Close

કાર્લો હું તમને બેહદ પ્રેમ કરું છું અને હવે મારે બાળકો જોઈએ છે

કભી કભી | Comments Off on કાર્લો હું તમને બેહદ પ્રેમ કરું છું અને હવે મારે બાળકો જોઈએ છે

આ કથા હોલિવૂડના સુવર્ણયુગની એકમાત્ર જીવિત અભિનેત્રી સોફિયા લોરેનની છે. સોફિયા લોરેન  ૮૫ વર્ષની વયનાં છે. તેઓ જીનીવા (સ્વિટ્ઝરલેન્ડ), નેપલ્સ (ઇટાલી) અને રોમ (ઇટાલી) ખાતે નિવાસસ્થાન ધરાવે છે.

લગ્ન કર્યાં પહેલાં સોફિયાની માતા રોમિલ્ડા, રિકાર્ડો નામના એન્જિનિયરના પ્રેમમાં  હતાં. સોફિયા રિકાર્ડોથી થયેલી પુત્રી હતી પરંતુ રિકાર્ડો રોમિલ્ડાને  ગર્ભાવસ્થાની હાલતમાં જ છોડીને જતો રહ્યો હતો. છતાં રોમિલ્ડા રિકાર્ડોને મળતી રહી. રિકાર્ડોથી રોમિલ્ડાને બીજી પુત્રી જન્મી- મારિયા. અનેક સંઘર્ષ બાદ સોફિયાને ફિલ્મમાં કામ મળ્યું. કાર્લો પોન્ટી તેના નિર્દેશક હતા. રિકાર્ડો સોફિયાની બહેન મારિયાને પિતા તરીકે નામ આપવા તૈયાર ન હતો. એક ફિલ્મમાં કામ કર્યા બાદ સોફિયાને સારા પૈસા મળ્યા છે તે જાણ્યા બાદ રિકાર્ડોએ પુત્રી સોફિયા પાસેથી પૈસા લઈ તેની બહેન મારિયાને પિતા તરીકે તેનું નામ લખાવવા સંમતિ આપી.

કાર્લો પોન્ટી એક સુપ્રસિદ્ધ ફિલ્મ સર્જક હતા. તેમણે સોફિયાનો  સ્ક્રીન ટેસ્ટ લીધો. કેમેરામેને સોફિયાને નાપાસ કરી પરંતુ કાર્લો પોન્ટીને તેમની આંખ પર ભરોસો હતો.  સોફિયાની ‘AIDA’ ફિલ્મ રિલીઝ થયા બાદ કાર્લો પોન્ટીએ ફરી સોફિયાને બોલાવી અને એને લાગ્યું કે કેમેરામેન કરતાં પોતાની આંખ વધુ સાચી છે. એણે એક વર્ષ સુધી સોફિયાને પોતાની જ ફિલ્મોમાં કામ કરવા માટે કરારબદ્ધ કરી લીધી. કાર્લો એક વર્ષમાં એક સાથે ૧૦ ફિલ્મો બનાવી રહ્યા હતા. એના માટે અભિનય શીખવાનો પણ આ અવસર હતો.

આ દરમિયાન કાર્લો અને સોફિયા એકાંતમાં મળતાં રહ્યાં. બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયાં. સોફિયા હજી ૧૮ વર્ષની હતી જ્યારે કાર્લો ૩૭ વર્ષના અને તે પણ પરિણીત- બે બાળકોના પિતા.

કાર્લોની કંપનીના નિર્દેશક વિત્તોરિયો-દ-સિકાએ સ્ક્રીન ટેસ્ટ લીધા વગર જ ”ગોલ્ડ ઓફ નેપલ્સ” નામની ઇટાલિયન ફિલ્મમાં તેને હીરોઈનની ભૂમિકા આપી દીધી. નિર્દેશકે કહ્યું : ”તારે ક્યાંયે શીખવા જવાની જરૂર નથી. સહજ અભિનય કર્યા કર. તું જે કાંઈ કરીશ તે જ અભિનયનો માપદંડ બની જશે.”રૂ

અને એ વાત સાચી સિદ્ધ થઈ.

વિત્તોરિયાના નિર્દેશનમાં સોફિયાએ ૧૪  ફિલ્મોમાં કામ કર્યું.

આલ્બર્ટ મોરાવિયાની કથા- ”વુમન ઓફ ધી રિવર” ફિલ્મમાં તે કામ કરી રહી હતી. એક રાત્રે સોફિયાને દમનો હુમલો થયો. આખી રાત કાર્લો તેની પાસે બેસી રહ્યો. દિવસે તે કામ કરતી. રાત્રે પરેશાન થઈ જતી. ફિલ્મના શૂટિંગની સમાપ્તિની સાથે જ દમનો હુમલો પણ શાંત થઈ ગયો. શૂટિંગના છેલ્લા દિવસે કાર્લો સેટ પર ગયા. સોફિયાને સહેજ બાજુએ લઈ જઈને એના હાથની આંગળી પર હીરાની વીંટી પહેરાવી દીધી. એમના સ્નેહસંબંધની આ પરિણતિ હતી.

સોફિયાની માએ એને સમજાવી : ”તારાથી એ ૨૦ વર્ષ મોટા ને પરિણીત છે. બે બાળકોના પિતા છે. તારે એના ઘરમાં નોકરાણી બનીને રહેવું પડશે.”

પણ સોફિયા મક્કમ હતી.

આ વાતને એક વર્ષ પણ વીત્યું નહોતું. ત્યાં એને ‘પ્રાઇડ એન્ડ પૈશન’ નામની ફિલ્મમાં ફ્રેન્ક સિનાત્રા અને કેરી ગ્રાન્ટ સાથે કામ કરવાની તક મળી. આ ફિલ્મનું શૂટિંગ છ મહિના સુધી સ્પેનમાં ચાલતું રહ્યું. એ દરમિયાન કેરીગ્રાન્ટ અને સોફિયા વચ્ચે પ્રણય સંબંધ બંધાઈ ગયો. પરંતુ તે હજી કાર્લો પોન્ટીને પણ ચાહતી હતી. કેરી ગ્રાન્ટ ત્રણ લગ્નો કરી ચૂક્યા હતા અને ત્રણ તલાક પણ આપી ચૂક્યા હતા.

હવે એક તરફ હતા મુક્ત કેરી ગ્રાન્ટ અને બીજી તરફ પરિણીત કાર્લો કે જેઓ અગાઉની પત્નીને છૂટાછેડા આપવા તૈયાર નહોતા. એક રાત્રે એક રેસ્ટોરન્ટની છત પર કૈરીએ પ્રસ્તાવ મૂક્યો : ”સોફિયા, આપણે લગ્ન કરી લઈએ.”

સોફિયાને કેરીની ભાવનાઓનો અહેસાસ હતો છતાં તેની આંખો આગળ કાર્લોની છબી તરવરતી હતી. સોફિયાએ કહ્યું : ”મને વિચારવા માટે કેટલોક સમય આપો.”

સ્પેનના પ્રવાસની આખરી રાતે બંનેએ સાથે ભોજન લીધું. વિદાય લેતી વખતે કેરીએ પૂછયું : ”સોફિયા, આપણું શું થશે ?”

સોફિયાએ કહ્યું : ”મને ખબર નથી, કેરી! સાચે જ મારું મગજ ભ્રમિત થઈ ગયું છે. એક દિવસ હું આમ ખેંચાઉં છું તો બીજા દિવસે બીજી તરફ.” બંનેએ ભારે હૈયે એકબીજાથી વિદાય લીધી. સોફિયા બીજી ફિલ્મના શૂટિંગ માટે યુનાન પહોંચી. એ કામ પતાવીને સોફિયા હોલિવૂડ પહોંચી જ્યાં કાર્લો પણ શૂટિંગ કરી રહ્યા હતા. પણ બન્યું એવું કે અહીં પણ સોફિયાએ કેરી ગ્રાન્ટ સાથે જ કામ કરવાનું હતું. કેરી રોજ એની હોટેલ પર સોફિયાને ફૂલ મોકલતા. સોફિયા કાર્લો સામે બેસીને કેરીની વાતો કર્યા કરતી. સાથે સાથે એને મહેસૂસ પણ થવા લાગ્યું કે કેરીની વાતોના કારણે કાર્લો પર તનાવ છવાઈ જાય છે.

એક દિવસે સોફિયાએ કાર્લો સમક્ષ પોતાનું હૃદય ખોલી દીધું : ”મને ખબર છે કે જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષ પર દબાણ કરે છે ત્યારે તે ચીડાઈ જાય છે, ખાસ કરીને તે વિવાહિત હોય ત્યારે તો ખાસ, પરંતુ કાર્લો હું તમને બેહદ પ્યાર કરું છું. મેં મારું સર્વસ્વ સર્મિપત કરી દીધું છે. મને લાગે છે કે મારે હવે બાળકો જોઈએ છે. ઘર જોઈએ છે. હવે હું તમારી સાથે ગૌરવપૂર્ણ રીતે રહેવા માગું છું. તમે છૂટાછેડા લઈ લો.”

કાર્લોએ કોઈ જવાબ ન આપ્યો.

સોફિયા કેરી સાથે અભિનય કરતી રહી, પરંતુ બેઉ વચ્ચે હવે સ્પેન જેવી ઉષ્મા નહોતી. બેઉ સાથે ભોજન લેતાં, પરંતુ સોફિયાની ભીતરની કોઈ ચીજ ગાયબ થઈ ગઈ હતી- એ વાત કેરીએ સમજી લીધી હતી. એક દિવસ સોફિયા એના બંગલામાં સવારનું અખબાર ફેંદી રહી હતી. એની નજર એક સમાચાર પર પડી. કાર્લો અને તેની પત્નીના છૂટાછેડા થઈ ગયા હતા. થોડા દિવસ પછી લોકોએ અખબારમાં બીજા સમાચાર વાંચ્યા : ”કાર્લો અનેસોફિયા લોરેન પરણી ગયાં.”

લગ્નની પ્રથમ રાત્રિએ બેઉ જણ તેમના શયનખંડમાં ગયા તો તેમના આશ્ચર્ય વચ્ચે સોફિયાની સેક્રેટરીએ બિસ્તર પર શુભેચ્છા સ્વરૂપ ચોખાના દાણા નાખ્યા હતા.

બીજા દિવસે સોફિયા સેટ પર ગઈ. કેરી ગ્રાન્ટ એની પાસે આવ્યા અને કહ્યું : ”સોફિયા ! તું સુખી રહે તેવી શુભેચ્છા પાઠવું છું.” કહી એના ગાલ પર માનભર્યું ચુંબન કર્યું અને સામાન્ય વ્યવહાર કરવા કોશિશ કરી. અલબત્ત, કેરી સાથે ફિલ્મ પૂરી કરવાનું સોફિયાને ભારે પડી ગયું.

કાર્લો સાથે લગ્ન કર્યા બાદ તે બે પુત્રોની માતા બની. ત્યાર બાદ એનું ઘર વસી ગયું અને એક પછી એક ચડિયાતી ફિલ્મોમાં તે ઉત્કૃષ્ટ અભિનય કરતી રહી.

સોફિયા લોરેનને અનેક તોફાનોનો સામનો કરવો પડયો. અનેક ફિલ્મોમાં કામ કર્યું. અનેક એકેડેમી એવોર્ડ્સ મળ્યા. અભિનયના ક્ષેત્રમાં એ ટોચ પર રહી. પુષ્કળ નામના અને પુષ્કળ પૈસા પૈસા કમાઈ. તેના પછી અનેક અભિનેત્રીઓ આવી પણ આ ઇટાલિયન એક્ટ્રેસનું સ્થાન બીજી કોઈ અભિનેત્રી લઈ શકી નથી.

એના જીવનમાં ત્રણ અવસરો એવા આવ્યા જ્યારે એને ભારે આઘાત લાગ્યો. એક તો એના પહેલા ગર્ભપાત વખતે, બીજો એની પ્રિય સખી મેરિલિન મનરોની આત્મહત્યા વખતે અને બીજો એના લાગણીશૂન્ય પિતાના દેહાંત વખતે. સોફિયા લોરેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરતાં પહેલાં અનેક યાતનાઓ ભોગવી છે. બીજા વિશ્વયુદ્ધ વખતે ઇટાલીમાં નેપલ્સ ખાતે તે જ્યાં રહેતી હતી ત્યાં અનેક વિમાનો  બોમ્બમારો કરતા હતા. સોફિયા જીવ બચાવવા ભાગતી રહેતી હતી. બોમ્બ વર્ષાને કારણે તેના ચહેરા પર ઈજા થઈ હતી.

સોફિયા લોરેનને મળેલા એવોર્ડસની યાદી લાંબી છે પરંતુ ૧૯૬૦માં  બનેલી ફિલ્મ- ‘્ર્ ઉર્દ્બીહ’ ફિલ્મ એક યાદગાર ફિલ્મ છે. આ ફિલ્મના  યુદ્ધની પૃાદ્ભૂમિકામાં એક માતા તેની ૧૨ વર્ષની બાળકીને બચાવવા મથામણ કરે છે પરંતુ  બાળકી અને મા બેઉ સામૂહિક બળાત્કારનો  ભોગ બને છે. તેથી ફિલ્મનું નામ ‘્ર્ ઉર્દ્બીહ’ આપવામાં આવ્યું હતું. સોફિયાને માતાની શ્રેષ્ઠ ભૂમિકા અદા કરવા બદલ ઓસ્કાર- એવોર્ડ એનાયત થયો હતો.

નોંધપાત્ર વાત એ છે કે ૧૯૫૦થી ૨૦૨૦ સુધી તેઓ અભિનય કરતાં રહ્યાં છે.  સોફિયા લોરેનને કાર્લો પોન્ટીની બે સંતાનો છે. જેમના નામ કાર્લો પોન્ટી (જુનિયર) અને (૨) એડોરાડો પોન્ટી છે. પતિ કાર્લો પોન્ટીનું ૧૦ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ અવસાન થયું. સોફિયા લોરેનને ચાર ગ્રાન્ડ ચિલ્ડ્રન છે.

૧૯૮૧માં સોફિયા લોરેન એક એવી પહેલી ફિલ્મી પ્રતિભા હતી જેના નામે એક કંપનીએ ‘સોફિયા’ના નામનું પરફ્યૂમ બજારમાં મૂક્યું હતું. આવી સોફિયા લોરેન આજે પણ વિશ્વ પ્રસિદ્ધ ઇટાલીની સેલિબ્રિટી છે. આજે તેમની પાસે રોમમાં આલિશાન બંગલો છે પરંતુ આ નામના કમાતા પહેલાં આ લેજન્ડરી સૌંદર્ય સામ્રાજ્ઞાીએ ગરીબી અને ભૂખમરો વેઠેલાં છે.

આ છે હોલિવૂડના સુવર્ણયુગની છેલ્લી હયાત અભિનેત્રીની જિંદગીની કથા.

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!