Close

કમર જહાં એ જ મારો શ્વાસ છે મારી પીંછીમાં એણે જ રંગ પૂર્યા

કભી કભી | Comments Off on કમર જહાં એ જ મારો શ્વાસ છે મારી પીંછીમાં એણે જ રંગ પૂર્યા

એમનું નામ છે કમર જહાં.

કમર જહાંનો અર્થ થાય છે. પૂર્ણિમાનાં ચંદ્ર. પાકિસ્તાનમાં જન્મેલી કમર જ્હાં હવે એક સંપૂર્ણ ભારતીય નારી અને ગુજરાતના પુત્રવધૂ છે. તેઓ માત્ર ગુજરાતના જ નહીં પણ દેશના જાણીતા ચિત્રકાર કલાકાર મોહસિન શેખના પત્ની છે.

કમર જહાંની પાકિસ્તાનથી અમદાવાદ સુધીની યાત્રા રસપ્રદ અને હૃદયંગમ છે. આ એ જ કમર જહાં છે જેઓ રક્ષાબંધનના દરેક પર્વ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે.

વર્ષો પહેલાં એટલે કે ૧૯૮૦-૮૧ના વર્ષમાં બાવીસ વર્ષની વયની એક નાજુક નમણી યુવતી પાકિસ્તાન- કરાચીથી તેની માતા સાથે અમદાવાદમાં રહેતા મામાને મળવા આવી. કમર જહાંના મામાનું ઘર અમદાવાદમાં કાલુપુર ખાતે હતું. કમરે કરાંચીમાં ઉર્દૂ લિટરેચરમાં માસ્ટર્સની ડિગ્રી લીધેલી હતી. કરાચીમાં તેના પરિવારનું આલીશાન ઘર હતું. લક્ઝુરિયસ મોટરગાડીઓ હતી.

સારું ભણેલી આ ખૂબસૂરત યુવતીનું  પાકિસ્તાનના જ  કોઇ ડોક્ટર યુવક સાથે કરી દેવાનું ગોઠવાઇ રહ્યું હતું. એ જ વખતે તેની આખરી ક્ષણોમાં કમર જહાંની માતાને એક બીજો જ વિચાર આવ્યો.

વાત એમ હતી કે ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના  ભાગલા પછી મૂળ ભારતનું કમર જહાંનું પરિવાર કરાચી જઇને વસેલું હતું. તે પછી પાકિસ્તાન સાથે બે યુદ્ધો દરમિયાન બંને દેશોના સંબંધોમાં ચઢાવ-ઉતાર આવ્યા.  પરંતુ ૧૯૭૭માં ‘સમજૌતા એક્સ્પ્રેસ’ દ્વારા ભારત- પાકિસ્તાન વચ્ચે એકબીજા દેશોમાં અવરજવરના સંબંધો શરૂ થયા. ત્યારે કમર જહાંના પિતાનું આકસ્મિક અવસાન થતાં જબરો આઘાત લાગ્યો. માતાએ દીકરીને ભણાવી-ગણાવીને સંસ્કારી બનાવી. માતાને એમ લાગ્યું કે મારી દીકરી પાકિસ્તાનમાં  પરણીને સ્થાયી થાય તે પહેલાં શા માટે  એને મારા પિયર અમદાવાદ લઇ જઇને તેના મામા-મામી વગેરેને ના મળાવું?

અને કમરને લઇ તેમના માતા અમદાવાદ આવ્યા.

કમરના મામાના ઘરની બાજુમાં મોહસિન શેખ નામનો એક યુવાન કાલુપુરમાં નાની ઓરડીમાં રહેતો હતો. કમર એ વખતે રૂપ રૂપના અંબાર જેવી સંસ્કારી યુવતી લાગતી હતી.

મોહસિન શેખ એક યુવા ચિત્રકાર હતા. તેઓ કમરને જોઇને વિચારતા કે આ છોકરી જેના ઘેર જશે તેનું ઘર દેદીપ્યમાન બની જશે.

હવે અમદાવાદમાં રહેતા કમર જહાંના મામાએ તેમના બહેનને કહ્યું: ‘તમે કમર જહાંને પાકિસ્તાનમાં કોઇની સાથે પરણાવવાના બદલે ભારતમાં જ કોઇ સારા યુવાન સાથે શા માટે પરણાવતા નથી?’

કમર જહાંની માતાને આ પ્રસ્તાવ ગમી ગયો.  એમણે કમરને પૂછયું: ‘બેટા, તું ભારતીય યુવક સાથે શાદી કરીશ ?’

કમર જહાંએ તરત જ હા પાડી દીધી. એ પછી તો કમર માટે માગાઓની વણઝાર લાગી ગઇ. અનેક પૈસાદાર ઘરોમાંથી માગા આવ્યા પરંતુ કમરના મામા પૈસાપાત્ર યુવકને બદલે કોઇ સંસ્કારી, ધર્મ અને કલાપ્રેમી યુવકને પસંદ કરવા માગતા હતા. બાજુમાં જ રહેતા કળા પ્રેમી  મોહસિન શેખને કમરના મામા ઓળખતા હતા. તેમની ગ્ષ્ટિએ મોહસિનમાં બધા જ  સદ્ગુણો હતા. એમણે  કમર માટે મોહસિનની પસંદગી કરી. માતાએ હા પાડી અને છેવટે કમર જહાં એ પણ આ સામાજિક ગોઠવણનો આદર કરી હા પાડી.

મોહસિન શેખને તો કલ્પના જ નહોતી કે  કમર તેમની પત્ની બનીને તેમના જીવનમાં આવશે.  તા. ૨૩ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ મુસ્લિમ વિધિ પ્રમાણે કમર જ્હાં અને મોહસિન શેખના લગ્ન થયા.

કરાચીમાં એક મહેલ જેવા આલીશાન મકાનમાં રહેનારી કમર જહાં મોહસિન શેખની એક નાનકડી ઓેરડીમાં તેમની પત્ની બનીને આવી અને એ દિવસથી આ બે જીવોની જીવનયાત્રા શરૂ થઇ. મોહસિને એક ગ્રાફિક ડિઝાઇનર તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. સાથે સાથે ચિત્રો દોરવાના પણ શરૂ કર્યાં. જીવનયાત્રા કઠિન હતી, છતાં પૈસાદાર પરિવારની પુત્રી  હોવાનો ગર્વ લીધા વગર કમર જહાંએ પતિને સાથ આપ્યો. તે સામાજિક, આર્થિક અને પારિવારિક વિટંબણાઓ સામે લડતી રહી અને પતિની સાથે ખભેખભો મીલાવીને જીવન રથને આગળ વધારતી રહી. ધીમે ધીમે એમનો જીવન બાગ ખુશ્બૂદાર બન્યો.

મોહસિન શેખ કહે છે :  ‘લગ્નના કપરા સમયના આઠ વર્ષ પછી થોડી સ્થિરતા આવી અને અનેક માનતા, મન્નતના આધારે ખોળાના ખુંદનારની કમી હતી તે પણ ઇશ્વરે પૂરી કરી અને સૌથી નાની વયે વિશ્વના ૧૦ દરિયા તરનાર વિશ્વનો એક માત્ર સ્વિમર એવો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પાત્ર સૌથી નાની વયે એવોર્ડ મેળવનાર સુફયાનનો જન્મ થયો. પ્રથમ મહિનાથી લઇ ૯ મહિના સુધી અમે બ્રહ્મચર્યવ્રત પાળ્યું અને રોજ રાત્રે સૂતા પહેલાં અલ્લાહને આવનાર બાળક માટે હૃદયપૂર્વકની પ્રાર્થના કરી હતી. ઇશ્વરને એવી પ્રાર્થના કરી હતી કે હે  એવું બાળક દેજે કે આ ‘મા’ અને ધરતીમાતાનું નામ વિશ્વમાં રોશન કરે, અને અલ્લાહે સાચા હૃદયથી ભોળાભાવે કરેલી પ્ર્રાર્થના સાંભળી હશે કે જેથી અમને  સુફયાન જેવો સંસ્કારી રાષ્ટ્રભક્ત દીકરો મળ્યો. તે ખ્યાતમામ સ્વિમર બન્યો. ત્રણ વર્ષની ઉંમરે સ્વિમિંગ શરૂ કરનાર માત્ર ૧૭ વર્ષની નાની વયે ૪૦૦થી વધુ મેડલ મેળવ્યાં અને ૧૦-૧૦ દરિયા તરી વિશ્વમાં એક માત્ર સુફયાન આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ સ્વિમર બન્યો તે તેની માતાની સવાર ૩-૩૦થી ઊઠીને રાત્રે ૧૦-૩૦ સુધી મારા અને મારા અને સુફયાન ૧૭ કલાક સતત ૧૭ વર્ષ સુધી  આવી કઠોર તપસ્યા કર્યાનું ફળ હતું.’

દરિયાના ખારા, ઠંડા અને ઊંડા પાણીમાં કલાકો સુધી તરવાની સિદ્ધિ હાંસલ કરનાર સુફયાને ભારત માતાનો ત્રિરંગો પકડીને ‘ભારત માતાકી ઇજ્જત આગે બઢાના’ હૈના નારા સાથે દેશનું નામ રોશન કર્યું. પુત્રને સતત પ્રોત્સાહિત કરનાર કમર જ્હાંને દેશની એક રાષ્ટ્રીય  ન્યૂઝ ચેનલ તરફથી ‘બેસ્ટ મધર’નો પણ  એવોર્ડ એનાયત થયો.

મોહસિન શેખ કહે છે : ‘કમર જહાં મારો શ્વાસ છે. કમર જહાં મારા જીવનનું ધગધગતું લોહી છે. છેલ્લા ૩૮ વર્ષથી અમે બંને સારસ બેલડીની જેમ જીવન જીવીએ છીએ. હું ક્યારેય ક્યાંક એકલો જતો નથી. પછી અમારે રાષ્ટ્રપતિભવન જવાનું હોય કે બજારમાં શાકભાજી લેવા. અમે બંને સાથે જ જઇએ છીએ. છેલ્લા ૨૪ વર્ષથી કમર જહાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક બહેન તરીકે રાખડી બાંધે છે. કમર જહાંના પ્રેમનો રસ મને મળ્યો ના હોત તો મારી પીંછીમાં આટલા બધા અગાધ રંગ ઊતર્યા ના હોત. કમર મારી જીવનસંગિની છે, જીવન મિત્ર છે અને મારી પ્રેરણા પણ છે. આજે રાષ્ટ્રપતિભવન, સંસદ ભવન, પીએમ હાઉસ, રાજભવન, દેશ-વિદેશના મહત્ત્વના સ્થળો અને આર્ટ ગેલેરીઓ તથા મ્યુઝિયમોમાં મારા ચિત્રોને સ્થાન મળ્યું છે તેનો યશ મારી જીવનસાથી કમર જહાંને જાય છે.’

મોહસિન શેખ આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદના જ ચિત્રકાર છે અને કમર જહાં તેમનો આત્મા અને આત્મવિશ્વાસ છે.

કેવાં સુંદર સારસ- સારસી !  .

– દેવેન્દ્ર પટે

Be Sociable, Share!