ઉત્તરપ્રદેશમાં ઝાંસી નામનું શહેર છે.
આ શહેરમાં રહેતા હરિપ્રસાદ પંડિતનાં ચાર સંતાનો પૈકી સૌથી નાની પુત્રીનું નામ માલતી. તે જેટલી ખૂબસૂરત હતી તેટલી જ ચંચલ પણ હતી. તેર-ચૌદ વર્ષની વયે તો તે યુવતી જેવી લાગતી હતી. માલતી યૌવનમાં ડગ મૂકે તે પહેલાં જ એની પાછળ કંઈ કેટલાયે છોકરાંઓ તેની અદાઓ પાછળ પાગલ હતા. માલતીની હરકતો જોઈને તેની માતાએ દીકરીને જલદી પરણાવી દેવા એના પતિને કહ્યું. હરિપ્રસાદે તાત્કાલિક સમાજનો છોકરો શોધી કાઢી માલતીને કૈલાસ નામના છોકરા સાથે પરણાવી દીધી.
લગ્ન બાદ માલતી એક પુત્રીની માતા બની, જેને સીમા એવું નામ આપવામાં આવ્યું. એ પછી એક પુત્રની માતા બની તેને સંતોષ એવું નામ આપવામાં આવ્યું.
આૃર્યની વાત એ હતી કે, બે સંતાનોની માતા બન્યા બાદ માલતીનું સૌંદર્ય વધુ ખીલી ઊઠયું. માલતીનો પતિ કૈલાસ સરકારી નોકરી કરતો હતો, પરંતુ શરાબનો બેહદ શોખીન હતો. હલકા પ્રકારનો દેશી દારૂ પીને રોજ રાત્રે અવળું પડખું ફેરવીને તે સૂઈ જતો. પતિની મર્યાદા જોઈ માલતી પિયર જતી રહેતી. પિયરમાં તેના બચપણના મિત્રો હતા. ખેતરમાં જતી રહેતી અને કેટલાક દિવસો બાદ પાછી આવી જતી. આમ વર્ષો સુધી ચાલ્યું.
હવે તેની પુત્રી સીમા પણ વયસ્ક થતાં તેને અલીગઢ પાસે આવેલા મલેકપુરામાં પરણાવી દીધી. પુત્ર સંતોષ કૉલેજમાં ભણવા જતો હતો. માલતી હવે આઝાદ થઈ ગઈ હતી. હજુ પણ તેની ઈચ્છાઓમાં ઘટાડો થયો નહોતો. એવામાં એક હૃષ્ટપુષ્ટ યુવાનનો તેની જિંદગીમાં પ્રવેશ થયો.
એનું નામ બબલૂ હતું.
બબલૂ શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો. માલતી બબલૂની દુકાન પર સબ્જી ખરીદવા જતી. બબલૂ માલતીનું સૌંદર્ય જોઈ રહેતો. મર્દની નજર પઢી લેવામાં માલતી માહેર હતી. બબલૂ પણ માલતી પર વારી ગયો હતો. શાક આપતાં આપતાં તે માલતીના હાથને સ્પર્શી લેતો હતો. માલતી આંખો કાઢી બનાવટી ગુસ્સો કરતી, પણ બીજા દિવસે તો બબલૂએ માલતીનો હાથ જ પકડી લીધો. માલતીએ હાથ છોડાવવા કોઈ જ કોશિશ ના કરી. એ એટલું જ બોલી ઃ ‘હવે ઘેર પણ જવા દેશો કે આમ જ પકડી રાખશો ?’
બબલૂ બોલ્યો ઃ ‘એમ થાય છે કે આ હાથ કદી ના છોડું.’
‘તમારામાં હિંમત છે કાયમ હાથ પકડી રાખવાની ?’ માલતી બોલી..
‘મારી પરીક્ષા નહીં કરવાની, ભાભી.’
માલતી બોલી ઃ ‘ઠીક છે હવે હું જોઉં છું કે ક્યારે ફરી મારો હાથ પકડો છો.’
– અને એક તોફાની અદા કરી માલતી સબ્જી લઈ ચાલી ગઈ. એ આખીયે રાત બબલૂને ઊંઘ ના આવી. બીજા દિવસે રોજની જેમ માલતીની રાહ જોવા લાગ્યો. માલતી આવી. બબલૂએ ફરી તેનો હાથ પકડી લેતા કહ્યુંઃ ‘ભાભી, તમે કાયમ મારાં જ રહેવાનાં હોવ તો હાથ પકડી લઉં.’
માલતીએ હાથ ધર્યો.
બસ તે દિવસથી ૪૦ વર્ષની વયની પરિણીત માલતી ૨૫ વર્ષના કુંવારા બબલૂની પ્રેયસી બની ગઈ. પતિ કૈલાસ રાત્રે દારૂ ઢીંચીને સૂઈ જતો અને પુત્ર સંતોષ બીજા રૂમમાં ઊંઘી જતો ત્યારે રોજ રાત્રે માલતી બબલૂને બોલાવી લેતી. તેનામાં હિંમત પણ જબરદસ્ત હતી. માલતી બબલૂના જબરદસ્ત પ્રેમમાં હતી.
માલતીએ હવે પિયર જવાનું બંધ કરી દીધું. તેને જે જોઈતું હતું તે અહીં જ મળી જતું હોઈ તે પિયરમાં તેના પૂર્વ પ્રેમીઓને મળતી નહીં. માલતીના જૂના બોયફ્રેન્ડ્સને ખબર પડી કે માલતી સબ્જીવાળા બબલૂના પ્રેમમાં છે એટલે એ લોકોએ ઇર્ષાથી બધી વાત તેના પતિ કૈલાસને કરી દીધી. કૈલાસને ખબર પડી કે પત્ની એક સબ્જીવાળા સાથે સંબંધ રાખે છે એટલે તેનો ગુસ્સો સાતમા આસમાને જઈ પહોંચ્યો. એણે માલતીને ઘરમાં બહુ જ ફ્ટકારી. માલતીના કાંડા પર લોહીની ટશરો ફૂટી આવી, પરંતુ સખત માર ખાઈ પણ તે રડી નહીં. હા, એણે મનોમન એક ભયંકર નિર્ણય લઈ લીધો. તે કોઈ પણ ભોગે બબલૂને છોડવા તૈયાર નહોતી.
એક દિવસ પતિ કૈલાસ બહારગામ ગયેલો હતો. એ દિવસે એણે બપોરે જ બબલૂને ઘેર બોલાવી લીધો. બે કલાક સુધી બબલૂ માલતીના ઘરમાં રહ્યો. પછી નીકળી ગયો. બીજા દિવસે સવારે કૈલાસ બહારગામથી પાછો આવ્યો. એ વખતે માલતી સૂટકેસમાં કપડાં પેક કરતી હતી. કૈલાસે પૂછયું, ‘ક્યાં જાય છે ?’
માલતીએ કહ્યું ઃ ‘આપણી સીમા બીમાર છે. તમે પણ મારી સાથે આવો તો સારું.’
પુત્રીની બીમારીની વાત સાંભળી કૈલાસ પણ મલેકપુરા જવા તૈયાર થઈ ગયો. બંને એક્સપ્રેસ ટ્રેન પકડી ઝાંસીથી આગ્રા ગયા. ત્યાંથી અલીગઢ જવાની બસ પકડી. કૈલાસને એ વાતની જરાયે ખબર નહોતી કે એ બે જણ સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ પણ તેમનાથી છુપાઈને તેમની સાથે જ મુસાફરી કરી રહી છે. અલીગઢથી ઊપડેલી બસ મલેકપુરા જવાના રસ્તે એક સડક પર ઊતરી. માલતી અને કૈલાસ બેઉ સામાન લઈ ઊતરી ગયાં.
અહીંથી હવે ચાલીને મલેકપુરા ગામ જવાનું હતું.
માલતી અને કૈલાસ હાથમાં સામાન લઈ ખેતરોમાં ચાલવા લાગ્યાં. પાછળની સીટ પર બેઠેલો બબલૂ પણ પાછળથી ઊતર્યો હતો, પરંતુ કૈલાસે એને જોયો નહોતો.
મલેકપુરા ગામ જતાં પહેલાં રસ્તામાં માધોપુરનાં જંગલો આવે છે. રસ્તામાં ઘઉંના ખેતરો પણ છે. પાણી પીવાના બહાને માલતી તેના પતિને ઘઉંના એક ખેતરમાં લઈ ગઈ. એક કૂવા પાસે પડેલી ડોલ કૈલાસે રસ્સીથી કૂવામાં ઉતારી ત્યાં જ એક ઝાડ પાછળ સંતાયેલા બબલૂએ અચાનક કૈલાસનું ગળું દબાવી દીધું. માલતીએ કૈલાસના હાથમાંથી દોરડું ખેંચી લીધું અને કૈલાસના ગળે વીંટાળી દીધું. કૈલાસ કાંઈ સમજે તે પહેલાં બબલૂએ દોરડાથી કૈલાસનું ગળું રૂંધિ નાખ્યું. કૈલાસના મોંમાંથી ફીણ આવી ગયાં. માલતીએ કૈલાસના હાથ પકડી રાખ્યા અને થોડી જ વારમાં કૈલાસના શ્વાસ કાયમ માટે બંધ થઈ ગયા.
નિષ્પ્રાણ બની ગયેલા કૈલાસના મૃતદેહને બેઉએ કૂવામાં ફ્ેંકી દીધો. તે પછી કૂવામાંથી ડોલ વડે પાણી ખેંચી કાઢયું. બેઉએ પાણી પીધું અને માલતી ફ્રી બબલૂને વળગી પડી.
બેઉ હવે ખેતરમાંથી બહાર આવ્યાં. માલતીએ બબલૂને ઝાંસી પાછા જતા રહેવા સલાહ આપી અને પોતે
મલેકપુરા જતી રહી.
માલતી છેક સાંજે મલેકપુરા પહોંચી. સીમાએ પૂછયું, ‘મમ્મી ! પાપા નથી આવ્યા?’..
માલતી બોલીઃ ‘ત્રણ-ચાર દિવસ માટે બહાર ગયા છે.’
સીમાએ તેની વાત માની લીધી.
પરંતુ આ ઘટનાના ચોવીસ કલાક બાદ ગામમાં વાત ફેલાઈ ગઈ કે નજીકના ખેતરના કૂવામાં એક લાશ તરી રહી છે. પોલીસે લાશ બહાર કાઢી. લાશની વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. હવે માલતીના કપાળમાં પણ પરસેવો છૂટયો. લોકોનાં ટોળેટોળાં ઘઉંના ખેતરો તરફ જઈ રહ્યાં હતાં. સીમા બોલીઃ ‘મમ્મી, હું પણ ઘઉંના ખેતરમાં જાઉં છું.’
માલતીએ ચીસ પાડી ઃ ‘ના.’
સીમા વિચારમાં પડી ગઈ. ‘મમ્મી ! તું મને જવા તો દે. ના કેમ પાડે છે ?’
માલતીથી હવે એ બોજો સહન થતો નહોતો. એણે કહી દીધું ઃ’બેટા ! એ તારા પપ્પાની જ લાશ છે.’
સીમા ચિત્કારી ઊઠી.
માલતીએ રડતાં રડતાં બધીયે વાત કહી દીધી ઃ ‘બેટા, મેં બહુ જ ખરાબ કામ કર્યું છે. મારાથી હવે પાપનો એ બોજો સહન થતો નથી. તું પોલીસસ્ટેશને મને લઈ જા.’
સીમાનો પતિ અને તેનાં સાસુ-સસરા- એ બધાં જ સ્તબ્ધ થઈ ગયાં. એમણે તપાસ કરી તો કૂવામાંથી બહાર કાઢવામાં આવેલી લાશ માલતીના પતિની જ હતી. સૌ અવાક થઈ ગયા. પોલીસને સાચી ઘટનાની જાણ કરવામાં આવી. માલતીની ધરપકડ થઈ. માલતીએ પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું ઃ ‘હા, મેં અને બબલૂએ સાથે મળીને મારા પતિની હત્યા કરી છે. મને ફંસીએ ચડાવી દો… હું ભાન ભૂલી ગઈ હતી. એ વખતે મને ખબર નહોતી કે હું શું કરી રહી છું. હું ગુનેગાર છું.’
માલતીને જેલ ભેગી કરી દેવામાં આવી. બીજા દિવસે બબલૂ પણ પકડાઈ ગયો. માલતીએ જામીન માટે અરજી કરી નહીં. જામીન મળે તેમ પણ નહોતા. કોઈ જામીન થવા તૈયાર પણ નહોતું.
માલતીને જેલમાં મોકલી દેવામાં આવી ત્યારે તે સગર્ભા હતી. ‘મારા પેટમાં બબલૂનો ગર્ભ છે.’ પોલીસ હવે દ્વિધામાં છે કે માલતીને બાળક અવતરવા દેવું કે એબોર્શન કરાવવું?
દેવેન્દ્ર પટેલ