Close

ક્યારેક હું ડિપ્રેશનમાં હતી પરંતુ આજે હું સેલિબ્રિટી છું

કભી કભી | Comments Off on ક્યારેક હું ડિપ્રેશનમાં હતી પરંતુ આજે હું સેલિબ્રિટી છું

LILI SINH

તે યૂ- ટયૂબ સેલિબ્રિટી છે. તે ખૂબસૂરત યુવતી છે અને કોમેડિયન છે. ભારતે જ્હોની વૉકરથી માડીને અસરાની જેવા અનેક કોમેડિયન આપ્યા છે પરંતુ ટુનટુન પછી મહિલા કોમેડિયનો ભાગ્યે જ દેખાઈ છે. પરંતુ લીલી નામની યુવતી ફરી કોમેડિયન તરીકે હવે મશહૂર થઈ રહી છે.
લીલીના માતાપિતા મૂળ પંજાબના વતની છે. પાછળથી તેનું પરિવાર કેનેડા જતું રહ્યું અને તેઓ કાયમ માટે કેનેડામાં વસી ગયાં. લીલીનો જન્મ કેનેડાના ઓન્ટેરિયો શહેરમાં થયો હતો. અલબત્ત, તેના સંસ્કાર ભારતીય છે. બીજાં માતા-પિતાની જેમ તેની મા પણ ઈચ્છતી હતી કે લીલી ભણવાની સાથે ઘરનું કામકાજ પણ શીખે. તેને એક મોટી બહેન છે. તેને સ્કૂલથી સીધા ઘેર આવી જવાની સૂચના હતી. મોડી સાંજ સુધી સખીઓ સાથે ફરવાની છૂટ નહોતી. પિતા ઈચ્છતા હતા કે લીલી ગ્રેજ્યુએટ થયા બાદ મનોવિજ્ઞાનમાં પોસ્ટ  ગ્રેજ્યુએશન કરે અને તે અધ્યાપનનું કામ કરે.
૨૦૦૯ના વર્ષની વાત છે.
લીલીનું મન કોણ જાણે કેમ પણ હવે ભણવામાં લાગતું નહોતું. તે ઉદાસ રહેવા લાગી. એણે મિત્રોને મળવાનું પણ બંધ કરી દીધું. અવારનવાર શોપિંગ મોલમાં ફરવાની શોખીન છોકરી ઘરમાં જ જાણે કે કેદ થઈ ગઈ. માતાને ચિંતા થવા લાગી. એણે પૂછયું ઃ ‘શું થયું બેટા!’
એટલું સાંભળતા જ તે માને વળગીને રડવા લાગી.
ડૉક્ટરે કહ્યું ઃ ‘તમારી દીકરી ડિપ્રેશનમાં  છે.’
તેનો ઈલાજ શરૂ થયો. લીલીને ડિપ્રેશનમાંથી બહાર આવતા એક વર્ષ લાગ્યું. લીલી કહે છે ઃ ‘મને સવારમાં ઊઠવાનું ગમતું નહોતું. મિત્રોના ફોન ઉપાડવાનું મેં બંધ કરી દીધું હતું. મન ગભરાતું હતું. મને લાગતું હતું કે હું કારણવગર જીવી રહી છું. મેં ખાવાપીવાનું બંધ કરી દીધું હતું.’
લીલી જાણતી હતી કે, ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે ખુશ રહેવું જરૂરી છે. જિંદગી તેને નીરસ લાગતી હતી. બચપણના દિવસોની યાદો તેને ખુશનુમા લાગતી હતી. તે સ્કૂલના દિવસોને યાદ કરવા લાગી હતી. તે નાની હતી ત્યારે તોફાન કરી મમ્મીને ખૂબ પજવતી હતી. મા તેને  લડતી હતી. એ દિવસોને યાદ કરી તેને ખૂબ હસવું આવવા લાગ્યું. એ પુરાણી યાદોએ તેને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં ખૂબ મદદ કરી.
એ વખતે તેને એક એવો વિચાર આવ્યો કે, એ ખૂબસૂરત યાદોને શા માટે વીડિયોમાં રેકોર્ડ ના કરી લેવી?
શરૂઆતમાં તેણે કેટલીક યાદોને શબ્દોમાં ઢાળી તેનું મોબાઈલમાં વીડિયો રેકોર્િંડગ કરી લીધું.  પોતાનો જ વીડિયો જોઈ પહેલીવાર તો તેને ખૂબ હસવું આવ્યું  પરંતુ તે પછી તેને લાગ્યું કે તે સારી કોમેડી કરી શકે છે. ફરી તેને  વિચાર  આવ્યો કે, આ પ્રકારનો વીડિયો બનાવીને શા માટે લોકોને ના હસાવવા ?
એણે તેના પિતાને કહ્યુંઃ ‘હું કોમેડી વીડિયો બનાવી તેને યૂ-ટયૂબ પર મૂકવા માંગુ છું.’
પિતાને પુત્રીનોે આ વિચાર બહુ પસંદ ના આવ્યો.
એમણે કહ્યુંઃ ‘બેટા, સમય  બરબાદ કરવા કરતાં બહેતર છે કે તું માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર.’
લીલીએ કહ્યુંઃ ‘પિતાજી, મને એક વર્ષનો સમય આપો. હું યૂ-ટયૂબ પર સફળ નહીં થાઉં તો ફરી યુનિવર્સિટી જઈ ભણવાનું પૂરું કરીશ.’
પિતાએ લીલીને એક તક આપવા હા કહી.
અને લીલી આગળ વધી. ઑક્ટોબર, ૨૦૧૦માં લીલીએ યૂ-ટયૂબ પર સુપરવુમનના નામે એક ચેનલ શરૂ કરી. તેનો કોમેડી શૉ સફળ રહ્યો. એ વીડિયોમાં ત્રણ રોલ હતા. એક કિશોરી તરીકેનો, એક મમ્મીનો અને એક પાપાનો. એ  ત્રણેય રોલ લીલીએ જ કર્યો અને તે પછી અલગ અલગ અંદાજમાં. ટીન-એજ છોકરી તરીકે તે અલ્લડ લાગતી હતી. મમ્મી અને પપ્પાના રોલમાં તે અસલી પંજાબી લાગતી હતી. આ ત્રણેય રોલ વચ્ચે તે ખટ્ટીમીઠી નોક-ઝોક થઈ તેણે દર્શકોને ખૂબ હસાવ્યા.
લીલી કહે છે ઃ ‘મારો હેતુ કોઈ માતા-પિતાની મજાક  કરવાનો નહોતો. પરંતુ માતા-પિતા અને તેમનાં બાળકો વચ્ચે થતા પ્રેમભર્યા ઝગડાઓને દિલચશ્પ અંદાજમાં રજૂ કરવાનો મારો મકસદ હતો. એ જોઈને લોકો ખૂબ હસ્યા. આવા મીઠા ઝઘડા દરેક ઘરમાં હોય છે.’
લીલીનો વીડિયો કેનેડા, અમેરિકા,  જર્મની અને ભારત સહિત અનેક દેશોમાં મશહૂર થઈ ગયો. ચેનલ પર દર્શકોની સંખ્યા લાખ્ખોમાં થઈ ગઈ. લીલીનું નામ હવે યૂ-ટયૂબની મશહૂર હસ્તીઓમાં ગણાવા લાગ્યું.  તેને દક્ષિણ એશિયાની પહેલી મહિલા યૂ-ટયૂબ કોમેડિયન તરીકેનો વણલખ્યો ખિતાબ મળી ગયો. આજે લીલીની ચેનલ પર લગભગ એક કરોડ અને દસ લાખ સબ્સ્ક્રાઇબર છે.  તેની કમાણી પણ કરોડોમાં છે.
યૂ-ટયૂબ પર જબરદસ્ત સફળતા બાદ તેણે વિચાર્યું કે મારે આખી દુનિયાને જણાવવું જોઈએ કે હું કદીક ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી.
તે કહે છે કે, ‘આ અંગે મારા મનમાં ખચકાટ હતો. આજે આપણા સમાજમાં માનસિક બીમારીઓ અંગે ઘણી બધી ગેરસમજો પ્રવર્તે છે. સગાં-સંબંધીઓ કે પડોશીઓને ખબર પડે કે કોઈ છોકરો કે છોકરી ડિપ્રેશનથી પીડિત છે તો તેને લોકો પાગલ સમજે છે. આ ખોટો ખ્યાલ છે.  તેથી જ મેં હિંમત કરી. મેં મક્કમતાથી નિર્ણય કર્યો અને એક વીડિયો જારી કરી આખી દુનિયાને એ વાતની જાણ કરી કે હું  કયારેક ડિપ્રેશનથી પીડિત હતી પરંતુ હવે હું સ્વસ્થ છું.’
લીલીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે ‘તમને કોઈ માનસિક બીમારી હોય તો તેનો ઈલાજ કરાવો. મારો આ વીડિયો ૫૦ લાખ લોકોએ  જોયો. હું એ સૌની આભારી છું.’
લીલી કહે કે ‘બધાની સામે ડિપ્રેશનની વાત સ્વીકાર કરવાનું કામ મુશ્કેલ છે. પરંતુ મને લાગ્યું કે મારી  કહાણી સાંભળીને સમાજમાં ડિપ્રેશન જેવી બીમારી અંગે જે ભ્રમ છે તે દૂર કરી શકાય તેમ છે.’
૨૦૧૫માં તે યુનિકોર્ન કાર્યક્રમના અંતર્ગત તે વિશ્વના પ્રવાસે નીકળી. લીલીએ તમામ દેશોમાં સ્ટેજ શો કર્યા. તેના વિશ્વ ભ્રમણ પર એક દસ્તાવેજી ફિલ્મ પણ બની, તે હિટ સાબિત થઈ.
૨૦૧૬માં ‘ફોર્બ્સ’ મેગેઝિને તેને યૂ-ટયૂબ પર સૌથી વધુ કમાણી કરવાવાળી સેલિબ્રિટીમાં તેને સામેલ કરી.
તાજેતરમાં તેણે ‘હાઉ ટુ બી અ બાવસે, અ ગાઇડ ટુ કોન્કરિંગ લાઇફ’ પુસ્તક લખ્યું છે.
તેની પણ વિશ્વભરમાં ચર્ચા છે.
આ કથાનો એ જ સંદેશ છે કે માનસિક રીતે પરેશાન હોવ તો ગભરાવ નહીં. શરમ પણ ના અનુભવો અને મનોચિકિત્સક પાસે જાવ. ઈલાજ કરાવો, તમે જરૂર સ્વસ્થ થઈ જશો.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!