Close

એક સ્મિતે અરુણ ગોવિલને રામનો રોલ અપાવી દીધો

કભી કભી | Comments Off on એક સ્મિતે અરુણ ગોવિલને રામનો રોલ અપાવી દીધો

કોરોના વાઇરસની બીમારીથી ત્રસ્ત, ભયભીત અને ઘરમાં પૂરાયેલા ભારતીયો માટે ભગવાન શ્રીરામ જ છેવટે શ્રદ્ધાનું પ્રતીક છે. કેન્દ્ર સરકારે બહુ જ સમયસર રામાનંદ સાગરની ટી.વી. સિરિયલ ‘રામાયણ’ ફરી એક વાર દૂરદર્શન પર પ્રસારિત કરીને દુઃખ, હતાશા અને સંતાપમાં ઘેરાયેલા લોકો પર ભગવાન પ્રત્યે આસ્થા પેદા થાય તેવું પગલું ભરીને પ્રશંસનીય કાર્ય કર્યું. આ શ્રેણી આજે પૂરી થઈ અને તેના છેલ્લા એપિસોડે દેશના કરોડોના દર્શકોને ભીંજવી દઈને રડાવી દીધા. એટલું જ નહીં પણ ‘રામાયણ’ શ્રેણીએ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

આ શ્રેણીનો રસપ્રદ ફ્લેશબેક અત્રે પ્રસ્તુત છે. ‘રામાયણ’ સિરિયલ ૧૯૮૭-૧૯૮૮ દરમિયાન  દૂરદર્શનની નેશનલ ચેનલ પર પ્રસારિત થઈ હતી. આ શ્રેણીને એ વખતે ૮૨ ટકા દર્શકો મળ્યા હતા અને આ શ્રેણી પ્રસારિત થતી હતી ત્યારે રસ્તાઓ પર કરફ્યૂ જેવી પરિસ્થિતિ પેદા થઈ જતી હતી. કહેવાય છે કે, દર એપિસોડે દૂરદર્શનને એ જમાનામાં રૂ. ૪૦ લાખની કમાણી થઈ હતી.

આજથી ૩૨ વર્ષ પહેલાં રામાનંદ સાગરે આ સિરિયલ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણાં બધાં લોકોએ તેમને નિરુત્સાહ કર્યા હતા. કારણ કે એ જમાનામાં ટી.વી. એ નફાકારક માધ્યમ ગણાતું નહોતું. વાત એમ હતી કે, એ વખતે એટલે કે સપ્ટેમ્બર, ૧૯૮૫માં માહિતી અને પ્રસારણ ખાતાના સચિવ એસ. એસ. લાલે એ વખતે ફિલ્મ નિર્માતા રામાનંદ સાગરનો સંપર્ક સાધ્યો હતો. એમણે રામાનંદ સાગરને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ટી.વી. માટે ‘રામાયણ’ એક આદર્શ વિષય રહેશે જે લોકોને નૈતિક અને સામાજિક મૂલ્યોનું શિક્ષણ આપી શકે છે. આજના સમયમાં આ આધ્યાત્મિક સંદેશો લોકો સુધી જાય તે જરૂરી છે. આ હેતુથી અને રામાયણ પર ટી.વી. શ્રેણી બનાવો.

કહેવાય છે કે, એસ. એસ. લાલે આવો જ એક પત્ર ફિલ્મ નિર્માતા બી. આર. ચોપરાને પણ લખ્યો હતો અને ‘મહાભારત’ પર સિરિયલ બનાવવા સૂચન કર્યું હતું. પરિણામ એ આવ્યું કે રામાનંદ સાગર અને બી. આર. ચોપરા- એ બંનેએ આ સૂચન સ્વીકાર્યું અને ટી.વી.ને બે શ્રેષ્ઠ સિરિયલો પ્રાપ્ત થઈ.

‘રામાયણ’ સિરિયલ મૂળ તો બાવન એપિસોડમાં બનાવવાની યોજના હતી અને દરેક એપિસોડ ૪૫ મિનિટનો હોય, પરંતુ શ્રેણી શરૂ થયા બાદ દર્શકોની માગ વધતાં તે શ્રેણી ૭૮ એપિસોડની બની.

નોંધપાત્ર વાત એ છે કે, ‘રામાયણ’ બધા મળીને કુલ પંચાવન દેશોમાં પ્રસારિત થઈ હતી અને આ શ્રેણીને ૬૫૦ મિલિયન દર્શકોએ નિહાળી હતી. આ શ્રેણીનું શૂટિંગ કુલ ૫૫૦ દિવસો સુધી ચાલ્યું હતું. ‘રામાયણ’ સિરિયલના પ્રત્યેક એપિસોડનું બજેટ રૂ.  ૯ લાખ હતું. આ શ્રેણીને વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી માયથોલોજિકલ શ્રેણી તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.આજથી ત્રણ દાયકા પહેલાં બનેલી ટી.વી. શ્રેણી ‘રામાયણ’માં મુખ્ય પાત્ર ભજવનાર અરુણ ગોવિલ અને સીતાનો રોલ ભજવનાર દીપિકા ચિખલિયા આજે બીજા કોઈ પણ સાંપ્રત કલાકાર કરતા વધુ લોકચાહના પામી રહ્યા છે.  નોંધપાત્ર વાત એ છે કે, આજથી ૩૨ વર્ષ પહેલાં રામાનંદ સાગરે ‘રામાયણ’ ટી.વી. શ્રેણી બનાવવા નિર્ણય કર્યો ત્યારે સૌથી મુશ્કેલ સવાલ રામનો રોલ કોને આપવો તે હતો. આ રોલ મળતાં પહેલાં અરુણ ગોવિલને રામના રોલ માટે નાપસંદ કરવામાં આવ્યા હતા. અરુણ ગોવિલ કહે છે : ”મને જ્યારે ખબર પડી કે રામાનંદ સાગર ‘રામાયણ’ સિરિયલ બનાવવા માગે છે ત્યારે મને રામનો રોલ કરવાની ઇચ્છા થઈ હતી. હું ઓડિશન માટે ગયો. મને ખબર ના પડી કે શું થયું ? મારો સ્ક્રીન ટેસ્ટ લેવાયો. મારો રામ તરીકેનો મેકઅપ પણ કરાયો હતો, પરંતુ એ લોકોને લાગ્યું કે હું ભગવાન રામ જેવો લાગતો નથી…તે પછી મને કોઈકે સલાહ આપી કે મારે મારા ચહેરા પર સ્મિત સાથે સ્ક્રીન ટેસ્ટ આપવો જોઈએ. મેં ફરી મારા ચહેરા પર સ્મિત સાથે સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને ભગવાન શ્રીરામના રોલ માટે મારી પસંદગી થઈ ગઈ.”

વાત સાચી જ છે. ભારત વર્ષના લોકોના મનમાં ભગવાન શ્રીરામની જે કલ્પના છે તે રામના રોલમાં અરુણ ગોવિલનું રામ તરીકે સ્મિત લોકોની કલ્પનાને સાકાર કરે છે.

પછી તો બન્યું એવું કે, એક વાર ‘રામાયણ’ સિરિયલ પ્રસારિત થઈ પછી તેનું પ્રસારણ વિશ્વના ૫૫ દેશોમાં પણ થયું. જેને કુલ ૬૫૦ મિલિયન દર્શકો મળ્યા. હવે તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી આ શ્રેણી ફરી પ્રસારિત થઈ ત્યારે તેના દર્શકોની સંખ્યા છેલ્લે ૭.૭ કરોડ સુધી પહોંચી ગઈ. વિશ્વમાં આટલી દર્શક સંખ્યા બીજી કોઈ શ્રેણીને મળી નથી.

આજથી ત્રણ દાયકા પહેલાં આ શ્રેણી પ્રસારિત થઈ ત્યારે અરુણ ગોવિલ જ્યાં પણ જાય ત્યાં લોકો તેમને ભગવાન રામ સમજીને પ્રણામ કરતા. અરુણ ગોવિલ કહે છે : ”હું એરપોર્ટ પર હોઉં ત્યારે લોકો મને જોઈને ચરણ સ્પર્શ કરતા.”

લોકોની આ ભાવનાના કારણે  અરુણ ગોવિલે ધૂમ્રપાન છોડી દેવું પડયું  હતું. અરુણ ગોવિલનો જન્મ ઉત્તર પ્રદેશના મિરતમાં થયેલો છે. તેઓ ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી, મિરતમાં ઇજનેરીના વિષયમાં ભણેલા છે. તરુણાવસ્થા તેમણે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વીતાવેલી છે. માત્ર ૧૭ વર્ષની વયે તેઓ તેમના ભાઈના ધંધામાં જોડાવા માટે મુંબઈ આવ્યા. એમાં એમને મજા ના આવી. કોલેજમાં નાટકોમાં કામ કર્યું હતું. તેમણે અભિનયના ક્ષેત્રમાં પ્રવેશવા વિચાર્યું. તેમનાં ભાભી તબસ્સુમે તેમનો પરિચય તારાચંદ બરજાત્યા સાથે કરાવ્યો. તારાચંદ બરજાત્યાએ તેમને ત્રણ ફિલ્મો માટે સાઈન કરી લીધા. જેમાં (૧) સાવન કો આને દો (૧૯૭૯) (૨) રાધા ર સીતા (૧૯૭૯) અને (૩) સાચ કો આંચ નહીં (૧૯૭૯)નો સમાવેશ થાય છે. તે પછી રામાનંદ સાગરે તેમને ‘વિક્રમ ર વૈતાલ’ ટી.વી. શ્રેણીમાં વિક્રમાદિત્યનો રોલ આપ્યો અને છેવટે તેઓ ‘રામાયણ’ સિરિયલમાં રામ બન્યા. તેમના મોટા ભાઈ વિજય ગોવિલ તબસ્સુમને પરણેલા છે. જ્યારે અરુણ ગોવિલ અભિનેત્રી શ્રીલેખાને પરણેલા છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. આ શ્રેણીની નોંધપાત્ર વાત એ છે કે, ‘રામાયણ’ સિરિયલ હિંદીમાં જોવા છતાં દક્ષિણનાં રાજ્યો જેવાં કે કર્ણાટક, કેરાલા અને તમિલનાડુના લોકોએ ‘રામાયણ’ને ભાવપૂર્વક નિહાળી. આ શ્રેણી છ મહિના અગાઉ પ્રસારિત કરાઈ હોત તો દેશના કેટલાંક રાજકારણીઓ તેને અયોધ્યાના મામલે જોડી દઈ તેની પર રાજનીતિનું લેબલ લગાડી દેત, પરંતુ દેશ આખો કોરોનાથી ભયભીત છે, ઘરમાં લોકડાઉનની સ્થિતિમાં છે ત્યારે ‘રામાયણ’ શ્રેણી લોકો માટે મોટી આસ્થા, પ્રાર્થના અને હૃદયને શાતા આપી ભગવાનમાં શ્રદ્ધા સ્થાપિત કરનારી સાબિત થઈ છે. આ શ્રેણી યોગ્ય સમયે યોગ્ય હેતુથી યોગ્ય રીતે જ પ્રસારિત થઈ રહી છે. કહેવાય છે કે આ શ્રેણી પહેલી વાર પ્રદર્શિત થઈ ત્યારે કોઈ વિસ્તારમાં વીજળી ગુલ થઈ જાય અને ટી.વી. બંધ થઈ જાય તો લોકો વીજળી બોર્ડની કચેરીઓને આગ લગાડી દેવાની ચેતવણી આપતા હતા. આ શ્રેણીના પ્રસારણ વખતે શહેરો અને ગામડાંઓમાં કરફ્યૂ થઈ જતો. દુકાનો બંધ રહેતી. ‘રામાયણ’ આવે તે પહેલાં લોકો સ્નાન કરી લેતા અને કેટલાક તો ટી.વી. સેટને ફૂલની માળા પહેરાવતા હતા. એ વખતે બધાંના ઘરે ટી.વી. ના હોય તો કોઈ એક ઘરે અનેક માણસો ભેગા થઈ ‘રામાયણ’ નિહાળતા. અરે, દિલ્હીમાં સરકારની કેબીનેટ મિટિંગ પણ એ સિરિયલના સમયે યોજાઈ શકતી નહીં.

ભારતીય સમાજમાં ભગવાન શ્રીરામની લોકપ્રિયતાનું આ પ્રમાણ છે.

ભગવાન શ્રીરામ સૌના છે. સૌનું હિત તેમના હૃદયમાં વસેલું છે. ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે. ‘મહાભારત’ માનવીની બુદ્ધિને સ્પર્શે છે, જ્યારે ‘રામાયણ’ માનવીના હૃદયને. આ બંને મહાન ગ્રંથો વિશ્વની એક ધરોહર છે અને એકબીજાના પૂરક છે. ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ એ બંને ભગવાન વિષ્ણુના અવતાર છે. ત્રેતા યુગમાં પહેલાં શ્રીરામ જન્મ્યા. તે પછી બીજા દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ. મર્હિષ વાલ્મિકી અને ભગવાન વેદવ્યાસે રચેલા અનુક્રમે રામાયણ અને મહાભારતના આ મહાકાવ્યો વિશ્વને  અદ્વિતીય અને અનુપમ આધ્યાત્મિક ભેટ છે.

ભગવાન શ્રીરામ સૌનું કલ્યાણ કરે.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!