Close

એક માતા એબોર્શન કરાવવા માટે ડોક્ટર પાસે ગઈ પરંતુ

કભી કભી | Comments Off on એક માતા એબોર્શન કરાવવા માટે ડોક્ટર પાસે ગઈ પરંતુ

ગિરીશ કર્નાડ રહ્યા નથી.

નવી પેઢી તો શાયદ જ તેમને જાણે છે.

હા, કેટલાકને યાદ છે કે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’માં ગુપ્તચર અધિકારીનો રોલ તેમણે કર્યો હતો. પરંતુ સંખ્યાબંધ નાટકો, ‘માલગુડી ડેજ’ જેવી સિરિયલ કે ‘તુગલક’, ‘હમવદના’જેવાં સંખ્યાબંધ નાટકો અને ફિલ્મોમાં તેમણે કરેલો અભિનય એક સીમાચિહ્ન છે.

ગિરીશ કર્નાડ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ તથા જ્ઞાનપીઠ જેવા પુરસ્કારોથી સન્માનિત હતા. પરંતુ ગિરીશ કર્નાડે ઉત્તર અને દક્ષિણની ભાષાઓમાં સેતુનું કામ કર્યું. હિન્દી, મરાઠી, કન્નડ અને બાંગ્લા એ બધી જ ભાષાઓનું તેમણે પ્રતિનિધિત્વ કર્યું. તેમણે કેટલાંયે નાટકોનો હિન્દીમાં અનુવાદ કર્યો.

કોંકણી બોલવાવાળા સારસ્વત પરિવારમાં જન્મેલા ગિરીશ કર્નાડે અંગ્રેજીના બદલે કન્નડ ભાષામાં નાટકો લખ્યાં. તે પછી તેમણે જ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તેઓ રોડ્સ સ્કોલર હતા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની સાથે સાત વર્ષ સુધી પ્રકાશક રહ્યા. તેઓ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર પણ રહ્યા. સંગીત નાટક અકાદમીના પણ નિર્દેશક રહ્યા. લંડનમાં આવેલા નેહરુ સેન્ટરના પણ નિર્દેશક રહ્યા. યાદગાર પ્રસંગ એ છે કે તેઓ જ્યારે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટના વડા હતા ત્યારે ઓમ પુરીને તેમનો ચહેરો એક્ટર જેવો નથી તેમ કહીને સંસ્થાએ તેમને પ્રવેશ આપવા ઇનકાર કરી દીધો હતો પરંતુ આ વાતની ખબર પડતાં ગિરીશ કર્નાડે હસ્તક્ષેપ કરીને ઓમપુરીને ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાં ભણવા-તાલીમ લેવા પ્રવેશ અપાયો હતો અને તે બાદ જ દેશને ઓમ પુરી જેવા એક્ટર મળ્યા.

તેમણે ૧૨ જેટલી ફિલ્મોનું નિર્દેશન કર્યું. ૯૦થી વધુ હિન્દી, મલાયલમ, કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણે ૧૫ જેટલા નાટકો લખ્યાં.

એમના જીવનની એક ઘટના અત્યંત સંવેદનશીલ અને નોંધપાત્ર છે જેનો ઉલ્લેખ ગિરીશ કર્નાડે પોતાની આત્મકથા ‘આદાદાતા આયુષ્ય’માં કર્યો છે.

ઘટના કાંઇક આવી હતી.

૧૯૭૩ની એ સાંજ હતી.

એ રાત્રે તેઓ પોતાના ધારવાડ ખાતેના ઘરમાં રાતનું ભોજન લઇ રહ્યા હતા. એ રાત્રે એક વાત સાંભળી તેમને સખત આઘાત લાગ્યો. એમના માતા-પિતા વાતો કરી રહ્યા હતા.

તેમની મા તેમના પિતાને કહી રહ્યા હતા : ‘આપણે તો ક્યારેક વિચારતા હતા કે હવે આપણને ચોથું સંતાન જોઇતું નથી.’

આ વાત ચાલતી હતી ત્યારે ગિરીશ કર્નાડ ૩૫ વર્ષની વયના હતા. આ વાત અનાયાસે તેઓ સાંભળી ગયા.

માતા દ્વારા લાપરવાહીથી પિતાને કહેવાયેલી વાત તેઓ ઊંડાણથી જાણવા માગતા હતા. તેઓ ઊંડા ઊતર્યા. એમને ખબર પડી કે તેઓ જ્યારે તેમની માતાના ઉદરમાં હતા ત્યારે તે પહેલાં તેમના માતા-પિતાને ત્રણ સંતાનો હતા. તેથી તેઓ ચોથું સંતાન અવતરે એમ ઇચ્છતા ન હોતા. એ વખતે તેઓ માતાના ગર્ભમાં હતા. માતાને ગર્ભપાત કરાવવા પિતા પુણેના એક ડોક્ટર પાસે લઇ ગયા. ડોક્ટરની હોસ્પિટલ પર બહાર બહુ જ દર્દીઓ બેઠેલા હતા. લાંબો સમય સુધી રાહ જોયા બાદ પણ ડોક્ટર આવ્યા નહીં એટલે પિતા તેમના પત્નીને ગર્ભપાત કરાવ્યા વગર જ ઘેર પાછા આવ્યા અને ગર્ભપાત ના કરાવી શક્યા. એ પછી ગિરીશ કર્નાડનો જન્મ થયો.  આ વાત જાણ્યા બાદ ગિરીશ કર્નાડ ઊંડા વિચારમાં પડી ગયા. આ ઘટનાનો ઉલ્લેખ તેમણે જાતે જ પોતાની આત્મકથામાં કર્યો છે.

વિચાર કરો કે એ દિવસે ડોક્ટર આવી ગયા હોત તો દુનિયા ગિરીશ કર્નાડને જોઇ-માણી- સાંભળી કે મહેસૂસ કરી શકી હોત ?

ગિરીશ કર્નાડે પોતાની આત્મકથામાં ગેરહાજર રહેલા ડોક્ટરનો આભાર માનતાં લખ્યું છે કે મેં જ્યારે આ વાત જાણી ત્યારે માથા પર વીજળી પડી હોય તેવું મને લાગ્યું હતું.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગિરીશ કર્નાડના માતા-પિતા બંનેનું લગ્ન પહેલાં ક્રમશ : વિધવા અને વિધુર હતા. ગિરીશ કર્નાડ ગૌડ સારસ્વત બ્રાહ્મણ હતા. એ જમાનામાં વિધવા- વિધુર વિવાહ એક ક્રાંતિકારી કદમ હતું.

ગિરીશ કર્નાડ એક્ટર, દિગ્દર્શક, લેખક હોવા ઉપરાંત એક બુદ્ધિજીવી નાગરિક પણ હતા. કેટલીયે વાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ અભિપ્રાય આપતા ખચકાતા નહીં અને તેઓ ખુદ વિવાદનું કેન્દ્ર બની જતાં હતા. એક વાર તો એમણે રવીન્દ્રનાથ ટાગોરના નાટકો આજના સમયમાં અપ્રાંસંગિક છે તેમ કહી દેતા તેમના એ નિવેદનનો સખત વિરોધ થયો હતો. એ જે હોય તે. એ બધા એમના વિચારો હતા અને પોતાના વિચારોની અભિવ્યક્તિ નિર્ભયતાથી કરતા હતા. તેમના વિચારો સાથે સંમત થઇ એક ના થઇએ પરંતુ ગિરીશ કર્નાડની વિદાય એ એક બૌદ્ધિક ક્ષતિ છે.

તેઓ જે કાંઇ માનતા હતા તે વિચારો કદી છુપાવતા નહીં. એક અહેવાલ અનુસાર તેઓ દક્ષિણ પંથીઓના હિટ લિસ્ટમાં હતા. બેંગલુરૂમાં એક વખતે દેખાવો કરતી વખતે તેમણે ગળામાં એક પટ્ટી લટકાવીને તેની પર લખ્યું હતું કે, ‘અગર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ નક્સલ છે તો હું પણ અર્બન નક્સલ છું. ‘

આવા હતા ગિરીશ કર્નાડ.

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!