Close

એક સ્ત્રી સ્મશાનમાં મૃતદેહની અંતિમવિધિ કેમ ના કરાવી શકે?

કભી કભી | Comments Off on એક સ્ત્રી સ્મશાનમાં મૃતદેહની અંતિમવિધિ કેમ ના કરાવી શકે?

ઉત્તરપ્રદેશના ગંગા ઘાટ પર  ૭૦ વર્ષ સુધી સ્મશાનમાં  મૃતદેહોની અંતિમવિધિ કરાવનાર ગુલાબબાઈના જીવનની આ અસાધારણ કથા છે. તેમનું આખું નામ ગુલાબબાઈ અમૃતલાલ ત્રિપાઠી.

૧૯૧૪ કે ૧૯૧૫માં જન્મેલા ગુલાબબાઈની આ સંવેદનશીલ કથા છે. એટલા જૂના સમયગાળામાં અલ્હાબાદ જેવા (પ્રયાગ) ધાર્મિક પરંપરાવાળા શહેરમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટેની વિધિની શરૂઆત કરીને ‘સ્ત્રીએ સ્મશાનમાં અંતિમવિધિ કેમ ના કરવી?’ એવો પ્રશ્ન તેમણે એ વખતના ધર્મવડાઓને કર્યો  હતો. તેઓ ‘સ્મશાનસખી’ તરીકે પણ જાણીતાં છે.

ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદનું ‘ફાફામઉ ચકિયા’ નામનું એક નાનકડું ગામ.

યમુનાને આઠમી સુવાવડમાં ‘પુત્ર થશે કે પુત્રી’એ ચિંતા હતી જ. આ પહેલાં છ પુત્રો અને ત્યાર પછીની સાતમી પુત્રી, છતાં તે ગર્ભવતી હતા. કારણ એક જ- પતિની ઇચ્છા. યમુનાથી આ વેઠી શકાશે કે નહીં એ પ્રશ્ન પતિની ઇચ્છા આગળ ગૌણ હતી. એ વખતના રૂઢિવાદી સમાજમાં જેટલા વધુ દીકરા એટલી ઘરની પ્રતિષ્ઠા વધુ એવી માન્યતા હતી.  પુત્રી થાય તો તેને મારી નાખવામાં આવતી.

સાતમી પુત્રી થઈ ત્યારે પુત્રી જીવશે કે કેમ એ ચિંતાથી તે ખૂબ વલખ્યાં હતા. અંધારી રૂમમાં સુયાણી આવી. યમુનાએ તેનો હાથ પકડીને ‘મારી  કૂખે દીકરી આવે તો મારીશ નહીં’ કહીને વિનવી હતી. આખરે એક પ્રચંડ શૂળ આવી અને છુટકારો અનુભવ્યો. પુત્રીને જોતાં યમુનાએ પોક મૂકી. સુયાણી માટલું લેવા ઊભી થઈ. અને યમુનાનાં પતિને દીકરી જન્મ્યાનાં સમાચાર આપ્યા. યમુનાની કાકલૂદી પતિએ સ્વીકારી દીકરી જીવાડવાની પરવાનગી આપી.

ગામમાં પાડોશનાં ઘરમાં બનેલી આ ઘટનાની સાક્ષી હતી એક બાળકી, નામ ગુલાબ. દીકરી જન્મે કે તરત જ ક્રૂરતાપૂર્વક મારી નાંખવાની પ્રથાવાળા ગામમાં ગુલાબનો જન્મ થયો. તે મોટી થઈ ત્યારે તેના વયની છોકરીઓ માથે એકાદ ઘડો પાણી માંડ માંડ લાવે, ત્યારે ગુલાબ એક ઉપર એક ચાર-પાંચ ગાગર પાણી લાવતી. છોકરા કરતા ક્યાંય ઊણી નથી એ જ સાબિત કરવાની પરાકાષ્ઠા.

સાત વર્ષની વયે લગ્ન થયા. દસમાં વર્ષે વાજતે-ગાજતે સાસરિયે વળાવવામાં આવી.

પિતાની લાડકી ગુલાબે સાતથી દસ વર્ષની સમજણી વચ્ચે મોટા ભાગનો સમય પિતા સાથે ગાળતી. પિતાનો વ્યવસાય હતો સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવાનો. અંતિમવિધિ કરાવનારને મહાપાત્ર કહેવામાં આવતા. પિતા સાથે  અંતિમવિધિ તન્મય બનીને જોતી. ઘરે આવ્યા પછી વિધિ દરમિયાન બોલાતા શાસ્ત્રોક્ત મંત્રો શીખી મોંઢે કરી લીધા. પિતા સાથે સ્મશાને આવતી દીકરીનો તે સમયે કોઈએ વિરોધ કર્યો નહીં. વિધિ કરાવનારાઓના  ઘાટ નક્કી થયેલા હતા. દારાગંજ મુકામે પિતા અંતિમવિધિ કરાવતા. બાળકી ગુલાબ કલાકો સુધી સ્મશાન પર રહેતી.

પિયરથી ખાલી હાથે આવનાર ગરીબ ઘરની દીકરી સાસુની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. ધણી  કાંઈ કમાતો નહતો. ઘરમાં નણંદો, જેઠ કોઈ પણ પ્રેમથી વર્તતા ન હતા. દારિદ્રયવાળા ઘરમાં ગુલાબનો ઉમેરો થયો હતો. પણ ગુલાબ ચુપચાપ આ બધું સહન કરતી. કેવળ ઓરડીનું બારણું બંધ કરીને ભરપૂર કસરત કરતી. પોતાના મનમાં રોષ, સંતાપને દંડ બેઠક કરીને માર્ગ  કરી આપતી. આમ છતાં અંતે તેનું શરીર એક સ્ત્રીનું જ હતું. લગ્નના  માંડ માંડ દસ વર્ષ પૂરા થયા અને તેણે એક બાળકને જન્મ આપ્યો. થોડા જ દિવસમાં પિતાનું મૃત્યુ થયું. તેને કલ્પનાય ન હતી કે પિતાના મૃત શરીરને અગ્નિ આપવાનું કામ પોતે જ કરવાનું છે ! પિતાના મૃતદેહને અગ્નિ આપ્યો. અગ્નિ આપતી વખતે લગ્ન બાદ તેણે આચરણમાં મૂકેલું સ્ત્રીપણું ખરી પડયા જેમ તેને લાગ્યું. તેનો હાથ સહેજ પણ ધ્રુજ્યો નહીં.

મૃતદેહોની અંતિમવિધિ કરાવવાનું કામ કરતા પિતા’મહાપાત્ર’ તરીકે જીવ્યા અને  મહાપાત્ર તરીકે નિધન  પામ્યા. તેમના નિધન બાદ ઉદર નિર્વાહનું કોઈ સાધન નહતું. પિતાની પાછળ તેમનો આજીવિકા રળવાનો વ્યવસાય, પેઢી દર પેઢીનો ધંધો પોતાની પાસે આવે તેમાં ખોટું શું? પિતાનાં ઘાટ પર તેમનું કામ આગળ ચલાવવામાં આપણને કોણ અટકાવશે? મનોમન નિર્ધાર થયો હતો.

પિતાના મૃત્યુબાદ વિધિ આટોપીને ગુલાબ સાસરે પાછી ફરી. પણ મનોમન થયેલા નિર્ધારને કારણે તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. થોડા સમયમાં પિયરિયાંઓની થઈ રહેલ દુર્દશાનાં સમાચાર મળવા લાગ્યા. પિતાના મૃત્યુ બાદ કોઈ કમાનારું  નહતું. તેને સમજાતું હતું કે પોતાના ભાંગી પડેલ પિયરને ઊભું કરવા સ્મશાનવિધિ કરાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. પોતાના સસરા સમક્ષ વિચાર  વ્યક્ત કર્યો.

રૂઢિ અનુસાર સ્ત્રીઓને સ્મશાન પ્રવેશ અસ્વીકાર્ય છે. તે ફગાવી વહુ સ્મશાનવિધિ કરાવશે? આ પ્રકારનું કામ કરવું એ સ્ત્રીનો પિંડ નથી. અનેક પુરુષો સાથે ઘાટ પર વહુ આ કામ કરશે એ વિચારે સસરા મૌન  થયા. તેમને વિચાર્યું કે દારાગંજ ઘાટ પરનાં વહુને ત્યાં કોણ પગ મૂકવા દેશે? કોણ પડખે ઊભું રહેશે?

સસરાના આ પ્રશ્નોનો જવાબ ગુલાબ પાસે હતો. ઘરનાં ખૂણામાં પડેલ લાકડી  ઉઠાવી અને કહ્યું : ‘ આ જ મારું રક્ષણ કરશે. મારી ચિંતા કરશો નહીં. મને પરવાનગી આપો. આશીર્વાદ આપો.’

બીજા દિવસે નાનકડા બાળકનું આટોપીને માતાજીની પ્રાર્થના કરીને અગિયાર વર્ષની ગુલાબ લાકડી અને લોટો લઈને  સીધી દારાગંજ ઘાટ પર પહોંચી. આ વાતની ખબર પડતાં કેટલાંક લોકો ભેગા થયા. શાપવાણી ઉચ્ચારવાનું ચાલુ કર્યું : ‘તારું નખ્ખોદ જશે, તું નરકમાં જઈશ. યમરાજાનો તારી પર કોપ ઊતરશે’ પણ ગુલાબ લગીરેય વિચલિત થયા વગર ત્યાં જ ઊભી રહી. એટલામાં એક મૃતદેહ લઈ ડાઘુઓ આવ્યા. તેમને અંતિમ સંસ્કાર પતાવી તાત્કાલિક નીકળવું હતું. ગુલાબે વિધિ શરૂ કરી. પરંતુ ચિતા રચતી વખતે  મસ્તક કઈ દિશામાં હોવું જોઈએ? પણ કઈ દિશામાં હોવા જોઈએ? કાંઈ જ યાદ આવતું ન હતું. પિતાને યાદ કર્યા અને ચિતા રચી. ચિતામાં મૃતદેહનો મસ્તક મૂકવાની દિશા ચુકાઈ હતી. ઘાટ પર ઈજારો ધરાવનારા પુરુષોને  નિમિત્ત મળ્યું. ‘હર હર ! અરે રે! ધર્મ ડુબાડયો આણે !’ ગુલાબને બેફામપણે ભાંડતા રહ્યા. ચિતા સરખી રચાઈ ન હતી. મૃતદેહ અડધો બળ્યો અને ચિતા તૂટી પડી. અડધો બળેલો મૃતદેહ ચિતા બહાર આવ્યો. સળગતા લાકડાં વ્યવસ્થિત કરી ફરીથી મૃતદેહને ચિતામાં મૂક્યો. ગુલાબનો હાથ કોણી સુધી દાઝયાંં. ત્યાં કોઈપણ ગુલાબની દયા ખાનારું ન હતું. એ બધાને  મોઢે એક  જ શાપવાણી હતી. ‘ભોગવ તું! પોતાનાં કર્મોનાં ફળ તત્કાળ ભોગવ.’

ઘર અને બહાર પણ  વિરોધ, સ્મશાન પર અડ્ડો જમાવીને બેઠેલા લોકો સાથે ઝઝૂમતા આખરે ગુલાબ ‘મહાપાત્ર’ તરીકે સ્વીકૃતિ પામ્યા.ગુલાબબાઈએ  કેટલાંકની  ગુંડાગીરી બાદ અલ્હાબાદનાં રસુલાબાદ ઘાટને અંતિમવિધિ  માટે પસંદ કરી ત્યાં કામની શરૂઆત કરી. એક દિવસમાં મૃતદેહોને અગ્નિ આપવાનાં તેની સંખ્યાનો વિક્રમી આંક છે. એક દિવસમાં એકસો પંચોતેર ! દિવસભરનાં કામ, આંટાફેરાથી થાકેલા અમ્મા ચિતા રચાય ત્યાં સુધી શબને ટેકવીને જ બેસે છે.

પણ સ્મશાનઘાટ પરનું કામ પતાવીને વિશ્રાંતિસ્થાન પર પાછા વળતી વખતે તેઓ માત્ર થાકેલા ‘અમ્મા’ હોય છે. અમ્મા કહે છે : ‘મુઝે બસ રાખસે પ્રેમ હૈ. ધનવાલાભી રાખ બનતા હૈ તો ધનસે ક્યા પ્રેમ કરના. મુઝે મુર્દેસે પ્રેમ હૈ. મુર્દો કા કોઈ સાથ નહી કરતા. દુનિયા ઉસે છોડ દેતી હૈ, મગર હમ ઉસકે સાથ અંત તક રહેતે હૈ.’

ધન નકારનારી. ઉપનિષ કાળની મૈત્રેયી, ઋષિઓને પ્રશ્ન પૂછીને મૂંઝવનાર ગાર્ગી અને આજના ગુલાબબહેન વચ્ચે ક્યો ફરક છે ? ભૂખ્યા પેટે દિવસો વિતાવનારી, અત્યંત જહેમતપૂર્વક સંતાનોને  ઉછેરનારી ગુલાબબહેન ગંગા તટે ખોદકામ માટે લાખો ખર્ચ કરે છે પણ તેમની સાડી તે જ  ઊડી ગયેલા રંગની, ડગમગતી ખાટલી, ભર બપોરે તડકામાં તાપથી રક્ષણ કરનાર એક પંચિયું.

જન્મતાં જ બાળકીઓને મારી નાખનાર પરિવારો  જોનાર ગુલાબબહેનની કથા પૌરાણિક ગાર્ગીની યાદ અપાવે છે, પત્રકારત્વનાં વિર્દ્યાર્થિની કુસુમ ચૌહાણ દ્વારા અનુવાદિત આ પ્રેરણાદાયી કથા ‘ગાર્ગી હજીય જીવે છે’ એ નામના  ં ‘ગંગાબા પરિવાર પ્રકાશન’ દ્વારા પ્રગટ થયેલ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે. આ પુસ્તકના મૂળ લેખિકા મંગલા આઠલેકર છે.

‘સ્ત્રીએ સ્મશાનઘાટ પર મૃતદેહની અંતિમવિધિ કેમ ના કરાવવી ?’ એ પ્રશ્નનો આજે પણ કોઈ સંતોષજનક જવાબ આપી શક્યું નથી. આવા ગુલાબબાઈ આજે આ દુનિયામાં નથી. ખબર નથી તેમની અંતિમવિધિ કોણે કરી ?

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!