જૂલી.
અમેરિકન માતા-પિતાની કૂખે જન્મેલી દીકરી. એના પિતાનું નામ હાવર્ડ ગાર્બર અને માતાનું નામ જીન ગાર્બર. જૂલી તે તેમના પરિવારનું એક માત્ર સંતાન હોઈ માતા-પિતાને અત્યંત વહાલી હતી. ત્રણ જ જણના આ નાનકડા કુટુંબમાં હર્ષ અને ઉલ્લાસ હતાં. સહેજ મોટી થતાં જૂલીને સ્કૂલમાં દાખલ કરવામાં આવી હતી. ભણવામાં તે અત્યંત તેજસ્વી હતી. સારા માર્કસ સાથે સાથે ઉત્તીર્ણ થતાં એણે ઉચ્ચશિક્ષણ લેવા માંડયું હતું. સ્પોર્ટ્સની પણ તે શોખીન હતી. નવરાશના સમયમાં તે બેડમિન્ટન રમતી. સ્વિમિંગનો પણ તેને શોખ હતો. એક દિવસ તે બેડમિન્ટન રમતાં રમતાં જ પડી ગઈ. થોડી વાર સુધી તે બેભાન રહી. કેટલીક વાર પછી એ આપોઆપ ભાનમાં આવી ગઈ. એને ખ્યાલ આવ્યો કે કોઈક કારણસર તેને ચક્કર આવી ગયાં હતાં. થોડીક કૉફી પી લીધી અને ફરી તે હતી તેવી જ સ્વસ્થ થઈ ગઈ.
ઘેર આવીને એણે કોઈ વાત કરી નહીં પરંતુ થોડા દિવસ પછી તે કૉલેજમાં ચાલતાં ચાલતાં જ પડી ગઈ. એને ફરી ચક્કર આવ્યાં. જૂલીને અંદરના ખંડમાં લઈ જવામાં આવી. થોડીવાર પછી તે ફરી ભાનમાં આવી ગઈ, પરંતુ કૉલેજના પ્રિન્સિપાલે જૂલીને માતા-પિતાને જાણ કરી.
બીજા દિવસે જૂલીને એક સારા ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. ડૉક્ટરે આખા શરીરની તપાસ કરી.
મગજની તસવીરો લેવામાં આવી. પ્રાથમિક તપાસમાં તેના મગજમાં નાનકડી ગાંઠ હોવાનું જણાયું. જૂલીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એના મગજનું ઑપરેશન કરી અંદરથી ગાંઠ કાઢી નાંખવામાં આવી.
મગજની શસ્ત્રક્રિયા પછી જૂલીને ઘેર લાવવામાં આવી. ગાંઠની બાયોપ્સી કરાવતાં જણાયું કે તે સાદી ગાંઠ હતી. એ કેન્સરની ગાંઠ નહોતી. ફરીથી તે કૉલેજ જવા લાગી. જૂલી સહેજ અશક્ત થઈ ગઈ હતી પરંતુ ધીમે ધીમે તે પહેલાંના જેવી જ તંદુરસ્તી તરફ આગળ વધવા વધવા માંડી. કૉલેજ તો તે નિયમિત જતી હતી પરંતુ કોણ જાણે કેમ એને બેડમિન્ટન રમવાની ઈચ્છા જ થતી નહોતી. એવી જ રીતે એની  સ્વિમિંગ કરવાની ઈચ્છા પણ મરી પરવારી હતી..
બે વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું અને ફરી એને અશક્તિ વર્તાવા માંડી. પહેલાં તો તે થાકતી નહોતી પરંતુ હવે થોડુંક ચાલતાં પણ થાકી જતી. જૂલીને ફરી ડૉક્ટરની પાસે લઈ જવામાં આવી. કરી એના મગજની તપાસ કરવામાં આવી. મગજમાં ફરી કોઈ ટયૂમરનાં ચિહ્નો નહોતાં પરંતુ એના લોહીનું પરીક્ષણ કરતા માલૂમ પડયું કે જૂલીને લ્યૂકેમિયા – બ્લડ કેન્સર છે.
ગાર્બર દંપતી આઘાતમાં સરી પડયાં. જૂલી તેમની એક માત્ર દીકરી-એક માત્ર સંતાન હતું. જૂલી આખા ઘરની પ્રવૃત્તિના કેન્દ્રમાં હતી. એનાં માતા-પિતા માટે જૂલી જ એક માત્ર સંપત્તિ હતી. હવે તે ૨૨ વર્ષની થઈ અને થોડાક વખતમાં તે કદાચ પરણવાની પણ હતી ત્યારે તેને બ્લડ કેન્સર હોવાનું નિદાન થતાં તેઓ આઘાતમાં સરી પડયાં.પરંતુ જૂલી સ્વસ્થ હતી.
એણેે કહ્યુંઃ ‘ મમ્મી-ડેડી ! તમે ચિંતા ના કરો. મને સારું થઈ જશે.’
જૂલીને કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. લ્યૂકેમિયાનું નિદાન તો થઈ ચૂક્યું હતું. નિષ્ણાત તબીબોએ જૂલીને કીમોથેરેપી પર મૂકી દીધી. દવાઓ ચાલુ કરી દેવાઈ.
જૂલીનુંં ઘર કૅલિફોર્નિયાની ઑરેન્જ કાઉન્ટીના એનેહેમ નામના ગામમાં હતું. જૂલીને લૉસ એન્જલસની સારામાં સારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. કેટલોક સમય સુધી તેને સારું રહ્યું પરંતુ ફરી એની તબિયત લથડવા માંડી. જૂલીને ખબર હતી કે તે હવે ઝાઝું જીવવાની નથી. જૂલીના માતા-પિતાને પણ દીકરીના ટૂંકા થઈ રહેલા ભાવિની ખબર હતી. જૂલીની મમ્મી જીન તો દીકરીને જોતાં જ રડી પડતી. એનાં મમ્મી અને પપ્પા જૂલીને ખુશ રાખવા બધા જ પ્રયાસો કરતાં એમને ખબર હતી કે, જૂલી ઝાઝું જીવવાની નથી એટલે એની પસંદગીની જ વાનગીઓ બનાવી એને ખવરાવતી. જૂલીને પસંદ આઈસક્રીમથી માંડીને જુદી જુદી પેસ્ટ્રિઝ તેઓ લઈ આવતાં. મમ્મી રોજ પૂછયા કરતીઃ ‘જૂલી! તને શું ગમે છે? તારે શું કરવું છે?’ જૂલી શાંત અને સ્વસ્થ રહેતી.
હવે તો તેનું બહાર હરવા-ફરવાનું પણ બંધ થઈ ગયું હતું. એની સખીઓ અવારનવાર ફૂલ લઇ આવતી હોસ્પિટલોમાં એના બિછાનાની બાજુમાં તે ગુલદસ્તાને મૂકીને બારીની બહાર જોઈ રહેતી. બારીની બહાર એક મોટો રાજમાર્ગ હતો. મોટરકારોની લાંબી લાંબી કતારો એ નિહાળી રહેતી. રાત્રે પણ ટ્રાફિક ઓછો થતો નહોતો. જૂલી મનોમન વિચારતી કે, હવે હું કદી આ હોસ્પિટલની બહાર જઈ શકીશ નહીં.
એેક દિવસ જૂલીને કાંઈક વિચારમાં પડી ગયેલી જોઇ એની મમ્મીએ પૂછયુંઃ ‘જૂલી! શું વિચારે છે?’
જૂલી બોલીઃ ‘મોમ ! મારે મા બનવું છે.’ જૂલીની માતા વિચારમાં પડી ગઈ
એને ખબર હતી કે, જૂલીને લ્યૂકેમિયા હવે છેલ્લા સ્ટેજમાં છે. તે પથારીમાંથી બેઠી પણ થઇ શકે તેમ નથી. વળી તે કુંવારી છે. એને માતા બનાવવી કેવી રીતે?
જીને કહ્યુંઃ ‘પણ આ કેવી રીતે શક્ય બનશે?’ જૂલી વિજ્ઞાનની વિદ્યાર્થિની હતી. એણે કહ્યું ઃ ‘મોમ ! સર્જરીથી મારી ઓવરીમાંથી ઓવમ કાઢી લઈ એને ડીપ ફ્રીઝમાં રાખવામાં આવે તો ભવિષ્યમાં મારું જ એક બાળક પેદા કરી શકાશે.’
જૂલીની વાત જેનેટિક એન્જિનિયરિંગની લેટેસ્ટ ટેક્નિક પર આધારિત હતી. આમે ય તેના માતા પિતા ઇચ્છતાં તો હતાં જ કે, જૂલી તો હવે જીવવાની નથી, પરંતુ તેના જેવી જ એક દીકરી તે આપી શકે તો બીજી જૂલીને તેઓ મોટી ક૨શે. એની ખોટ સાલશે નહીં
એના માતા-પિતાએ ડૉક્ટરોને જૂલીની માતા બનવાની ઇચ્છાની વાત કરી. ડૉક્ટરો તરત જ સંમત થયા. જૂલી હવે દિવસે દિવસે વધુ ને વધુ નબળી બનતી જતી હોઈ તેની પર સર્જરી કરી તેના અંડાષયમાંથી અંડકોષ લેવાના જ હોય તો હવે ઝાઝો વિલંબ કરી શકાય નહીં. વિચારવામાં આવ્યું.
જૂલી પર શસ્ત્રક્રિયા કરવા માટેની તારીખ નક્કી કરી દેવાઈ. કુંવારી કે પુખ્ત કન્યાને માસિક પછી કેટલામાં દિવસોમાં અંડકોષ તૈયાર થાય તે નક્કી કરવામાં આવ્યું. રજસ્વલાનો સમય પૂરો થયા બાદ ચોક્કસ દિવસે જૂલીના ઉદર પર માઈક્રોસ્કોપિક શસ્ત્રક્રિયા કરવામાં આવી. તેના અંડાષયમાંથી અંડકોષ લેવામાં આવ્યા અને શૂન્યથી પણ નીચેના તાપમાનમાં ભારે જટિલ પ્રક્રિયા હેઠળ સાચવવા મૂકી દેવામાં આવ્યા.
જૂલીઅ કહ્યું ઃ ‘મોમ! હું તો થોડા દિવસોમાં મરી જઈશ, પરંતુ મારા બાળકને તું જ મોટું કરે એવી મારી ઈચ્છા છે.’
એ વખતે જૂલીની મા-જીનની ઉંમર ૫૬ વર્ષની હતી અને થોડાક જ દિવસોમાં જૂલી મૃત્યુ પામી. એણે સદાને માટે આંખો મીંચી દીધી. જૂલી હોસ્પિટલમાંથી સાજી થઈને કદિયે ઘેર જઈ શકી નહીં. હોસ્પિટલમાંથી કબ્રસ્તાન એજ એની છેલ્લી મંજિલ બની રહી.
જૂલી હવે રહી નહોતી પરંતુ જૂલીના શરીરના જીવંત અંશ હોસ્પિટલની લેબોરેટરીમાં શૂન્ય તાપમાનથી પણ નીચે સાચવી રાખવામાં આવ્યા હતા. કેટલાંક સમય સુધી જૂલીનાં માતા-પિતા દીકરીને યાદ કરતાં રહ્યાં પરંતુ ચારેક વર્ષ બાદ એમને ફરી જૂલીને આપેલું વચન હવે ફળીભૂત કરવા વિચાર્યું. જૂલીના અંશ તો લેબોરેટરીમાં પડયા હતા. પરંતુ તેમાંથી બાળક પેદા કરવા માટે કોઈ પુરુષના સ્પર્મ પણ જોઈએ એ મળી જાય એટલે પુરુષ બીજ અને જૂલીના અડકોષને લેબોરેટરીમાં ફલિનીકરણ કરાવવા પડે. એ ફલિનીકરણ થાય એટલે લેબોરેટરીમાં તૈયાર થયેલા ગર્ભનું કોઇ સ્ત્રીના ગર્ભાશયમાં આરોપણ કરવું પડે. એટલે કે કોઇ પુખ્ત સ્ત્રીનું ગર્ભાશય ભાડે રાખવું પડે. એ ગર્ભાશયમાં માઇક્રોસ્કોપિક ટયૂબ દ્વારા ગર્ભ મૂકવામાં આવે ત્યાર પછી નવ મહિના એ સ્ત્રી એ ગર્ભને ઉછેરે-. અને જે બાળક અવતરે એ જૂલીનું બાળક હોય. આવી લાંબી, અઘરી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું. જેનેટિક એન્જિનિયરિંગમાં આ શક્ય છે પણ સહેજ અઘરું અને કાળજી માંગી લે તેવું હોય છે.
ડૉક્ટરો આ પ્રક્રિયા માટે સંમત થયા પરંતુ હવે સવાલ એ આવ્યો કે, કઈ સ્ત્રી એનું ગર્ભાશય ભાડે આપવા તૈયાર થશે. ગાર્બર દંપતીએ પોતાની દીકરીના અંડકોષમાંથી પેદા થનાર શુભને ઉછેરવા ગર્ભાશય ભાડે રાખવા સ્થાનિક અખબારીમાં જાહેરખબર આપી. જે સ્ત્રી પોતાનું ગર્ભાશય ભાડે આપશે તેને પૈસા આપવામાં આવશે તેમ પણ જાહેર કરવામાં આવ્યું. જાહેરાત વાંચીને ૨૩ વર્ષની એક અમેરિકન મહિલા કે જે બે બાળકોની માતા હતી તે પોતાનું ગર્ભાશય ભાડે આપવા તૈયાર થઈ. ગાર્બર દંપતી તો પોતાની મૃત્યુ પામેલી દીકરી કબરમાંથી આ રીતે ફરી પેદા થાય એટલું જ ઇચ્છતાં હતાં.
ગર્ભાશય માટે સ્ત્રી નક્કી થતાં ડૉક્ટરોએ એક અજાણ્યા પુરુષના સીમેનમાંથી પુરુષબીજ લેવામાં આવ્યું. લેબોરેટરીમાં મરનાર જૂલીના શરીરમાંથી લેવામાં આવેલાં ૧૨ જેટલાં અંડકોષ સાચવી રાખવામાં આવ્યાં હતાં. ઈલેક્ટ્રોન માઈક્રોેસ્કોપની મદદથી જૂલીના સ્ત્રી બીજ અને અજાણ્યા પુરુષના પુરુષબીજનું લેબોરેટરીમાં જ ફલિનીકરણ કરવામાં આવ્યું તેઓ પોતાની  દીકરીની ડુપ્લિકેટ કોપી પેદા કરીને માત્ર મૃતાત્માની અંતિમ ઈચ્છા પૂરી કરી રહ્યાં હતાં એવું નહોતુું બલ્કે તબીબી ક્ષેત્રે એક નવો જ ઈતિહાસ સર્જી રહ્યાં હતાં. જૂલીના સાચવી રાખવામાં આવેલ ઓવમનું ફલિનીકરણ થયા બાદ ૨૩ વર્ષની એક યુવાન સ્ત્રીના ગર્ભાશયમાં તેનું આરોપણ થયું.  જે સ્ત્રી એ ગર્ભને ઉછેરવા તૈયાર થઈ હતી તેને ગર્ભાશય ભાડે આપવા પેટે ૧૦ હજાર ડૉલર  આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. ગર્ભ ઉછેરવા તૈયાર થયેલી સ્ત્રીનું નામ ટ્રેસી હતું. ડૉક્ટરોના પ્રથમ બે પ્રયાસો નિષ્ફળ ગયા બાદ ત્રીજી વખતે ટ્રેસીને ગર્ભધારણ કરાવવામાં સફળતા મળી. જૂલીના કુલ ૧૨ અંડકોષો સાચવી રાખવામાં આવ્યા હતા. હવે ત્રીજા પ્રયાસે સફળતા મળતાં ટ્રેસીના ઉદરમાં એક નાનકડું નવજાત શીશુ રમવા માંંડયું હતું. ગાર્ર્બર દંપતીને આ ખુશખબર મળતાં જ તેઓ આનંદ વિભોર થઈ ગયાં. તેમને એમની જૂલી યાદ આવી ગઈ. બેઉ જણ જૂલીની કબર પાસે પહોંચી ગયાં અને તેની પર ફૂલો મૂકી મનોમન દીકરીને યાદ કરી રહ્યાં.
બેઉંની આંખમાં હવે હર્ષાશ્રાુ હતાં.
થોડાક જ દિવસો બાદ ટ્રેસી જૂલીના બાળકને જન્મ આપનાર છે. જેનેટિક એન્જિનિયિરિંગના વિજ્ઞાન સાથે સંકળાયેલી આ લાગણીભીની કથા ૨૧મી સદી તરફ આગળ વધી રહેલા જગતને અર્પણ છે.
ઓલ ધ બેસ્ટ, ટ્રેસી!
દેવેન્દ્ર પટેલ