Close

એક પુત્રવધૂ, જેમણે સસરાનો રાજકીય વારસો સંભાળ્યો

કભી કભી | Comments Off on એક પુત્રવધૂ, જેમણે સસરાનો રાજકીય વારસો સંભાળ્યો

દિલ્હીમાં પંદર વર્ષ  સુધી મુખ્યમંત્રી પદે રહેનાર શીલા દીક્ષિત  હવે રહ્યાં નથી.

આજે દિલ્હીની વિધાનસભામાં કોંગ્રેસનું શાસન નથી. કેન્દ્ર સરકારમાં પણ કોંગ્રેસનું શાસન નથી તેમ છતાં દિલ્હીના અંગ્રેજી અને હિંદી અખબારોએ શીલા દીક્ષિતના જીવન અને કાર્યના નિરૂપણ માટે આઠથી સોળ  કોલમ જગા ફાળવી એ જ શીલા દીક્ષિતની લોકપ્રિયતાનું  પ્રમાણ છે.

દિલ્હીને ‘આધુનિક દિલ્હી’નો પર્યાય બનાવનાર શીલા દીક્ષિત હતા. દિલ્હીમાં મેટ્રોનું નિર્માણ તેમના સમયગાળા દરમિયાન થયું. દિલ્હીમાં તેમણે ૭૦ જેટલાં ફ્લાય ઓવર્સ બનાવ્યા. દિલ્હીની હોસ્પિટલોને સુધારવાથી માંડીને પ્રદૂષણ ઓછું કરવા સીએનજી દ્વારા પરિવહનનો આરંભ તેમણે જ કરાવ્યો. દિલ્હીને ગ્રીન દિલ્હી બનાવવા માટે તેમણે જ કામ કર્યું. તેમના જ કાર્યકાળ દરમિયાન સરકારી  શાળાઓને કમ્પ્યૂટરાઇઝડ કરવામાં આવી. એમના જ સમયમાં સરકારી શાળાના બાળકો પણ પ્રાઇવેટ સ્કૂલોનાં બાળકોની જેમ રેકોર્ડ પરિણામ લાવતાં થયા. તેમના જ શાસનકાળમાં દિલ્હીમાં વીજળીનું ખાનગીકરણ થયું. તેમના જ સમયમાં ૨૦૧૦માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની બધી જ જવાબદારી તેમણે સંભાળી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં તેમણે જ ત્રણ વખત કોંગ્રેસને જીતાડી.

શીલા દીક્ષિત ‘ધી આર્કિટેક્ટ ઓફ મોડર્ન દિલ્હી’ તરીકે  ઓળખાયા. તેઓ ટ્વિટર પર પણ સક્રિય હતા. ૯૬ હજાર લોકો તેમને ફોલો કરતાં હતા. દિલ્હીવાસીઓ તેમને શીલા આન્ટી તરીકે પણ ઓળખતા હતા. ગરીબો માટે  આહાર યોજના શરૂ કરનાર પણ શીલા દીક્ષિત હતા.

લગ્ન પહેલાં શીલા દીક્ષિત શીલા કપૂરના નામે જાણીતા હતા. પંજાબના કપૂરથલામાં જન્મેલા શીલા દીક્ષિતે દિલ્હીની કોન્વેન્ટ ઓફ જિસસ એન્ડ મેરી સ્કૂલ દ્વારા અભ્યાસ કર્યો. તે પછી દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા હાઉસ કોલેજ દ્વારા પ્રાચીન ઇતિહાસના વિષયમાં એમ.એ. કર્યું.

કોલેજના દિવસોમાં શીલાની મુલાકાત વિનોદ દીક્ષિત નામના એક  યુવાન સાથે થઇ જે એ જ કોલેજમાં ભણતો હતો. વાત એમ હતી કે વિનોદ દીક્ષિત એ સમયના કોંગ્રેસના કદાવર નેતા ઉમાશંકર દીક્ષિતનો એક માત્ર પુત્ર હતો. શરૂઆતના દિવસોમાં યુવાન શીલા એ યુવાનને બહુ પસંદ કરતી નહોતી. શીલાને લાગ્યું કે, વિનોદ એક અકડુ માણસ છે પરંતુ સમય બદલાયો તેમના બીજા કેટલાક મિત્રોની અંદરોઅંદરના મતભેદને દૂર કરવા પ્રયત્નશીલ થયેલા શીલા  અને વિનોદ બેઉ એકબીજાની નજીક આવી ગયા અને સાથે ફરવા લાગ્યા.

કહેવાય છે કે શીલા સાથે વધુ સમય મળે તે માટે વિનોદ પણ શીલા સાથે બસમાં સફર કરવા લાગ્યો. એક દિવસ દિલ્હીના ચાંદની ચોક ખાતે જ અચાનક વિનોદે શીલાને કહ્યું: ‘હું આજે જ મારી મમ્મીને કહેવાનો છું કે મને એક છોકરી મળી ગઇ છે જેની સાથે હું લગ્ન કરવા માગું છું.’

શીલા હજુ સમજી નહોતી. એણે વિનોદને કહ્યું : ‘તો શું તમે  એ છોકરી સાથે  વાત કરી લીધી છે?’

વિનોદે કહ્યું : ‘ના એક છોકરી અહીં મારી બાજુમાં બેઠેલી છે.’

શીલાને ખબર પડી કે એ તો પોતાના વિશે જ કહે છે તે સમજ્યા બાદ શીલા ચોંકી ગઇ.  સાથે સાથે યુવાન શીલા ઉત્સાહિત પણ થઈ ગઇ. બસ પછી તો વાત આગળ ચાલી. બંને જણે તેમની એક બીજા માટેની પસંદગીની વાત પોતપોતાના પરિવારમાં કરી. બંનેના પરિવારો મળ્યાં અને શીલા અને વિનોદ પરણી જતા શીલા કપૂર હવે શીલા દીક્ષિત બની ગયાં.

એ પછી વિનોદ દીક્ષિતે આઇએએસની પરીક્ષા પાસ કરી અને તેમને ઉત્તર પ્રદેશનું કેડર મળ્યું.

કહેવાય છે કે શીલાની ઉંમર પંદર જ વર્ષની હતી ત્યારે એણે મનમાં નક્કી કરી નાખ્યું કે આજે તો મારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુને મળવું જ છે અને નાનકડી શીલા પંદર વર્ષની વયે જ દિલ્હીમાં આવેલા તેમના ‘ડૂપ્લે લેન’ ખાતેના  ઘેરથી ચાલીને તીનમૂર્તિ ભવન પહોંચી ગઇ હતી.

શીલા દીક્ષિતના સસરા ઉમાશંકર દીક્ષિત ઇંદિરા ગાંધીની સરકારમાં એટલે કે ૧૯૭૪માં દેશના ગૃહમંત્રી હતા. રાજનીતિના પાઠ શીલા તેમના સસરા પાસેથી જ શીખ્યાં હતા.

અને અચાનક જ એક કરુણ ઘટના ઘટી.

૧૯૮૦માં એક રેલયાત્રા દરમિયાન તેમના પતિ વિનોદકુમાર દીક્ષિતનું મૃત્યુ નીપજ્યું :

જો કે એ પહેલાં તેઓ બે બાળકોની માતા બની ચૂક્યાં હતા. પુત્રનું નામ સંદીપ અને પુત્રીનું નામ લતિકા.

પતિના મૃત્યુના આઘાતમાંથી બહાર આવતાં કેટલોક સમય લાગ્યો. એના કેટલાક  સમય બાદ શીલા દીક્ષિત તેમના સસરાના પગલે પગલે તેમના જ માર્ગદર્શન હેઠળ રાજનીતિમાં સક્રિય થઇ ગયા.

૧૯૮૪માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર કનૌજથી જીતીને લોકસભામાં પહોંચ્યા.

૧૯૯૧માં સસરા ઉમાશંકર દીક્ષિતનું અવસાન થયું. તે પછી સસરાની વિરાસત તેમણે જ સંભાળી. શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત પણ પૂર્વ દિલ્હીની લોકસભાની સીટ પર બે વાર લોકસભામાં ગયા.

તે પછી શીલા દીક્ષિત ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. એમના જીવનમાં અનેક  ઉતાર-ચઢાવ પણ આવ્યા.

૧૯૯૮માં અને ૨૦૦૩માં દિલ્હી ગોલ માર્કેટ વિધાનસભાની બેઠકથી ચૂંટાઇને વિધાનસભામાં ગયા. ૨૦૧૫માં તેમને આમ આદમી પાર્ટી પાસેથી  હાર મળી. ૨૦૧૪માં તેમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. પરંતુ કેટલાક મહિનાઓ બાદ રાજીનામું આપી દેવું પડયું.

શીલા દીક્ષિતનો ગાંધી પરિવાર સાથે નિકટનો  સંબંધ હતો. દિલ્હીના વર્તુળો જાણે છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કે પ્રિયંકા ગાંધીને મળવા માટે શીલા દીક્ષિતને સમય લેવો પડતો નહોતો. તેઓ પોતાની જરૂરિયાત મુજબ ફોન કરીને એ બધાંને સીધાં મળી શકતાં હતા. રાહુલ ગાંધી શીલા દીક્ષિતનું બહુ જ સન્માન કરતા હતા.

દેશની રાજનીતિમાં પોતાનું આગવું સ્થાન ધરાવનાર શીલા દીક્ષિત પોતાના પરિવારમાં એક કડક સ્વભાવના માતા હતા. સંતાનોના ઉછેરમાં તેમની સખતાઇના અનેક ઉદાહરણો છે. પરંતુ પૌત્રીઓ સાથે તેમનો વિશેષ લગાવ રહ્યો.

છેલ્લે રાહુલ ગાંધીના કહેવાથી જ તેઓ તેમના જીવનની છેલ્લી ચૂંટણી લડયા અને હારી ગયાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના મોજામાં દિલ્હીમાં પણ  કોંગ્રેસ એક પણ સીટ જીતી શકી નહીં પરંતુ શીલા દીક્ષિતના નેતૃત્વમાં કોંગ્રેસના વોટની ટકાવારી વધી. એ શીલા દીક્ષિતના કારણે જ.

શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ. .

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!