Close

કામિનીએ મારી લાગણીઓ સાથે આવી રમત કેમ રમી?

કભી કભી | Comments Off on કામિનીએ મારી લાગણીઓ સાથે આવી રમત કેમ રમી?
એક પત્ર છે, આહવા- ડાંગથી.
તે લખે છે ઃ ‘સર, હું વડોદરા રહી ભણું છું. પણ મારું વતન આહવા (ડાંગ) છે. મારી એક મિત્ર છે, તેનું નામ કામિની. હું અને કામિની એક જ સોસાયટીમાં રહીએ છીએ. પ્રાથમિક શાળામાં પણ અમે સાથે ભણતાં હતાં. અત્યારે વડોદરામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરું છું. અમે હાઇસ્કૂલમાં પણ સાથે હતાં. કામિની જતાં-આવતાં મને અથડાતી હતી. સ્પર્શ કરી લેતી હતી. પછી હસીને જતી રહેતી હતી. હું તેને કહેતોઃ ‘ચાલતાં શીખ.’
તો તે કહેતીઃ ‘કેવું લાગ્યું? ના ગમ્યું?’
તે પછી કૉલેજનો અભ્યાસ કરવા હું વડોદરા આવ્યો. હું હોસ્ટેલમાં રહેતો હતો. એક રાત્રે હું વાંચતો હતો તે દરમિયાન મારા મોબાઈલ પર ફોન આવ્યો. મેં પૂછયું ઃ ‘કોણ?’
સામેથી અવાજ આવ્યો ઃ ‘ના ઓળખી?’
મેં કહ્યું ઃ ‘અવાજ તો પરિચિત લાગે છે.’
મને ખ્યાલ આવી ગયો કે એ કામિની જ હતી. મેં કહ્યુંઃ કામિની અત્યારે રાતનો દોઢ વાગ્યો છે. ઊંઘ નથી આવતી?’
‘એટલે તો ફોન કર્યો.’
અને એ પછી કામિની રોજ રાત્રે જ મને ફોન કરતી. એ કહેતીઃ ‘તમે ગયા પછી મને ઊંઘ આવતી નથી. વડોદરા કેવું લાગ્યું? કોઈ છોકરી ગમી?’
મેં કહ્યું ઃ ‘જો કામિની, હું ભણવા આવ્યો છું. છોકરીઓ જોવા આવ્યો નથી.’
કામિની બોલીઃ ‘મને ખબર છે. તમારામાં હિંમત જ નથી. સામે વાળી વ્યક્તિઓની લાગણીઓ સમજતા પણ તમને આવડતું નથી. પણ એક વાત કહું, તમે મને ગમો છો. હવે તમારે મને જે કહેવું હોય તે કહો.’
મેં કહ્યુંઃ ‘કામિની, હું તને એક મિત્ર જ માનું છું.’
‘દોસ્તી પ્રેમમાં ના પલટાઈ શકે?’
મેં કહ્યું ઃ’વિચારીને જવાબ આપીશ.
એણે કહ્યું ઃ ‘ના, મારે હમણાં જ જવાબ જોઈએ.’
મેં ફોન કાપી નાખ્યો. કામિનીએ તરત જ ફરી ફોન કર્યોઃ ‘ના, મારે હમણાં ને હમણાં જ જવાબ જોઈએ.’ નહિતર કાલે વડોદરા આવું છું.’
મેં કહ્યું ઃ ‘તારા સવાલનો જવાબ છે. ‘હા’.
માંડ માંડ ફોન બંધ થયો. એ રાતથી હું કામિની અંગે વિચારવા લાગ્યો. કામિની મારા જીવનની પહેલી સ્ત્રી હતી. રજાઓમાં હું વતન ગયો. કામિની મારા ઘરની સામે જ રહેતી હતી. હજુ તેની સાથે વાત કરતાં મને બીક લાગતી હતી. ઉનાળાની રાત્રે હું ધાબા પર સૂવા જતો. વાતો કરવાના બહાને તે મારા ઘરના ધાબા ઉપર આવી. તેના પરિવાર સાથે મારા પરિવારને ઘરોબો હતો. એ રાત્રે ધાબા પર બીજુ કોઈ નહોતું. એણે ધાબા પર આવતાં જ મને સ્પર્શ કરી લીધો. હું આવા લાગણીભીના સ્પર્શ માટે માનસિક રીતે તૈયાર નહોતો. એ મને વળગી જ રહી. માનવીજીવનના પ્રથમ અનુભવોને કદી ભૂલી શકતો નથી. એ પછી તો તે રોજ રાત્રે વાતો કરવાના બહાને મારા ધાબા ઉપર આવી જતી. જાણી જોઈને લૂઝ વસ્ત્રો પહેરતી. હું એને  સ્પર્શ કરું તેવી તેની માગણી રહેતી. મેનકાની આગળ ઋષિ પીગળી ગયા હતા તેવું જ  કામિનીનું સ્વરૂપ હતું. તે રોજ રાત્રે સ્નાન કરીને જ આવતી. તેને દેહમાંથી સુગંધીદાર સાબુની  ખુશ્બુ અને ભીના દેહની મહેંક હવે મને ગમવા લાગી હતી. હું ભીંજાઈ જતો હતો અને તેને ભીંજવી નાખું તે માટેતેની આક્રમક માગણી રહેતી. પરંતુ મારું ભણવાનું બગડતું હોઈ હું અચાનક જ વડોદરા હોસ્ટેલ પર આવી ગયો. પણ એને  કહ્યા વગર જ આવતો રહ્યો. એ રાત્રે એનો ફોન આવ્યો ઃ રાત પડી ગઈ છે. તમે ધાબા પર નથી તો ક્યાં છો?’
મેં કહ્યુંઃ ‘હું તો વડોદરા છું.’
‘મને કહ્યું કેમ નહીં?ઃ ‘ તેણે ગુસ્સો કર્યો.
ખરીવાત એ હતી કે એક દિવસ અને રાત્રે કામિની દેખાઈ જ નહોતી. તે તેના ઘેર નહોતી. રાત્રે પણ ધાબા પર આવી નહોતી. તેથી તેને કહ્યા વગર જ ગુસ્સે થઈ હું વડોદરા પાછો આવી ગયો હતો. મેં કહ્યું ઃ ‘તું પણ મને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. તેથી હું પણ તને કહ્યા વગર  આવતો રહ્યો.’
કામિની ફોન પર બોલીઃ ‘તમે નારાજ ના થઈ જાવ, પ્લીઝ. હું તમારી છું અને તમારી જ રહેવાની છું. તમે જ્યાં કહો ત્યાં મળવા આવવા તૈયાર છું. મારા લગ્ન થઈ જશે તો પણ હું તમને મળીશ.’
એની વાત સાંભળી હું રડી પડયો. એણે કહ્યું ઃ ‘તમે ના રડો. હું દરેક જન્મમાં તમને ચાહતી રહીશ.’
એક દિવસ મારે મારા કઝીનના ઘેર અમદાવાદ જવાનું થયું. તેની સાથે તેના એક મિત્રના ઘેર હું ગયો. અમે શાહીબાગ પહોંચ્યા. તેના દોસ્તની એક બહેન હતી. તેનું નામ સુનીતા. હું સુનીતાને જોઈ ખુશ થઈ ગયો. સુનીતા અમદાવાદની જ એક કૉલેજમાં ભણતી હતી. એ મને એનું સુંદર ઘર બતાવવા અંદર લઈ ગઈ. એણે મને પૂછયુંઃ ‘ઘર કેવું લાગ્યું?’
‘બહું જ સરસ.’
સુનીતાએ ફરી પૂછયું ઃ ‘ઘરમાં રહેવાવાળાં અમે કેવા લાગ્યા?’
મેં જોયું તો સુનીતા મારી સામે  જોઈ હસી રહી હતી. તેના પ્રશ્નાર્થમાં એક અભિવ્યક્તિ પણ હતી તે હું સમજી ગયો હતો. મેં કહ્યુંઃ ‘તમે પણ સરસ છો.’
‘થેંક્સ’ઃ કહેતાં સુનીતા ફરી મને ડ્રોઇંગરૂમમાં લઈ આવી અને બોલીઃ ‘તો હવે જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે અમારા ઘેર જરૂર આવજો.’
હું નિયમિત ડાયરી લખું છું. સુનીતા સાથે થયેલા પ્રથમ પરિચયની વાત પણ મેં ડાયરીમાં લખી. મેં લખ્યું હતું કે, કામિની પણ મને ગમે છે અને સુનીતા પણ. કામિની મારી જ્ઞાતિની નથી. સુનીતાની અને મારી જ્ઞાતિ એક જ છે. સુનીતા પ્રત્યે પણ મને આકર્ષણ થયું છે. મારે કોઈ એકની પસંદગી કરવાની હોય તો કોને પસંદ કરું? એક મીઠી મૂંઝવણ છે.’
એ પછી સુનીતાના ફોન પણ મારી ઉપર આવવા લાગ્યા, હું પણ તેને એસએમએસ મોકલવા લાગ્યો. સુનીતાનો અવાજ અત્યંત સુંદર હતો. એ દરમિયાન કામિનીના ફોન તો આવતા જ હતા. એ રાત્રે જ ફોન કરતી. કામિની કહેતી ઃ ‘હમણાંથી તમારા ફોન પર મારા માટે ઉમળકો ઓછો લાગે છે, તમને હું નથી ગમતી? મને ભૂલી ગયા કે શું? આ વખતે તો વેકેશનમાં આવો એટલે  તમારી વાત છે. તમને છોડીજ નહીં ને. દિવસે પણ તમારા ઘરમાં જ આવીને  બેસી જઈશ.’
હું કહેતો ઃ ‘હું આવું ત્યારે તારે જે કરવું હોય તે કરજે. પણ હમણાં મને વાંચવા દે. હવે પરીક્ષાઓ નજીક છે.’
માંડ માંડ કામિની ફોન મૂકવા દેતી.
વાર્ષિક પરીક્ષાઓ પૂરી થયા બાદ હું ફરી મારા વતન ગયો. એક દિવસ કામિની મારી ગેરહાજરીમાં મારા ઘેર આવી ગઈ અને મારા રૂમમાં પડેલી  મારી ડાયરી લઈને જતી રહી. બીજા જ દિવસે એણે મને ગુસ્સાથી પૂછયુંઃ ‘આ સુનીતા કોણ છે?’
હું ગભરાઈ ગયો.
મેં જોયું તો એનું મોં પડી ગયેલું હતું. મેં કહ્યુંઃ ‘તે અમદાવાદમાં રહે છે. એક ફ્રેેન્ડથી વધુ કાંઈ જ નથી.’
‘એની સાથે ફરો છો તો મારે શું કામ છે?ઃ કહી ડાયરી ફેંકી તે ચાલી ગઈ.
મને ખ્યાલ આવી ગયો કે ભૂલ મારી જ હતી. ડાયરીમાં સુનીતા વિશે લખવાની કોઈ જરૂર જ નહોતી.  બીજા દિવસે મેં કામિનીને બહું જ સમજાવી પણ તે ના માની. ત્રણ-ચાર દિવસ સુધી તે મારી સાથે ના બોલી. ચાર દિવસ પછી તેનરમ પડી. એ રાત્રે તે ફરી મને મળવા ધાબા પર આવી. કામિની બોલી ઃ ‘હું તો તમારી પરીક્ષા લેતી હતી. તમે બીકણ છો. તમારામાં કોઈ છોકરીને પ્રપોઝ કરવાની હિંમત નથી.’
કામિનીની વાત સાચી હતી.  કામિનીએ પણ સામેથી જ મારી સાથે વાત કરવાની પહેલ કરી હતી. સુનીતાની બાબતમાં પણ શરૂઆત તેણે જ કરી હતી.  મને ઘણીવાર  લાગતું કે મને પ્રેમ કરતાં આવડતો જ નથી. કામિનીની બાબતમાં તે હંમેશાં અગ્રેસર અને આક્રમક પ્રેમિકા હતી. તે ઈચ્છે ત્યારે મારે કોઈને કોઈ  બહાનું કાઢી તેની સાથે બહાર ફરવા કે ફિલ્મ જોવા જવું  જ પડતું. બીજા શબ્દોમાં તેણે મારો કબજો  જ લઈ લીધો હતો. મને લાગ્યું કે મારા માટે કામિની જ એક યોગ્ય પાત્ર છે. વળી તે બચપણથી મને ઓળખે છે. બચપણથી જ ચાહે છે. ભલે તેની અને મારી જ્ઞાતિ અલગ જ છે પરંતુ મનથી અમે એક જ છીએ. ખૂબ લાંબી વિચારણા બાદ મેં નક્કી કરી નાખ્યું કે હવે મારે કામિની સાથે જ લગ્ન કરવા છે તેવી વાત ઘરમાં પણ કરવી જોઈએ અને તે પહેલાં કામિનીને પણ પ્રપોઝ કરી દેવું જોઈએ.’ રાત્રે કામિની મને મળવા આવે ત્યારે મેં એની સાથે લગ્નની વાત કરી લેવા નક્કી કર્યું.
દરમિયાન એક ઘટના ઘટી. મારી સોસાયટીમાં  પ્રવેશતાં જ એક મકાનમાં અજય નામનોે એક છોકરો રહેતો હતો. તે હજી ૧૨માં ધોરણમાં ભણતો હતો. સાંજનો સમય હતો. હું બહાર ગયેલો હતો. હું સ્કૂટર પર ઘેર આવી રહ્યો હતો ત્યારે મેં જોયું તો અજય ઘરની બહાર ઊભો હતો. હું કોઈ કામથી દૂર ઊભો રહ્યો. અજયના ઘરનું બારણું બંધ હતું. અજય એકલો જ બહાર ઊભો હતો. મેં જોયું તો કેટલીકવાર બાદ બારણું ખૂલ્યું અને તેમાંથી એક છોકરો બહાર આવ્યો. તેને હું ઓળખતો હતો. તેનું નામ મિતેશ હતું, તે મને જોઈ ઝડપથી જતો રહ્યો. થોડીવાર પછી અંદરથી કામિની પણ બહાર આવી. હું સ્તબ્ધ થઈ ગયો. કામિનીના વાળ સહેજ વિખરાયેલા હતા. તેણે મને જોયો પણ જાણે કે મને જોયો જ નથી તે રીતે તે ઝડપથી ચાલી ગઈ.
સાંજે મેં કામિનીને પૂછયુઃ ‘કામિની અજયના ઘરમાં તું અને પેલો મિતેશ બારણું બંધ કરીને અંદર એકલા કેમ હતાં?’ કામિની બોલી ઃ ‘ કોણ છોકરો? હું તો ક્યાંયે ગઈ નહોતી.’
મેં બહુ દબાણ કર્યું ત્યારે તે એટલું બોલી કે, ‘એ તો અમે  વાતો કરતાં હતાં.’
મેં કહ્યું ઃ ‘બારણું બંધ કરીને વાતો કરવાની શું જરૂર હતી?’
કામિની બોલીઃ ‘એ મારી સાથે લગ્ન કરવા માગે છે. શું તમને મારા પર વિશ્વાસ નથી?’
મેં કહ્યું ઃ ‘હવે થી હું તને એની સાથે જોઈશ તો હું આત્મહત્યા કરી લઈશ.’
કામિની બોલી ઃ ‘ના એવું કાંઈ જ ના કરશો. હું પ્રેમ તો તમને જ કરીશ.’
મેં એની વાત સ્વીકારી.
પણ મારું મન માન્યું નહીં. એક દિવસ મેં અજયને જ પૂછી લીધું. એણે કહી દીધું ઃ ‘કામિની અને મિતેશને ત્રણ વર્ષથી સંબંધ છે.  બેઉ એકબીજાને પ્રેમ કરે છે. અવારનવાર મારા ઘરમાં જ બંધ બારણે મળે છે.’
હું આઘાતમાં સરી પડયો. મારી સાથે પણ કામિનીને ત્રણ વર્ષથી જ પ્રેમ સંબંધ હતો. એનો મતલબ એ થયો કે એક જ સમયે એક જ સ્ત્રી બે-બે પુરુષોને પ્રેમ કરતી હતી. હું શૂન્યમનસ્ક બની ગયો. આજે તો હું તેને લગ્નનો પ્રસ્તાવ મૂકવાનો હતો. પણ મને ખ્યાલ આવી ગયો કે કામિની મારા એકલાની નથી. તે બીજા કોઈની પણ છે. બીજું કોઈ પણ તેને સ્પર્શી ચૂક્યું છે અને તે પણ કામિનીની ઈચ્છાથી. શું તે કામુક સ્ત્રી હશે. કામિની માટે હું રાતોની રાતો જાગતો રહ્યો છું. ભણવાનું બગાડીને હું તેને મળવા આવતો હતો. સુનીતા જેવી સારી છોકરીને પણ ભૂલી જઈને હું કામિનીને પ્રેમ કરતો હતો તો પછી તેણે મારી લાગણીઓ સાથે આવી રમત કેમ કરી હશે?’
અને પત્ર પૂરો થાય છે.- (નામો પરિવર્તિત છે.)
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!