Close

કવિ દલપતરામે ફોર્બસને ગુજરાતી લખતાં શીખવ્યું

કભી કભી | Comments Off on કવિ દલપતરામે ફોર્બસને ગુજરાતી લખતાં શીખવ્યું

એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ ગુજરાતી સાહિત્યના ચાહક એવા અને બ્રિટિશ વહીવટકર્તા હતા. તેઓ ફાર્બસ સાહેબ તરીકે જાણીતા  હતા.

તેમનો જન્મ લંડનનમાં જુલાઇ,  ૧૮૨૧માં થયો હતો. તેમનું  શાળાકીય શિક્ષણ ફિંચલે ખાતે થયું. તેમણે સ્થપતિને ત્યાં તાલીમ મેળવી હતી, પરંતુ તેઓ હેઇલબરી ખાતે કોલેજમાં જોડાયા અને સર ચાર્લ્સ ફાર્બસ વડે બોમ્બે સિવિલ સવર્સિ માટે ૧૮૪૦માં પસંદગી પામ્યા. તેઓ નવેમ્બર, ૧૮૪૩માં મુંબઇ,  ભારત આવ્યા.

તેમણે શરૂઆતના અઢી વર્ષ અહમદનગર અને ખાન દેશના સહાયક કલેક્ટર તરીકે ગાળ્યા  હતા. ત્યાર બાદ નવેમ્બર, ૧૮૪૬માં તેમની નિમણૂક અમદાવાદમાં સહાયક  ન્યાયાધીશ તરીકે થઇ હતી જ્યાં તેમણે સમાજમાં સાહિત્ય પ્રત્યે વિમુખતા અને ગેરહાજરી જોઇ. તેમણે ગુજરાતમાં માર્ચ, ૧૮૫૪ સુધી તેમના વતન પરત ગયા ત્યાં સુધી વિવિધ કચેરીઓમાં કાર્ય કર્યું જેમાં અમદાવાદના પ્રથમ-સહાયક કલેક્ટર અને મહી કાંઠાના પોલિટિકલ એજન્ટનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન તેમણે વિવિધ માહિતી ભેગી કરી જે તેમણે રાસમાળા તરીકે પ્રકાશિત કરી હતી. તેઓ ૧૮૫૪માં ઇંગ્લેન્ડ પાછા ફર્યા અને ૧૮૫૬ના અંતમાં ભારત પાછા ફર્યા. તેઓ સુરતમાં સહાયક ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા અને ૧૮૫૮માં તેમની એ જ પદ માટે ખાન દેશમાં નિમણૂક થઇ. તેઓ ગુજરાતમાં નિમણૂક પામવા ઇચ્છતા હતા. તેથી તેમણે કાઠિવાયાડના ખાલી પડેલા પોલિટિકલ એજન્ટના પદ માટે અરજી કરી જે નકારવામાં આવી, પરંતુ સપ્ટેમ્બર, ૧૮૫૯માં  તેમની નિમણૂક થઇ. માર્ચ, ૧૮૬૦ પછી તેઓ કાર્યકારી ન્યાયાધીશ તરીકે સુરત પરત ફર્યા. માર્ચ,  ૧૮૬૧માં તેઓ સરકારના સેક્રેટરી તરીકે નિમણૂક પામ્યા. તેમણે ઓગસ્ટ, ૧૮૬૨માં સદર કોર્ટમાં પદ સ્વીકાર્યું અને બોમ્બે હાઇકોર્ટમાં તેઓ ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા. જે તેઓ તેમના મૃત્યુ સુધી પદ પર રહ્યા. તેઓ યુનિવર્સિટીના માનદ્ વાઇસ ચાન્સેલર પણ રહ્યા હતા.

સાહિત્ય

૧૮૪૮માં તેઓ કવિ દલપતરામને મળ્યા જેમણે તેમને ગુજરાતીમાં લખતાં શીખવ્યું, જ્યારે ફાર્બસે દલપતરામને ગુજરાતીમાં સર્જન કરવાનું ઉત્તેજન આપ્યું. તેઓ ગાઢ મિત્રો બન્યા. તેમણે દલપતરામને ૧૮૪૯માં પ્રકાશિત પ્રથમ ગુજરાતી નાટક ‘લક્ષ્મી’ નાટક લખવાની પ્રેરણા આપી હતી, જે ગ્રીક નાટક પ્લુટુસ પર આધારિત હતું.

૨૬ ડિસેમ્બર, ૧૮૪૮ના રોજ  અમદાવાદમાં તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. જેના વડે ગુજરાતી ભાષામાં સાહિત્યના વિકાસને વેગ મળ્યો. રૂપિયા ૯,૬૦૧નો ફાળો સ્થાનિક લોકો, બરોડા રાજ્ય અને બ્રિટિશ અધિકારીઓ દ્વારા ભેગો કરવામાં આવ્યો હતો. સોસાયટીએ ગુજરાતમાં પ્રથમ જાહેર પુસ્તકાલય, પ્રથમ કન્યા શાળા, પ્રથમ સામયિક, પ્રથમ સમાચારપત્ર અને પ્રથમ સાહિત્યના સામયિકની શરૂઆત કરી હતી. તેમણે ૧૮૫૦માં સુરતમાં એન્ડ્રુ પુસ્તકાલયની અને ૧૮૬૫માં મુંબઇમાં ગુજરાતી સભાની સ્થાપના કરી હતી. ગુજરાત વિદ્યાસભા પાછળથી ફાર્બસ ગુજરાતી વિદ્યાસભા તરીકે તેમના નામ પરથી નામકરણ કરવામાં આવ્યું હતું. ૧૮૫૨માં તેમણે ઇડરમાં ગુજરાતી કવિઓનું સંમેલન ગોઠવ્યું હતું. દલપતરામનું ફાર્બસવિલાસ આ સંમેલનનું વર્ણન કરે છે. તેમણે ગુજરાતના ઇતિહાસના સંશોધન માટે ઘણાં જૈન પુસ્તકાલયોની મુલાકાત લીધી હતી. ૧૮૫૬માં તેમણે રાસમાળા પ્રકાશિત કર્યું હતું. જે ૮મી સદીથી બ્રિટિશરોના આગમન તેમજ ગુજરાતી લોકસાહિત્યનું વર્ણન બે ભાગમાં કરે છે. તેનું ગુજરાતી ભાષાંતર રણછોડલાલ ઉદયરામ દવે વડે ૧૮૬૯માં કરવામાં આવ્યું હતું.

સાદરામાં લોકોએ તેમના નામે ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરી છે. ટૂંકી માંદગી પછી ૩૧ ઓગસ્ટ, ૧૮૬૫ના રોજ માત્ર ૪૪ વર્ષની વયે પૂણે ખાતે તેમનું અવસાન થયું હતું. દલપતરામે તેમની યાદમાં ગુજરાતી કલ્પાંત સંગ્રહ ફાર્બસ વિરહનું સર્જન કર્યું હતું. ફાર્બસ સાહેબે સ્થાપેલી સંસ્થા હવે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે.

ફાર્બસ સાહેબ ઉપરાંત પશ્ચિમના દેશોના કેટલાક બીજા એવા વિદ્વાનો પણ હતા જેમણે પૂર્વની ભાષાઓમાં વિશેષ રુચિ દાખવી હતી.

હિન્દી ભાષાના બીજા એક અચ્છા જાણકાર ફ્રેડરિક પિંકાટ હતા. તેઓ ઇંગ્લેન્ડની ડબલ્યુ.એચ. એલનની પુસ્તક પ્રકાશન કંપનીના મેનેજર હતા. તેમણે સંસ્કૃતનો અભ્યાસ ખાનગી રીતે કર્યો હતો. તે પછી ઉર્દૂ ભાષા પણ શીખ્યા. બાદમાં  ગુજરાતી, બંગાળી, તામિલ, તેલુગુ, મલયાલમ ભાષા તરફ વળ્યા.

ઇ.સ. ૧૮૫૪માં ભારતમાં જન્મેલા અને ભારતમાં જ ભણેલા પ્રોફેસર મેકડોનાલ્ડ પણ ‘મુગ્ધાનલ આચાર્ય’ તરીકે જાણીતા બન્યા હતા. જર્મનીની ગાટિંજન અને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઊંચો હોદ્દો ધરાવનાર પ્રોફેસર મેક્ડોનાલ્ડ ભારતીય વેદોના બહુ મોટા વિદ્વાન હતા. મેક્સમુલર પાસેથી તેમણે વેદોનું જ્ઞા।ન મેળવ્યું હતું. ભારતના એ સમયના  વિદ્વાનોને મળવા જ  તેઓ ભારત આવ્યા હતા.

એ જ રીતે પ્રો. ઇ. જી. બ્રાઉનનું નામ પણ એ જમાનામાં ફારસી અને આરબી ભાષાના વિદ્વાન તરીકે જાણીતું હતું. આમ તો તેઓ એક તબીબ હતા, પરંતુ તબીબીનો વ્યવસાય બરાબર ન ચાલતાં તેમને પૂર્વની ભાષાઓ શીખવાની તાલાવેલી થઇ હતી. તેઓ ઇરાનની મુલાકાતે ગયા હતા. ફારસી ભાષાના વિદ્વાન તરીકે તેઓ નામના પામ્યા હતા.

સર વિલિયમ જોન્સ પછી તરત જ તે સમયના પૂર્વની ભાષાઓના જાણકાર હતા લોર્ડ ટેનમાઉથ. તેમણે ઉર્દૂમાં કેટલીક પંક્તિઓ લખી કેટલાક મોલવીઓને સંભળાવી હતી.

પૂર્વની ભાષાઓના પ્રેમી તરીકે ઓટો રોથફિલ્ડનું નામ આવે છે. ભારતમાં તેઓ ખાન દેશના કલેક્ટર હતા. તેમણે ફારસી ભાષા શીખી લઇ તે અંગેની અઘરી પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. તેઓ સડસડાટ ફારસી ભાષા  બોલી-વાંચી શકતા હતા. એ જ રીતે તેઓ  ગુજરાતી ભાષા પણ શીખી ગયા  હતા. આ અંગ્રેજ કલેક્ટર ગુજરાતીમાં બોલી શકતા હતા. તેમણે ભારતીય સ્ત્રીઓ અંગે એક અતિ રસિક લેખ પણ બ્રિટિશ ઇન્ડિયામાં લખ્યો છે. પૂર્વની ભાષાઓના વિકાસ માટે તેમણે અમલનેર ખાતે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફિલોસોફી’ નામની સંસ્થા શરૂ કરાવી હતી.

ઓટો રોથફિલ્ડ બ્રિટિશ ઇન્ડિયામાં જ્યારે કોલાબા જિલ્લાના કલેક્ટર હતા ત્યારે એક વખત ડિસ્ટ્રિક્ટમાં ઘોડા પર બેસી ગામોની મુલાકાત લેવા નીકળ્યા હતા. જિલ્લાના એક ગામમાં એક ઘરની દીવાલ પર હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રો જોઇ તેઓ થંભી ગયા હતા. અંગ્રેજ કલેક્ટરને જોઇ  લોકો ભેગા થઇ ગયા. કલેક્ટર ઓટો  રોથફિલ્ડે લોકોને પૂછયું, ”ચિત્રો કોણે દોર્યાં છે?” લોકો ગભરાઇ ગયા. ગામડાંના લોકોને લાગ્યું કે સાહેબ ગુસ્સે થઇ ગયા છે અને હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રો દોરનારને શિક્ષા કરવા માગે છે. તેમ સમજી લોકો મૌન રહ્યા. કેટલીક સમજાવટ બાદ ૧૪ વર્ષના છોકરાને રજૂ કરતાં  લોકો બોલ્યા : ”સાહેબ, આ છોકરાએ માત્ર આનંદ ખાતર આ ચિત્રો દોર્યાં છે.”

ગામ લોકો વિચારતા હતા તેથી કાંઇ ઊલટું જ થયું. કલેક્ટર ઓટો રોથફિલ્ડે કહ્યું : ”બોય ! તારામાં ચિત્રો દોરવાની  સારી આવડત છે. તું કાલે મારા નિવાસસ્થાને આવજે. હું તારા માટે ચિત્રકામમાં વધુ કૌશલ્ય પ્રાપ્ત કરવાની વ્યવસ્થા કરી આપીશ. તું અહીં આ ગામડાંમાં પડી રહે તે બરાબર નથી.”

એ પછી અંગ્રેજ કલેક્ટર ઓટો રોથફિલ્ડે બાળકને મુંબઇની આર્ટ સ્કૂલમાં મૂક્યો અને પોતાના તરફથી સ્કોલરશિપ પણ આપી. આગળ જતાં તે બાળક મોટો થઇને આજથી ૧૦૦ વર્ષ પૂર્વે એક ખ્યાતનામ શિલ્પી થયો. તે શિલ્પકારનું નામ : કરમાકર. કરમાકરને અનેક એવોર્ડ્સ અને પ્રમાણપત્રો મળ્યાં. બ્રિટિશ ઇન્ડિયામાં કેટલાક અંગ્રેજો આવા પણ હતા.

  • દેવેન્દ્ર પટેલ

http://www.devendrapatel.in

 

Be Sociable, Share!