Close

એક રૂપાળી દિવ્યાંગ યુવતી પણ સુંદર ફેશન મોડેલ બની શકે છે

કભી કભી | Comments Off on એક રૂપાળી દિવ્યાંગ યુવતી પણ સુંદર ફેશન મોડેલ બની શકે છે

માલવિકા આયર

તેમનું જીવન સૌ કોઈ માટે એક પ્રેરક કથા છે. દરેકના  જીવનમાં સંઘર્ષ આવે છે.  ક્યારેક કરુણ ઘટનાઓ આકાર લે છે. ક્યારેક અપંગ બની જવાય છે. એ બધી તકલીફો બાદ પણ ક્યારેક બીજાઓને પ્રેરણા લેવાનું મન થાય તેનું જીવન જીવી શકાય છે.

૨૦૦૨ની સાલમાં માલવિકા જ્યારે માત્ર ૧૩ જ વર્ષની વયની હતી ત્યારે તેના હાથમાં એકાએક એક હેન્ડગ્રેનેડ- બોમ્બ ફાટયો. એના કારણે તેના હાથના આગળના ભાગ ઊડી ગયા. બંને પગને લકવો થઈ ગયો. તેને બિકાનેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મલ્ટિપલ ઈજાઓ થઈ હોવા છતાં તેને બચાવી લેવાઈ પરંતુ તે હાથ-પગ વિહોણી થઈ ગઈ.

વાત એવી હતી કે જાન્યુઆરી ૨૦૦૨ની સાલમાં બિકાનેરમાં આવેલા મિલીટરીના એક ઓર્ડેનન્સ ડેપો (દારૂગોળાનો ડેપો)માં અચાનક આગ લાગી ગઈ હતી. પરિણામે તે ડેપોમાંથી દારૂગોળો અને કેટલાક વિસ્ફોટકો આસપાસના વિસ્તારોમાં ઊડયા હતા. તેમાંનો એક હેન્ડ ગ્રેનેડ ઊડીને તેના ઘરના મોટરકાર મૂકવાના ગેરેજમાં પડયો હતો. એ વખતે માલવિકા ૯માં ધોરણમાં ભણતી હતી. માલવિકા ગેરેજમાં કેટલીક ચીજવસ્તુઓ સરખી કરી રહી હતી ત્યારે ભૂલથી તેના હાથમાં એક હેન્ડગ્રેનેડ બોમ્બ આવી ગયો  અને તે અચાનક ફાટતાં તેના બંને હાથના આગળના ભાગ ઊડી ગયા. બે પગને ગંભીર ઈજાઓ થઈ.

માલવિકાના પિતા બિકાનેર- રાજસ્થાનના સ્ટેટ વોટર વર્કસ ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. ગંભીર રીતે ઘવાયેલી પુત્રીને તેમણે હોસ્પિટલમાં દાખલ કરી. ૧૮ મહિના હોસ્પિટલમાં રહી.  હાથનો આગળનો ભાગ જતો રહ્યો. આટલી નાની ઉંમરે અપંગ બની જતાં નાનકડી માલવિકા માટે હવે એક મોટો પડકાર હતો. તે સ્વસ્થ થઈ ઘેર આવી. આ હાલતમાં તેણે ભણવાનું ચાલુ રાખવા નિર્ણય કર્યો.

હવે તે ૧૦મા ધોરણમાં આવી હતી. ૨૦૦૮ની સાલ સુધી તે આઘાતમાંથી બહાર આવી ગઈ હતી. ૨૦૦૩-૨૦૦૪માં તો તે હોસ્પિટલમાં હતી. પરંતુ ચેન્નાઈની એક હાઈસ્કૂલ દ્વારા તેણે ૧૦મા ધોરણની પરીક્ષા આપવા નિર્ણય કર્યો. તેના માતાપિતાએ તેને સહાય કરી. તેને હવે પ્રોસ્થેટિક હાથ ફિટ કરવામાં આવ્યો હતો. જો કે તેનાથી તે ટેવાઈ ના હોવાથી  એણે એક પત્રકારની મદદથી ઉત્તરવહીમાં જવાબો લખાવ્યા અને તે સારા માર્કસે પાસ થઈ ગઈ. તે ડિસ્ટિંક્શન લઈ આવી. તે ટોપર રહી.

એ વખતે બન્યું એવું કે એક દિવ્યાંગ કન્યાના સંઘર્ષ અને બોર્ડની પરીક્ષામાં ટોપર બનવાની  કહાણી અખબારોમાં છપાતાં  એ વખતના રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે એ વૃતાંત છાપાઓ વાંચ્યા. તેમણે માલવિકાને રાષ્ટ્રપતિભવન આવવા નિમંત્રણ આપ્યું.  રાષ્ટ્રપતિશ્રીએ માલવિકાને તેની ભાવિ કારકિર્દી  અંગે પૂછયું ત્યારે માલવિકાએ તેમને જણાવ્યું કે,  તેને હાથ નથી છતાં તે પરીક્ષા આપી રહી છે. એ ઘટનાના કારણે રાષ્ટ્રપતિશ્રીના નિમંત્રણથી માલવિકાને લાગ્યું કે એણે જે કાંઈ ગુમાવ્યું છે તેથી દુઃખી થવાની જરૂર નથી. એ પછી એણે પાછળ વળીને જોવાનો વિચાર કરવાનું પણ માંડી વાળ્યું.

માલવિકા હવે દિલ્હીની પ્રતિષ્ઠિત સેંટ સ્ટીફન કોલેજમાં દાખલ થઈ. તે અર્થશાસ્ત્ર વિષયમાં ગ્રેજ્યુએટ થઈ. દિલ્હી સ્કૂલ  ઓફ સોશિયલ વર્ક દ્વારા તેણે માસ્ટર ડિગ્રી લીધી. એ પછી એમ.ફિલ અને પીએચ.ડી. પણ કર્યું.  દિવ્યાંગોની સમસ્યાઓ અંગે પણ તેણે અભ્યાસ કર્યો. તે નાની હતી ત્યારે સ્પોર્ટ્સ અને ડાન્સિંગમાં ભાગ લેતી હતી પણ હવે એ બધું શક્ય નહોતું. માલવિકા કહે છે : ‘એ બધું ના કરી શકતા નવા પ્રકારની જિંદગી સાથે જીવવું મારા માટે મુશ્કેલ હતું. હાથ અને પગ વગરનું જીવન એ કેવી રીતે જીવી શકાય? અને  દિવ્યાંગો પ્રત્યેના લોકોના વ્યવહાર-વલણથી મને સૌથી વધુ દર્દ થતું. મેં લોકોના એ અભિગમનો પણ સામનો કરવાનો નિર્ણય કર્યો.’

એ દિવસથી ઘરમાં પથારીમાં સૂઈ રહેવાના બદલે માલવિકાએ વધુ મજબૂત મક્કમ થઈ દિવ્યાંગોના પ્રશ્નો અને લોકોના દિવ્યાંગો પ્રત્યેના અભિગમ અંગે લડવાનો નિર્ણય કર્યો.

૨૦૧૩ની  સાલમાં માલવિકાએ ચેન્નાઈમાં દિવ્યાંગોના પ્રશ્નો અંગે પ્રથમ જાહેર પ્રવચન આપ્યું. એક અકસ્માત પછી પોતાની જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ અને આવી પડેલા પડકારોનો તેણે  કેવી રીતે સામનો કર્યો એ વાત લોકોને જણાવી. આ પ્રવચન બાદ એણે વિશ્વભરના દેશોને દિવ્યાંગો અંગેના કાયદા બદલવા અને સુવિધાઓ વધારવા અપીલ કરી. વિશ્વના દેશોના લોકોને દિવ્યાંગો પ્રત્યેના તેમના અભિગમને બદલવા પણ અપીલ કરી. માલવિકાએ કહ્યું : ‘દિવ્યાંગોને ચૂંટણીમાં પણ ઊભા રાખવા જોઈએ.  દિવ્યાંગો યુવતીઓના ફેશન શો પણ યોજાવા જોઈએ. ફેશન શોમાં દિવ્યાંગોને નજરમાં રાખી તેમના વસ્ત્રો તૈયાર કરવા જોઈએ. જેથી દિવ્યાંગો પણ એ બધી મોજ માણી શકે.’

માલવિકા કહે છે : ‘વિશ્વભરના દેશોને મેં કરેલી અપીલ બાદ હવે મને રોજ સેંકડો ઈ-મેલ દુનિયાભરમાંથી મળે છે. વિશ્વભરના દિવ્યાંગો કહે છે કે  ‘મારી સ્ટોરીમાં વાંચ્યા બાદ તેમણે નિરાશા ખંખેરી નાંખી છે અને નવેસરથી જીવન જીવવાનો તેમનામાં સંચાર થયો છે. મારી જીવન કથા જાણ્યા બાદ ઘણાં દિવ્યાંગ સ્ત્રી-પુરુષોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને તેમના જીવનમાં આવેલા પરિવર્તનનું હું નિમિત્ત બની તેનો મને આનંદ છે.’

નોંધપાત્ર વાત એ છે કે માલવિકા ભલે દિવ્યાંગ છે પરંતુ તે રૂપાળી છે અને તે ખુદ હવે ફેશનની દુનિયાની મોડેલ છે.  તે જ રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શરૂ કરવામાં આવેલી ચેન્નાઈ હબ ઓફ ગ્લોબલ શેપર્સ કોમ્યુનિટીની તે સભ્ય પણ છે. આ સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સંસ્થા છે. માર્ચ ૨૦૧૭માં માલવિકા આયરને સંયુક્ત રાષ્ટ્રસંઘે તેના ન્યૂયોર્ક ખાતેના હેડક્વાર્ટર પર પ્રવચન આપવા નિમંત્રણ આપવામાં આવ્યું. માલવિકા જેવી બોલવા ઊભી થઈ  ત્યારે આખીયે સભાએ ઊભા થઈ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. આંતરરાષ્ટ્રીય ડેલીગેટ્સ સમક્ષ માલવિકાએ પોતાની કહાણી સંભળાવી.

માલવિકા આયરને નારીશક્તિ પુરસ્કાર પણ એનાયત થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માલવિકા આયર સાથે તેના જીવન અને કાર્ય વિશે પૂછપરછ કરી તેને બિરદાવી. માલવિકાને ‘અદ્ભુત નારી’ તરીકે બિરદાવવામાં આવી.

માલવિકા આયરને અમેરિકા ઉપરાંત નોર્વે અને દક્ષિણ આફ્રિકામાં પણ પ્રેરણાત્મક પ્રવચનો  આપવા નિયંત્રણો મળ્યાં. એ કારણે વિશ્વભરના દિવ્યાંગોને અનેક તકલીફો છતાં સુંદર જીવન જીવવાની  પ્રેરણા મળી છે.

માલવિકા કહે છે : ‘આજે પણ ભારત જેવા દેશમાં દિવ્યાંગો પ્રત્યે કેટલાક  લોકો ભેદભાવ રાખે છે અને એ રીતે દિવ્યાંગો પોતાને સમાજથી સાવ અલગ છે તેવી ગ્રંથી-લાગણી અનુભવે છે આ દુઃખદ વાત છે. હું સરકારની સાથે રહીને, તેમની શૈક્ષણિક સંસ્થાઓની સાથે રહીને કામ કરવા માગું છું. જેથી દિવ્યાંગ યુવક-યુવતીઓ પ્રત્યેના સમાજના અભિગમને બદલી શકાય અને તેમના માટે શાળાના અભ્યાસક્રમોમાં ફેરફાર પણ કરી શકાય. દિવ્યાંગો પ્રત્યે દયાની ભાવના અને ભેદભાવ જેવો વલણ બદલવા જરૂરી છે.’

આવી છે માલવિકા આયરની જિંદગીની કથા.’

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!