Close

કોઈ કુંવારી કન્યાના હાથે ઘડાની પૂજા કરાવવી પડશે

કભી કભી | Comments Off on કોઈ કુંવારી કન્યાના હાથે ઘડાની પૂજા કરાવવી પડશે

ઉત્તર પ્રદેશનું એક નાનકડું ગામ- કછવાડા.
કલ્યાણસિંહ નામનો એક માણસ એક દિવસ મથુરાથી તેની સાથે સદાનંદ નામનો એક સાધુ લઈ આવ્યો : સાધુ સદાનંદ માટે રહેવાની વ્યવસ્થા કરી દીધી. સદાનંદ સારો કથાકાર હતો, ગામના લોકો તેની કથા સાંભળીને રાજી થઈ જતાં. એક દિવસ સાધુ સદાનંદે ગામના એક ખેડૂત કેશવને પાસે બોલાવીને કહ્યું: ‘તારા ઘરની પાછળ જમીનમાં સોનાનો ચરુ (ઘડો) દટાયેલો પડયો છે તે ખોદીને કાઢી લે.’
કેશવ તો સાધુ સદાનંદના પગમાં પડી ગયો. તે બોલ્યો : ‘મહારાજ ! મને જગ્યા બતાવો. હું જિંદગીભર આપની સેવા કરીશ! ‘
બીજા દિવસે શુભ મુહૂર્તમાં સાધુ સદાનંદે ઘરની પાછળ એક જગ્યા બતાવી. કેશવે ત્યાં ખાડો ખોદવા લાગ્યો. અચાનક સાધુ સદાનંદે કેશવને ખાડો વધુ ખોદતાં રોકીને કહ્યું : ‘આજે ખોદવાનું રહેવા દો. ભગવાને મને આદેશ કર્યો કે ખજાનો આજે નહીં પરંતુ કાલે બ્રાહ્મ મુહૂર્તમાં જ કાઢવો !’
કેશવે ખાડો ખોદવાનું કામ અટકાવી દીધું : બીજા દિવસે વહેલી પરોઢે ચાર વાગે સાધુ સદાનંદ અને કેશવ ઘરની પાછળ પહોંચ્યા. ખોદકામ શરૂ થયું. સાધુએ ચોક્કસ દિશા દર્શાવી. કેશવ તે તરફ જમીન ખોદવા લાગ્યો. એકાએક તેની કોદાળી જમીનમાં કોઈ વાસણ સાથે અથડાઈ. સાધુ સદાનંદે માટી હટાવી તો જમીનમાં ધાતુનો એક ઘડો દટાયેલો દેખાયો. તેનું મોં ઢાંકેલું હતું. ઢાંકણાની સહેજ બહાર ચાંદીની એક ચીજ ચમકતી જણાતી હતી. કેશવ તો સાધુ સદાનંદના પગમાં પડી ગયો.
સાધુ સદાનંદ બોલ્યો : ‘જો કેશવ ! હવે તું ધનવાન બની ગયો. આ સોના ભરેલા ચરુને મારી કુટીયામાં મૂકી આવ. તેનું ઢાંકણ રાત્રે મારી પૂજા બાદ જ ખોલવામાં આવશે. પૂજા વગર તું ખોલીશ તો તારો સર્વનાશ થઈ જશે.’
કેશવ તે ઘડો જમીનમાંથી કાઢીને સાધુની કુટિયામાં મૂકી આવ્યો. ચરુ પણ આઠ દસ કિલો વજનનો હતો. તે ખુશ થઈ ગયો. ચરુ સાધુની કુટિયામાં મૂકીને કેશવ સીધો તેના ઘેર ગયો. ઘેર પહોંચતાં જ તેને તેની યુવાન દીકરી સુમિત્રા સામે મળી. કેશવે ત્રણ વર્ષ પહેલાં સુમિત્રાને પરણાવી દીધી હતી પરંતુ દહેજના પ્રશ્ને તેના સાસરિયાંઓએ સુમિત્રાનો ત્યાગ કરી દીધો હતો.
કેશવે ઘેર જઈ તેને મળેલા સોનાના ચરુની વાત તેની પત્નીને કહી. પત્ની પહેલાં તો ખુશ થઈ ગઈ પરંતુ થોડી જ વારમાં ચિંતા સભર સ્વરે બોલી : ‘કુદરત અચાનક આવો કોઈ ખજાનો બક્ષે છે તો કોઈને કોઈ બલિ પણ લઈ લે છે એવી કહાણીઓ મેં સાંભળી છે. મને તો ડર લાગે છે. ‘
કેશવ બોલ્યો : ‘તારી વાત સાચી છે તેથી તો રાત્રે પૂજાવિધિ બાદ જ ચરુનું ઢાંકણ ખોલવા મને બોલાવ્યો છે. ‘
એવામાં એ જ સાંજે સાધુ સદાનંદને ગામમાં લાવનાર કલ્યાણસિંહ કેશવના ઘેર આવી પહોંચ્યો. તેને ચરુની વાત ખબર પડતાં તેણે કહ્યું : ‘કેશવ ! તારાં તો ભાગ્ય ખૂલી ગયાં છે, કેટલું વજન છે ચરુમાં’?
‘આઠ- દસ કિલો તો હશે પરંતુ મને ડર લાગે છે આવી માયા બલિદાન લેતી હોય છે.’
કલ્યાણસિંહ બોલ્યો : ‘ડરવાની જરૂર નથી. ચાલો આપણે સાધુ મહારાજની વિનંતી કરીએ કે કોઈ ને કોઈ ઉપાય બતાવે. ‘કલ્યાણસિંહ અને કેશવ બંને સાધુ મહારાજ પાસે પહોંચ્યા કેશવે સાધુ સદાનંદને બે હાથ જોડીને કહ્યું: ‘મહારાજ ! આ માયાના ધનને હું લઈ શકીશ નહીં. આવો ગુપ્ત ખજાનો કોઈને કોઈનું બલિદાન લેતો હોય છે.’
સાધુ સદાનંદ ક્રોધે ભરાયા. તેમણે કહ્યું: ‘મૂર્ખ ! તું લક્ષ્મીજીનું ઘોર અપમાન કરી રહ્યો છે… જા તને શાપ આપું છું કે તું કાયમ નિર્ધન અને ગરીબ રહીશે.’
સાધુએ કેશવને ભગાડી મૂક્યો તેમણે કલ્યાણસિંહને કહ્યું: ‘કલ્યાણ ! તું આ ચરુને લઈ જા.’
કલ્યાણ તૈયાર થઈ ગયો. સાધુએ કલ્યાણને કહ્યું: ‘હવે આ ઘડાને આગ્રાના મારા આશ્રમમાં ખાસ પૂજા બાદ જ ખોલવામાં આવશે. આ સોનાના ચરુની પૂજા કરવા માટે કોઈ કુંવારી કન્યાના હાથે તેનું પૂજન કરવું પડશે.’
બીજા જ દિવસે કલ્યાણસિંહ તેની રજની નામની ભત્રીજીને સાથે લઈ સાધુ સદાનંદ સાથે આગ્રા રવાના થયો. ત્રણે ય જણ આગ્રાની વસંત ટોકીઝ પાસે પહોંચ્યા. અહીં રજનીને એક જગાએ બેસાડીને સાધુ સદાનંદે કલ્યાણને કહ્યું: ‘ચાલ કલ્યાણ ! આપણે પૂજા- અનુષ્ઠાનનો સામાન લઈ આવીએ. ત્યાં સુધી આ છોકરી ભલે અહીં બેસી રહે !’
બજારમાં જતાં જતાં તેમણે રજનીને કહ્યું કે કોઈ મારા કે સાધુ બાબા સિવાય કોઈ પણ વ્યક્તિ તને લેવા આવે તો તારે તેની સાથે જવાનું નહીં. રજનીને વસંત ટોકીઝ પાસે બેસાડી બેઉ બજારમાં ગયા. પૂજાની સામગ્રી ખરીદવા માંડી. એ દરમિયાન સાધુ સદાનંદે કલ્યાણસિંહને કહ્યુઃ ‘કલ્યાણસિંહ, તમે પૂજાની બાકીની સામગ્રી ખરીદી લો. હું નજીકના એક બંગલામાં રહેતા મારા એક ભક્તને મળીને આવું છું.’
એટલું કહી સાધુ સદાનંદ ચાલ્યા ગયા. કલ્યાણસિંહ બાકીની સામગ્રી ખરીદવામાં વ્યસ્ત થઈ ગયો. હવે એક કલાક થઈ ગયો પરંતુ સાધુ સદાનંદ પાછા આવ્યા નહીં. કલ્યાણસિંહ પરેશાન થઈ ગયો. તેને સાધુ કરતાં વસંત ટોકીઝ પાસે બેઠેલી તેની યુવાન ભત્રીજી રજનીની ચિંતા વધુ હતી.
હવે તેનાથી ના રહેવાતાં કલ્યાણસિંહ સીધો વસંત ટોકીઝ તરફ ઊપડયો. તે વસંત ટોકીઝ પહોંચ્યો. તેણે જોયું તો તેમણે રજનીને જ્યાં બેસાડી હતી ત્યાં તે નહોતી. યુવાન ભત્રીજી આસપાસ પણ ક્યાંયે દેખાતી નહોતી. હા, તેણે જે જગાએ રજનીને બેસાડી હતી તે જગાએ ધાતુનો ઘડો જ્યાંનો ત્યાં પડેલો હતો. તેને જૂનું કાટ ખાઈ ગયેલું વાસણ સમજી કોઈએ હાથ પણ અડકાડયો નહોતો. કલ્યાણસિંહ ગાંડાની જેમ તેની ભત્રીજીને શોધતો રહ્યો. એને ના તો ભત્રીજી મળી કે ના તો સાધુ સદાનંદ સાધુ. સદાનંદ ક્યાંયે દેખાતો નહોતો.
સાંજ સુધી તે પાગલની જેમ અહીં તહીં તેમને શોધતો રહ્યો. છેવટે આખા શહેરમાં ફરી વસંત ટોકીઝ આવ્યો અત્યારે પણ બેઉમાંથી કોઈ નહોતું. તે સમજી ગયો કે સાધુ સદાનંદ તેને મૂર્ખ બનાવીને લઈને ભાગી ગયો છે. કલ્યાણસિંહે એ જગાએ પડેલો ઘડો ખોલ્યો. ઢાંકણું ખોલતાં માલૂમ પડયું કે અંદર કોલસા અને પથ્થરો જ ભરેલા હતા. કહેવાતો ચરુ જૂના પિત્તળનો ઘડો જ હતો. અંદર કોઈ ખજાનો નહોતો.
તે સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો. ગૂમ થયેલ ભત્રીજી અને સાધુ સદાનંદે કરેલી ઠગાઈ અંગે ફરિયાદ લખાવી. પોલીસ એક વર્ષ સુધી સાધુ સદાનંદ અને કલ્યાણસિંહની ભત્રીજી રજનીને શોધતી રહી.
બરાબર એક વર્ષ બાદ કોઈએ આપેલી બાતમીના આધારે સાધુ સદાનંદ ખૈરાગઢ પાસેના એક ગામના એક મકાનમાંથી ઝડપાયો. તે વખતે તે રજની સાથે સૂતેલો હતો. પોલીસ સાધુ અને રજનીને પોલીસ સ્ટેશને લઈ ગયા. સખ્તાઈથી પૂછપરછ કરતાં ખબર પડી કે સાધુ સદાનંદનું અસલી નામ રામરતન હતું. તે સાધુ હતો જ નહીં. અસલમાં તેણે એક વાર તેના ભાઈની પત્નીને યાત્રા કરવાના બહાને બહાર લઈ જઈ તેની પર બળાત્કાર કર્યો હતો. તે પછી નાના મોટા ગુના કરે તે ભાગતો ફરતો હતો. સાધુનો વેશ ધારણ કરી લોકોને ફસાવતો હતો. તેની કૈફિયતમાં તેણે જણાવ્યું તે મુજબ સાધુ સદાનંદ ઉર્ફે રામ રતનની મૂળ નજર કેશવની પુત્રી સુમિત્રા પર હતી. પરંતુ ધર્મભીરુ કેશવ ગુપ્ત ધનની માયા કોઈ બલિદાન લેશે તેવા ડરથી તેણે જમીનમાંથી નીકળેલો ઘડો લેવા ઈન્કાર કરી દીધો. તેથી સાધુએ તેની નજીકના મિત્ર કલ્યાણસિંહને ફસાવવાની યોજના બનાવી. કેશવની ઘર પાછળની જમીનમાં જૂનો ઘડો પણ કહેવાતા સાધુ સદાનંદે જ દાટયો હતો.
કલ્યાણસિંહે ધનની લાલચમાં તેની યુવાન ભત્રીજીનું જીવન એક હવસખોર અને બનાવટી સાધુના હાથમાં સોંપી દીધું. સાધુ સદાનંદે બિચારી રજનીનું કૌમાર્ય છીનવી લીધું હતું. રજનીના જીવનમાં હવે અંગારા જ અંગારા છે. સાધુ જેલમાં છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!