Close

ક્વીન વિક્ટોરિયાએ ભારતનાં મહારાણીને આમંત્રણ આપ્યું

કભી કભી | Comments Off on ક્વીન વિક્ટોરિયાએ ભારતનાં મહારાણીને આમંત્રણ આપ્યું

‘બ્રિટિશ ઇન્ડિયા’ના સમયગાળા દરમિયાન ગ્રેટ બ્રિટનના મહારાણી વિક્ટોરિયાના જીવનની કથા રસપ્રદ છે.

ભારતમાં અંગ્રેજોનું રાજ હતું ત્યારે પણ બ્રિટનના મહારાણી ક્વીન વિક્ટોરિયાને ભારતના રાજા-મહારાજાઓ સાથે ખૂબ જ સારા સંબંધો હતા. મહારાણીને જોધપુરના મહારાજા સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધો હતા. તેમને કૂચ બિહારના મહારાજા નિપેન્દ્ર નારાયણ અને તેમનાં પત્ની સુનિતી દેવી પ્રત્યે ખૂબ આદર હતો. સુનીતિ દેવી એવાં પહેલાં ભારતીય મહારાણી હતા જેમને મહારાણી વિક્ટોરિયાએ ૧૮૮૭ની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન માટે બ્રિટન આવવા આમંત્રણ આપ્યું હતું. એ સિવાય પંજાબના મહારાજા દુલિપ સિંહ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હતા. જો કે પાછળથી સમય બદલાતાં મહારાજા દુલિપ સિંહ તેમની સામે બળવાના મૂડમાં જતા રહ્યા હતા.  આમ છતાં મહારાણી વિક્ટોરિયા મહારાજા દુલિપસિંહના ધર્મપત્ની અને સંતાનોને પ્રેમ  અને આદર કરતાં રહ્યા. પાછળથી મહારાજા દુલિપ સિંહનો હૃદયપલટો થયો અને તેઓ ફરી એક વાર મહારાણી વિક્ટોરિયાને મળવા ફ્રાન્સ ગયા હતા. બંને વચ્ચેનું મનદુઃખ દૂર થયું હતું પણ જે કાંઇ બન્યું તેથી મહારાણી વ્યથિત થયાં હતાં.

અમદાવાદ શહેરની વચ્ચે વહેતી સાબરમતી નદીના પૂર્વ છેડે જ્યાં ગુજરી બજાર ભરાય છે તેની બાજુમાં આવેલા એક બગીચા ‘વિક્ટોરિયા ગાર્ડન’ તરીકે જાણીતો હતો. અંગ્રેજો ભારત પર રાજ કરતા હતા તે વખતે બ્રિટનના મહારાણી ક્વીન વિક્ટોરિયા હતા. તેમના નામ સાથે આ ગાર્ડનનું નામ બ્રિટિશરોએ જોડયું હતું.

મહારાણી વિક્ટોરિયા ઇ.સ. ૧૮૩૭થી ૧૯૦૧ સુધી બ્રિટનના  ક્વીન હતાં. બ્રિટનના રાજાશાહીના ઇતિહાસમાં તેઓ સૌથી વધુ સમય માટે આ પદ પર રહ્યાં. ઇ.સ. ૧૮૭૭ બાદ ૧૯૦૧માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેઓ બ્રિટિશ-ઇન્ડિયાના પણ સમ્રાજ્ઞી કહેવાયાં.

રસપ્રદ વાત એ છે કે, ઇ.સ. ૧૮૪૦માં ક્વીન વિક્ટોરિયા તેમની માતાના ભાઇના પુત્ર એટલે કે કેસીન સાથે જ પરણ્યા  હતા. તેમના પતિનું નામ પ્રિન્સ આલ્બર્ટ હતું. વિક્ટોરિયા જ્યારે ૧૬ વર્ષની વયના હતા ત્યારે જ તેઓ પહેલી વાર પ્રિન્સ આલ્બર્ટને પરણ્યા હતા.  લગ્નની દરખાસ્ત પ્રિન્સ આલ્બર્ટે નહીં પણ ક્વીન વિક્ટોરિયાએ મૂકી હતી કારણ કે તેઓ મહારાણી હતાં. ક્વીન વિક્ટોરિયાએ તા.૧૫ ઓક્ટોબર, ૧૮૩૯ના રોજ લગ્ન માટે દરખાસ્ત મૂકી હતી. પ્રિન્સ આલ્બર્ટ જર્મન રાજકુમાર હોઇ ઇંગ્લેન્ડની પ્રજાને બહુ ઉત્સાહ કે ઉમંગ થયો નહોતો અને તે કારણે પ્રિન્સને કોઇ રાજકીય પદથી બહાર રાખવામાં આવ્યા હતા.

ક્વીન વિક્ટોરિયા કિંગ જ્યોર્જ ત્રીજાના પુત્ર અને કેન્ટના ડયૂક એડવર્ડનું એકમાત્ર સંતાન હતાં. એડવર્ડના પુત્રીનું તા. ૨૪ મે ૧૮૧૯ના રોજ જન્મેલાં ક્વીન વિક્ટોરિયાનું આખું નામ એલેક્ઝાન્ડ્રીના વિક્ટોરિયા હતું. તેઓ માત્ર આઠ જ મહિનાના હતા ત્યારે તેમના  પિતાનું અવસાન થયું. તે પછી પુત્રી પર માતાનો પ્રભાવ રહ્યો. તેમનું ભણતર અને શિક્ષણ ગવર્નેસીસ દ્વારા રોયલ પેલેસમાં થયું. તેઓ એક કુશળ ચિત્રકાર હતા અને લખવાનો પણ તેમને શોખ હતો.  ઇંગ્લેન્ડની રાજગાદી હાંસલ કરવા માટેની કતારમાં તેમનો પાંચમો નંબર હતો. કારણ કે તેમના સગા કાકાઓ જીવિત હતા. પરંતુ કાકાઓનાં પણ અવસાન થતાં વિક્ટોરિયા માત્ર ૧૮ વર્ષની  વયે જ મહારાણી બન્યા. તેમના રાજ્યાભિષેક વખતે તે ભવ્ય શોભાયાત્રાને નિહાળવા ચાર લાખ લોકો લંડનની શેરીઓમાં ઊમટી પડયા હતા. એ સમયગાળામાં બ્રિટનની સંસદે મહારાણી વિક્ટોરિયાને વર્ષે ૩,૮૫,૦૦૦ પાઉન્ડના ખર્ચની મંજૂરી આપતાં તેઓ  એ સમયે વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ બન્યાં.

એ સમયગાળામાં પણ ઇંગ્લેન્ડમાં તેમના પ્રધાનમંત્રી તરીકે લોર્ડ મેલબોર્ન હતા. લોર્ડ મેલબોર્ન તેમના વિશ્વાસુ અને રાજકીય સલાહકાર પણ હતા. ઇ.સ. ૧૮૪૦માં ગ્રેટ બ્રિટન અફઘાનિસ્તાન અને ચીન સાથે યુદ્ધ લડી રહ્યું હતું ત્યારે ઇંગ્લેન્ડમાં શ્રમજીવીઓ પણ મૂડીપતિઓ સામે ચળવળ ચલાવી રહ્યા હતા. શ્રમજીવીઓ એ વખતની બ્રિટનની રૂઢિચુસ્ત સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા હતા.

તેમના પતિ  પ્રિન્સ  આલ્બર્ટને સતત પેટનો દુઃખાવો રહેતો હતો  અને ૧૮૬૧માં માત્ર ૪૨ વર્ષની વયે જ પ્રિન્સ આલ્બર્ટનું ટાઇફોઇડના કારણે અવસાન થયું. આ ઘટનાથી તેઓ ભાંગી પડયા હતા.

ક્વીન વિક્ટોરિયાને તેમના પતિ પ્રિન્સ આલ્બર્ટથી નવ સંતાનો થયા હતા. તે પૈકી તેમના પુત્રી પ્રિન્સેસ વિક્ટોરિયા એડેલેઇડ મેરી લુઇસ જર્મનીના  ભાવિ સમ્રાટ ફેડરીચ વિલ્હેમ ઓફ પ્રસિયાને  પરણ્યા. એ  સમયે વહેતી વાતો અનુસાર મહારાણી વિક્ટોરિયાનો એક સેવક જેનું નામ જ્હોન બ્રાહન હતું.  તેની સાથે તેમની અંગત મૈત્રી હતી. કેટલાક તેમની વચ્ચે  પ્રણય સંબંધો હોવાનું  માનતા હતા. મહારાણી વિક્ટોરિયાના પતિના મૃત્યુ બાદ આ સંબંધો વિકસ્યા હોવાનું કેટલાક માને છે. કેટલાક  તેને માત્ર અફવાઓ જ ગણે છે. મહારાણીનું એક પુત્રી બિટ્રાઇસ મેરી વિક્ટોરિયાએ એક જર્નલમાં લખ્યું હતું કે ‘મારી માતાએ એવા કોઇ એફેર નહોતો પણ મારી માતાને જોહન બ્રાહન માટે પ્રેમ હતો.’

મહારાણી વિક્ટોરિયાના એ સમયગાળા પરના એટલે કે ૧૯મી સદીના સમાજ જીવન પર એટલો બધો પ્રભાવ હતો કે ૧૯મી સદી ‘વિક્ટોરિયન કાળ ‘ તરીકે ઓળખાઇ. તેઓ મૂલ્યોની બાબતમાં  અત્યંત કડક હતાં.

મહારાણી વિક્ટોરિયાના સમયગાળા દરમિયાન બ્રિટને ત્યારે ઔદ્યોગિક પ્રગતિ કરી,  રેલવે લાઇનો નંખાઇ, પુલો બાંધવામાં આવ્યા, અન્ડરગ્રાઉન્ડ રસ્તા- રેલવે તૈયાર થયાં,  પાવર વિતરણ નેટવર્ક ઊભું થયું. તેમના સમયગાળામાં વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ સધાઇ. ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરી પણ આ જ સમયગાળામાં પેશ થઇ. એ જ સમયગાળામાં ટેક્નોલોજીનો વિકાસ થયો. તાર ટેલિગ્રાફની પણ શરૂઆત થઇ. એ જ સમયગાળામાં  ઇંગ્લેન્ડનાં મોટા શહેરો જેવાં કે લીડસ, માન્ચેસ્ટર, ર્બિંમગહામમાં ઔદ્યોગિક વિકાસ થયો. સમૃદ્ધિ અને ગરીબી પણ સાથે જ વસ્યાં.

મહારાણી વિક્ટોરિયાના સમયગાળામાં ગ્રેટ બ્રિટનના સામ્રાજ્યવાદનો વિશ્વભરમાં વિસ્તાર થયો. મહારાણી વિક્ટોરિયાના ગ્રેટ બ્રિટનનું સામ્રાજ્ય કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ભારત સુધી વિસ્તર્યું. તે પછી આફ્રિકા અને દક્ષિણ પેસિફિક સુધી બ્રિટનનો ધ્વજ ફરકાયો. મહારાણી વિક્ટોરિયાના સમયમાં નાનકડા બ્રિટને એટલા બધા દેશો પર પોતાનું સામ્રાજ્ય વધાર્યું કે જેના કારણે એમ કહેવાયું કે બ્રિટન સામ્રાજ્ય પર સૂર્ય કદી આથમતો નથી. જાણવા જેવી વાત  એ છે કે અંગ્રેજોના શાસન વખતે તે ભારતમાં જે ક્રાંતિકારીઓ અંગ્રેજો સામે બગાવત કરતા હતા તેમને એે લોકો આંદામાન નીકોબારની સેલ્યુલર જેલમાં મોકલી દેતા હતા.   એ જ રીતે ઇંગ્લેન્ડમાં જે માણસ અંગ્રેજોને જોખમી લાગે તેને ઓસ્ટ્રેલિયા મોકલી દેતા હતા. એ વખતે ઓસ્ટ્રેલિયામાં પણ બ્રિટિશ રાજ હતું.

મહારાણી વિક્ટોરિયાના સમયગાળામાં બ્રિટને બહુ ઓછા યુદ્ધ કરવા પડયા. કારણ કે  ક્વીન વિક્ટોરિયાના સંતાનો યુરોપના બીજા દેશોના રાજવી પરિવારોને પરણ્યા હતા. મહારાણી વિક્ટોરિયા એ જમાનાના  યુરોપના દેશોના રોયલ પરિવારો સાથે કોઇ કોઇ રીતે સગાં થતાં હતાં. એક માત્ર ફ્રાન્સ અને સ્પેન સિવાય. એ સમયે પણ  બ્રિટનનું એક બંધારણ હતું. બંધારણની રૂ એ મહારાણી પાસે વિદેશોના મામલાની બાબતમાં કોઇ સીધી સત્તા ના હોવા છતાં તેમણે પરિવારને લોખંડી શિસ્તમાં  રાખ્યું અને બ્રિટનને યુરોપિયન રાજનીતિથી દૂર રાખ્યું.

મહારાણી વિક્ટોરિયાના સમયગાળામાં પણ બ્રિટિશ પાર્લામેન્ટ હતી. આ જ સમયગાળામાં ટોરી પાર્ટીનું વિભાજન થયું અને તેમાંથી એક લિબરલ પાર્ટી બની, બીજી કોન્ઝરવેટિવ પાર્ટી બની. મહારાણી વિક્ટોરિયાએ છેલ્લા શ્વાસ સુધી તેમની ફરજો નિભાવી.  નોંધપાત્ર એ છે કે મહારાણી વિક્ટોરિયાની હત્યા માટે સાત વખત પ્રયાસો થયાં હતા પરંતુ દરેક વખતે તેઓ બચી ગયા. આ પ્રયાસો સામે પણ તેઓ તેમના નામ પ્રમાણે ‘વિક્ટોરિયસ’ રહ્યાં.

તા.૨૨ જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ ૮૧ વર્ષની વયે તેમનું અવસાન થયું. એ સમયે ઇંગ્લેન્ડના ભાવિ મહારાજા કિંગ એડવર્ડ સાતમા અને પૌત્ર સમ્રાટ  વિલ્હેમ- બીજા (જર્મની) તેમની બાજુમાં હતાં.

તેમના પછી તેમના પુત્ર એડવર્ડ સાતમા બ્રિટનની ગાદી પર આવ્યા

Be Sociable, Share!