Close

કહાં રહતે હો પ્રભુ, કહાં રહતે હો યે તુમ બતાવો

કભી કભી | Comments Off on કહાં રહતે હો પ્રભુ, કહાં રહતે હો યે તુમ બતાવો

આ એક એવો આશ્રમ છે જ્યાં પગ મૂકતાં જ હૃદય ચીરાઈ જાય છે, વલોપાત થઈ જાય છે,  આંખમાં આંસુ આવી જાય છે, જીભ સીવાઈ જાય છે, ડૂમો ભરાઈ આવે છે.

એક મંદબુદ્ધિની મહિલા કહે છે : ‘હું મહારાષ્ટ્રની છું. મને મારા દીકરા પાસે લઈ જાવ. હું ગમે ત્યાં પડી રહીશ. લોકોના ઘેર કામ કરીને પણ જીવી લઈશ !’

પણ હકીકત એ છે કે મહારાષ્ટ્રમાં રહેતો પુત્ર તેની મંદબુદ્ધિની માને સાથે રાખવા તૈયાર નથી. તેથી તે ગુજરાતની ભૂમી પર બાયડ પાસેના એક આશ્રમમાં પનાહ લઈ રહી છે.

લોકો મંદિરોમાં લાખો અને કરોડો રૂપિયાના દાન કરે છે. તેઓ તેમ ભલે કરે પરંતુ એકવાર મંદબુદ્ધિની મહિલાઓની વચ્ચે આવીને પણ ઈશ્વરને શોધવા જોઈએ અને પૂછવું જોઈએ : ‘કહાં રહેતો હો પ્રભુ ? કહાં રહેતો હો યે તુમ બતાવો, તુમ્હે ઢૂઢૂ કહાં, તુમ્હે ખોજું કહાં ? અધૂરા મેં તુમ્હારા બીના. કદમ કદમ મુઝે લગતા હૈ ઐસા યે કાંટે ભરી ડગર હૈ.

સંવેદનાનું એ સરનામું છે બાયડ પાસેનો જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા  ટ્રસ્ટ આશ્રમ.

થોડા વર્ષ પહેલાની વાત છે. સાંજનો સમય હતો. બાયડ બસ સ્ટેન્ડની પાસે એક ટોળું એકત્ર થયું હતું. અસ્થિર મગજની કોઈ મહિલા ઉપર એ ટોળું ક્રૂર બની પથ્થર વરસાવી રહ્યું હતું.  આ ટોળાનો કોલાહલ સાંભળી બસ સ્ટેન્ડ પાસે કટલરીની દુકાન ધરાવતા અશોકભાઈ જૈન ત્યાં દોડી આવ્યા. મંદબુદ્ધિ ધરાવતી મહિલાની દયનીય સ્થિતિ જોઈ તેમનું હૃદય દ્રવી ઊઠયું. તેઓએ ટોળાને વિખેર્યું. લોહી-લુહાણ મહિલાની સારવાર કરાવી અને એ દિવસથી મનમાં ગાંઠ વાળી કે આવી બિનવારસી મહિલાઓ કે જેનો કોઈ પરિવાર નથી, કોઈ સગું-વહાલું નથી, એવી અસ્થિર મગજની મહિલાઓની સેવા કરવી. અને આવી મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા. એ દિવસથી અશોકભાઈ જૈન, વિનુભાઈ  જે. પટેલ અને તેઓના પરગજુ મિત્રો જબ્બરસિંહ રાજપુરોહિત, વિશાલભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, મુકેશભાઈ લુહાર, પંકજભાઈ પટેલ અને બીજા મિત્રો સાથે મળી એક અભિયાન ઉપાડયું. મંદબુદ્ધિ ધરાવતી અનાથ કોઈ પણ મહિલા ક્યાંયથી પણ મળી આવે તો તેને પાલિતાણા ખાતે આવેલા મંદબુદ્ધિની વ્યક્તિઓ માટેના આશ્રમમાં પહોંચાડવાની તેઓ વ્યવસ્થા કરવા લાગ્યા.

સમય જતાં આસપાસના વિસ્તારમાંથી મળી આવતા અનાથ મંદબુદ્ધિની મહિલાઓને પાલિતાણા પહોંચાડવાની જગ્યાએ બાયડ ખાતે જ એવી મહિલાઓ માટે એક  આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. આશ્રમ સ્થાપવા માટે ભાડાની જગ્યા શોધી કાઢી. શરૂઆતમાં સાડા છ લાખ રૂપિયાનું દેવું કરી  આશ્રમ માટે પાયાની માળખાકીય સુવિધાઓ ઊભી કરી અને આખરે સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ જયઅંબે મંદબુદ્ધિ  મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડની સ્થાપના કરી. જેમાં સેવાભાવી ટ્રસ્ટીઓ કોઈ પણ જાતના સ્વાર્થ વગર પોતાની નિઃશુલ્ક સેવાઓ આપે છે.

મંદબુદ્ધિ ધરાવતી બિનવારસી દિવ્યાંગ બહેનો ફૂટપાથ ઉપર નરક સમાન, પશુ કરતાં પણ બદતર જિંદગી પસાર કરતી આપણે જોઈ શકીએ છીએ. ફૂટપાથ ઉપર આશ્રય લેતી આવી નિરાધાર અનેક મહિલાઓ હેવાનોની હવસનો શિકાર બનતા સમાચારો અવારનવાર અખબારમાં પ્રસિદ્ધ થતા રહે છે ત્યારે હૈયામાં એક ચીસ ઉઠે છે. શારીરિક શોષણના ભય સાથે દયનીય પરિસ્થિતિમાં જીવન વિતાવતી અનેક મહિલાઓ માટે જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ સુખનું સરનામું બન્યું છે.

ધનસુરા રેલવે ફાટક પાસેથી હાથમાં કીડા પડેલી હાલતમાં મળેલ બિનવારસી મંદબુદ્ધિના મહિલાની મિત્રો દ્વારા છ મહિના સુધી સેવા કરવામાં આવી. કઠલાલ બસ સ્ટેશનમાં જાહેર શૌચાલય પાછળ મળેલી એક યુવતી કે જેના પગમાં ગેંગરીન થયેલું હતું અને નિર્વસ્ત્ર પણ હતી. મંદબુદ્ધિની આ યુવતીનું  ટ્રસ્ટ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાવી પૂરતી કાળજી લેવામાં આવી. ડાકોર મંદિર વિસ્તારમાંથી હાથમાં કીડા પડેલ હાલતમાં મળેલી બિનવારસી મંદબુદ્ધિની મહિલાની ટ્રસ્ટના સભ્યો દ્વારા ચાર મહિના સુધી સારવાર કરી હિંમતનગર  આશ્રમમાં આશ્રય અપાવ્યો. સાઠંબા પાસે તલોદ પાટિયાની બાજુમાંથી પગમાં કીડા પડેલી  હાલતમાં મળેલી મંદબુદ્ધિની મહિલાના પગની સારવાર કરાવી આ જ આશ્રમમાં આશ્રય આપ્યો. આવા તો અનેક વ્યક્તિઓના જીવનમાં કાયાપલટ કરવા માટે આ સંસ્થા નિમિત્ત બની છે.

દોઢ વર્ષ પહેલાં ત્રણ બહેનોથી શરૂ થયેલ આ આશ્રમમાં આજે ૧૦૪ બહેનોએ આશ્રય લીધો છે. ૧૮થી ૮૦ વર્ષ વચ્ચેની ઉંમરની આ મહિલાઓ છે. ગુજરાતના કોઈ પણ ખૂણેથી આ સંસ્થાને સમાચાર મળે કે કોઈ અસ્થિર મગજની મહિલા કોઈ જગ્યાએ છે  તો આ સંસ્થાના સંચાલકો પોતાની કાર લઈ ત્યાં પહોંચી જાય છે અને એ મહિલાને આશ્રમમાં લાવે છે.

આ આશ્રમની બહેનોને તબીબી સારવાર માટે અહીંના સ્થાનિક હોસ્પિટલના જાણીતા ડોક્ટર મિનેશ ગાંધીનો સંપૂર્ણ સહયોગ સાંપડે છે. તેઓએ અત્યાર સુધી છ જેટલા ઓપરેશન નિઃશુલ્ક કરી આપ્યા છે. તદુપરાંત બાયડના ઝ્રઁઝ્રના ડોક્ટર જતીન દવે વાત્રક હોસ્પિટલ  અને હિંમતનગરની હેત હોસ્પિટલના ડોક્ટર ભાવિન શાહ પણ આ સેવાયજ્ઞામાં પોતાની આહુતિ આપી રહ્યા છે.

આશ્રમમાં રહેતી બહેનો માટે બે ટાઈમ ચા-નાસ્તો, સાત્ત્વિક ભોજન, મેડિકલ ચેકઅપની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મંદબુદ્ધિની મહિલાઓને સ્વાભાવિક રીતે જ તેમની દૈહિક  ક્રિયાઓનું ભાન હોતું નથી. તેથી તેમની યોગ્ય સાફ-સફાઈ માટે ૧૧ જેટલા વ્યક્તિઓનો સ્ટાફ અહીંયાં ૨૪ કલાક ખડે પગે સેવા બજાવે છે. આશ્રમની સ્વચ્છતા ઊડીને  આંખે વળગે તેવી છે.

મહિનાના એક રવિવારે અમદાવાદથી મનોચિકિત્સકને બોલાવી આ મહિલાઓના તબીબી ચેકઅપ કરાવવામાં આવે છે. આશ્રમમાં રહેતી મહિલાઓને પ્રેમ, હૂંફ, લાગણી અને માનસિક રોગોની સારવાર મળતાં અનેક મહિલાઓની યાદદાસ્ત પાછી આવતા પરિવાર સાથે તેઓનું પુનઃમિલન  શક્ય બન્યું છે. રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ તમિલનાડુ, કર્ણાટક, પિૃમ બંગાળ જેવા વિવિધ રાજ્યોની મહિલાઓ અહીં આશ્રય લઈ રહી છે. જુદી જુદી ભાષાઓમાં બોલતી મહિલાઓની વાતો સમજી પણ શકાતી નથી. ભલે તેમની ભાષા સમજી નથી શકાતી પરંતુ તેમના ચહેરા પરના ભાવ સ્પષ્ટ વાંચી શકાય છે. તમામ મહિલાઆએ પોતાના ઘેર પરત ફરવું છે.  ક્યાં હશે તેઓનો પરિવાર કોઈ નથી જાણતું. વાતાવરણમાં થોડીવાર હાસ્ય, થોડીવાર રુદન અને પછી ચિર શાંતિ પથરાઈ જાય છે. આવી સ્થિતિમાં  આશ્રમની બાજુમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી પસાર થતા જે તે  રાજ્યના ટ્રક ડ્રાઇવરોની મદદ લેવાય છે. ડ્રાઇવરની મદદથી મહિલાઓની સરનામું જાણીને જે તે રાજ્યના પોલીસ અધીક્ષકનો સંપર્ક કરવામાં આવે છે. પોલીસની મદદથી મહિલાના પરિવાર સાથે વીડિયો કોલિંગ દ્વારા વાત કરાવવામાં આવે છે. મંદબુદ્ધિને કારણે પરિવારથી વિખૂટી પડેલી મહિલાઓનું આ સંસ્થાએ પરિવાર સાથે પુનઃમિલન કરાવી આપ્યું છે. અત્યાર સુધી આવી ૬૬ મહિલાઓને પોતાના પરિવાર સાથે મિલન માનવતાનું અજોડ કાર્ય કર્યું છે.

સંસ્થાના પ્રમુખ અશોકભાઈ પોતે દુકાનદાર છે પરંતુ સવારે દુકાને જતા પહેલાં આશ્રમની અચૂક મુલાકાત લે છે. આશ્રમની વ્યવસ્થા ચકાસે છે. મહિલાઓના વ્યક્તિગત ખબરઅંતર પૂછે છે. તમામના નામ  તેમને મોઢે છે. કઈ મહિલાને શું તકલીફ છે તેની બારીક સમજણ પણ તેમને કેળવી છે. દરેક મહિલાને તેઓ નામથી પુકારે છે અને આમ મંદબુદ્ધિ કહેવાતી મહિલાઓ અશોકભાઈને જોઈ જાણે પોતાનો ભાઈ મળવા આવ્યો હોય તેવું વ્હાલ અશોકભાઈ પર વરસાવે છે અને ગેલમાં આવી તેઓની સાથે મસ્તીએ ચડે છે. પોતાના સઘળા દુઃખ દર્દો  વિસરી જાય છે.

આ આશ્રમ ચલાવવાનું માસિક  ખર્ચ આશરે બે લાખ સુધી પહોંચ્યો છે. આ ખર્ચનો સંપૂર્ણ આધાર સમાજ માત્ર છે. સરકાર તરફથી કોઈ આર્થિક સહયોગ પ્રાપ્ત થતો નથી. સરકાર તરફથી વ્યક્તિદીઠ મહિને ૧૦ કિલો ઘઉંની સહાય માત્ર મળે છે. આટલા માતબર ખર્ચ થતો હોવા છતાં આજ સુધી પાવતી કે ચિઠ્ઠી લઈ બજારમાં ફાળો કરવા માટે જતા નથી. સ્વેચ્છાએ દાતાઓ આશ્રમમાં આવી યથાયોગ્ય દાન લખાવી જાય છે. કોઈ સ્વજનનો જન્મદિવસ હોય કે પોતાના સ્વજનની પુણ્યતિથિ હોય ત્યારે આસપાસના લોકો અહીં આવી આશ્રમવાસીઓને તિથિ ભોજન આપી ધન્યતા અનુભવે છે. અશોકભાઈ  જૈન તથા સંસ્થાના ટ્રસ્ટીઓનું કહેવું છે કે અમારો એ પ્રયાસ છે કે ખૂબ થોડા સમયમાં ગુજરાતમાં કોઈ રસ્તાઓ ઉપર આવી મંદબુદ્ધિ અનાથ મહિલા જોવા મળશે નહીં. એવી તમામ મંદબુદ્ધિની અનાથ મહિલાઓને અમે અમારી સંસ્થામાં આશ્રય આપીશું. તેઓને ગૌરવભેર જીવન જીવી શકે તેવી વ્યવસ્થા સમાજના સહયોગ થકી અમે પૂરી પાડીશું.

જેઓ જિંદગીમાં કદીયે રડયા ના હોય તેઓ એકવાર અહીં જરૂર આવે

(પૂરક માહિતી : ઈશ્વર  પ્રજાપતિ)

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!