Close

કેટલીક રાતોથી મહિલા પ્રેત મને સ્વપ્નમાં આવ્યા કરે છે

કભી કભી | Comments Off on કેટલીક રાતોથી મહિલા પ્રેત મને સ્વપ્નમાં આવ્યા કરે છે

પ્રીતિ વર્મા.

રિટાયર્ડ ડી.આઈ.જી. જયપાલસિંહ વર્માની તે સૌથી નાની પુત્રી હતી. જયપાલસિંહના બે પુત્રો પૈકી એક અક્ષયકુમાર વિશાખાપટ્ટનમમાં એન્જિનિયર છે, જ્યારે નાનો દીકરો મનીષ વર્મા પતંનગર યુનિર્વિસટીમાં ભણે છે. પ્રીતિ વર્મા દિલ્હી યુનિર્વિસટીમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં હતી. તે હોસ્ટેલમાં રહેતી હતી. જયપાલસિંહ વર્મા રિટાયર્ડ થયા પછી દહેરાદૂનના મોહનીગ્રેડ પર એક ભવ્ય કોઠી બનાવીને નિવૃત્ત જીવન ગાળતા હતા. કોઠીમાં તેમનો ભત્રીજો દિગમ્બરસિંહ અને એક યુવાન નસિયારામ પણ સાથે જ રહેતા હતા. વર્માની પત્નીનું કેટલાંક વર્ષ પહેલાં દેહાંત થઈ ચૂક્યું હતું.

પ્રીતિ અવારનવાર રજાઓમાં એના પિતા જયપાલસિંહને મળવા દહેરાદૂન આવતી હતી. એ દિવસે પણ પ્રીતિ દહેરાદૂન ગઈ હતી. રાતના ભોજન પછી પ્રીતિ એના સૂવાના કમરામાં જવા ઊભી થઈ ત્યારે પિતાએ કહ્યું : ‘ પ્રીતિ બેટા ! કાલે મારે પૌંડી જવાનું છે. બીજા દિવસે હું પાછો આવી જઈશ. ત્યાં સુધી તું દિલ્હી જઈશ નહીં.’

પ્રીતિએ કહ્યું : ‘ઓ.કે. ડેડ.’

બીજા દિવસે જયપાલસિંહ વર્મા પૌંડી જવા રવાના થઈ ગયા.

હવે કોઠીમાં વર્માનો ભત્રીજો દિગમ્બરસિંહ અને જ્ઞાાતિબંધુ સિયારામ એ બે જણ જ હતા, અલબત્ત પ્રીતિ પણ. દિવસ વીતી ગયો. રાત પણ પસાર થઈ ગઈ. બીજા દિવસે સવારે કોઠી સાફસૂફ કરનારી નોકરાણી કોઠી પર આવી તો ગેઈટની બહાર તાળું હતું. નોકરાણીએ બૂમ પાડી તો ઊંઘી રહેલો દિગમ્બરસિંહ જાગ્યો અને નીચે આવ્યો. એણે ચાવી માટે બૂમ પાડી તો ખબર પડી કે સિયારામ ગેઈટની બહાર તાળું મારી રાત્રે જ ક્યાંક જતો રહ્યો હતો.

છેવટે ઘરમાંથી બીજી ચાવી શોધી કાઢવામાં આવી અને તાળું ખોલવામાં આવ્યું.

નોકરાણીએ કોઠીની અંદર સાફસૂફી શરૂ કરી. સવારના નવ થયા છતાં પ્રીતિના રૂમનું બારણું હજી ખૂલ્યું નહોતું. ૧૦ વાગ્યા તોયે પ્રીતિ ઊઠી નહીં. છેવટે ૧૨ વાગ્યા એટલે નોકરાણીએ દિગમ્બરસિંહને કહ્યું : ‘જરા તપાસ તો કરો… રૂમ હજી બંધ કેમ છે ?’

દિગમ્બરસિંહે જાતે જઈ પ્રીતિના રૂમના બારણાને ખટખટાવ્યું પણ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. કાંઈક અનિષ્ટની આશંકા જતાં દિગમ્બરસિંહે પોલીસને જાણ કરી. થોડી જ વારમાં પોલીસ આવી પહોંચી. દિગમ્બરસિંહ પોલીસને કોઠીના ઉપરના ભાગમાં લઈ ગયો. પ્રીતિના રૂમનું બારણું તોડી નાંખવામાં આવ્યું. પોલીસે અંદર પ્રવેશીને જોયું તો પ્રીતિનો અર્ધનગ્ન દેહ મૃત અવસ્થામાં પડયો હતો. એનો પલંગ વેરવિખેર હતો. ચાદર ફેંદાઈ ગયેલી હતી. ઓશીકું નીચે પડી ગયેલું હતું. પ્રીતિની નાઈટી ફાટી ગઈ હતી. પુસ્તકો રેકની નીચે પડી ગયા હતા.

પોલીસને ખ્યાલ આવી ગયો કે ગઈ રાત્રે કાંઈક અઘટિત બની ગયું છે. પોલીસે જોયું તો બિસ્તર પર એક તૂટેલી ચેન પડેલી હતી. શર્ટનાં બે બટન પણ પડેલાં હતા. પોલીસને ખ્યાલ આવી ગયો કે કોઈ પુરુષે રાત્રી દરમિયાન અજુગતું કૃત્ય કર્યું છે. તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી.

પોલીસે સૌથી પહેલાં દિગમ્બરસિંહની પૂછપરછ કરી. દિગમ્બરસિંહે કહ્યું કે, ‘જયપાલસિંહ વર્માનો હું ભત્રીજો છું. અંકલ બહારગામ ગયેલા છે. પ્રીતિ બે દિવસ પહેલાં જ દહેરાદૂન આવી હતી. રાત્રે પ્રીતિ ઉપરાંત હું અને અમારા ગામનો જ્ઞાાતિબંધુ સિયારામ એકલા જ કોઠીમાં હતા. સવારે હું ઊઠયો ત્યારે બહારના ગેઇટ પર તાળું હતું અને સિયારામ ગુમ છે.’ પોલીસ પંચનામું કરી રહી હતી ત્યાં જ જયપાલસિંહ વર્મા અને તેમના ભાઈ ગુલાબસિંહ વર્મા આવી પહોંચ્યા.

પ્રીતિની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. બીજી તરફ રાતથી ગાયબ સિયારામ માટે ખોજ શરૂ કરવામાં આવી. પોસ્ટમોર્ટમ પછી લાશ અંતિમ સંસ્કાર માટે જયપાલસિંહ રાણાને સોંપી દેવામાં આવી.

દિગમ્બરસિંહની ફરિયાદના આધારે પોલીસે હવે સિયારામને શોધવા પોલીસ દળને ભૂટ ગામ રવાના કર્યું. જયપાલસિંહ વર્મા તથા સિયારામ એ બધા જ ભૂટ ગામના વતની હતા. બીજી એક ટુકડી દિલ્હી રવાના થઈ. પ્રીતિ એક રિટાયર્ડ પોલીસ અધિકારીની પુત્રી હોઈ શકમંદને શોધવા પોલીસ પર પણ ભારે દબાણ હતું. સિયારામ એવી જગ્યાએ ગુમ હતો કે પોલીસના હાથમાં જ આવતો નહોતો.

પોલીસ પણ હવે થાકી ગઈ હતી. એવામાં એક દિવસ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો : ‘હું સિયારામ બોલું છું. મેં પ્રીતિની હત્યા કરી છે.’

એટલું જ કહીને સિયારામે ફોન કાપી નાંખ્યો. પોલીસે આ ફોન પછી સિયારામને શોધવા ફરી તપાસ આદરી પણ સિયારામનો પત્તો ક્યાંય લાગ્યો નહીં. સિયારામે કેમ ફોન કર્યો તે રહસ્ય પણ પોલીસને સમજાયું નહીં. ફોન કેમ કપાઈ ગયો એ વાત પણ પોલીસને સમજાઈ નહીં.

બે દિવસ પછી પોલીસ ઈન્સ્પેક્ટરના નામે એક પત્ર આવ્યો. પત્ર સિયારામનો હતો. એમાં એણે લખ્યું હતું : ‘ઈન્સ્પેક્ટર સાહેબ ! મારું નામ સિયારામ છે. હું જયપાલસિંહ વર્માસાહેબના ગામનો જ રહેવાસી છું. હું ભણેલો છું અને ક્યાંક સારી નોકરી મળે એ આશાએ વર્મા સાહેબની કોઠી પર દહેરાદૂનમાં રહેવા આવ્યો હતો. વર્મા સાહેબની હું સેવા કરતો હતો. વર્મા સાહેબની દીકરી પ્રીતિ પણ અવારનવાર દિલ્હીથી દહેરાદૂન આવતી હતી. એ દિવસે પણ પ્રીતિ દહેરાદૂન આવેલી હતી. બીજા દિવસે વર્મા સાહેબ કોઈક કામે પૌંડી ગામ ગયેલા હતા. હું છેલ્લા છ મહિનાથી આ કોઠી પર રહેતો હતો. રાણા સાહેબનું ઘરેલું કામ કરતો હતો. છેલ્લા કેટલાક દિવસથી મને રાત્રે જાતજાતના સપનાં આવતાં હતા. હું પ્રેતમાં વિશ્વાસ ધરાવું છું. કેટલીક રાતોથી એક મહિલા પ્રેત મને સ્વપ્નમાં આવતું હતું. તે મહિલા પ્રેત મારી સાથે સંબંધોની માગણી કરતું હતું. એ એનાં વસ્ત્રો ફગાવી દેતું હતું. એ દિવસે પણ હું સાંજે ફિલ્મ જોવા ગયો હતો. રાત્રે ઘેર આવીને સૂઈ ગયો ત્યારે એ જ મહિલા પ્રેત ફરી મારી પાસે આવ્યું. મને ફરી રોમાંચિત કરી દીધો.

હું જાગી ગયો. હું બેઠો થઈ ગયો. પ્રેત તો અદૃશ્ય થઈ ગયું પરંતુ વાસના મારા દિલોદિમાગ પર સવાર હતી. એ રાત્રે દિગમ્બરસિંહ નીચે સૂઈ ગયો. પ્રીતિ ઉપરના રૂમમાં સૂઈ ગઈ હતી.

રાતના બે વાગી ચૂક્યા હતા. બહાર હલકીફૂલકી ઠંડી હતી. હું ઊભો થયો અને દબાતા પગલે પ્રીતિના રૂમ તરફ ગયો. ધીમેથી મેં પ્રીતિનું બારણું ખોલ્યું. બારણું ખૂલી ગયું. બારીમાંથી આવતા પ્રકાશમાં પ્રીતિને નાઈટીમાં જોઈ. અંદર પહોંચ્યા પછી ઘેેરી નિદ્રામાં સૂતેલી પ્રીતિને હું કેટલીયે વાર સુધી નિહાળી રહ્યો. નાઈટીની આરપાર એનો દેહ જોઈ હું ભાન ગુમાવી બેઠો. ધીમેથી હું એના પલંગ પર બેઠો. મેં પ્રીતિને બે હાથથી પકડી લીધી. પ્રીતિ જાગી ગઈ. અચાનક મને તેના બિસ્તર પર જોઈ તે ગભરાઈ ગઈ. શરૂઆતમાં તો શું કરવું તેની તેને સમજ ના પડી. એણે બેઠા થઈ મન હડસેલવા કોશિશ કરી. મેં એનું મોં દબાવી દીધું. એણે દૂર હટી જઈ ચીસ પાડવા કોશિશ કરી તો મેં ફરી એની પર હુમલો કરી એનું મોં દબાવી દીધું. મગજ બેકાબૂ હતું. પ્રીતિ તાકાતથી દૂર હટવા કોશિશ કરી રહી હતી. મને લાગ્યું કે શિકાર છટકી રહ્યો છે. મેં એને ફરી પકડી લીધી. એની નાઈટી ફાટી ગઈ. પ્રીતિ બોલી : ‘પપ્પાને આવવા દે સિયારામ, તને બંદૂકની ગોળીથી ઉડાવી દેવરાવીશ.’

આ સાંભળી હું ડરી ગયો. હવે પ્રીતિને જીવતી રાખવી મારા માટે જોખમ હતું.

મેં જ હવે એની પર બળાત્કાર કરવાનું માંડી વાળી એને પતાવી દેવાનું નક્કી કરી દીધું. મેં એને ઊંચકીને બિસ્તરમાં પછાડી નાંખી. એના શરીર પર બેસી જઈ બે હાથથી એનું ગળું દબાવીને. એના શ્વાસ બંધ થઈ જાય ત્યાં સુધી રાહ જોઈ રહ્યો. થોડી જ વારમાં પ્રીતિનું હલનચલન બંધ થઈ ગયું. પ્રીતિ મૃત્યુ પામી છે તેની ખાતરી થયા બાદ એની લાશને જેમની તેમ પડી રહેવા દઈ હું કોઠીની બહાર નીકળી ગયો. નીકળતાં નીકળતાં બહારના ગેટને મેં તાળું મારી દીધું. જેથી રાત્રે જલદી કોઈ મારો પીછો ના કરે.

આ કૃત્ય કર્યા બાદ હું દિલ્હી આવ્યો. અખબારોમાં પ્રીતિના મોતના સમાચાર અને તસવીરો જોઈ હું વધુ ગભરાયો. સાથોસાથ મને પસ્તાવો પણ થવા લાગ્યો. મને હજીયે રાત્રે પેલું મહિલા પ્રેત સ્વપ્નમાં આવે છે. એ કહે છે કે, ‘તું મારો જ છે, તેં બીજી યુવતી સાથે આવો પ્રયાસ કર્યો જ કેમ ? હું તને પ્રેતયોનિમાં લઈ જઈશ. તારે ઔપૃાતાપ કરવો હોય તો પ્રેતયોનિમાં આવી જા. મારી સાથે આવી જા…’ મહિલા પ્રેતની ઈચ્છાથી હવે હું પ્રેતયોનિમાં જવા માગું છું. મને માફ કરજો.’

-લિ. સિયારામ.

આ પત્ર મળ્યાના બે જ દિવસ બાદ આરકોટ ગામના નિર્જન વિસ્તારમાં એક લાશ મળી આવી.

એ લાશ સિયારામની હતી. એણે આત્મહત્યા કરી લીધી હતી. પ્રેતાત્મા નારીના પ્રેમમાં પાગલ સિયારામ પ્રેમિકા- પ્રેતની ઇચ્છા અનુસાર હવે પ્રેતયોનિમાં પહોંચી ચૂક્યો હતો.

ભૂત-પ્રેતમાં અંધશ્રદ્ધા ધરાવનારા આવા સાયકિક લોકો પણ આ જગતમાં છે..

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!