Close

એલીઝાબેથ ટેલરે આઠ વાર લગ્ન કર્યાં હતા

કભી કભી | Comments Off on એલીઝાબેથ ટેલરે આઠ વાર લગ્ન કર્યાં હતા
કોરોનાકાળમાં પણ  વિશ્વના સામાજિક પટલ પર ખાટી-મીઠી ઘટનાઓ ઘટતી રહી. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન તેમના વાગ્દત્તા કેરી સિમડોમ સાથે સાદગીથી લગ્ન કરી લીધા. તેના થોડા દિવસ પહેલાં બિલ ગેટસએ તેમની પત્ની મેલિન્ડાને ૨૭ વર્ષના દાંપત્યજીવન બાદ છૂટાછેડા આપી દીધા. પશ્ચિમના દેશોમાં લગ્ન અને ડિવોર્સ કોઈ નાની વાત નથી. એક જમાનાના મશહૂર અને સ્વરૂપવાન અભિનેત્રી એલિઝાબેથ ટેલરે તેમના જીવનકાળ દરમિયાન આઠ વખત લગ્ન કર્યા હતા.
ભારતના જ નહીં, પરંતુ વિશ્વના લોકો એલિઝાબેથ ટેલરને ‘ક્લિયોપેટ્રા’ની અભિનેત્રી તરીકે વધુ જાણે છે. મિસરની મહારાણી તરીકે જાંબલી આંખો ધરાવતી એલિઝાબેથ ટેલર હોલિવૂડની અભિનેત્રીઓમાં એક દંતકથા સમાન હતી. કહેવાય છે કે મિસરની મહારાણી ક્લિયોપેટ્રા પોતાનું રૂપ સૌંદર્ય જાળવી રાખવા ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી પરંતુ  ફિલ્મોમાં તેના રૂપને ગ્લોરિફાય કરવામાં આવ્યું છે તેમ પણ ઘણાં માને છે. શાયદ ક્લિયોપેટ્રા કરતાં એલિઝાબેથ ટેલર વધુ  રૂપાળી હોવી જોઈએ. ક્લિયોપેટ્રા એ સત્તાની સામ્રાજ્ઞી હતી જ્યારે એલિઝાબેથ ટેલર એ સૌંદર્યની સામ્રાજ્ઞી હતી. ૭૯ વર્ષની વયે હોલિવૂડની આ મહાન સૌંદર્ય સામ્રાજ્ઞીના જીવનનો અંત આવી જતાં લિઝ ટેલર હવે એક અતિત બની ગઈ છે.
લિઝનું આખું નામ રોઝમન્ડ ટેલર હતું. તે લંડનમાં જન્મી હતી. તેના પિતાનું નામ ફ્રાન્સિસ લેન ટેલર અને માતાનું નામ સારા વાયોલા હતું. તેઓ મૂળ અમેરિકન હતા પરંતુ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયાં હતા, તેની માતા પણ એક અભિનેત્રી હતી. માત્ર ત્રણ વર્ષની વયે તેણે બેલે લેસન્સ લેવા માંડયા હતા.
બાળ કલાકાર
બીજા વિશ્વયુદ્ધની શરૂઆત પહેલાં તેના માતા-પિતા સલામતી ખાતર અમેરિકા સ્થળાંતર કરી ગયા હતાં. અહીં સારાનો પરિચય યુનિવર્સલ પિકચર્સના એક શેરહોલ્ડર સાથે થતાં ડાર્ર્ક બ્યુટી (કાળી ભ્રમરોના કારણે) ગણાતી નાનકડી લિઝને  યુનિવર્સલ પિક્ચર દ્વારા પ્રતિ સપ્તાહના ૧૦૦ ડોલર્સના વેતન સાથે છ મહિના માટે કરારબદ્ધ કરવામાં આવી હતી.  લિઝ માત્ર નવ જ વર્ષની હતી ત્યારે  તેણે ‘ધેર ઇઝ વન બોર્ન એવરી મિનિટ’માં  કામ કર્યું હતું. તે પછી તેની ૧૦મી વર્ષગાંઠની આસપાસ જ મેટ્રો ગોલ્ડનવિન મેયર કંપનીએ નાનકડી લિઝને કરારબદ્ધ કરી ‘લાસ્સી કમ હોમ’ ફિલ્મમાં ચમકાવી હતી.  તેમાં તે બાળકલાકાર હતી. એ પછી હોલિવૂડની બીજી એક મોટી કંપની એમજીએમએ લિઝ સાથે દર અઠવાડિયાના ૧૦૦ ડોલર પેટે સાત વર્ષ માટે કોન્ટ્રાક્ટ કર્યો. તેની ‘નેશનલ વેલ્વેટ’ ફિલ્મે લિઝ ટેલરને સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મે ૧૯૪૪માં ચાર મિલિયન ડોલરનો ધંધો કર્યો હતો. ૧૯૪૬ પછી લિઝ ટેલરને દર અઠવાડિયે ૭૫૦ ડોલર મળતા હતા. જ્યારે તેની મમ્મી સારા પણ એક એક્ટ્રેસ હોવા છતાં તેને માત્ર ૨૫૦ ડોલર પ્રતિ સપ્તાહ મળતા હતા.
પુખ્ત સ્ટાર
ધીમે ધીમે તે ચાઇલ્ડ સ્ટારમાંથી પુખ્ત સ્ટાર બનવા લાગી હતી. ‘કોન્સ્પિરેટર’ ફિલ્મમાં તે જમાનામાં મશહૂર કલાકારો કર્ક ડગ્લાસ અને આવા  ગાર્ડનર હોવા છતાં  ફિલ્મ ફ્લોપ થઈ ગઈ પરંતુ ૧૬ વર્ષની વયની  જ લિઝે ૨૧ વર્ષની એક યુવતી કે જે એક જાસૂસને પ્રેમ કરે છે તેવા રોલમાં તે મેદાન મારી ગઈ. તે પછી તેનું વેતન પ્રતિ સપ્તાહ ૨,૦૦૦ ડોલરનું થઈ ગયું. ત્યાર પછી લિઝ ટેલરે પાછું વળીને જોયું જ નહીં. ૧૯૬૩માં ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોકસની ભવ્ય ફિલ્મ ‘ક્લિયોપેટ્રા’ રિલીઝ થઈ. તેના પહેલા જુલિયસ સિઝર અને સિઝરના મૃત્યુ પછી રોમના સેનાપતિ માર્ક એન્ટનીને પ્રેમ કરતી એક મહત્ત્વાકાંક્ષી ક્વીન તરીકેના રોલમાં લિઝ છવાઈ ગઈ. આ ફિલ્મમાં માર્ક એન્ટનીનો રોલ કરી રહેલા રિચાર્ડ બર્ટન સાથે તેનો પ્રેમ નિખરી ઊઠયો. ફિલ્મ આવતાં પહેલાં તેમના રોમાન્સની ચર્ચા અખબારોમાં  વધુ થઈ. લિઝે આ ફિલ્મમાં ઓવરટાઇમ કામ કર્યું અને આ એક જ ફિલ્મમાં  કામ કરવા બદલ લિઝને બે મિલિયન ડોલર મળ્યા. એ જમાનાના એક્ટર્સ માટે ઘણી મોટી રકમ હતી. તે પછી ૧૯૬૬માં ‘હુ ઈઝ અફ્રેઇડ ઓફ ર્વિજનિયા વુલ્ફ’માં  તેણે માર્થાનો રોલ કર્યો. આ રોલ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ઓસ્કાર એવોર્ડ મળ્યો. પોતાની કારકિર્દી દરમિયાન તેણે ૫૦ ફિલ્મોમાં કામ કર્યું.
અંગત જીવન
લિઝ ટેલર તેના જીવનકાળ દરમિયાન કુલ આઠ વખત પરણી, સૌથી પહેલાં ૧૯૫૦માં માત્ર ૧૮  વર્ષની વયે નિકી હિલ્ટન નામના હોટલ  ચેઈન્સના માલિકના પ્લે બોય જેવા પુત્ર સાથે લગ્ન કર્યું. માત્ર નવ જ માસમાં  દુઃખી થઈ તેણે છૂટાછેડા લઈ લીધા. ૧૯૫૨માં તેણે માઇકલ  વિલ્ડિંગ નામના બ્રિટિશ મેટિની આઇડોલ  સાથે લગ્ન કર્યું. તે લિઝ કરતાં ૨૦ વર્ષ મોટો હતો. ૧૯૫૭માં તેમના છૂટાછેડા  થઈ ગયા. ૧૯૫૬માં તેણે માઇકલ ટોડ સાથે  લગ્ન કર્યું પરંતુ ૧૯૫૮માં ટોડનું મૃત્યુ થઈ ગયું. ટેલરનું આ એક જ એવું લગ્ન હતું જેમાં છૂટાછેડા થયા નહોતા. માઇકલ ટોડ એક મોટા ફિલ્મ  નિર્માતા હતા. ૧૯૫૯માં તેણે એ જમાનાના ગાયક એડી ફિશર સાથે લગ્ન કર્યું. એડી ફિશર  ટોડના બેસ્ટ ફ્રેન્ડ હતા. તેઓ વિધવા બનેલી લિઝને આશ્વાસન આપવા ગયાં અને પોતે પરણેલા હોવા છતાં લિઝના પ્રેમમાં પડી ગયા. ૧૯૬૪માં તેમના દાંપત્યજીવનનો અંત આવ્યો  તે પછી એ જ વર્ષમાં વિખ્યાત એક્ટર રિચર્ડ બર્ટન સાથે લિઝનો રોમાન્સ શરૂ થયો. પત્રકારો અને તસવીરકારો તેમનો પીછો કરતા રહ્યા. ૧૯૬૪માં તેઓ પરણી ગયાં અને ૧૦ વર્ષ સુધી તેઓ વિશ્વના અત્યંત જાણીતા હોલિવૂડ યુગલ તરીકે જાણીતા બન્યા. દરમિયાન લિઝ ટેલરનું વજન વધવા માંડયું અને તેને મળતી ફિલ્મો બંધ થઈ ગઈ. ૧૯૭૪માં રિચાર્ડ બર્ટન અને લિઝ વચ્ચે છૂટાછેડા થઈ ગયા.
આ ઘટનાના ૧૬ મહિના પછી ૧૯૭૫માં લિઝ અને રિચાર્ડ બર્ટન ફરી પરણ્યા. પરંતુ ફરીવારનું લગ્નજીવન પણ અલ્પજીવી નીવડયું અને ૧૯૭૬માં તેમણે ફરી છૂટાછેડા લીધા. આખી દુનિયા લિઝ ટેલરને  વિશ્વની સૌથી વધુ સૌંદર્ય ધરાવતી સ્ત્રી તરીકે આલેખતી હતી.
૧૯૭૬માં લિઝ જ્હોન વોર્નરને પરણી જોન વોર્નર ર્વિજનિયાના સેનેટર હતા. અમેરિકાની રાજધાનીમાં તે બહુ જ દુઃખી થઈ ગઈ અને ડિપ્રેશનમાં આવી ગઈ. તેને એક ક્લિનિકમાં દાખલ કરવી પડી. આ લગ્નજીવનનો ૧૯૮૨માં અંત આવી ગયો.
શરાબની લત
લિઝ પતિ વગર રહી શકતી નહોતી. ૧૯૯૧માં તે તેનાથી ઘણા નાના એવા  લેરી ફોર્ટેન્સ્કી નામના એક કન્સ્ટ્રક્શન વર્કર સાથે પરણી.  લિઝની  લેરી સાથેની મુલાકાત એક ક્લિનિકમાં જ થઈ હતી. તેઓ માઇકલ જેક્સના નેવરલેન્ડ ખાતે પરણ્યા. આ લગ્નજીવનનો પણ ૧૯૯૬માં અંત આવી ગયો.
લગ્ને લગ્ને કુંવારી એવી લિઝ ટેલરનું અંગત જીવન વારેવારે ખરાબે ચડી જવાના કારણે તે આલ્કોહોલિક બની ગઈ હતી. ૧૯૮૦માં તેને આલ્કોહોલિઝમ માટે સારવાર લેવી પડી હતી.
૨૦૦૬માં તેણે અમેરિકાના ઇરાક સામેના યુદ્ધનો વિરોધ કરવા ૭૫માં એન્યુઅલ એકેડેમી એવોર્ડ-ઓસ્કાર સમારંભમાં હાજરી આપવા ઇનકાર કરી દીધો હતો. લીઝે એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબ્લ્યૂ બુશની યુદ્ધખોર નીતિનો વિરોધ કર્યો હતો. તે માનતી હતી કે આ યુદ્ધ જગતને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ લઈ જશે.
૧૯૫૦ પછીના વર્ષોમાં તે ખૂબ ધૂમ્રપાન કરતી હતી. તેનું હૃદય  નબળું  પડી ગયાની પણ તબીબોએ ચેતવણી આપી હતી. પાંચ વખત તેને પડી જવાના કારણે ફ્રેક્ચર્સ થયાં હતાં. તેને બ્રેન ટયૂમર અને સ્કિન કેન્સર હોવાની પણ વાતો ચાલતી હતી.
જ્વેલરીનો શોખ
લિઝને જ્વેલરીનો જબરદસ્ત શોખ હતો. ‘શોલ્યો મોસેઇફ’ નામના જાણીતા જ્વેલરી ડિઝાઇનરની તે રેગ્યુલર ક્લાયન્ટ હતી. તેની પાસે અનેક  શ્રેષ્ઠ જ્વેલરીના નમૂના હતા. તેમાંથી એક તો ૩૩.૧૯ કેરેટનો (૬.૬ ગ્રામ)નો કપ ડાયમંડ હતો. બીજો ૬૯.૪૨ કેરેટ (૧૩.૮૮ ગ્રામ)નો ટેલર બર્ટન ડાયમંડ હતો. આ  તેના પતિ રિચાર્ડ બર્ટન તરફથી મળેલી ભેટ હતી. ટેલર પાસે  ૫૦ કેરેટનો લા પેરેગીના ડાયમંડ પણ હતો. આ ડાયમંડ મૂળ  બ્રિટન ક્વીન મેરીનો હતો જે રિચાર્ડ બર્ટને બજારમાંથી ખરીદીને લિઝને વેલેન્ટાઇન ડેના રોજ (૧૯૬૯માં) ભેટ આપ્યો હતો. ‘માય લવ  એફેર વીથ જ્વેલરી’ પુસ્તકમાં લિઝની આ બધી જ્વેલરીની ઘણી તસવીરો છે. તેણે પેશન ‘વ્હાઇટ ડાયમંડ’ અને ‘બ્લેક પર્લ્સ’ નામના પરફ્યૂમ્સ પણ લોંચ કર્યા હતા.
આઠ વારના લગ્ન, અબજોની જ્વેલરી અને આખા વિશ્વમાંથી તેની સુંદરતાને મળેલી લોકપ્રિયતા પણ લિઝને સુખ બક્ષી શકી નહોતી. ૧૯૮૦ પછી તે લોસ એન્જલસમાં બેલ એર ખાતે રહેવા ચાલી ગઈ હતી. લંડન અને હવાઇમાં પણ તેના ઘર હતા. મૃત્યુ  સુધી લોસ એન્જલસનું ઘર જ તેનું નિવાસસ્થાન રહ્યું. તેના એક કંપેનિયન જેન્સન વિન્ટર સાથે તેના નવમાં લગ્નની પણ અફવા  ચાલી હતી. તેઓ અનેકવાર ટાપુઓ પર સાથે ઘૂમતા દેખાયાં હતાં. તા. ૨૩ માર્ચ ૨૦૧૧ના રોજ ૭૯ વર્ષની વયે લોસ એન્જલસની એક હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા.
જાણે કે ‘ક્લિયોપેટ્રા’ ફરી એકવાર મૃત્યુ પામી. .
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!