Close

એક વિદ્યાર્થિનીએ મને કહ્યું ‘હું તમારી ઉમા થઈ શકું

કભી કભી | Comments Off on એક વિદ્યાર્થિનીએ મને કહ્યું ‘હું તમારી ઉમા થઈ શકું

સ્નેહરશ્મિ.

  ઝીણાભાઈ દેસાઈ વ્યવસાયે શિક્ષક, આચાર્ય, કાર્યકારી કુલપતિ અને કેળવણીકાર હતા પરંતુ હૃદયથી શ્રેષ્ઠ કવિ અને સંવેદનશીલ માનવી હતા. સી.એન. વિદ્યાવિહાર અમદાવાદના આચાર્ય તરીકે તરુણ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના હૃદયની સંવેદનાઓ જાણીને તેમના ઘડતરનું પણ શ્રેષ્ઠ કાર્ય કર્યું.

દીપ્તિ’

તેમના જ જીવન વૃતાંતમાં તેમણે લખેલા બે પ્રસંગ તેમના જ શબ્દોમાં : ”એક દિવસ આઠમી શ્રેણીમાં ભણતી એક વિદ્યાર્થિનીની માતાનો પત્ર મને મળ્યો. એમાં એની સામે કેટલીક ફરિયાદ લખી હતી, જેમ કે તે ખોટી જીદ કરે છે. બેદરકાર છે, માથામાં તેલ નથી નાખવા દેતી…. વગેરે. હું એ વિદ્યાર્થિની જે વર્ગમાં ભણતી હતી ત્યાં ગયો અને વિદ્યાર્થિનીને મેં ઓળખી. દીપ્તિ એનું નામ. લગભગ છેલ્લી પાટલી પર એ બેઠી હતી. એના અંગે હું તપાસ કરું છું એવો કશો ખ્યાલ એને ન આવે તે રીતે મેં એને અંગેની ઠીક ઠીક માહિતી વર્ગશિક્ષક પાસેથી મેળવી. બેએક દિવસમાં દીપ્તિને મેં મારી ઓફિસમાં મળવા બોલાવી. એની સાથેની વાતચીતમાંથી મને એના કુટુંબ વિશે સારો એવો ખ્યાલ આવ્યો. એ લોકો એ વખતે અમદાવાદમાં દેડકાની પોળમાં રહેતા હતા. પિતા કાપડના વેપારી હતા. માતા મુખ્ય વિષય સંગીત સાથે કર્વે યુનિવર્સિટીનાં સ્નાતિકા હતાં. એમનું પિયર અમદાવાદનું એક જાણીતું કુટુંબ. જસ્ટિસ ભગવતી અને હીરાલાલ ભગવતી એમના મોટા ભાઇઓ થાય. એમના બીજા ભાઇ શ્યામલાલ ભગવતી વિદ્યાપીઠના મારા સહકાર્યકર્તા. આમ, દીપ્તિના ઉછેરવામાં જે અનુકૂળ સંજોગોની સામાન્ય રીતે માતાપિતા અપેક્ષા રાખતાં હોય છે તે બધાં મહ્દંશે હતાં. દીપ્તિ તથા તેના વર્ગશિક્ષક સાથેની વાતચીતમાંથી મને લાગ્યું કે માની ફરિયાદમાં બહુ તથ્ય ન હતું એટલે એની માતાને મેં મળવા બોલાવ્યાં. મેં એમને કંઈ ઠપકાભરી રીતે કહ્યું કે દીપ્તિ મને બધી રીતે વિવેકી અને સમજુ છોકરી લાગી છે. શાળામાં એના વર્તનની કોઈ ફરિયાદ નથી. જો તમને એનાથી કોઈ અસંતોષ હોય તો એ અંગે તમારે ઘરમાં જ તપાસ કરવી જોઈએ. તે સ્મિત કરતાં બોલ્યાં કે મારે તો એને થોડીક ચમકાવવી હતી એટલે તમને લખ્યું.

દીપ્તિ સાથેનો પરિચય વધતાં મેં જોયું કે ઘણી તેજસ્વી વિદ્યાર્થિની હતી. સંગીત, રાસગરબાનો એને ઘણો શોખ હતો. અમારે ત્યાં શાળા છૂટયા પછી જે નૃત્યતાલીમનો વર્ગ ચાલતો હતો એમાં એ દાખલ થઈ. થોડાક વખતમાં એક કુશળ નૃત્યાંગના તરીકે શાળામાં એ ઘણી જાણીતી બની. વકતૃત્વમાં એ ઊલટભેર ભાગ લેતી થઈ એટલું જ નહીં પણ અમદાવાદમાં યોજાયેલ આંતરશાળા વક્તૃત્વ હરીફાઈમાં પ્રથમ સ્થાને આવ્યા બાદ રંગાબાદ, મહારાષ્ટ્રના પ્રમુખપદે યોજાયેલી આંતરરાજ્ય વક્તૃત્વ સ્પર્ધામાં પણ દીપ્તિએ પ્રથમ ઇનામ મેળવ્યું. દીપ્તિમાં નિસર્ગદત્ત કલાભિવ્યક્તિ હતી અને અમારા નૃત્ય શિક્ષકે તેલુગુ ભાષામાં ‘રા રા સીતા રમણી મનોહરા’ પંક્તિથી શરૂ થતા એક ગીત ઉપર, ભાવોને વિવિધ મુદ્રાઓ દ્વારા ગુજરાતીમાં સમજાવતું એક સરસ નૃત્ય તૈયાર કરાવ્યું હતું. એ નૃત્ય એટલું બધું તો પ્રશંસાને પાત્ર બન્યું કે જ્યારે કોઈ અતિથિ આવે ત્યારે અમારા પ્રાર્થનામંદિરમાં એનું અચૂક પુનરાવર્તન થતું. એસ.એસ.સી.ની પરીક્ષામાં એંસી ટકા માર્ક્સ સાથે એ મેરિટ સ્કોલરશિપ લઈ આવી.

શાળામાં એણે જે સિદ્ધિઓ મેળવી હતી તેમાં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એના દાખલ થયા પછી કૂદકે ને ભૂસકે વધારો થવા લાગ્યો. ફાધર ડિસોઝા એ વખતે કોલેજના પ્રિન્સિપાલ હતા. દીપ્તિના વક્તૃત્વથી તેઓ પ્રભાવિત થયા. એમણે એને અંગ્રેજી વક્તૃત્વ માટે ખાસ તાલીમ આપવા માંડી. ફાધર ડિસોઝાની આગવી વક્તૃત્વ છટા અને સૂઝનો પૂરેપૂરો લાભ દીપ્તિને મળ્યો. પરિણામે કોલેજના બધા જ વાર્ષિકોત્સવ તથા ટેલેન્ટ ઇવનિંગ જેવા કાર્યક્રમોનું સંચાલન અર્થાત્ કોમ્પિયરિંગ દીપ્તિને સોંપાતું.

દીપ્તિની આ બધી સિદ્ધિઓમાં હું એક પ્રસન્ન, પરિતૃપ્ત વડીલમિત્ર બની રહ્યો. લગ્નસંબંધથી જોડાઈ એમણે સાત વર્ષમાં ઉચ્ચાભ્યાસનાં શિખરો સર કર્યાં. દીપ્તિએ રોટરી ઇન્ટરનેશનલ સ્કોલરશિપ મેળવી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૧૯૮૦માં દીપ્તિ અને તેના પતિ અમિત સ્વદેશ પાછાં ફરી અમદાવાદમાં સ્થાયી થયાં. દીપ્તિને અમદાવાદની ભવન્સ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં અંગ્રેજીના ખંડ સમયના પ્રાધ્યાપિકા તરીકે કામ મળ્યું. માતાને જેની સામે ફરિયાદ હતી તેવી મારી વિદ્યાર્થિની શ્રેષ્ઠ સાબિત થઈ.”

હું તમારી ઉમા થઈ શકું ?’

સ્નેહરશ્મિ લખે છે : ”૧૯૬૩ના મેની ૬ઠ્ઠી તારીખે મારી પુત્રી ઉમાનું અવસાન થયું. એ વખતે ઉનાળાની રજાઓ હતી. રજાઓ પછી વિદ્યાવિહારનો નિયત કાર્યક્રમ શરૂ થયો. એ પછી મોટા વિરામમાં એક વિદ્યાર્થિની મને મળવા આવી. એનો મને થોડોક પરિચય હતો. એનું નામ જયશ્રી. આગલા વર્ષે એ સાતમી શ્રેણીમાં હતી ત્યારે એક વાર ચર્ચાસભામાં એને સાંભળતાં હું એના વકતૃત્વથી ઘણો પ્રભાવિત થયો હતો. એના મુખ ઉપર કંઇક ગભરાટની નિશાની જણાતી હતી એમ લાગતું હતું કે એને કાંઈક કહેવું છે પણ બોલી શકતી નથી. આંખમાં ઝળહળિયાં હતાં. વેદનામિશ્રિત થોડાક સંકોચ સાથે તૂટક શબ્દોમાં એને પૂછયું: ‘હું તમારી ઉમા થઈ શકું ?’એના આ પ્રશ્નથી હું લગભગ ભાંગી ગયો. ઉમાના અવસાનથી મને જે અનેક આશ્વાસનો મળેલાં તે સૌમાં આ મને ઘણું બધું સ્પર્શી ગયું. મેં એને કહ્યું: ‘હા, બેટા.’ અને તરત આંસુ સાથે તે મારે ગળે વીંટળાઇ વળી. થોડીક ક્ષણ બાદ કંઈક સ્વસ્થ થતાં એણે પૂછયું ‘ઉમાબહેનને શું ગમતું હતું તે જો મને કહો તો હું મારાથી થઈ શકે તેવું હોય તો તે કરું.’ મેં કહ્યું, ‘ઉમાને સુઘડતા, ચોકસાઇ ને નિયમિતતાનો ઘણો આગ્રહ હતો. તે કોઈક વખત મારી ઓફિસમાં આવતી ત્યારે મારા ટેબલને વ્યવસ્થિત કરી જતી, એ પ્રમાણે ટેબલનાં ખાનાંઓની પણ એ કાળજી રાખતી. એ સાંભળતાં જયશ્રીના મુખ ઉપર ઉત્સાહની આછી લહર ફરકી ગઈ. એ બોલી, ‘હું રોજ શાળા છૂટયા બાદ ઘેર જતાં પહેલાં તમારા ટેબલને વ્યવસ્થિત કરવા આવી શકું ? અને મારી હા-નાની રાહ જોયા વિના તરત જ એણે મારા ટેબલને વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું અને જોતજોતામાં એ બોલી, ‘જુઓ પાંચ મિનિટ પણ મને લાગી નથી એટલે રોજ સાંજે ઘેર જતાં પહેલાં મારે વધારે રોકાવાનું થશે નહીં.’ આમ જોતજોતામાં મારી તરફ એ આત્મીય બની. જયશ્રી ભણવામાં તો આગળ પડતી હતી જ પરંતુ વક્તૃત્વમાં, શિસ્તમાં અને બીજી અનેક પ્રવૃત્તિઓમાં એનું સ્થાન આગળ પડતું હતું. જોતજોતામાં શિક્ષકગણમાં પણ ખૂબ પ્રીતિપાત્ર બની એટલું જ નહીં એ વખતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા પણ એના વક્તૃત્વથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે મારે જ્યારે એમને મળવાનું થતું ત્યારે અચૂક એ જયશ્રીની ખબર પૂછતાં.

ઉમાનું સ્થાન જાણે કે જયશ્રીએ બને તેટલું પૂરી મારો ખાલીપો દૂર કરવા ઘણુ બધું કર્યું. અમારી મહામંત્રી પણ એ બની અને તે પદ પણ એણે ગૌરવથી શોભાવ્યું. એે વખતે શ્રીમન્નનારાયણ રાજ્યપાલ તરીકે હતા. એ પણ જયશ્રીથી ઘણા પ્રસન્ન હતા અને એમને મારે મળવાનું થતાં એ જયશ્રીના ખબર ઉમળકાથી પૂછતા.

એસ.એસ.સી.માં યશસ્વી રીતે ઉત્તીર્ણ થયા પછી જયશ્રી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થઈ. એ વખતે તેને એક મહત્ત્વની સ્કોલરશિર મળી. દુનિયાના સાઠ દેશોમાંથી લગભગ બે હજાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને એક વર્ષ માટે અમેરિકન કુટુંબોમાં રહી શાળામાં અભ્યાસ કરવાને માટે પસંદ કરવામાં આવ્યા હતા. જયશ્રીએમાં પસંદગી પામી અને વિનવિન્ટન શહેરમાં એબર્નથી કુટુંબમાં દીકરી તરીકે રહી ત્યાંની બારમી શ્રેણીમાં દાખલ થઈ. ત્યાં એની કારકિર્દી ઉજ્જવળ હતી. અમેરિકન કુટુંબમાં તે બહુ સારી રીતે ભળી ગઈ. શાળામાં અધ્યાપકોની પણ અત્યંત પ્રીતિપાત્ર બની. અમેરિકામાં એક વર્ષ અભ્યાસ કરી જયશ્રી અમદાવાદ આવી અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થઈ.  ૧૯૭૩માં પ્રથમ શ્રેણીમાં પ્રથમ નંબરે જયશ્રી એમએસસી થઈ અને સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૭૪માં તે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પ્રોફેસર તરીકે જોડાઈ. એમાં યશસ્વી રીતે કામગીરી બજાવતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાકીય ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરવા માંડયું. ૧૯૮૪માં તે ઇંગ્લેન્ડ તેમજ ઓસ્ટ્રેલિયા ગઈ અને ૧૯૮૬માં વિજ્ઞાન અને ટેક્નોલોજી એજ્યુકેશનના વિષયમાં જર્મનીમાં મળેલી કોન્ફરન્સમાં ચેર પરસન તરીકે જવાબદારી સંભાળી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એે ખૂબ જાણીતી થઈ. જયશ્રીના લગ્ન વખતે મંગલાષ્ટક મેં લખ્યું. શ્રીમન્નનારાયણને આશીર્વાદ આપવા મેં નિમંત્ર્યા ને તેમણે આનંદથી તેનો સ્વીકાર કર્યો. એટલું જ નહીં પણ ઠીક ઠીક સમય તે સમારંભમાં બેઠા. વિદાય વખતે જયશ્રી મારા ખોળામાં માથું મૂકી આંસું સારવા લાગી ત્યારે હું પણ આંખમાં આવતાં આસું ખાળી શક્યો નહીં. સાચે જ ઉમાનું સ્થાન એણે ખૂૂબ ઉષ્માને કાળજીથી સંભાળ્યું હતું. લગ્ન પછી અજિત મારી સાથે પૂરી આત્મીયતાથી ભળી ગયો અને એ બંને જણાં કોઈ કોઈ વખત સાથે મને મળવા આવતાં.”

આવો હતો સ્નેહરશ્મિનો તેમનાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓ પ્રત્યેનો સ્નેહ અને વિદ્યાર્થીઓનો તેમના પ્રત્યેનો પ્રેમ. ઝીણાભાઈ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ એ આ પ્રસંગોનું કરેલું વર્ણન પ્રસાદ બ્રહ્મભટ્ટ દ્વારા કરાયેલા સંક્ષિપ્તકરણ ‘સ્નેહસૃષ્ટિ’માં જોવા મળે છે.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!