Close

કરોડો લોકોને મંત્રમુગ્ધ કરનાર અમીન સયાનીનું સન્માન ગુજરાતે કદી ના કર્યું

કભી કભી | Comments Off on કરોડો લોકોને મંત્રમુગ્ધ કરનાર અમીન સયાનીનું સન્માન ગુજરાતે કદી ના કર્યું
યાદ કરો એ જમાનાને જ્યારે દર બુધવારે રાત્રે ૯ વાગે રેડિયો સિલોન પરથી પ્રસારિત થતી ‘બિનાકા ગીતમાલા’ની શરૂઆત આ રીતે થતી. ‘ભાઈઓ ઔર બહેનો, યે રેડિયો સિલોન હૈ ઔર મેં હું આપકા દોસ્ત અમીન સયાની. બિનાકા ગીતમાલા લેકર મૈં હાજર હું. ધ્યાન લગાકર સુનિયે!’
આ કાર્યક્રમ રેડિયો ઉદ્ઘોષક અમીન સયાનીને દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ એટલી બીજા કોઈ રેડિયો એનાઉન્સરને થઈ નથી. અમીન સયાનીએ બિનાકા ગીતમાલાનું સંચાલન ૧૯૫૧થી શરૂ કર્યું હતું. જે લગભગ ૪૩ વર્ષ સુધી ચાલ્યું. એમણે બધા મળીને ૫૪,૦૦૦ જેટલા રેડિયો કાર્યક્રમો કર્યા. ૧૯૦૦૦ જેટલા જિંગલ્સ કર્યા. આજે પણ કેટલાક લોકો તેમની બોલવાની શૈલીની નકલ કરે છે.
ઇતિહાસ એવો છે કે એક સમયે રેડિયો સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યો હતો એ વખતના કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી બી. કે. કેસકરે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી શાસ્ત્ર્રીયસંગીત આધારિત ગીતોને વધુ પ્રસારીત કરવા હિન્દી ફિલ્મોનાં ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એમાંથી જ ‘રેડિયો સિલોન’નો જન્મ થયો. શ્રીલંકાએ તેમના દેશમાં એક શક્તિશાળી ટ્રાન્સમીટર લગાડીને હિન્દી ફિલ્મોનાં ગીતો પ્રસારિત કરવા માડયાં અને રેડિયો સિલોન ભારતમાં લોકપ્રિય બની ગયો. અમીન સયાની રેડિયો સિલોન પર એનાઉન્સર કેવી રીતે બન્યા તે પણ જાણવા જેવું છે.
અમીન સયાનીના મોટા ભાઈ હમીદ સયાની રેડિયો સિલોનના પ્રોગ્રામ ડાયરેક્ટર હતા. એ વખતે અમીન સયાની મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા અને મુંબઈમાં મોટાભાઈની ઓફ્સિે ધક્કા ખાધા કરતા. એક દિવસ રેડિયો સિલોનને ‘ફૂલવારી’ કાર્યક્રમના એનાઉન્સર આવ્યા નહીં અને નવરા રખડતા યુવાન અમીન સયાનીને એ કામ માટે બોલાવી લેવાયા. તેમની બોલવાની શૈલી જોઈ કાર્યક્રમના પ્રોડયૂસર ખુશ થઈ ગયા. અમીતે પછી દર અઠવાડિયે અમીન સયાનીને તે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બોલાવી લેવાયા. રેડિયો સિલોનના કાર્યક્રમો મુંબઈમાં રેકોર્ડ થતા હતા. તે પછી ‘બિનાકા ગીતમાલા’ શરૂ થઈ અને એ કાર્યક્રમોની સક્રિય તૈયારી કરવાથી માંડીને એનાઉન્સર તરીકેની કામગીરી પણ તેમને જ સોંપવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત થયા બાદ એ જમાનામાં ગીતોની ફ્રમાઈશ માટે તેમને ૬૦,૦૦૦થી વધુ પત્રો મળતા. એક વાર કોઈએ તેમને પૂછયું હતું, ‘અમીનસાહેબ, આપ કી આવાજ વાત ઇતની સુંદર હૈ. આપ કૌનસી ચક્કી કા આટા ખાતે હો?’
અમીન સયાનીએ બિનાકા ગીતમાલાના કાર્યક્રમમાં જ જવાબ આપ્યો હતો : ‘અરે ભાઈ, મૈં હિન્દુસ્તાન કી ચક્કી કા હી આટા ખાતા હું.’
અમીન સયાનીનો જન્મ તા. ૨૧ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ આમ તો મુંબઈમાં થયો હતો, પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે તેમના વડવાઓ મૂળ કચ્છ-ગુજરાતના હતા. જેઓ  આર્થિક ઉપાર્જન માટે કચ્છથી મુંબઈ ગયા હતા. તેમના પિતા ડોક્ટર અને અત્યંત ધાર્મિક વૃત્તિના માણસ હતા. ગરીબ દર્દીઓ પાસેથી કોઈ ફી લેતા નહોતા.
અમીન સયાની સિંધિયા સ્કૂલમાં અને તે પછી મુંબઈ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા હતા.
તેમની કારકિર્દીની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડિયોથી કરી હતી, તેમના ભાઈ હમીદ સયાની તેમને ઓલ ઇન્ડિયા રેડિયોમાં લઈ ગયા હતા. દસ વર્ષ સુધી તેમણે અંગ્રેજી કાર્યક્રમોના પ્રસારણમાં હિસ્સો લીધો હતો. પાછળથી તેમણે જ ઓલ ઇન્ડિયા રેડિયોને ભારતમાં લોકપ્રિય કરવાનું કામ કર્યું હતું. અમીન સયાની આ ‘ભૂત બંગલા’, ‘તીન દેવિયાં’, ‘બોક્સર’ અને ‘કત્લ’ જેવી ફિલ્મોમાં પણ હિસ્સો લીધો હતો. આ બધી ફિલ્મોમાં તેમણે કોઈ ને કોઈ કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકેનો જ રોલ કર્યો હતો.
બિનાકા ગીતમાલાની લોકપ્રિયતાના કારણે રાજ કપૂર, મધુબાલા, મીના કુમારી, દિલીપકુમાર, શ્યામાથી માંડીને સુધા મલ્હોત્રા જેવી પાર્શ્વગાયિકા સાથે પણ તેમને ઘરોબો હતો. અને બધાની સાથે રેકોર્ડ કરેલી વાતો પણ તેઓ તેમના કાર્યક્રમમાં અને કલાકારોના અવાજોમાં રજૂ કરતા હતા.
૧૯૬૦ના જમાનાની ફિલ્મ ‘દિલ દે કે દેખો’ના સંગીત નિર્દેશક ઉષા ખન્નાએ તેમને જણાવ્યું હતું કે, ‘હું તો પાર્શ્વગાયિકા બનવા ગઈ હતી, પરંતુ ફિલ્મના નિર્દેશક, નિર્માતાએ મને સંગીતકાર બનાવી દીધી.’
અત્રે નોંધવું જરૂરી છે કે અમીન સયાનીનાં માતા કુલસુમ સયાની મહાત્મા ગાંધીજીની ઇચ્છાના કારણે એક પખવાડિક બહાર પાડતા હતા. તે સાક્ષરતા અભિયાનનું કામ કરતું હતું. અમીન સયાની શરૂઆતમાં તેમનાં માતાને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા હતા. આ પખવાડિકનું નામ ‘રાહબર’ હતું જે ૧૯૪૦થી ૧૯૬૦ સુધી પ્રગટ થતું રહ્યું. આ પખવાડિક હિન્દી, ઉર્દૂ અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં પ્રગટ થતું હતું. પરંતુ ગાંધીજીએ તેને સરળ હિન્દુસ્તાની બનાવી દેવાની પ્રેરણા આપી હતી. એ જ ભાષાઓના જ્ઞાને અમીન સયાનીને વિવિધ રેડિયો કાર્યક્રમોના પ્રસારણ માટે મદદ કરી. ૨૦૦૭માં હિન્દી ભવન દ્વારા ‘હિન્દી રત્ન’ એવોર્ડ પણ મળ્યો.
બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે તેમણે ૧૯૬૦થી ૬૨ના સમયગાળામાં તાતા ઓઇલ મિલ્સ લિ.ના બ્રાન્ડ એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું. એ વખતે એ ‘હમામ’ અને ‘જય’ સાબુ લોકપ્રિય હતા.
તે પછી તેઓ રેડિયો એનાઉન્સર બન્યા ને આજે પણ લોકહૃદયમાં અભૂતપૂર્વ લોકચાહના ધરાવે છે. કહેવાય છે કે અમીન સયાનીનો પહેલો રેડિયો કાર્યક્રમ ‘ગીતમાલા’ રેડિયો સિલોન પરથી પ્રસારિત થયો ત્યારે આખા દેશમાંથી ૯,૦૦૦ પ્રશિસ્તપત્રો આવ્યા હતા. તે પછી તેઓ ઘરઘરમાં જાણીતા બની ગયા. તે પછી તો એ બીજા હજારોમાં થઈ ગયા હતા. અમીન સયાનીએ જે રેડિયો કાર્યક્રમ પ્રોડયૂસ કર્યા તેમાં ‘બિનાકા ગીતમાલા’ સૌથી વધુ જાણીતી છે જે પાછળથી સિબાકા ગીતમાલા તરીકે પ્રચલિત થઈ. પાછળથી તેમના કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડિયોના ‘વિવિધ ભારતી’ સ્ટેશન પરથી દેશમાં પ્રસારિત થયા.
એ વખતથી એમની કારકિર્દી ૪૩નો સમયગાળો ધરાવે છે, પરંતુ ચાર વર્ષના અંતરાલ બાદ વિવિધ ભારતી સિબાકા ગીતમાલા કાર્યક્રમ તરીકે પુનર્જીવિત થઈને તેના કેટલાંક વર્ષો બાદ ઓલ ઇન્ડિયા રેડિયો અને વિવિધ ભારતી પર ફિલ્મી મુકદ્દમા અને ફિલ્મી મુલાકાતો પ્રસારિત થઈ તે સાત વર્ષ સુધી ચાલી. ત્યારપછી તેમણે આકાશવાણી માટે કેટલીક પ્રોડક્ટ્સ માટે વિવિધ પ્રયોજન કાર્યક્રમો પ્રસારિત કર્યા તે ચાર વર્ષ ચાલ્યાં.
આઠ વર્ષ સુધી તેમણે એક કોન્ટેસ્ટ પણ પ્રસારિત કરી. સાત વર્ષ સુધી સુપરમેન જોડી અને ૧૯ વર્ષ સુધી મરાઠા દરબાર શોઝ જેવા સિતારોં કી પસંદ, ચમકતે સિતારે અને મહેકતી બાતે જેવા કાર્યક્રમો પ્રસારિત કર્યા. સંગીત કે સિતારોં કી મહેફ્લિ પણ તેમનો કાર્યક્રમ રહ્યો.
અમીન સયાનીએ એચઆઇવી-એઇડ્સ દર્દીઓના કે સંદર્ભમાં ૧૩ એપિસોડની રેડિયો શ્રેણીનું પણ સંચાલન કર્યું. આ માટે તેમણે નિષ્ણાત તબીબો કામ કરતા સામાજિક કાર્યકર્તાઓના ઇન્ટરવ્યૂ લઈ તે પ્રસારિત કર્યા. બીબીસી વર્લ્ડર્સિવસ રેડિયો માટે તેમણે ‘મ્યુઝિક ફેર ધી મિલિયન્સ’ના શીર્ષક હેઠળ છ એપિસોડ બ્રોડકાસ્ટ કર્યા. યુનાઇટેડ અમિરાટ્સ માટે તેમના રેડિયો સ્ટેશનથી ચાર વર્ષ સુધી ‘ગીતમાલા કી યાદે’ કાર્યક્રમ બ્રોડકાસ્ટ કર્યો. ટોરેન્ટો, હ્યુસ્ટન, વોશિંગ્ટન, બોસ્ટન અને સાન ફ્રાન્સિસ્કોની વિવિધ રેડિયો ચેનલ્સ પર ‘હંગામે’ રેડિયો કાર્યક્રમ પ્રસારિત કર્યો. અમીન સયાનીને ૧૯૯૧માં ઇન્ડિયન સોસાયટી ઓફ એડ્વર્ટાઇઝર્સ તરફ્થી ગોલ્ડમેડલ એનાયત થયો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ઓનર્સ ઓફ કોમર્સ એન્ડ  ઇન્ડસ્ટ્રી (ફ્ક્કિી) તરફ્થી ‘લિવિંગ લેજન્ડ એવોર્ડ’ એનાયત થયો. ૨૦૦૯માં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા તેમને ‘પદ્મ શ્રી’ એવોર્ડ એનાયત થયો.
અમીન સયાનીના પિતાનું નામ મોહમંદ સયાની અને માતાનું નામ કુલસુમ સયાની હતું. પત્નીનું નામ રમા અને પુત્રનું નામ રાજલ સયાની છે. તેમનાં માતા એક સામાજિક કાર્યક્રતા અને એક કાશ્મીરી પંડિતનાં પુત્રી હતાં.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમીન સયાનીએ કહ્યું હતું કે, ‘૧૯૪૮માં જ્યારે મહાત્મા ગાંધીજીનું આવસાન થયું ત્યારે હું બિલકુલ ભાંગી પડયો હતો, કારણ કે તેઓ મારા પરિવારથી ખૂબ નજીક હતા. એ વખતે મેં મારી જાતને કહ્યું હતું કે, હવે હું નવા ભારતનો નવો યુવાન છું અને હવે હું હિન્દી બ્રોડકાસ્ટર બનીશ.’
એક પ્રસંગ જાણવા જેવો છે. ૧૯૬૦ના ગાળામાં એક યુવાન તેમની ઓફ્સિમાં ઓડિશન માટે આવ્યો. તેઓ કામમાં અત્યંત વ્યસ્ત હોઈ તેને મળી શક્યા નહીં. એ યુવાન વ્યક્તિ બીજી કોઈ નહીં, પરંતુ અમિતાભ બચ્ચન હતા. ઘણાં વર્ષો બાદ એક જાહેર કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનની હાજરીમાં અમીન સયાની બોલ્યા હતા : ‘સારું થયું કે, મારી સમયવ્યસ્તતાને કારણે ઓડિશન માટે આવેલા અમિતાભ બચ્ચન સાહેબને ના મળી શક્યો અને તેઓ રેડિયો એનાઉન્સર ના થયા. તેઓ રેડિયો એનાઉન્સર થયા હોત તો દેશના ફિલ્મ જગતને બચ્ચન સાહેબ જેવા મહાનાયક ના મળ્યા હોત.’
ગુજરાતી મૂળના અમીન સયાનીને ગુજરાતે, ગુજરાતની જનતાએ કે ગુજરાતની સંસ્થાઓએ યાદ કરવા જોઈએ. આજે ૮૮ વર્ષની વયે પણ તેઓ મુંબઈમાં સ્વસ્થ અને તંદુરસ્ત જીવન ગાળે છે..
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!