Close

એક દિવસ આ ભયાનક એવી કાળરાત્રિનો પણ અંત આવશે

કભી કભી | Comments Off on એક દિવસ આ ભયાનક એવી કાળરાત્રિનો પણ અંત આવશે

ચીન કરતાં પણ વધુ લોકોનાં મોત નીપજાવનાર ઇટલીની એક મહિલા પત્રકારની ડાયરીનું આ એક પાનું છે.

એ મહિલા પત્રકારનું નામ એલેેસેન્ડ્રા ફાબ્રેતી છે. તે ઇટલીની એક ન્યૂઝ એજન્સીમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે રોજેરોજ લખે છે. ઇટાલિયન ન્યૂઝ એજન્સીનું નામ Dire છે. તે યુદ્ધ, રોજેરોજની  ઘટનાઓ, કરુણ  બીનાઓ અને વિશ્વની રોજેરોજની રાજકીય ગતિવિધિઓ પર લખે છે. એલેસેન્ડ્રા માત્ર ૩૦ જ વર્ષની છે. એની ન્યૂઝ એજન્સીનું હેડક્વાર્ટર રોમમાં છે. એ સિવાય ઇટલીના અન્ય શહેરો જેવાં કે નેપલ્સ, મિલાન અને બોલોગ્નામાં પણ એની ઓફિસો છે. આ ન્યૂઝ એજન્સી  આખા ઇટલીમાં ૧૪૦ જેટલા પત્રકારોનો કાફલો ધરાવે છે. આ પત્રકારો રોજેરોજ ૪,૫૦૦ જેટલા લેખો લખે છે.

હવે એલેસેન્ડ્રા શું કહે છે તે વાંચો.

એલેસેન્ડ્રા તેની ડાયરીમાં લખે છે : ‘બીજા વિશ્વ યુદ્ધ પછી ઇટલી જ એક એવો લોકતાંત્રિક દેશ છે જેણે પહેલી જ વાર દેશના કેટલાંક શહેરોને લોકડાઉન કર્યા. ૩૧,૦૦૦ કેસ અને ૩,૦૦૦ કરતાં વધુ લોકોનાં મૃત્યુ બાદ સરકાર સફાળી જાગી ઊઠી. ‘

(આ ડાયરી લખાઈ ત્યારે એ આંકડો હતો. આજે ઇટલીમાં મૃત્યુઆંક ૨૩,૦૦૦ને વટાવી ગયો છે.)

એલેસેન્ડ્રા લખે છે : ‘રોમના લોકો તેમના ઘરોમાં ક્વોરન્ટાઇન છે. એ બધાની વ્યક્તિગત અને વ્યાવસાયિક જિંદગીમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. અહીં બધાં  જ લોકો સ્વયંભૂ રીતે ઘરમાં જ કેદ છે. કોઈ જ કોન્ફરન્સ થતી નથી. કોઈ જ પત્રકાર પરિષદ થતી નથી. તમે કોઈ રાજકારણીને મળી શકતા નથી. કોઈ અધિકારીને મળી શકતા નથી. કોઈ  જ માહિતી અધિકારી, પત્રકારો માટે ઉપલબ્ધ નથી. હવે તમે જ વિચારો કે કોઈ પત્રકારને કોઈ માહિતી મેળવવી હોય તો તેને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે? હું પોતે પણ  રોમના નોર્થ ઇસ્ટર્ન પાર્ટના મારા ઘરમાં લોકઅપ છું. રોમના સુપ્રસિદ્ધ ફાઉન્ટેઇન્સ, ચર્ચ, મ્યુઝિયમ, મહેલો, ઐતિહાસિક ઇમારતો અને સ્થાપત્યના પૌરાણિક સ્થળોએ બધું જ બંધ છે. રોમ એક એવું શહેર છે  જ્યાં લંડન અને પેરિસ પછી વિશ્વના સૌથી વધુ સહેલાણીઓ આવે છે.’

એલેસેન્ડ્રા લખે છે : રોમ એક એવું શહેર છે જ્યાં લોકોને એકબીજાને મળવાનું પસંદ છે. કોફીબારમાં કે પિઝા હટ્સ પર કે શરાબના બારમાં ક્યારેક લોકોના ટોળાં ઊભરાતાં હતા. એ બધું જ બંધ છે. હું રોજ મારા વિસ્તારના એક કાફેમાં જઈ કોફી પીતી હતી પરંતુ હવે ક્યાં જવું?

તે લખે છે : ‘કોરોના વાઇરસે અમારા લોકોની જીવનશૈલી બદલી નાખી છે. હવે ઇટલીના લોકો એકબીજાને આલિંગન આપતાં- હગ કરતા, ચુંબન કરતાં બે વાર વિચારે છે. અમે અમારા સ્વજનને ભેટી શકતાં નથી. હું થોડા જ દિવસ પહેલાં મારી એક બેસ્ટ ફ્રેન્ડ-સખીને મળી. હું જાણતી હતી કે કોરોના વાઇરસની મહામારી  પછી મારે તેને ભેટવાનું નથી… પરંતુ હું તેને આલિંગન આપતાં મારી જાતને રોકી શકી નહીં. આમ છતાં અહીં બધું જ બહું ઝડપથી બદલાઈ રહ્યું છે.’

તે લખે છે : ‘ઇટલી સરકારની કડક સૂચનાના કારણે લોકોએ ઘરમાંથી  બહાર નીકળવાનું નથી, હા, અમને ફૂડ કે દવાઓ માટે જ બહાર નીકળવાની છૂટ છે. એક વાત સાચી કે લોકડાઉનના કારણે આખું ઇટલી ભયભીત છે. પરંતુ હું શાંત અને સ્વસ્થ છું. અમારો દેશ ગરીબ નથી. અમારું છેલ્લું યુદ્ધ ૭૦ વર્ષ પહેલાં થયું હતું. હું એક સ્ત્રી છું અને અહીં સ્ત્રીઓ માટે બધી જ તકો ઉપલબ્ધ છે. સદ્નસીબે હું જેમને ચાહું છું તે બધાં જ સ્વજનો સ્વસ્થ છે, સાજાં છે. મારું કામ હું ઘેર રહીને જ કરું છું. હું મારા ઘરમાં જ રહીને સલામતી  અનુભવું છું. હા… હું સાંજ પડે અને ઢળતી સંધ્યાની મુલાકાત થાય તે માટે મારા ઘરની બાલ્કનીમાં સાંજ પડવાની રાહ જોઉં છું. સાંજ પડે મારી જેમ બીજા લોકો પણ બાલ્કનીમાં બહાર આવે છે. બાલ્કનીમાં બેઠાં બેઠાં જ ગીતો ગાય છે. ગીત-સંગીતનો આનંદ માણે છે. અમે બહાર જઈ શકતાં નથી તેથી અમારી બાલ્કની એપોઇન્ટમેન્ટ જ શ્રેષ્ઠ આઉટીંગ છે.’

તે લખે છે : ‘રોમ એક જોવાલાયક પૌરાણિક શહેર છે. હજારો વર્ષ પહેલાં બનેલું કોલોસિયમ (સ્ટેડિયમ) અને વેટિકન્સ મ્યુઝિયમ્સ હવે ઘોસ્ટ ટાઉન જેવા  ભાસે છે. અહીં કોઈ જ સહેલાણી નથી. ક્યારેક અહીં સેંકડો લોકો દેખાતા હતા. હવે તે બધા ઉજ્જડ ભાસે છે. આ બધું માની ના શકાય તેવું છે. આ પરિસ્થિતિમાં પણ મારી ન્યૂઝ એજન્સી લોકોને પ્રમાણભૂત માહિતી આપવા રાત-દિવસ કાર્યરત છે. હા, ફરક એટલો પડયો છે કે અમે રોજ ૪૫૦ આર્ટિકલ્સ આપતા હતાં તેમાંથી હવે માત્ર ૧૦ ટકા જ ખબરો લોકોને આપી શકીએ છીએ. મારી ન્યૂઝ એજન્સીના વડા-તંત્રી નિકોલા પેટોનીએ બધાં જ  પત્રકારોને સૂચના આપી છે કે, લોકોના સ્વાસ્થ્ય અને સેનિટરી ન્યૂઝ ફ્રી હશે. લોકોના ભયનો લાભ ઉઠાવી આપણે તેમાંથી કમાઈ શકીએ નહીં.’

એલેસેન્ડ્રા જે ન્યૂઝ એજન્સીમાં કામ કરી રહી છે તે ન્યૂઝ એજન્સીએ તેના દરેક પત્રકારોને સીમલેસ સિસ્ટમથી મુખ્ય ઓફિસ સાથે જોડી દીધાં છે. આ કારણે અમારે ઓફિસે જવું પડતું નથી.  દરેક પત્રકારને ઓડિયો વિઝુયલ્સ કન્ટેન્ટ મેળવવાની કોમેન્ટ્સ રેકોર્ડ કરી મુખ્ય ઓફિસને મોકલવાની સુવિધા આપી છે. એ રીતે દૂરથી જ તમે કોઈનું વીડિયો કન્ટેન્ટ રેકોર્ડ કરી સામાજિક અંતર જાળવી શકો. અને મારી ન્યૂઝ એજન્સીને મુખ્ય  આર્ટિકલ્સની સાથે વિઝુયલ્સ પણ મૂકવા માંડયાં છે.

એલેસેન્ડ્રા કહે છે કે : ‘અમારી રિપોર્ટિંગની શૈલી પણ બદલાઈ ગઈ છે. અમારી આસપાસ જે કાંઈ બની રહ્યું છે તેની ટીકા-ટિપ્પણી કે આલોચના કરવાના બદલે લોકો શાંત અને સ્વસ્થ રહે તેવાં લખાણો અમે લખીએ છીએ. આમ તો અમે ઇટાલિયનો ટીકા કરવાનું બહુ પસંદ કરીએ છીએ, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. અમે ઇટલીના ડોક્ટરો અને નર્સોના ભગીરથ પ્રયાસોને  બિરદાવીએ છીએ. લોકોને કોરોના વાઇરસ શું છે તેનું જ્ઞાન અને માહિતી જ વધુ પીરસીએ છીએ. જે લોકો માટે ઉપયોગી સાબિત થાય.’

એલેસેન્ડ્રા લખે છેઃ ‘ઇટલી માટે આ એક મોટી કટોકટી છે. ત્યારે અહીં કામ કરતા બિનઇટાલિયનો જેવા કે આફ્રિકાના લોકો, એશિયાના  ડોક્ટરો અને નર્સોની રાત-દિવસની કામગીરીને પણ અમે બિરદાવીએ છીએ.’

તે લખે છે : ‘આ કાળરાત્રિ-કટોકટી પણ જતી રહેશે. આ મહામારીનો એક દિવસ તો અંત  આવશે જ. બની શકે આ કટોકટી પૂરી થાય તે પછી યુરોપિયનો વધુ બહારથી આવેલા શરણાર્થીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ થશે.’

(સૌજન્ય અને આભાર : THE TELEGARPH)

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!