાર સમક્ષ માગણી કરી. તેમાં સફળતા મળી. આ અંગે અમદાવાદમાં ભરાયેલી શિક્ષણ પરિષદ સમક્ષ તેમણે નિબંધ વાંચ્યો. મુંબઇ ઇલાકાના તે વખતના ડિરેક્ટર મી. જાઇલ્સે તેમના નિબંધની પ્રશંસા કરી. ઇ.સ. ૧૮૯૫માં તેઓ મુંબઇ યુનિવર્સિટીના ફેલો નીમાયા.

ઇ.સ. ૧૮૯૮માં તેઓ બોમ્બે યુનિવર્સિટીની સિન્ડિકેટ- કારોબારીમાં સભ્ય તરીકે ચૂંટાયા. ફરી એકવાર ૧૯૦૩માં મુંબઇ યુનિવર્સિટીએ પોતાના પ્રતિનિધિ તરીકે ચીમનલાલ સેતલવાડને ધારાસભામાં પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢયા. એ જમાનામાં ધારાસભામાં યુનિવર્સિટીઓના પ્રતિનિધિ પણ મોકલાતા.

મુંબઇ રાજ્યની ધારાસભામાં હતા ત્યારે લોર્ડ હેરિસના સમયમાં પૂનાની ફર્ગ્યુસન કોલેજને મળતી ગ્રાન્ટ અંગ્રેજ સરકારે બંધ કરી દીધી હતી. ચીમનલાલ સેતલવાડે આ નિર્ણય સામે પણ લડત ચલાવી. તેમણે એક મહત્ત્વનું કામ અમદાવાદની કોલેજને સરકારી કોલેજ કરવાનું. જેમ મહારાષ્ટ્રમાં પૂના ખાતે સરકાર એક કોલેજ નીભાવતી હતી તેમ અમદાવાદમાં પણ બ્રિટિશ સરકારે એક કોલેજ નીભાવવી જોઇએ તેવો તેમનો આગ્રહ હતો. તેઓ માનતા હતા કે સરકાર પાસે જે નાણું છે તે પ્રજાનું છે. તેનો ઉપયોગ પ્રજાના હિતમાં જ થવો જોઇએ. ચીમનલાલ સેતલવાડના આ વિચારોને સર ફિરોજશાહનું સમર્થન મળ્યું.

ઇ.સ. ૧૯૧૦માં તેઓે આરામ કરવા ઇંગ્લેન્ડ ગયા. એ વખતે બ્રિટિશ સરકારના એક મંત્રી લોર્ડ મોર્લીએ તેમને મુલાકાતે બોલાવ્યા. તેમણે ભારતીય પ્રજાનું ગ્ષ્ટિબિંદુ રજૂ કર્યું.

ઇ.સ. ૧૯૧૫માં દેશના મહાન દેશભક્ત ગોખલેના અવસાનથી મુંબઇ રાજ્યની ધારાસભામાં એક જગા ખાલી પડી. મુંબઇ ધારાસભાના બિન અમલદાર સભાસદો તરફથી ચૂંટણી થઇ. ચીમનલાલ સેતલવાડે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું. તેમને ૨૨ મત મળ્યા. તેમના હરીફ હોરમસજી વાડિયાને માત્ર ૭ મત મળ્યા. તેમણે અનેક માનપત્રો મળ્યા. તે વખતના વર્તમાનપત્રોએ ચીમનલાલ સેતલવાડને ભાગ્યશાળી, બુદ્ધિશાળી, સ્વતંત્ર વિચારધારાવાળા અને નીડર વ્યક્તિ તરીકે બિરદાવ્યા. ચીમનલાલ સેતલવાડ લક્ઝુરિયસ જીવન જીવતા હતા. કેટલાકે તેમની એશ આરામી જિંદગીની ટીકા પણ કરી પરંતુ સાર્વજનિક જીવનમાં તેઓ એક ઉમદા વ્યક્તિ હતા. પબ્લિક લાઇફમાં તેઓ નિસ્વાર્થ અને ત્યાગી પ્રતિભા લેખાયા.

ઇ.સ. ૧૯૧૬માં અમદાવાદમાં ‘ગુજરાતી કેળવણી પરિષદ’ની પ્રથમ બેઠક મળી. તેનું પ્રમુખપદ ચીમનલાલ સેતલવાડને સોંપાયું. પરિષદનું કામકાજ ગુજરાતીમાં ચાલતું હતું. પણ ચીમનલાલ સેતલવાડે અંગ્રેજીમાં ભાષણ કર્યું. કેટલાંકને અગવડરૂપ લાગ્યું પરંતુ એ તેમની લાક્ષણિક્તા હતી.

ઇ.સ. ૧૯૧૯માં પંજાબમાં જલિયાંવાલા બાગ કાંડ થયો. જનરલ ડાયરે અનેક નિર્દોષ ભારતીયો પર ગોળીઓ ચલાવવા હુકમ કર્યો. ભારે ઊહાપોહ થતાં અંગ્રેજ સરકારે હૈદર તપાસપંચ નીમ્યું. ચીમનલાલ સેતલવાડ આ તપાસ પંચના એક સભ્ય તરીકે પણ નીમાયા.

એ પછી એમના જીવનમાં એમની કારકિર્દીમાં મોરપીંછ ઉમેરાર્યું. એ વર્ષે બોમ્બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. મેક્કિન નિવૃત્ત થયા અને લોર્ડ વિલિંગ્ડને મુંબઇ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ચીમનલાલ સેતલવાડની નિમણૂક કરી. એ જમાનામાં મુંબઇ યુનિવર્સિટીના કુલપતિ તરીકે એક ગુજરાતીની નિમણૂક તે ગૌરવની વાત હતી. એ વખતના અખબારો અને સામયિકો લોર્ડ વિલિંગ્ડને એશ આરામી અને દેશના લોકનાયકો સાથે તકરારો કરનાર વ્યક્તિ તરીકે ઓળખાતા પરંતુ ચીમનલાલ સેતલવાડના વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂકને બિરદાવવામાં આવી અને લોર્ડ વિલિંગ્ડનો આભાર માનવામાં આવ્યો. મુંબઇની ગુર્જર સભાએ ચીમનલાલ સેતલવાડનું બહુમાન કર્યું. નોંધપાત્ર વાત એ છે કે ૧૯૮૪માં બી.આર. આંબેડકર દ્વારા સ્થાપિત બહિષ્કૃત હિતકારિણી સભાના તેઓ સ્થાપક પ્રમુખ પણ હતા.

ગાંધીજીએ પણ તેમના કાર્યોની પ્રશંસા કરી હતી. ચીમનલાલ સેતલવાડે ભારતના ભાગલાનો વિરોધ કર્યો હતો પરંતુ ભારતના ભાગલા થયા અને તા. ૧૦ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ ૮૩ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના એક પુત્ર તે એમ સી સેતલવાડ જે ૧૯૫૦થી ૧૯૬૩ સુધી એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા રહ્યા. તેમનાં પ્ર-પૌત્રી કે તીશ્તા સેતલવાડ..

દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!