Close

કરુણા મૂર્તિ’ નિરૂપા રોયને ગુજરાતે કદી યાદ ના કર્યાં

કભી કભી | Comments Off on કરુણા મૂર્તિ’ નિરૂપા રોયને ગુજરાતે કદી યાદ ના કર્યાં
ગુજરાતીઓએ ગુજરાતની જે શ્રેષ્ઠ પ્રતિભાઓને વિસારે પાડી દીધી છે અને જેમને સન્માનરહિત રાખ્યાં છે તેમાંથી એક છે અભિનેત્રી નિરૂપા રોય. એમનું સન્માન ગુજરાત બહાર થયું, પણ ગુજરાતમાં કદી નહીં.
યાદ રહે કે ફિલ્મોમાં નાયક કે નાયિકા કરતાં પણ માનો રોલ નિભાવવાની એક ઉત્કૃષ્ઠ જવાબદારી હોય છે. ફિલ્મજગતના ઇતિહાસમાં ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં ચિરયુવાનીમાં માનો રોલ ભજવનાર અભિનેત્રી નરગિસ એક સીમાચિહ્ન છે. આજની યુવાન અભિનેત્રીઓ માનો રોલ નિભાવવા ઇચ્છતી હોય છે ત્યારે નરગિસે યુવાનીમાં ‘મધર ઇન્ડિયા’ બનીને લોકહૃદયમાં સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. તેમના સિવાય બીજી ઘણી અભિનેત્રીઓ ફિલ્મજગતમાં માનો રોલ નિભાવવા જાણીતી બની તેમાં દુર્ગા ખોટે પણ જાણીતાં છે. તેઓ ફિલ્મ ‘મોગલે આઝમ’માં શાહજાદા સલીમની મા બને છે ત્યારપછી માનો રોલ નિભાવવા જે અભિનેત્રીઓનાં જાણીતાં નામો છે તેમાં સુલોચના, અચલા સચદેવ, રાખી, ફ્રીદા જલાલ, લલિતા પવાર, કિરણ ખેર, વહીદા રહેમાન, રીમા લાગુ વગેરેનો સમાવેશ થાય છે. કિરણ ખેરને તો તમે ‘દેવદાસ’માં જોયા હશે.
પરંતુ આજે વાત કરવી છે તે નિરૂપા રોયની. ‘દીવાર’ ફિલ્મમાં તેઓ અમિતાભ બચ્ચનનાં મા બને છે. એ ફિલ્મમાં તેમનો અભિનય અવિસ્મરણીય હતો. ‘ક્વીન ઓફ મિઝરી’ને ગુજરાતે યાદ ના કર્યાં !
નિરૂપા રોયે લગભગ ૫૦ વર્ષ સુધી ૨૫૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો. એમના અવસાન પહેલાં ફિલ્મફેર તરફ્થી તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો એવોર્ડ એનાયત થયો હતો. આ એવોર્ડ ફિલ્મ ‘મુનીમજી’માં કરેલા અભિનયના સંદર્ભમાં હતો. તે પછી ૧૯૬૨માં બનેલી ફિલ્મ ‘છાયા’માં પણ શ્રેષ્ઠ અભિનય બદલ ફિલ્મફેરનો પણ સર્વોપરી એક્ટ્રેસ તરીકેનો એવોર્ડ એનાયત થયો. ૧૯૬૫માં ફ્રી એક વાર ફિલ્મ ‘શેહનાઈ’માં શ્રેષ્ઠ અભિનય બદલ ફિલ્મફેર બેસ્ટ સર્વોપરી એક્ટ્રેેસનો એવોર્ડ એનાયત થયો. ૨૦૦૪માં તેમને ફિલ્મફેર લાઇફ્ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો.
નિરૂપા રોય ગુજરાતી મહિલા હતાં. એમનો જન્મ તા. ૪ જાન્યુઆરી, ૧૯૩૧ના રોજ વલસાડમાં થયો હતો. તેમનું મૂળ નામ કોકિલા કિશોરચંદ્ર બલસારા હતું. તેમણે કમલ રોય સાથે લગ્ન કર્યાં હતાં. કારકિર્દીની શરૂઆત તેમણે એમના સમયની ફિલ્મમાં હીરોઇન તરીકે કરી હતી. એમના સમયની ફિલ્મોમાં તેઓએ કરેલાં સંવેદનશીલ અભિનયના કારણે તેઓ ‘ક્વીન ઓફ મિઝરી’, ‘ટ્રેજેડી ક્વીન’ અને ‘મધર’ તરીકે જાણીતાં બન્યાં હતાં. તેઓ ૧૯૫૬થી ૧૯૯૯ સુધી સક્રિય રહ્યાં.
નિરૂપા રોયનું કમલ રોય સાથે બહુ નાની વયમાં લગ્ન થયું હતું. લગ્ન બાદ તેઓ મુંબઈ સ્થાયી થયાં હતાં. બન્યું એવું કે ૧૯૪૬માં ગુજરાતના એક અખબારમાં મુંબઈમાં બનનાર એક ફિલ્મ માટેની વિજ્ઞાપન પ્રાપ્ત થઈ હતી. તેમાં નવા કલાકારો તરફ્થી અરજીઓ મગાવવામાં આવી હતી. નિરૂપા રોયે તેમના પતિની મંજૂરીથી અરજી કરી. જેઓ ઇન્ટરવ્યૂ આપવા મુંબઈ ગયાં અને પસંદગી પામ્યાં. તેમણે ગુજરાતી ભાષામાં બની રહેલી ‘રાણકદેવી’ નામની ફિલ્મમાં અભિનય કરીને કારકિર્દીનો આરંભ કર્યો.
એ પછી તેમને ‘અમરરાજ’ નામની હિન્દી ફિલ્મ માટે પણ પસંદ કરવામાં આવ્યાં. લોકોને તેમનો અભિનય પસંદ આવ્યો. તે પછી ૧૯૫૬માં તેમણે ‘દો બીઘા જમીન’ ફિલ્મના રોલ કર્યો. જોકે મોટે ભાગે તેમણે ૧૯૪૦થી ૧૯૫૦ સુધી તો માઇથોલોજિકલ ફિલ્મોમાં ‘દેવી’ તરીકેનો રોલ વધુ કર્યો. તેઓ હિન્દુ દેવી તરીકેના રોલમાં પ્રેક્ષકોને વધુ પસંદ આવ્યાં. દેવીમાતા તરીકે તેઓ એટલાં તો લોકપ્રિય બન્યાં હતાં કે લોકો તેમના ઘેર નિરૂપા રોયના આશીર્વાદ માગતા. એ વખતે તેમના સહઅભિનેતા ત્રિલોક કપૂર હતા. ત્રિલોક કપૂર સાથે તેમણે ૧૮ ફિલ્મોમાં કામ કર્યું. અન્ય સહ અભિનેતાઓમાં ભારત ભૂષણ, બલરામ સહાની અને અશોક કુમાર હતા.
૧૯૭૦ના સમયગાળામાં ફિલ્મ ‘દીવાર’માં તેઓ અમિતાભ બચ્ચનનાં માતા બન્યાં. તેમણે મોટે ભાગે દુઃખિયારી માના રોલ વધુ કર્યા તેથી તેઓ ‘ક્વીન ઓફ મિઝરી’ કહેવાયાં.
કમલ રોય સાથે લગ્ન કર્યા બાદ તેઓ બે સંતાનોનાં માતા બન્યાં. એકનું નામ યોગેશ અને બીજાનું નામ કિરણ રોય. તેમના અવસાન બાદ તેમની પ્રોપર્ટીમાં વિવાદ પણ થયો. એ વિવાદ અખબારો અને સામયિકોમાં પણ બહુ ચર્ચાયો.
દેવ આનંદથી માંડીને અભિતાભ બચ્ચનના મા તરીકેનો નિરૂપા રોયનો અભિનય હિન્દી ફિલ્મજગતમાં આજે પણ એક સીમાચિહન છે. નોંધપાત્ર વાત એ છે કે નિરૂપા રોય એક જ એવા અભિનેત્રી છે કે જેમણે એક ફિલ્મમાં એક્ટર ધર્મેન્દ્રનાં માતા તરીકેનો રોલ કર્યો અને બીજી ફિલ્મમાં ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલની માતા તરીકેનો પણ રોલ કર્યો.
બીજી નોંધપાત્ર વાત એ છે કે ૧૯૫૫માં નિરૂપા રોય એક ફિલ્મમાં દેવ આનંદની માતા તરીકે રોલ કર્યો ત્યારે હકીકતમાં દેવ આનંદ નિરૂપા રોય કરતાં આઠ વર્ષ નાના હતા. પોતાની ૬૦ વર્ષીય કારકિર્દી દરમિયાન ૨૫૦ જેટલી ફિલ્મોમાં કામ કરનાર નિરૂપા રોયનું નામ હિન્દી ફિલ્મજગતમાં હંમેશાં આદરપૂર્વક લેવાયું.
નિરૂપા રોય એમના જમાનાના અભિનેત્રી શ્યામાની ખૂબ નજીકના સખી હતાં.
તેમની જાણીતી ફિલ્મો (૧) અમરરાજ (૧૯૮૬), (૨) ઉધાર (૧૯૮૯), (૩) રામજન્મ (૧૯૫૧), (૪) દો વીઘા જમીન (૧૯૫૬), (૫) દુર્ગાપૂજા (૧૯૫૫), (૬) ગરમ કોટ (૧૯૫૫), (૭) મુનીમજી (૧૯૫૫), (૮) ટાંગાવાલી (૧૯૫૫), (૯) મોહિની (૧૯૫૭), (૧૦) મુસાફીર (૧૯૫૭), (૧૧) ચાલબાઝ (૧૯૫૮), (૧૨) દુલ્હન (૧૯૫૮), (૧૩) આંચલ (૧૯૬૦), (૧૪) છાયા (૧૯૬૧), (૧૫) બેલૂસ્તાન (૧૯૬૨), (૧૬) કૌન અપના કૌન પરાયા (૧૯૬૩), (૧૭) મુઝે જીને દો (૧૯૬૬), (૧૮) ગૃહસ્થી (૧૯૬૬), (૧૮) બેનઝીર (૧૯૬૯), (૨૦) શેહનાઈ (૧૯૬૪), (૨૧) ફૂલો કી સેજ (૧૯૬૪),  (૨૨) રામ ર શ્યામ (૧૯૬૭), (૨૩) જાલ (૧૯૬૭), (૨૪) આબરૂ (૧૯૬૮), (૨૫) રાજા ર રંક (૧૯૬૮), (૨૬) આંસુ બન ગયે ફૂલ (૧૯૬૯), (૨૭) પ્યાર કા મૌસમ (૧૯૬૯), (૨૮) મા ર મમતા (૧૯૭૦), (૨૯) ઘર ઘર કી કહાની (૧૯૭૦), (૩૦) પૂરબ ર પશ્ચિમ (૧૯૭૦), (૩૧) ગંગા તૈરા પાની અમૃત (૧૯૭૧), (૩૨) જવાની દીવાની (૧૯૭૨), (૩૩) દીવાર (૧૯૭૫), (૩૪) મા (૧૯૭૬), (૩૫) અમર અકબર એન્થની (૧૯૭૦), (૩૬) સુહાગ (૧૯૭૯), (૩૭) ગિરફ્તાર (૧૯૮૫), (૩૮) મર્દ (૧૯૮૩), (૩૯) અંગારે (૧૯૮૬), (૪૦) ગંગા જમના સરસ્વતી (૧૯૮૮), (૪૧) ઇન્તેકામ (૧૯૮૮), (૪૨) આંસુ બને અંગારે (૧૯૯૩), (૪૩) નમક (૧૯૯૬), (૪૪) જહા તુમ સે ચલો (૧૯૯૮), (૪૫) લાલ બાદશાહ (૧૯૯૯)નો સમાવેશ થાય છે.
તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૦૪ના રોજ નિરૂપા રોયનું મુંબઈ ખાતે અવસાન થયું.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!