Close

એને બચપણથી જ ચાંદ અને તારાઓની દુનિયા ગમતી હતી

કભી કભી | Comments Off on એને બચપણથી જ ચાંદ અને તારાઓની દુનિયા ગમતી હતી

એમનું નામ છે રિતુ કરિધાલ.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મોટી થયેલી રિતુને નાનપણથી જ ચંદ્ર, તારાની સાથે પ્રેમ થઇ ગયો હતો. આ તેના સ્કૂલના દિવસોની વાત છે. રાતના ઘરના ધાબા ઉપર જઈને કલાકો સુધી તારામંડળને જોયા કરતી હતી. તેના નાનકડા મગજમાં બહુ બધા સવાલો હતા, પરંતુ પરિવાર તરફથી તેને સંતોષકારક જવાબ મળતા નહોતા. આથી તેણે પુસ્તકોમાંથી જવાબ શોધવાનું શરૂ કર્યું. તેને ઝડપથી જ એક વાત સમજમાં આવી ગઇ કે ચાંદ તારાની રહસ્યમય દુનિયાને જાણવા માટે અંતરીક્ષ વિજ્ઞાનનું ભણતર મેળવવું જોઇએ.

તેના પપ્પા રક્ષા સેવામાં હતા. ચાર ભાઇ-બહેનના આ પરિવારમાં છોકરીઓને ભણતર માટે પૂરી આઝાદી હતી. આ મધ્યમવર્ગીય પરિવારમાં ફાલતુ ખર્ચાની કોઇ જગ્યા નહોતી. રિતુ કહે છે કે, અમે બે ભાઇ અને બે બહેનો હતા. અમને સારી સ્કૂલમાં ભણાવવામાં આવ્યા, પરંતુ ટયૂશન અને કોચિંગ ક્લાસની સુવિધા ક્યારેય ના મળી. સ્કૂલ પત્યા પછી અમે ઘરેથી જ અમારું ભણતર કર્યું. દસમું ધોરણ પાસ કર્યા પછી નક્કી કરી લીધું કે મારે અંતરીક્ષ વિજ્ઞાન વિશે જ ભણવું છે. બારમા ધોરણમાં સારા માર્ક્સ લાવવા માટે દિવસ-રાત મહેનત કરી. અમારી માતાએ ક્યારેય પણ અમને ઘરનું કામ કરવા માટે કોઇ પણ જાતનું દબાણ ના કર્યું. તેમનું એક જ સ્વપ્ન હતું. દીકરીઓ ભણી-ગણીને હોશિયાર બને. રિતુ કહે છે કે, માતા આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી. હું મોડી રાત સુધી ભણ્યા કરતી. જ્યાં સુધી હું ભણતી, મારી માતા પણ મારી સાથે જ જાગતી રહેતી હતી. થાકી ગઇ હોવા છતાં પણ તેમણે ક્યારેય મને ઘરના કામમાં મદદ કરવા નથી કહ્યું. તેઓ ઇચ્છતી કે તેમની દીકરીઓ ખૂબ ભણે.

ચાંદ-તારાઓ વિશે તેની અંદર એવી દિલચશ્પી જાગી કે, વિજ્ઞાનનું ભણતર તેના ઉપર ઝનૂનપૂર્વક સવાર થઇ ગયું. વિજ્ઞાન સાથે જોડાયેલા સમાચારને તે ધ્યાનપૂર્વક વાંચતી. અખબારના કટિંગ સંભાળીને રાખતી. ત્યાર બાદ ક્લાસ ટીચર સાથે તેના વિશે ચર્ચા કરતી હતી. બારમા ધોરણની સાથે જ ગેટ પરીક્ષાની પણ તૈયારી શરૂ કરી દીધી. ગેટની પરીક્ષા પાસ કર્યા પછી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સથી એરોસ્પેસ એન્જિનિયરિંગની માસ્ટર્સ ડિગ્રી મેળવી લીધી.

ત્યાર બાદ તેને ઇસરોમાંથી કોલ આવ્યો. આ ૧૯૯૭ની વાત છે. રિતુ કહે છે કે, ”ઇસરોમાં કામ કરવાનો મોકો મળવો મારા માટે બહુ મોટી વાત હતી. મારી ખુશીની કોઇ સીમા જ ન હતી. મંજિલ તરફનું આ પહેલું ડગલું હતું. મારે ઇસરોના બેંગલુરુ સેન્ટરમાં ટ્રેનિંગ કરવાની હતી. લખનઉથી લગભગ બે હજાર કિલોમીટરની મુસાફરી હતી. બે દિવસની મુસાફરી પછી બેંગલુરુ પહોંચી. માતાને ચિંતા થતી હતી કે, દીકરી  આટલી દૂર એકલી કેવી રીતે રહેશે ? પરંતુ તેમણે ખુશી ખુશી જવા દીધી.”

ઇસરો આવીને લાગ્યું, સાચે જ સિતારોની દુનિયા મળી ગઇ. એ પણ સાચું હતું કે તે દિવસોમાં ત્યાં બહુ ઓછી મહિલા વૈજ્ઞાનિકો હતી. તેમણે કેટલાય મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટો ઉપર કાર્ય કર્યું, પરંતુ સૌથી મોટી સફળતા હતી મંગળ મિશન. તેમને મિશનના ડેપ્યુટી ડાયરેક્ટર ઓપરેશન્સ બનાવવામાં આવ્યા.

રિતુ કહે છે, ”મંગળ યાનની જવાબદારી અચાનક જ મળી. અમારો એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થયો હતો કે મને કહેવામાં આવ્યું કે, ”તમને મંગળ યાન પર કામ કરવાનું છે.” તે પણ મારા માટે સાચે જ રોમાંચકારી હતું. તેમને ફક્ત ૧૮ મહિનાની અંદર જ પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. આ બહુ જ મોટું મિશન હતું. અમેરિકા, રશિયા, જાપાન અને ચીન બધાં જ કોશિશ કરી ચૂક્યા હતા. આમાંથી કોઇ પણ દેશનું મિશન પહેલી જ વારમાં સફળ થયું ન હતું. ઇસરોને પહેલી જ વારમાં સફળતા મેળવવાની હતી. આ બહુ મોટી કસોટી હતી.

જવાબદારી મળતાં જ રિતુ કરિધાલ પોતાની ટીમની સાથે મંગળ મિશનને પૂર્ણ કરવામાં જોતરાઇ ગઇ. શરૂઆતના ૧૦ મહિના એકદમ વ્યસ્ત રહ્યા. સવારથી સાંજ સુધી પ્રયોગશાળામાં વ્યસ્ત રહેતી. સાંજે ઘરે પાછી ફરતી, બાળકોને જમાડયા અને તેમને તેમનું હોમવર્ક કરાવીને પાછી રાતના ૧૨ વાગ્યે ઓફિસ જતી. સવારે ચાર વાગ્યા સુધી ટીમની સાથે કામ કર્યા પછી ઘરે પરત ફરતી.

સવારની દિનચર્યાની સાથે જ બાળકોને સ્કૂલે મોકલ્યા પછી ફરીથી ઓફિસે જતી. રિતુ કહે છે : ”મિશન દરમિયાન અમારા માટે દરેક સેકંડ કિંમતી હતી. અમારે એક એક પોઇન્ટ ઉપર કામ કરવાનું હતું. મિશનમાં સેંકડો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો જોડાયેલા હતા. અમે દિવસ-રાત એક કરી દીધા. કેટલીય વાર બાળકો તેમની ફરિયાદ કરતાં : ”મા તમે કેમ ઘરે મોડા આવો છો ? તમે રવિવારે ઓફિસે કેમ જાઓ છો ?” બાળકોને સમજાવવું અઘરું હતું, પરંતુ મારા પતિએ મને પૂરેપૂરી મદદ કરી. રિતુ કહે છે, ”તે વખતે મારી પુત્રી પાંચ વર્ષની હતી અને પુત્ર દસ વર્ષનો. તેમને મારી ગેરહાજરી સાલતી હતી, પરંતુ મારા પતિએ તેમને સંભાળી લીધા.

દસ મહિનાની અંદર મિશન પ્રક્રિયા સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ સોફ્ટવેર તૈયાર કરી લેવામાં આવ્યું. પછી પેલી ઐતિહાસિક પળ આવી ગઇ, જેનો બધાને ઇંતેજાર હતો. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ મંગળ મિશન પૂર્ણ થયું. આ દુનિયાનું પહેલું મંગળ મિશન હતું, જે પહેલી જ વારમાં સફળ થયું.  રિતુ કહે છે કે, ”અમારી નજર કોમ્પ્યુટર પર જ લાગેલી હતી, બધું જ પ્લાન મુજબ ચાલતું હતું. અમારા હૃદયના ધબકારા વધી રહ્યા  જેવો સંકેત મળ્યો કે મિશન સફળ થયું છે, તો અમે બધા ખુશીના માર્યા ઊછળી પડયા. આ દુનિયાનું સૌથી સસ્તું મંગળ મિશન હતું. ખાસ વાત એ હતી કે આ મિશનમાં દેશની મહિલા વૈજ્ઞાનિકોએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ત્યાર પછી લોકો રિતુને ‘રોકેટ વુમન’ કહેવા લાગ્યા. ૨૦૦૭માં તેમને યુવા વૈજ્ઞાનિક એવોર્ડથી નવાજવામાં આવ્યા. અત્યારના તેઓ ચંદ્રયાન-૨ મિશન ઉપર કાર્ય કરી રહ્યા છે, જેને આ વર્ષે જ લોન્ચ કરવાના છે.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!