
કેન્સરથી મૃત્યુ જ આવે છે તેવું હવે રહ્યું નથી. પરંતુ કેન્સર સામે લડીને કેન્સર સામેનો જંગ જીતી પણ શકાય છે.
આમ છતાં અત્રે અહીં નોંધવું જરૂરી છે કે ધૂમ્રપાન અને તમાકુ-ગુટકાને લીધે વિશ્વમાં દર વર્ષે ૯૦ લાખ લોકો અને ભારતમાં ૧૧ લાખ લોકો મોતને ભેટે છે. ગુજરાતમાં મહિલાઓમાં મોઢાના કેન્સરનું પ્રમાણ ૪૦ ટકા જેટલું વધ્યું છે. બીજા આંકડા ચોંકાવનારા છે. ૨૦૨૨માં ગુજરાતમાં કેન્સરથી મૃત્યુ પામેલાઓની સંખ્યા ૪૦,૩૫૬ હતી. ૨૦૨૧માં ગુજરાતમાં કેન્સરથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૩૯,૩૨૮ હતી. ગુજરાતમાં કેન્સરના રોજ ૨૦૦ જેટલા દર્દીઓ નોંધાય છે. ભારતમાં દર કલાકે ૧૫૯ કેન્સરના દર્દીઓ મોતને ભેટે છે. બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ૧૦ ટકા વધ્યું છે.
અમદાવાદમાં રહેતા અને એલઆઇસીમાં ફરજ બજાવતા સુરેશ પ્રજાપતિ ગુજરાતમાં કેન્સર કથા કરે છે, પોતાના કપાળ પર ‘તમાકુ ધૂમ્રપાન છોડો’ એવી પટ્ટી લગાવી પાન-બીડીના ગલ્લે જઈ લોકોને ધૂમ્રપાન અને ગુટકા છોડાવવા સમજાવે છે. અત્યાર સુધીમાં તેઓ પાંચ લાખ લોકોને ધૂમ્રપાન-તમાકુ છોડાવવા કાઉન્સેલિંગ કરી ચૂક્યા છે. જેમાંથી હજારો લોકોએ ધૂમ્રપાન છોડયું છે. કેન્સરથી પીડાતા દર્દીઓને કાઉન્સેલિંગ કરી કેન્સર સામે લડવા માનસિક તાકાત બક્ષવાનું કામ કરે છે. સુરેશ પ્રજાપતિ અત્યાર સુધીમાં ૧૨૫ જેટલી કેન્સર કથાઓ કરી ચૂક્યા છે.
આ પરિપ્રેક્ષ્યમાં કેન્સર પીડિતા બહેન શ્રાુચિ વડાલિયાની એક પ્રેરક કથા અહીં પ્રસ્તુત છે.
સામાન્ય રીતે ‘કેન્સર’ નામ સાંભળતાં જ ભલભલાના શરીરમાંથી કંપારી છૂટે છે. કેન્સરનું નિદાન થતાં જ માણસ માનસિક રીતે ભાંગી પડતો હોય છે, માણસ જીવનસંગ્રામમાં સઘળાં શસ્ત્રો હેઠાં મૂકી, મૃત્યુની શરણાગતિ સ્વીકારી મૃત્યુની રાહ જોયા કરે છે. પરંતુ કેન્સર પીડિત સુરતની એક યુવતીએ સમાજને ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું છે. આ યુવતી જિંદગીના અંતિમ દિવસોની પીડાને ભૂલી પ્રત્યેક દિવસને મધુર યાદોથી શણગારી રહી છે અને પર્યાવરણ માટે બહુ મોટું અભિયાન એકલા હાથે ઉપાડી જગતને સુંદર ભેટ આપી રહી છે.
એ યુવતીનું નામ છે શ્રાુચિ વડાલિયા.
શ્રાુચિ બ્રેઇન ટયૂમરના છેલ્લા સ્ટેજમાં છે, હવાના પ્રદૂષણથી કોઈને કેન્સર ન થાય તે માટે પર્યાવરણ બચાવવા અભિયાન શરૂ કરી વિવિધ જગ્યાએ વૃક્ષો ઉગાડી રહી છે. ૩૬ કિમો થેરાપીની અસહ્ય પીડા સહન કરી હોવા છતાં તેણે પાંચ વર્ષમાં ૪૦,૦૦૦ વૃક્ષ ઉગાડયાં છે, કારણ કે મૃત્યુ પછી પણ શ્રાુચિ લોકોના શ્વાસમાં જીવવા માગે છે.
૨૭ વર્ષની શ્રાુચિને બ્રેઇન ટયૂમર છેલ્લા સ્ટેજમાં છે, છતાં કોઈ પણ જાતના ડર વગર શાનથી જિંદગી જીવી રહી છે. પોતે અસાધ્ય કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે, પરંતુ ભવિષ્યમાં ગ્લોબલ વોર્િંમગ અથવા કોઈ કારણથી કેન્સર ન થાય તે માટે પર્યાવરણ બચાવવાનું અભિયાન ચલાવી રહી છે.
શ્રાુચિ કહે છે કે, ‘મારી અંતિમ ઈચ્છા જ એ છે કે, હું અસંખ્ય વૃક્ષો ઉગાડું. હું શારીરિક રીતે તો મૃત્યુ પામીશ, પરંતુ વૃક્ષોના કારણે હું લોકોના શ્વાસમાં જીવીશ.’ સુરતીઓ માટે શ્રાુચિએ લખ્યો છે એક ખુલ્લો પત્ર…!
”પ્રિય શહેરીજનો…
મારી જિંદગીનો કેટલો સમય બચ્યો છે એ મને ખબર નથી, મારા ફ્રેન્ડ સાથે વાત કરતી હતી ત્યારે અચાનક જ દેખાતું, બંધ થઈ ગયું અને હું બેભાન થઈ ગઈ, મને હૉસ્પિટલ પર લઈ ગયા, ડૉક્ટરે જ્યારે કહ્યું કે, ‘બ્રેઇન ટયૂમર છે… ત્યારે મને એમ લાગ્યું કે, ડૉક્ટર મારી સાથે મજાક કરી રહ્યા છે. મને તેમની વાત પર ભરોસો જ ન હતો. ત્યારબાદ અમે ૨૫ ડૉક્ટર્સ પાસે રિપોર્ટ કરાવ્યા હતા. તમામ ડૉક્ટર મને એક જ વાત કહી, ‘બ્રેઇન ટયૂમર છે.’ તમને કોઈ કહેશે કે તમને કેન્સર છે તો તમને શું થાય? હું પણ આ વાતને સ્વીકારી શકતી ન હતી. બીજા દિવસે મને આઇસીયુમાંથી બહાર લાવવામાં આવી ત્યારે હું સજાગ થઈ ગઈ હતી. કારણ કે, મેં મારી જિંદગીમાં અનેક સપનાં જોયાં હતાં. મારાં સપનાં અને મારી ઇચ્છાઓ હજી તો હું કોઈની સામે વ્યક્ત કરું તે પહેલાં જિંદગી મારી નજર સામે સમેટાઈ જતી હોય તેવું મને લાગી રહ્યું હતું, મારા દિલ અને દિમાગમાં અસહ્ય પીડા થઈ રહી હતી. જિંદગીનું રહસ્ય ઉકેલી શકું તે પહેલાં મારી નજર સામે જિંદગી સમેટાઈ રહી હતી, સંકેલાઈ રહી હતી. ત્યારે મને એમ પણ થયું કે, આવી અસાધ્ય બીમારી મને જ શા માટે થઈ. ધીમે ધીમે દિવસો વીતી રહ્યા હતા, બધું જ નોેર્મલ થઈ રહ્યું હતું. તમને સૂંઘવી ન ગમે એવી વસ્તુ તમારી પાસે મૂકવામાં આવે તો તમારી કેવી હાલ થાય? પરંતુ મારે તો સૂંઘવી પણ ન ગમે તેવી દવાઓનો ડોઝ રોજ લેવો પડતો. કિમો થેરાપી, રેડિયેશન થેરાપી અને હૉસ્પિટલના રોજ ધક્કા…! આ તમામ ઘટનાઓના કારણે મારા જીવનમાં અચાનક જ ભૂકંપ આવ્યો હોય તેવું મને લાગી રહ્યું હતું. કૉલેજની જગ્યાએ રોજ મારે હૉસ્પિટલ જવું પડતું હતું.
અત્યાર સુધીમાં હું ૩૬ વખત કિમો થેરાપી અને ૩૬ વખત રેડિયેશન સારવાર લઈ ચૂકી છું. કિમો થેરાપીને કારણે મારા વાળ ખરી ગયા છે. સાહેબ આ તો મારી જિંદગીની વાતો છે, પરંતુ જ્યારે તમે કેન્સરની હૉસ્પિટલમાં જઈને જોશો તો તમારા શરીરમાંથી કંપારી છૂટી જશે. જ્યારે હું સારવાર માટે લેવા માટે જતી હતી ત્યારે કેન્સરની સારવાર લેવા માટે આવેલા ફૂલ જેવાં નાનાં ભૂલકાંઓને જોઈને હું રીતસર રડી પડતી હતી. દુનિયામાં આવું શા માટે થઈ રહ્યું છે. ત્યારે મને વિચાર આવતો કે કેન્સરને અટકાવી ન શકાય? ત્યારે મને એક રસ્તો દેખાયો, કેન્સરને અટકાવવા માટે વૃક્ષો ઉગાડી શકાય, મારી જિંદગી તો ખરાબ થઈ હતી, પરંતુ હવે આવનારી પેઢીની જિંદગી ખરાબ ન થાય તે માટે મેં વૃક્ષો ઉગાડવાની શરૂઆત કરી.
મને બ્રેઈન ટયૂમર છે એની જાણ થઈ ત્યારથી જ મને ખબર પડી કે, પર્યાવરણને આપણે બચાવવું પડશે, પર્યાવરણ પ્રદૂષણના કારણે કેન્સર જેવી ભયાનક બીમારીઓ થઈ રહી છે, મને તો કેન્સર થઈ ગયું છે, ખરાબ પર્યાવરણને કારણે અન્ય લોકોને કેન્સર ન થાય તે માટે છેલ્લાં પાંચ વર્ષથી વૃક્ષારોપણ કરી રહી છું, અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ વૃક્ષો ઉગાડયાં છે. તમે પણ એક વૃક્ષ ઉગાડીને અનેક લોકોની જિંદગી બચાવી શકો છો.
– તમારી પ્રિય શ્રાુચિ વડાલિયા.
* * *
શ્રાુચિ અહીં તેનો સંવેદનાસભર પત્ર પૂરો કરે છે. કેન્સરના છેલ્લા સ્ટેજમાં પોતાના કરતાં વધુ પર્યાવરણની ચિંતા કરતી જાંબાઝ શ્રાુચિ પાસેથી સમાજે હજી ઘણા પાઠ શીખવાના બાકી છે. આપણાથી બીજું કાંઈ જ ન બની શકે તો એક વૃક્ષ ઉછેરી શ્રાુચિના અભિયાનને વેગ આપીએ તેના નિરામય સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરીએ.
(માહિતી સૌજન્ય ઃ ઇશ્વર પ્રજાપતિઃ જિંદગી ઝિંદાબાદ)
– દેવેન્દ્ર પટેલ