Close

એક મધરાતે શકુંતલાનું બારણું કોણે ખટખટાવ્યું ?

કભી કભી | Comments Off on એક મધરાતે શકુંતલાનું બારણું કોણે ખટખટાવ્યું ?

શકુંતલા.

હજુ તો તેની વય ૨૮ વર્ષની જ હતી. તે પરણેલી હોવા છતાં ગોરખપુર જિલ્લાના શાહપુર ગામમાં એક રૂમ ભાડે લઈને રહેતી હતી. તે બે સંતાનોની માતા હતી. તેનો પતિ મુન્નાલાલ મુંબઈમાં રહેતો હતો. મુન્નાલાલ પણ ગોરખપુર જિલ્લાનો વતની હતો. પરંતુ ટૂંકી જમીનના કારણે પેટિયું રળવા મુંબઈ ગયો હતો. તેનું લગ્ન નજીકના જ એક ગામની અને એમની જ જ્ઞાતિની શકુન્તલા નામની યુવતી સાથે કરવામાં આવ્યું હતું.

શરૂઆતમાં તો મુન્નાલાલ તેની યુવાન પત્ની શકુંતલાને ગામમાં રહેવા દઈ મુંબઈ ગયો હતો. અલબત્ત શકુંતલાને ખબર પડી ગઈ હતી કે તેનો પતિ શરાબી છે. તેમ છતાં તેનું લગ્ન સામાજિક રીતે થયેલું હોઈ તે સમાજના નિયમો અને વ્યવહાર પ્રમાણે પતિ ઘેર આવતો ત્યારે તેની સાથે જ રહી સમય ગુજારતી. કાળાંતરે તે બે બાળકોની માતા પણ બની. બાળકોના જન્મને કારણે તે ખુશ હતી પરંતુ દારૂડિયા પતિના કારણે બાળકોના ભાવિ અંગે તે ચિંતિત હતી. પતિ તો પરદેશ હતો. તે બાળકોને ભણાવવાના પૈસા પણ મોકલતો ન હતો. બધા જ પૈસા શરાબ પાછળ ઉડાવી દેતો હતો. વર્ષમાં બે વાર તેનો પતિ રજાઓ લઈને ઘેર આવતો. પતિને શરાબ છોડી દેવા શકુંતલા ઝઘડા કરવા લાગે તો મુન્નાલાલ તેને ફ્ટકારતો.

એક દિવસ શકુંતલા તેના બાળકોને લઈ જતી રહી અને દૂરના એક ગામમાં ભાડાનો કમરો લઈ રહેવા લાગી. એનો મકસદ હતો કે બાળકો સારા વાતાવરણમાં રહીને ભણે. શકુંતલાના આ નિર્ણયની બાબતમાં સાસરિવાળા કે પિયરિયાંઓએ કોઈ વાંધો ના લીધો. હવે શાહપુરમાં રહેવા લાગી. અલબત્ત, હવે આર્થિક સંકટ સામે આવ્યું. તેણે આસપાસનાં સુખી ઘરોના વાસણો માંજવાથી માંડીને ઘરકામ કરવાનું સ્વીકારી લીધું. એને બાળકો ભણાવવાની તાલાવેલી હતી. બાળકોને સરકારી સ્કૂલમાં દાખલ કરી દીધા. હજુ તે બાળકોને તેજસ્વી બનાવવા માગતી હતી.

શકુંતલા જે ઓરડામાં ભાડેથી રહેતી હતી તેની બાજુમાં જ કૃષ્ણમોહન કનોજિયા નામનો યુવક રહેતો હતો. તે એમએસ.સી. થયેલો હતો અને તે પણે પોતાના ગામથી દૂર અહીં શાહપુરમાં રહી બાળકોનું ટયૂશન કરતો હતો. શકુંતલાએ કૃષ્ણમોહનને કહ્યું :’નમસ્તે સર ! શું તમે મારાં બાળકોને ભણાવશો?’

કૃષ્ણમોહને હા પાડી. ફી પણ નક્કી થઈ ગઈ. કૃષ્ણમોહનની ઉંમર ૨૬ વર્ષની હતી. કૃષ્ણમોહન બાજુની જ ઓરડીમાં રહેતો હોઈ એક દિવસ શકુંતલા કોઈ વાત કરવા કૃષ્ણમોહનના ઓરડીમાં ગઈ. શકુંતલા હજુ યુવાન હતી. તેનો મીઠો સ્વર સાંભળી કૃષ્ણમોહન મોહિત થઈ ગયો. કેટલીયે વાર સુધી તે શકુંતલાને અપલક નજરે નિહાળતો જ રહ્યો. શકુંતલાની સાડી તેના ઉર પરથી સહેજ સરકી ગઈ હતી. શરમાઈને તેણે સાડી સરખી કરી લીધી. ભાવનાની ભાષા શબ્દોથી પર હોય છે. બેઉ વચ્ચે કોઈ જ વાત ના થઈ છતાં બેઉ એકબીજા પ્રત્યે આર્કિષત થયા.

શકુંતલા જાણેતી હતી કે, ભારતીય સંસ્કૃતિમાં વિહાહિતા સ્ત્રીએ બીજા પુરુષની બાબતમાં વિચારવું તે પણે પાપ છે, પરંતુ પતિનું સાનિધ્ય ના હોય અને એકલતા સતાવતી હોય ત્યારે બધાં જ બંધનો અને મર્યાદાઓ તૂટી જાય છે. શકુંતલા અને કૃષ્ણમોહનની બાબતમાં પણે એમ જ બન્યું. બંને એકબીજામાં ડૂબી ગયા. રસ્તાઓ ખૂલી ગયા. કૃષ્ણમોહન શકુંતલાને અને તેનાં સંતાનોને પણ અપનાવવા તૈયાર થઈ ગયો.

આખાયે મહોલ્લાને પણે હવે શકુંતલા અને કૃષ્ણમોહનના સંબંધની ખબર હતી. બાળકો હજુ નાનાં હતાં. હવે કૃષ્ણમોહન પણ શકુંતલા તેના ઓરડામાં જે રસોઈ બનાવે તે ખાઈ લેતા. રાત્રે બાળકો સૂઈ જાય એટલે શકુંતલા બાજુના કમરામાં રહેતા કૃષ્ણમોહન પાસે જતી રહેતી. વહેલી પરોઢે તે તેના રૂમમાં પાછી આવી જતી. આવું રોજ ચાલતું. એક દિવસ શકુંતલાએ કૃષ્ણમોહનને કહ્યું: ‘હું પ્રેગ્નન્ટ છું.’

કૃષ્ણમોહને કહ્યું: ‘તારી ઇચ્છા શું છે?’

‘મારે તારું બાળક જોઈએ છે.’

‘તો હું એ બાળકને પણે સ્વીકારી લઈશઃ’ કૃષ્ણમોહને કહ્યું.

શકુંતલાએ હિંમતપૂર્વક બાળકને રાખવા નિર્ણય કર્યો.

એક દિવસ શકુંતલાનો પતિ મુંબઈથી શાહપુર આવી ગયો, પરંતુ શકુંતલા હવે બદલાયેલી બદલાયેલી લાગતી હતી. પતિનું સ્વાગત કર્યું અને એ રાત્રે એને જેટલો દારૂ પીવો હોય તેટલો પીવા દીધો. અગાઉની જેમ કોઈ ઝઘડો ના કર્યો. પતિ શરાબના નશામાં મદહોશ થઈ સૂઈ ગયો. એ રાત્રે શકુંતલા કૃષ્ણમોહન પાસે ના ગઈ. અલબત્ત, બીજા દિવસે કેટલાક ગામ લોકોએ મુન્નાલાલને શકુંતલા અને કૃષ્ણમોહનના સંબંધની બાબતમાં વાત કરી. મુન્નાલાલ શરાબી હતો. પણે બડો ચતુર હતો. એણે શકુંતલા પર નજર રાખવા નિર્ણય કર્યો. એ ચૂપચાપ બે દિવસ રહી પાછો મુંબઈ જતો રહ્યો.

લગભગ એક મહિનો વીતી ગયો.

શકુંતલા અને કૃષ્ણમોહન ફ્રી પ્રેમના પ્રવાહમાં વહેતા રહ્યાં. શકુંતલાના ઉદરમાં હવે કૃષ્ણમોહનનો અંશ હતો. તેઓ પતિ-પત્નીની જેમ જ રહેવા લાગ્યા હતાં. હવે તો કૃષ્ણમોહન પણ શકુંતલાના જ ઓરડામાં સૂઈ જતો. બાળકોએ પણે કૃષ્ણમોહનને પિતાની જેમ સ્વીકારી લીધા હતા.

એક રાત્રે શકુંતલાના ઘરનું બારણું ખટખટયું. શકુન્તલાએ જોયું તો રાતના બે વાગ્યા હતા. તેને થયું કે અત્યારે કોણે હશે? એણે બત્તી કરી. બારણું ખોલ્યું. બારણામાં તેનો પતિ મુન્નાલાલ ઊભેલો હતો. શકુંતલા સ્તબ્ધ થઈ ગઈ. આજે મુન્નાલાલ સ્વસ્થ હતો. તેણે શરાબ પીધેલો નહોતો. વળી ઓરડામાં કરેલી ભોંય પથારીમાં કૃષ્ણમોહન પણે સૂતેલો હતો. ખુદ શકુંતલા પણે ઉપવસ્ત્રોમાં જ હતી. તે ગભરાઈ ગઈ. રાત્રે બે વાગે મુન્નાલાલ આવી જશે એની તેને કોઈ કલ્પના પણે નહોતી. મુન્નાલાલ અંદર પ્રવેશ્યો. કૃષ્ણમોહન પણે જાગી ગયો. મુન્નાલાલે મોં પર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું. બારણું અંદરથી બંધ કરી દીધું. મુન્નાલાલે શકુંતલાને કહ્યું: ‘ડરવાની જરૂર નથી, આવું જ હતું તો મને કહેવું હતું ને!’

શકુંતલા ડરતાં ડરતાં બોલીઃ ‘આવું હું તમને કઈ રીતે કહું ?’

મુન્નાલાલ બોલ્યોઃ’જો શકુંતલા! તારે અને કૃષ્ણમોહને સાથે રહેવું હોય તો ખુશીથી રહો પણે મારી જમીનમાં તું કોઈ દાવો નહીં કરે એવું તારે ગામ આવી લખી આપવું પડશે. હું જીપ લઈને આવ્યો છું. તું અને કૃષ્ણમોહન મારી સાથે ચાલો. કાલે બધાંની હાજરીમાં લખાણ કરી આપવું પડશે.

શકુંતલાએ કૃષ્ણમોહનની સામે જોયું. કૃષ્ણમોહને હા પાડવા મોં હલાવ્યું. રાત્રે બાળકોને ઉઠાડયા અને બધાં જીપમાં ગોઠવાઈ ગયા. છેક સવારે બધા મુન્નાલાલના ગામ પહોંચ્યાં. ગામ પહોંચતા જ લોકોને ભેગા કરવામાં આવ્યા. મુન્નાલાલે હવે રૌદ્ર સ્વરૂપ ધારણે કર્યું. તે છેતરીને બંનેને પોતાના ગામમાં લઈ આવ્યો હતો. કૃષ્ણમોહન અને શકુંતલાને ખૂબ માર મારવામાં આવ્યો. તે પછી બંનેને એક જ રૂમમાં પૂરી દીધા. બાળકો ચિચિયારીઓ પાડતાં રહ્યાં.

બીજા દિવસે મુન્નાલાલે ગામની પંચાયત બોલાવી. પત્નીના કૃષ્ણમોહન સાથેના આડાસંબંધો અંગે તેણે ન્યાય માગ્યો. પંચાયતે કહ્યું કે, ‘શકુંતલાનો ગુનો માફ કરવાને લાયક નથી. તેણે પરપુરુષ સાથે સંબંધ બાંધીને સ્ત્રી જાતને કલંક્તિ કરી છે. બંનેના માથાના વાળ કાપી નાંખો. બંનેના ગળામાં જૂતાંનો હાર પહેરાવો. બંનેને ગામમાં ફેરવો અને તે પછી તેમને મારી નાંખો.’

ફરી તેમને એક ઓરડામાં પૂરી દેવાયા. બીજા દિવસે ઓરડામાંથી બહાર કાઢયા. બંનેને જાહેરમાં માર મારવામાં આવ્યો. શકુંતલા અને કૃષ્ણમોહનના માથા મૂંડાવી નાંખવામાં આવ્યાં. બંનેના ગળામાં જૂતાં- ચંપલોનો હાર પહેરાવવામાં આવ્યો. તે પછી બંનેને ગામમાં ફેરવવાનું શરૂ કર્યું. તેમની પાછળ લોકોનું ટોળું હસી મજાક કરતું ચાલતું રહ્યું. ગામમાં ફેરવી લીધા બાદ તેમની હત્યા કરી દેવા કોઈ અજાણ્યા સ્થળે લઈ જવાનું આયોજન હતું. પરંતુ અચાનક જ પોલીસની જીપ આવી પહોંચી. ગામના કોઈ જાગ્રત નાગરિકે ગોરખપુર પોલીસને આ બનાવની જાણે કરી દીધી હતી. પોલીસ ટુકડી એસ.પી. સમરબહાદુરસિંહના નેતૃત્વમાં આવી હતી. પોલીસને જોઈ ગામમાં નાસભાગ મચી ગઈ. શકુંતલા અને કૃષ્ણમોહનને મારી નાંખવામાં આવે તે પહેલાં તેમને ગામ લોકોના હાથમાંથી મુક્ત કરાવવામાં આવ્યાં. પોલીસે ૧૭ લોકોની ધરપકડ કરી, બધાને ગોરખપુર પોલીસ સ્ટેશને લઈ જવાયા. શકુંતલા અને કૃષ્ણમોહનને પણે પોલીસ સ્ટેશને લઈ જવાયાં અને તેમની વિરુદ્ધ હજુ કોઈ ફરિયાદ ના હોઈ તેમનો જવાબ લઈ તેમને જવા દેવામાં આવ્યા. શકુંતલાના પતિ મુન્નાલાલ અને તેમની જ્ઞાતિની પંચાયતના આગેવાનોને ગિરફતાર કરવામાં આવ્યા.

સામાજિક રૂપે અપમાન અને અવમાનના સહન કર્યા બાદ પણ શકુંતલા અને કૃષ્ણમોહને સાથે સાથે જ જીવવાનો ફેંસલો કર્યો છે. તેઓ હજુ ફફડી રહ્યાં છે. તેઓ પોતાનો જીવ બચાવવાં બાળકો સાથે કોઈ અજાણી જગ્યાએ ચાલ્યાં ગયાં છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!